હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૧ હૃદયવિભૂતિ
પ્રકરણ ૨
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૩ →
ઠંડી સારી હતી. આગગાડી પણ ઠંડીમાં ધ્રુજતી ધીમી પડી ગઈ હોય એમ લાગ્યું. ભલે જગત આખું ઠંડીથી ધ્રુજે; કાર્યક્ષમ પુરુષોને ઠંડી લાગતી જ નથી. ત્રણેક માણસો રેલના પાટા ઉપર ચાલ્યા જતા હતા. પાછળથી અજવાળાનો ધોધ પાસે આવતો જતો હતો. રાત્રીના બેત્રણ વાગ્યે તે કોણ કમનસીબ માણસો પાટા ઉપર ચાલ્યા જતા હતા ? આપઘાત ઈચ્છતા નિરાશાવાદીઓ એ હતા, કે દારૂ પી ભાન ભૂલી આસપાસ કે આગળપાછળનો વિચાર કર્યા વગર એકીટસે ભાન આવતાં સુધી ચાલ્યા જ કરવાની ધૂનવાળા દારૂડિયા એ હતા ?

ડ્રાઇવરે પણ દારૂ તો પીધો જ હતો. ગાર્ડને પણ ગરમીની જરૂર હતી, તે તેણે સોડાની મેળવણી વગરના શરાબમાંથી મેળવી. પરંતુ ગાડી સલામત લેઈ જવાની ફરજનો તેમનો ખ્યાલ ખસ્યો ન હતો. ડ્રાઇવરે આકાશને ભેદી નાખતી સીટી વગાડી. માનવી કે જાનવર હોય તો ચમકી જાય અને પાટા ઉપરથી ઊતરી નાસવા માંડે, આ તો માનવીયે ન હતા અને જાનવરે ન હતા શું?

આગળ લાંબો પુલ આવતો હતો. એના ઉપર પગથી ન હતી. પુલ ઉપર આવી જાય તો એ ત્રણે માણસોનું મોત નક્કી હતું. ડ્રાઇવરે ગાડી ધીમી પાડી અને રસ્તો રોકનાર માણસોને ખૂબ ગાળો દીધી. જાનવર હોત તો તેમની ઉપર થઈને તે લેઈ ગયો હોત - જોકે તેનુંયે નિવેદન તો કરવું જ પડત. માણસોને કાપી નાખતાં વધારે ભાંજઘડ ઊભી થાય; એ પંચાતમાં પડવા કરતાં ગાડી ધીમી પાડવી એ સારું હતું.

પરંતુ ગાડી ધીમી પાડ્યાની તથા સિસોટી વગાડવાની પણ પેલા આગળ ચાલતા માણસો ઉપર અસર થતી ન હતી. ગાડી માણસોની છેક પાસે આવી ગઈ લાગી એટલે ડ્રાઇવરે ગાડી ઊભી રાખી. તેની ઇચ્છા તો હતી કે ગાડી ઊભી રહ્યા બરોબર નીચે ઊતરી ગાડી રોકનાર માણસોને માર મારી તેમની ખો ભુલાવવી. સારું હતું કે એ માલગાડી હતી નહિ તો મુસાફરો રાતને વખતે પણ ગાડી અધવચ ઊભી રહેતા જ ભેગા થઈ ધાંધળ કરી મૂકે. પરંતુ ગાડી ઊભી રહેતા બરોબર એ ત્રણે માણસો ક્યાં ઊતરી ચાલ્યા ગયા એનો પત્તો જ પડ્યો નહિ. પૃથ્વીમાં ઊતરી ગયા ? આકાશમાં ઓગળી ગયા ? ગાળોને ડ્રાઇવરે પુનરાવર્તન કર્યું અને એંજિન ઉપર ચઢી તેણે ગાડી ચાલુ કરી. તે પહેલાં બાજુ ઉપરથી એક ખુલ્લા ડબ્બામાં બે માણસો ચઢી ગયા તેનો પડછાયો કે ઇશારો પણ પ્રાઇવર, તેના સોબતી કે ગાર્ડે જોયો નહિ. ખુલ્લા ડબ્બામાં ખાંડ તથા અનાજના કોથળા હતા અને કાપડની ગાંસડીઓ હતી.

'થોડું પુલ પહેલાં પાડીએ, બાકીનું પુલ ઉપર ગબડાવીએ.' માનસીંગે કહ્યું.

'હા. આજે ભારે લાગ છે. ઉઠાવ !' હરિસીંગે કહ્યું.

અને ત્રણચાર ગુણો પાટાની બાજુમાં ફેંકાઈ. ચાલતી ગાડીના ધબકારાએ બીજા સર્વ ધબકારાને ઢાંકી દીધા. પુલ આવતા પહેલાં આઠેક ગુણ ગાડીમાંથી જમીન ઉપર ઊતરી આવી. પુલ આવતાં ત્રણ ચાર ગાંસડીઓ પુલ નીચે પડી; એકાદ ગાંસડી પાણીમાં પણ પડી. પરંતુ પાણી કાંઈ વધારે ન હતું. ગાંસડી સહજ પલળ્યાનો ભય હતો, તણાવાનો ભય ન હતો. અને એ ગુણ અને ગાંસડીને તોડી વગે કરી નાખવા માટે ઠીક સંખ્યામાં સાથીદારો ભેગા થયા હતા એટલે ખાસ ઊંચો જીવ ન હતો. આ વખતના માલનો ઉપાડ પુલની આગળના ભાગમાં કરવાનો ન હતો. ગાડીમાંથી માલ ઉઠાવવાનું કાર્ય પણ યોજના માગતું. એકનું એક સ્થળ ચોરી માટે ન ચાલે. દર વખતે માલગાડીને જ કોચવામાં અર્થ ન હતો. મુસાફરોથી ભરેલી ગાડીઓ પણ આ કાર્યમાં ઘણી વાર સહાયભૂ થતી. સેકન્ડ ક્લાસના મુસાફરોની પણ નિદ્રાનો ઉપયોગ કરવામાં વાંધો આવતો નહિ. ખુલ્લી ‘વાઘેણો'*[૧] જ હર વખત કામે ન લગાડાય. બંધ લગેજ- ગાડીઓમાં પણ સંતાઈ રહી માલ કાઢી શકાય એમ હતું. પ્રત્યેક વખત મુસાફરોની પેટીઓ જ હાથ ન પણ લાગે; તેમના ખિસ્સાંની તપાસ પણ ઘણી વાર ફળદાયી બની જતી.

અલબત્ત એમાં સ્ટેશન માસ્તરો, પોર્ટરો, ઝંડીવાળા, સિગ્નલવાળા અને રેલ્વે પોલીસ અને સહુની ઓછી વધતી જરૂર રહેતી જ. અને ચીમન નવાબની માસિક, છ માસિક કે વાર્ષિક ખુશબખ્તીઓ એ સર્વની સક્રિય કે અક્રિય સહાય તો અપાવ્યા જ કરતી હતી. ચોરી પકડાય તો પોતાનો જરા પણ તેમાં હાથ નથી એની સાબિતી કરવા જેટલી સાવચેતી સહુ કોઈ રાખતું. જેનો માલ જતો તેને તપાસ, જવાબ અને કચેરીની જંજાળ સહેવા જેટલો સમય અને પૈર્ય રહેતાં નહિ, એટલે ગયેલી ખોટ બીજી રીતે પૂરવાની


  1. *વેગન્સ Wagons માલ ડબો.
આવડતમાં એ ચોરીને જતી કરવા તે લલચાતો. અને ચીમન નવાબની

ટોળી પક્ષપાત રહિત કાર્ય કરતી હોવાથી એક જ વેપારીને પજવવા જેવી હલકાઈ દર્શાવતી નહિ. કોઈ વાર શાકના ટોપલા તો કોઈ વાર મેવાના કંડિયા, કોઈ વાર ગુણો તો કોઈ વાર ગાંસડીઓ, કોઈ વાર પેટીઓ તો કોઈ વાર ડબ્બા, એમ વારાફરતી માલ મેળવવાના પ્રયોગો કરી એક જ જાતના વ્યાપારને અન્યાય ન થાય એવી કાળજી ટોળી તરફથી રહેતી. એટલે ચોરીની બૂમ પાડવા છતાં એ બૂમ વીખરાઈ ઓસરી જતી. ટોળીના આગેવાન માનસીંગ અને હરિસીંગ રેલ્વેમાંથી માલ ઉઠાવવામાં પાવરધા બની ગયા. માલ બદલી નાખવો, વહેંચી દેવો, ન પકડાય એવે સ્થળે છુપાવવો, વગેરે કાર્ય શહેર, સીમ અને વગડાની ભૂગોળના ઉચ્ચ જ્ઞાનને લીધે બહુ દક્ષતાપૂર્વક બની શકતાં. વરસેક દહાડામાં ચીમનનો વ્યાપાર ધમધોકાર ચાલવા લાગ્યો. જોકે બહારથી તો ચીમન નવાબની હોટેલ એ જ એનો મુખ્ય ધંધો હતો; અને હોટેલનો ચા-ચેવડો બીજા સર્વ ધંધાને બહુ ટેકો આપી રહ્યાં હતાં, એમાં પણ જરાય શક ન હતો.

ગુણ અને ગાંસડી જેમ જેમ પડતી ગઈ તેમ તેમ તેની વ્યવસ્થા પણ થતી ગઈ. એકબે ગાડાં પણ પાસેના ગામમાં તૈયાર રહેતા. કોથળા અને બાંધણાં છોડી નાખી માલ ભેગો કરવામાં આવતો, વેષ્ટનો દાટવામાં કે બાળવામાં આવતા. નદીમાં વહેવરાવવા જેવું હોય તો તે માર્ગ પણ લેવાતો. હમણાં હમણાં ચીમન નવાબ અને ધરમાશેઠ વચ્ચે મૈત્રી જામી હતી, એટલે કેટલોક માલ સીધો શહેરમાં શેઠની વખારે પણ પહોંચતો. હરિસીંગ અને માનસીંગ તેમનું માલ પાડવાનું કામ પૂરું કરી ગાડીમાં જ આગળ વધ્યા. માલગાડીઓને મહત્ત્વ અપાતું નથી એટલે ‘સિંગલ’ પડેલો ન હોવાથી ગાડી સ્ટેશનથી દૂર ઊભી રહી. માનસીંગ અને હરિસીંગ ડબ્બામાંથી ઊતર્યા.

ગાડી અને ગાડી ચલાવનારને ગાડીમાં બનેલા બનાવોની કશી જ ખબર ન હતી. પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, પોતાના પૃષ્ઠ ઉપર શાં શાં નાટકો ભજવાય છે તેનો ખ્યાલ પણ કરતી નથી. પૃથ્વી સરખી પરિક્રમાપ્રિય ગાડી પણ તેની પીઠ ઉપર ભજવાયલા નાટકને પિછાનતી જ ન હતી. એ તો એકધારી ચાલ્યે ગઈ અને બત્તીનો હુકમ ન હોવાથી અટકી. આસપાસ કોઈ જ ન હતું. સ્ટેશન નાનું હતું એટલે સિગ્નલ પાસે વધારે વસતી હોય જ નહિ. પાટા ઉપરથી ઊતરી નીચે આવેલી પગદંડી ઉપર બન્ને લૂંટારાઓએ ચાલવા માંડ્યું. દેખાય નહિ એવા એક ખાડામાં હરિસીંગનો પગ સહજ આવ્યો અને તેણે લથડિયું ખાધું, માનસીંગે તેને ઝાલી લીધો છતાં હરિસીંગને પગમાં જરા વાગ્યું.

પોર્ટરને રહેવાની ઝૂંપડીમાંથી એક માણસ ખડખડાટ સાંભળી બહાર આવ્યો. તેણે બન્નેને જોયા. હરિસીંગે ચાલવા માંડ્યું હતું. પોર્ટરે કહ્યું:

‘રામ રામ ! ભયા!'

'રામ રામ !' બન્ને જણે કહ્યું.

'કહીં ચાલ્યા ?'

'આટલામાં.'

'જાઓ, કરો ફતેહ.'

‘ફતેહ તો ઠીક છે, ભયા ! મીનડીને બધીયે વાર દૂધ ઓછું મળે છે? લો, તાણો બીડી.' કહી માનસીંગે તેને બીડીઓનો એક ઝૂડો આપ્યો અને બંને જણ આગળ વધ્યા. આ રેલવેનોકર ટોળીનાં પરાક્રમોનો જાણકાર લાગ્યો.

ધીમે ધીમે પુલ નીચેની નદીનો પટ આવ્યો. હરિસીંગે એક નવો ધાબળો ઓઢી લીધો. માનસીંગે હરિસીંગને પૂછ્યું : ‘અલ્યા, આ શું ઓઢ્યું?'

‘આટલા બધા માલમાંથી એક ધાબળો ખેંચી કાઢ્યો. ટાઢ શરૂ થઈ છે અને પેલી મંગી ટાઢે મરી જશે.'

માનસીંગ કાંઈ બોલ્યો નહિ. નદીમાં પાડેલો કેટલોક માલ ઊપડી ગયો હતો, બાકીનો માલ ઝડપથી જતો હતો.

નદી ઉપરના ભાગમાં પડેલી ગુણોની ઝડપભરી વ્યવસ્થા થતી હતી, તે બન્ને જણે જોઈ. માલ ક્યાં ક્યાં કયે કયે વખતે અને કયે કયે રસ્તે જવાનો હતો તેની પણ તેમણે સૂચનાઓ આપી.

‘આપણે ખેતર ઉપર થઈને જઈએ, બહુ વાર નહિ લાગે.’ હરિસીંગે કહ્યું.

‘મળસ્કે શહેરમાં પહોંચવું છે. હું શહેરમાં જઈશ. તારો ત્યાં શો ખપ છે ?' માનસીંગે કહ્યું.

'તને એકલો મૂકવો નથી.'

‘કેમ? ભાગ માટે બીક રહે છે ?'

'માનસીંગ ! આવો હલકટ થયો કે ? મેં કદી મારો ભાગ તારાથી જુદો પાડ્યો છે ?'

માનસીંગને જરા શરમ આવી. હરિસીંગે કદી તેનાથી જુદાઈ રાખી ન હતી. વળી નિશાળ રૂપી કેદખાનામાંથી એણે જ છોડાવ્યો હતો ! માનસીંગને કદી હરિસીંગનો અવિશ્વાસ થયો ન હતો. પણ... પણ.... મંગી જોડે હરિસીંગ જે છૂટ લેતો તે તેને ગમતી નહોતી. અલબત્ત એ નિર્દોષ છૂટ હતી. તે પોતે પણ મંગીને ઘણી વાર ચીડવતો. છતાં કોણ જાણે કેમ, હરિસીંગનું મંગી પ્રત્યેનું વર્તન માનસીંગના અણગમામાં અને ગાંભીર્યમાં વધારો જ કર્યા કરતું હતું.

'હું તો અમસ્તો કહું છું. એમાં ખોટું શાનો લગાડે છે ?' માનસીંગ બોલ્યો.

‘તમે રહ્યા સંઝેરિયા ઠાકોર, અમે રખડતા રામ ! જો ને, હું તો કોઈને મારું માનતો જ નથી. પેલી ઊજળી માટે હું એક અક્ષર પણ બોલ્યો છું ? ભૂખ ભાગે એટલું ખાવાનું મળે, અને માગીએ ત્યારે સારું મોં જોવા મળે, બસ; બીજું શું જોઈએ ?'

‘બહુ મોટેથી બોલીશ તો આપણે પકડાઈ જઈશું.'

‘તોય શું ? કઈ મા બહેન કે બૈરી આપણી રાહ જોવાની છે ?'

'હં.' ગંભીરતાથી માનસીંગે એ કથનને ટેકો આપ્યો.

‘તારે તો મા મરી ગઈ છે પણ મારી મા હજી જીવે છે, એ તું જાણે છે?'

‘તું કહેતો હતો ને કે મરી ગઈ છે ?'

'મારા મનથી એ મરી ગઈ છે.’

‘પણ છે ક્યાં ?'

‘કાકાના ભેગી. કાકાનું લૂગડું ઓઢ્યું અને મને ઘરમાંથી બહાર કાઢ્યો.' તલવારની ધાર જેવું હૃદય અને તલવારની ધાર જેવી જીભ કરી હરિસીંગ બોલ્યો અને પછી હસ્યો. એ હાસ્યમાં ધરતીકંપનો નાદ અને જ્વાળામુખીનો તીવ્ર આતશ ભેગાં મળ્યાં હતાં. એ હાસ્યની પાછળ ક્રૂરતા હતી, બંધનો તોડવાની નફટાઈ હતી, ન્યાય, નીતિ અને મર્યાદાને ખેદાનમેદાન કરી નાખવા તત્પર બનેલી શૂન્યની આસપાસ ઘૂમતી ક્રાન્તિ હતી. થોડી વાર સુધી કોઈ બોલ્યું નહિ; બન્નેએ ચાલ્યા કર્યું. આગળ અને પાછળ ગાંસડીઓ વહી જતા પડછાયા કદી કદી આવતા હતા.

‘હરિસીંગ ! અત્યારે તું જઈને સૂઈ જા. શહેરમાં હું જઈશ.' જરા રહી માનસીંગે કહ્યું.

‘એના કરતાં તું જા ખેતરે, શહેરમાં હું જઈ આવું. બીજું શું કરવાનું છે ? માલ ધરમાશેઠને ત્યાં પહોંચાડવો અને આપે એ ભાગ લેઈ આવવો. મળવામાંયે ક્યાં પાંચસો હજાર રૂપિયા હાથ લાગવાના છે ?'

જીવ સટોસટની ચોરી કરનારને અંતે મળતર તો નહિ જેવું જ હોય છે ! મળેલા માલની વ્યવસ્થા કરનાર બુદ્ધિમાનોને ભારે કિંમત મળે છે. ચોરીનો માલ ચોરીનો હોઈ શકે જ નહિ એમ નિઃશંકપણે ફરતો કરી દેવાની કળા ઊંચા પ્રકારની યોજનાશક્તિ માગે છે.

રસ્તો જરા આગળ ફંટાતો હતો, માનસીંગે કહ્યું: ‘મંગીનો મને ભરોસો નથી.'

‘એટલે ?'

‘એ નાસી જશે કે ગાંડી થશે.'

‘શા ઉપરથી કહે છે?

‘જોતો નથી કેટલાં અળવીતરાં કરે છે તે ?'

‘એક મંગી જશે તો બીજી આવશે. ચાલ, હવે જવું હોય તો રસ્તો બદલાય છે, હોશિયારીથી જજે. કે આવું સાથે ?'

'ના રે ! હોટલમાંથી ચા પી લઈશ. એકબે જણ ત્યાં જ મળી જશે. પછી આગળ જઈશું.'

‘આવવાનો ક્યારે ?'

‘બપોર પછીસ્તો ! શહેરમાંથી કાંઈ લેતો આવીશ ને ? રોટલા તો શેઠને ત્યાં મળશે જ !'

છતાં બન્ને જણ છૂટા ન પડ્યા. હરિસીંગને પગે જરા દુખાવો તો હતો જ, છતાં ધીમે ધીમે તેમણે શહેર તરફનો માર્ગ લીધો.

પાછલી રાતની શાન્તિ અને તારાના પ્રકાશમાં કોઈને રસ્તાની મુશ્કેલી નડે એમ હતી જ નહિ.

લાંબા સમય સુધી બન્ને જણે વગર બોલ્ય ચાલ્યા જ કર્યું. ગામમાં પહોંચ્યા પછી ચીમન નવાબની હોટેલ આવી. ત્યાં બન્ને જણે ચા પીધી અને આગળ તથા પાછળ આવતાં માલનાં ગાડાંની દૂર રહ્યે રહ્યે રખવાળી કરવી પણ ચાલુ રાખી. હોટેલના ભોંયરામાં થોડો માલ રહ્યો અને બાકીનો માલ ચીમન નવાબે ધરમચંદ તરફ શાહુકારીથી રીતસરના કાગળો કરી આગળ મોકલાવ્યો. હરિસીંગ અને માનસીંગ એ કાગળો લઈ જનાર ખેપિયા બન્યા. આખી વ્યવસ્થા નિયમિત રીતે ચાલ્યા કરતી હતી. ધરમચંદ શેઠને માલની અવરજવર નક્કી કરવાની હતી. એ નક્કી કરી ચીમન નવાબને ખબર આપે, ચીમન નવાબ માનસીંગ અને હરિસીંગને ખબર મોકલે, અને એ બન્ને મહેવાસી વીરો આસપાસના ટોળાને ભેગું કરી માલ પાડે કે ફોડે. એ માલ ચીમન અને ધરમચંદ શેઠ તરફ પાછો જાય.

કેટલીયે વાર ધરમચંદનો માલ ગૂમ થતો. ધરમચંદ શેઠ વીમો ઉતરાવી માલ મંગાવે; તેમની ટોળી એ માલ અધવચ સ્ટેશને પહોંચતા પહેલાં ગાડીમાંથી ગૂમ કરે, અને ગૂમ કરી પાછો સ્વતંત્ર રીતે ધરમચંદ શેઠને પહોંચાડે ! પરંતુ આમ માલ મેળવવા ઉપરાંત તેઓ કોઈ કોઈ વાર વીમાની રકમ પણ મેળવતા. આ તો તેમના વ્યાપારટુકડાઓ કહેવાય. છેક ગામડામાંથી માંડી શહેર અને શહેરો સુધી તેમની વ્યાપારશાખાઓ ખુલ્લી અને ગુપ્ત ફેલાયે જતી હતી.

‘અલ્યા, પેલાં લવારિયાં હજી ગયાં નથી.’ માનસીંગ બોલ્યો.

‘એ તો વરસ બે વરસ રહેશે અને આસપાસની નક્કી કરેલી ચોરીઓ પૂરી કરશે ત્યારે જ જશે.'

‘આપણાવાળી વાત પકડાઈ નથી, હોં !'

‘પણ તને ખબર છે ? એ ટોળા ઉપર પોલીસની ખાસ નજર છે. આપણે ગયા પછી કૈંક માણસોને પોલીસે ઝાલેલાં.'

‘બાવાઓનાં નામ પણ આવ્યાં હતાં, ખરું ? સારું થયું આપણે એમના વાઘા ઊંચકી આણ્યા નહિ. પેલા મંદિરે બેઠા હોત તો પકડાઈ જાત.'

‘પણ પુરાવો કયા બાપનો લાવત ?'

'આપણને ભાગ ન આપ્યો.'

‘ઘરેણાં ગાળનાર સોની હવે આપણા ભેગો આવ્યો છે. એની મારફત જરા દબડાવીશું.'

‘ચાલ ને એ બાજુએથી જઈએ ?’ માનસીંગે કહ્યું.

હરિસીંગ હસ્યો. માલ લઈને જ્યારે જ્યારે માનસીંગ શહેરમાં આવતો ત્યારે ત્યારે લવારિયાંને સંભારતો. કારણ ?

માનસીંગને ઊજળી યાદ આવ્યા વગર રહેતી નહિ. હરિસીંગ ઘણી વખત તેને હસતો અને માનસીંગ એ સાચી વાતનો હસીને સ્વીકાર કરતો. પરંતુ તેને ઊજળી માટેનું આકર્ષણ હોય તેથી કાંઈ ઊજળી તેને વારંવાર મળે ઓછી ? ટોળામાંથી દૂર કરવાને માટે તો બંનેને ઝેર અપાતું ! આજે હરિસીંગે પણ હિંમત કરી. ટોળાના કેટલાક માણસોની તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ હતી અને રસ્તા ઉપર કે બજારમાં કદી કદી એ માણસો મળી પણ જતા.

સવાર થવા આવ્યું હતું. શહેરમાં શાહુકારી અને બિનશાહુકારી ગાડાંની અવરજવર શરૂ થઈ ગઈ હતી. બંને જણે ગાડાંને શહેરમાં રવાના કરી બાજુ ઉપરનો રસ્તો લીધો. મેદાનની એક બાજુએ નાની બાવળી હતી. એ નાની બાવળીના આગલા ભાગમાંથી તેમણે દાતણ કાપવાને વિચારે જવા માંડ્યું. પ્રભાતના આછા અજવાળામાં જોયું તો સહજ દૂર એક સ્ત્રી પણ બેઠી બેઠી બાવળની લીલી સોટીઓ ઉપરથી હાથ વડે શૂળો ઉખાડતી હતી. જાતે કાપવાને બદલે તેમણે એ સ્ત્રી પાસે જઈ બૂમ પાડી : 'અરે એક સોટી આમ નાખ તો ?'

સ્ત્રીઓ સાથે ઓળખાણ કરવાના આવા અનેક માર્ગો હરિસીંગના ધ્યાનમાં હતા. સ્ત્રીએ ઝાડી ભણીથી એ બંને યુવકો તરફ્ જોયું અને માનસીંગ ઠરી ગયો. એણે ઊજળીને જોઈ ? કે ઊજળીની ચૂડેલ સરખી વિકૃતિને ?

સ્ત્રીએ પણ મુખ ફેરવી લીધું અને શૂળો કહાડવાના કાર્યમાં તે રોકાઈ.

‘ઓળખી ?' હરિસીંગે પૂછ્યું.

‘ઊજળી તો ન હોય !' માનસીંગે કહ્યું.

‘એ જ. પણ એનું નાક ગયું લાગે છે !' હરિસીંગે કહ્યું.

એક વખત એ જ મુખ તરફ જોયા કરવાનું મન થાય એવી એ ઊજળી દેખાવડી હતી. આજે હવે એ જ મુખ તરફ જતાં ભય ઉત્પન્ન થતો હતો.

'ઊજળી તો ન હોય ?' માનસીંગે મોટેથી પૂછ્યું.

ઊજળીએ ફરી પાછું જોયું, અને ભળભાંખળામાં તેણે પણ બંને યુવકોને ઓળખ્યા.

‘હા, હા; હું ઊજળી ! અલ્યા નાઠા તે ફરી દેખાયા જ નહિ ? આજ મોં બતાવો છો ?' ઊજળી બોલી.

'પરંતુ એ ઊજળી ન હતી. ઊજળીનો બોલ પણ ન હતો અને ઊજળીનું હાસ્ય પણ ન હતું. ઊજળીના મુખની ભયંકર વિકૃતિ, તેના સૂરમાં આવેલું કઠોર અનુનાસિકપણું, અને માનવી સાથે જાનવરોનું સગપણ સૂચવતી મુખચર્ચા જોઈ બંને યુવકોની ગ્રામ્યરસિકતા ઊડી ગઈ અને તેને સ્થાને એક પ્રકારનો ભય વ્યાપ્યો.

‘તેં જ નસાડ્યા ને ?' હરિસીંગ બોલ્યો.

‘મેં નસાડ્યા ના હોત તો આજ તમે જીવતાયે ક્યાંથી રહ્યા હોત ?' ઊજળી બોલી. બન્ને યુવાનોનો જીવ બચાવવા આ યુવતી સૌન્દર્ય ખોઈ બેઠી હતી, અને સૌન્દર્ય જતાં તો તેનું જીવન પણ ગયું હતું, રહ્યો માત્ર જીવનનો પડછાયો ! એના પ્રત્યે કોઈનું આકર્ષણેય ન હતું. અને કોઈને એની અદેખાઈ પણ ન હતી. સૌન્દર્યલુપ્ત ઊજળી હવે ફાવે ત્યાં ફરે તેની એના ધણી વશરામને પણ દરકાર ન હતી.

‘અહીં શું કરે છે તું ?’ માનસીંગે પૂછ્યું.

‘દાતણ કાપું છું. ગામમાં વેચીશ અને દાણા મળશે તો ખાઈશ.'

‘વશરામ ક્યાં છે ?'

‘એ રહ્યો. બીજી બૈરી કરી.’

એક સ્ત્રીએ ગુનો કર્યો એટલે તેનું સૌદર્ય હણી તેને રખડતી કરવી ! એટલું જ નહિ, બીજી એવા ગુના કરવાને તત્પર સ્ત્રી પરણવી ! અને પુરુષની એવા જ ગુના કરવાની સ્વતંત્રતા અણનમ જ રહે ! ગુનેગારોની કોમો પણ સ્ત્રીઓના અધિકાર મર્યદિત રાખે છે ! એમાં પણ સ્ત્રી તો જીવતી મિલકત જ છે ને ?

‘તું શું કરે છે ?' માનસીંગે પૂછ્યું.

'મજૂરીએ કોઈ રાખતું નથી. દાતણ વેચતાં જે મળે તે ઉપર જીવું છું.’

‘તારા ટોળા ભેગી તું નથી ?'

'છું અને નથી; છું એટલા માટે કે એ બધાયને કેદમાં જતા જોવા છે. એમની ચોરીઓ પકડાય અને એકેએકનાં નાક કપાય એટલે બસ ! અને વશરામનું ગળું વાઢીશ તે દહાડે હુંયે મરીશ; ત્યાં લગી જીવતી રહીશ.' ઊજળી ઊઠી અને ઝાડીના અંદરના ભાગમાં ગઈ. એની ખાતરી હતી કે કોઈ પણ પુરુષને તેનો ખપ ન હતો; એને હવે માત્ર જીવવું જ હતું. માનવજાતે નહિ, શાહુકારે નહિ, ચોરે નહિ, પણ બાવળની ઝાડીએ એને પોષણ આપ્યું ! માણસને મારવા અને બાળવાની જ ઊજળીને આકાંક્ષા હતી. એને હરિસીંગ તથા માનસીંગનો ઉપયોગ ન હતો.

બન્ને જણ મેદાનમાંથી કોઈને પણ મળ્યા વગર ચાલ્યા ગયા. શહેરમાં ગાડાં પહોંચી ગયાં હતાં, વખારો જુદે જુદે સ્થળે હતી. કેટલીક વખારોને વખાર તરીકે ઓળખાય એવી પણ રાખી ન હતી. ધરમચંદ શેઠને ઘેર બન્ને જણ પહોંચ્યા તે જ ક્ષણે ચીમન નવાબ પણ પોતાના ભાગલાગની ચોકસાઈ કરવા માટે ઘોડી પર બેસી આવી પહોંચ્યો. ધરમચંદ નાહીને પૂજા કરવા બેઠા હતા. તેમના કાર્યમાં ઈશ્વર જ સહાય કરતો હતો એવી તેમને દૃઢ શ્રદ્ધા બેસી ગઈ હતી. ઠાકરડાઓની જમીન લખી લેવામાં, વ્યાજની રકમ મુદ્દલ કરતાં અનેકગણી વધારી દેવામાં, ચોરીનો માલ સરળતાથી વેચી નફો મેળવવામાં અને જરૂર પડ્યે આસપાસનાં અનેક ગામોની રખડતી રઝળતી અગર સાહસ શોખીન સ્ત્રીને વગે કરવામાં જે અચૂક સફળતા તેમને મળે જતી હતી અને વિઘ્નો દૂર થઈ જતાં હતાં, તે પ્રભુની કૃપા વગર બને જ નહિ એવી થયેલી પ્રતીતિ ધરમચંદને ઠીકઠીક પ્રમાણમાં ધર્મિષ્ઠ બનાવતી હતી.

ત્રણે જણ અધ્ધર ગયા. શેઠ પૂજામાં હતા તેની ચીમનને ખબર પડી એટલે એક ગાદીતકિયાની નીચે ફાટેલી જાજમ પાથરેલા દીવાનખાનામાં ત્રણે જણ બેઠા અને ચીમને એક બૂમ પાડી :

'ચા બા મુકાવો, શેઠ ! જરા ઠંડીમાં ગરમાવો આવે !'

'અરે વાત છે વાત ! અલ્યા કોણ છે ? ચા મૂકી દે આપણા નવાબ સાહેબ માટે.' પૂજા કરતે કરતે શેઠે હુકમ આપ્યો. મકાન અને મકાનની અંદરનાં સાધનો ગરીબી - અને તેમાંયે ગરીબી કરતાં મેલાશનો વધારે ભાસ આપતાં હતાં. ધનિક માનવી આવા મકાનમાં રહે જ નહિ - અને છતાં ધરમચંદ જેવો પૈસો બહુ થોડા શહેરીઓ પાસે હતો.

ચાના પ્યાલા લઈને એક યુવાન દેખાવડી ગામડિયણ ઓરડીમાં આવી, અને જરા આઘું ઓઢી તેણે થાળીમાં મૂકેલા પ્યાલા ત્રણે જણની પાસે મૂકી દીધા. બે પ્યાલા પિત્તળના હતા; ચીમન નવાબને કાચનો પ્યાલો મળ્યો.

માનસીંગના હાથમાંથી પ્યાલો પડી ગયો. તે ચમકી ઊઠ્યો.

'અરે શું આ ધરમાશેઠનો સ્વભાવ છે ! ઘરમાં કાચના પ્યાલા તો વસાવો ? આ માનસીંગ જેવો મજબૂત છોકરો પણ દાઝી ગયો.' નવાબે કહ્યું.

નીચેથી ઊંચું ન જોતી યુવતીએ એકાએક ત્રણે જણ તરફ જોયું. તે પણ માનસીંગ જેટલી જ ચમકી, માત્ર તેના હાથમાંની થાળી પડી ન ગઈ, એટલો જ ફેર રહ્યો. તે અંદર ચાલી ગઈ.

‘અરે વાત છે વાત ! એક દરઝન કાચના પ્યાલા અબઘડી મંગાવું. નવાબ સાહેબનો હુકમ થવો જોઈએ.' પૂજા ઝડપથી પરવારી ધરમચંદ શેઠ ચીમન નવાબને મળવા આવી પહોંચ્યા. પૂજા ઓછી કર્યાથી ઈશ્વરે કદી અવકૃપા કરી ન હતી.

‘લાવ્યા તમે શેઠ ! તમારાથી ખર્ચાવાનું નહિ. અને ભોગવવાનું તો હોય જ ક્યાંથી? શેઠ ! પૈસા મળે છે પણ મોજ નથી મળતી !' ચીમને કહ્યું.

'પૈસો એ મારી મોજ ! ચાલો, નવાબ ! આપણે આપણું કામ પતાવી લઈએ.'

'કેમ ?'

‘આ છોડી શહેર જોવા આવી છે. એના બાપે એનું લગન લીધું છે.' માલસામાન અપાવવો છે.'

‘કોની દીકરી એ ?’ નવાબે પૂછ્યું.

‘આપણા ઘેમરમુખીની.'

‘અહીં આવ્યા છે ?'

‘હા; જરા ઘરેણાં પસંદ કરે છે.'

‘એમને પસંદ શું કરવાના ? કહે એ એમનાં.'

'હાસ્તો ભાઈ ! આખો મેવાસ એમનો.'

'ક્યાં છોડીને પરણાવશે ?'

‘વટોસણના તખતાજીને ઘેર દીકરો છે આપણા હરિયા જેવડો.' ધરમચંદ બોલ્યા. હરિસીંગના મુખ ઉપર રતાશ તરી આવી.

‘હવે આપણું કામ પતાવી લો ને ? અમે ઘરભેગા થઈ જઈએ.' હરિસીંગે કહ્યું.

‘શી વાત કરે છે તું ? ઘરભેગા થવાની ઉતાવળ કેવી ? ખાધા વગર જવા ન દઉ ને !' ધરમચંદ શેઠ બોલ્યા.

'અરે શું શેઠ ! તમે ખવરાવવાના? તમને શોખ નહિ...'

ચીમન નવાબને બોલતો અટકાવી ધરમચંદ બોલ્યા : 'અરે શી વાત છે, મારા સાહેબ ! લગ્ન લેઈને અમારા ઘેમરપટેલ આવ્યા છે. અને અમે તમને કંસાર વગર જવા દઈશું ?'

'કેટલું વ્યાજ મુખી પાસેથી લેવું છે ?'

‘એ તો ઘરના છે. એમને વ્યાજ કેવું ?'

‘હવે શેઠ ! જલદી કરશો ? અમારે આજે ખાવુંપીવું નથી; બીજે ઉજાણી ગોઠવી છે. અમને જવા દો તો પાર આવે.' માનસીંગે પણ કહ્યું. બેમાંથી કોઈને ધરમચંદ શેઠને ઘેર જમવું ન હતું એ સમજાઈ ગયું. પરંતુ એનાં કારણની સમજ પ્રત્યેકમાં જુદી જુદી હતી. |

‘મળે એ બધું વાપરી ન ખાશો. મૂર્ખાઓ ! થોડું મૂકતા જજો. જોઈશે તો હું વ્યાજ આપીશ. માળા પરણશો કરશો કે આમ બાવા જ રહેશો ?' શેઠે બન્ને યુવકોને શિખામણ આપી. શિખામણમાં ખરો મહત્ત્વનો મુદ્દો એ હતો કે તેમને મળવાના ભાગમાંથી થોડી રકમ એ બન્ને જણ શેઠ પાસે મૂકતા જાય.

‘ચીમન શેઠ શી રીતે વહેંચે છે એ જોયા પછી બધી વાત.' હરિસીંગે જવાબ આપ્યો. અને બધી મંડળી ઊઠી એક અંધારિયા ઓરડામાં ગઈ. કલાકેક વહેંચણી ચાલી અને બધા બહાર નીકળ્યા. ‘અલ્યા ભઈ ! આવો, હું મુખી જોડે ઓળખાણ કરાવું.' ધરમચંદે કહ્યું.

'ના, શેઠ ! અમારે છે એટલાં ઓળખાણ બસ છે.' માનસીંગે કહ્યું.

'અરે મુખી ખપના છે, ખપના ! વાત શી કરો છો ?'

‘તો એમને કહેજો કે તખાજીનો ભત્રીજો હરિજી આવ્યો હતો.' હરિસીંગે કહ્યું.

'અને મને પણ ઓળખશે. કહેજો, અભાજીનો દીકરો માનિયો આવ્યો હતો. અને તેજલને પણ વાત કહેજો.’ કહી માનસીંગ નીચે ઊતરી ગયો. તેની પાછળ હરિસીંગ પણ ઊતર્યો.

મળેલા પૈસામાંથી ખર્ચ કરી તેમણે ખાધું અને થોડી ખરીદી કરી. બન્ને જણે લાંબા વખત સુધી એકબીજાની સાથે વાત ન કરી. બપોરે એકાંત. છાયાવાળી જગા શોધી કાઢી બન્ને જણ સૂતા. ગઈ રાતના ઉજાગરાને લીધે તેમને સારી ઊંઘ આવી. માનસીંગ પહેલો જાગ્યો.

‘હરિસીંગ ! ઊઠ, ત્રીજો પહોર થયો.' માનસીંગે કહ્યું.

હરિસીંગ આંખો ચોળતો બેઠો થયો. જરા વાર બેસી તેણે કહ્યું : 'કેમ, માના ! તેજલને જોઈ ?'

'હા.'

'હું ગામે રહ્યો હોત તો એની સાથે મારાં લગન થાત.'

‘પણ મારે તો હજી તેની સાથે લગન કરવું છે, તેનું શું ?'

‘એક બાજુ ઘેમરમુખી - આખા મહેવાસનો કાળ, અને બીજી પાસ તખતોજી - મોટાભાઈની મિલકત ખાવા વારસની માને ભોળવે અને વારસને મારે તે ! ન હું કે ન તું એમને પહોંચી શકીએ !'

‘આવો કાયર ક્યારથી થયો, હરિસીંગ ?'

'કાયર નથી થયો. પણ એ બધું શા સારુ? જરૂર પડે છે ત્યારે સારું ધન મળી રહે છે, માગું છું ત્યારે તેજલ જેવી કૈંક બાઈઓ મળે છે. ચાલે છે એમ ચાલવા દે.'

'તું તો આપણી આખી ટોળી બાંધવાનું કહેતો હતો ને ?'

‘તે બંધાય છે. એ ટોળી જામે પછી વાત. કાકાની ખબર તો લીધા વગર હું રહેવાનો જ નથી. પણ હમણાં કશું નહિ. હમણાં તો ઊઠી ઊભો થા, અને ચાલ પાછો ખેતરે.'

‘તેજલને મળ્યા વગર હું નહિ આવું.'

‘તે ક્યારે તું એને મળવાનો ? ઘેમરમુખી ચામડું ઉતારી લેશે. મારા કાકાને પણ એમની જ સહાય હતી.'

‘જ્યારે મળાય ત્યારે ખરું. એક દિવસ થાય કે એક અઠવાડિયું, તેજલને મળ્યા વગર પાછા ન જવાના મેં સોગંદ લીધા છે.'

'ચાલ ત્યારે એને મળવાનો કાંઈ ઠાગો કરીએ.’

‘તું જા. પેલી મંગી એકલી છળી મરશે. એક રાત તો એણે જેમ તેમ કાઢી, બીજી રાત એને ઘેલી બનાવી મૂકશે.’

માનસીંગનો અત્યંત આગ્રહ હતો. મંગીને એકલી મૂકવામાં ક્રૂરતા હતી. તેજલને મળવામાં માનસીંગને સાથ આપતાં અત્યંત નાજુક પરિસ્થિતિ ઊભી થતી હતી, કારણ હરિસીંગનું લગન તેજલ સાથે થવાનો એક યુગમાં પૂરો સંભવ હતો. અને હવે તો તેના સગા કાકાનો દીકરો મોતીજી એ સ્થાન લેતો હતો ! હરિસીંગે જવાની હા પાડી.

એના ગયા પછી માનસીંગ બજારમાં ખૂબ ફર્યો. એક સોનીની દુકાને ઘેમરપટેલ, તેજલ અને ધરમચંદ શેઠ સહેજ અંદર બેઠાં હતાં; તેમને તેણે શોધી કાઢ્યાં, અને ત્યાં જઈ દુકાન આગળ તે ઊભો. એનો દેખાવ કોઈ સભ્ય ગ્રાહક સરખો ન હતો, અને ચોરીની બૂમ ગામમાં ખૂબ પડતી હતી. દુકાનદાર પોતાનો માલ બતાવવામાં બહુ જ ગૂંથાયેલો હતો. થોડી વારે તેના ગુમાસ્તાએ કહ્યું :

‘અલ્યા, કેમ અહીં ઊભો છે ! ચાલ્યો જા.'

‘પણ મારે ખરીદી કરવી છે ને !' માનસીંગે કહ્યું.

‘કરી કરી હવે તે ખરીદી... છચોરિયા...'

‘સોની મહાજન ! મોં સંભાળો, નહિ તો માર ખાશો !'

બોલવામાં કદી ન હારતો ગુજરાતી મારનું નામ સાંભળતાં અહિંસારૂપી પરમ ધર્મનો આશ્રય એકદમ સ્વીકારી લે છે. એને ગાંધીજીના બોધની રજમાત્ર જરૂર તે સમયે પડતી નથી. અંદર બેઠેલાં સહુની નજર બહાર ગઈ. તેજલ એકાએક બોલી ઊઠી : ‘બાપા આપણો માનસીંગ અહીં છે!'

'કયો આપણો માનસીંગ ?'

ઘેમરપટેલે કૈંક માનસીંગોને જિંદગીથી રદ્દ કરી નાખ્યા હતા.

‘કેમ, પેલા અભાજી મરી ગયા ને ? તેનો દીકરો.’ ધરમચંદે કહ્યું.

‘એમ ? અલ્યા માના ! તું ક્યાંથી ?' ઘેમરપટેલે કહ્યું.

'હું અહીં જ છું, મોટા.' માનસીંગે કહ્યું.

'બડો પાવરધો બની ગયો છે. એની જોડ નથી, મુખી !' ધરમચંદે કહ્યું. 'એમ? ત્યારે તમે આની વાત કરતા હતા? મારા મનમાં કે કોણ કયો માનસીંગ તમે કહેતા હશો. અલ્યા સાંજુકા પહોરનો શેઠને ઘેર મળજે.’ ઘેમરપટેલે કહ્યું.

'હું સાથે જ રહીશ.' માનસીંગે કહ્યું.

‘સાથે કામ નથી; કહું તેમ કર.' ઘેમરમુખીએ આજ્ઞા કરી.

આજ્ઞા કરવા ટેવાયેલા મુખીને નારાજ કરવાની માનસીંગની ઇચ્છા ન હતી. તેણે પંદરેક રૂપિયાની વીંટી ખરીદી. પરંતુ સાંજે તેજલને મળવાના ઇરાદાથી એ પાછો ધરમચંદ શેઠને ઘેર ગયો ત્યારે ઘેમરપટેલે સારી વાત કરી છતાં તેજલને મળવાની તક તેમણે આપી નહિ. છેવટે માનસીંગથી ન રહેવાયું અને તેણે કહ્યું : 'મુખી ! મારે તેજલને મળવું છે.'

‘તારું મોં નથી કહેતું ! જો તેજલનું નામ લીધું છે ને, તો જાનથી ગયો જાણજે !' ઘેમરમુખીથી પણ રહેવાયું નહિ. તેજલનો માનસીંગ માટેનો પક્ષપાત વર્ષોથી ચાલુ હતો. અને એ પક્ષપાત તેજલના લગ્નમાં પણ વિઘ્નરૂપ હતો. લગ્નની વાત આવતાં જ તેજલ માંદી પડી જતી. તેજલના માનસ ઉપર અસર કરતી મંગીને ગામ બહાર કાઢ્યા પછી માનસીંગનો પણ પત્તો લાગતો નથી એ સાચી વાત તેમણે ગામમાં પ્રથમ ફેલાવી હતી. અને પછી તો જાણે કોઈ જગાએ પકડાયો કે મરી ગયો હતો એવી છાપ તેમણે ગામ ઉપર પાડી હતી. ધમકી અને લાડના સંમિશ્રણનો પ્રયોગ કરતાં કરતાં તેજલે અંતે મહામુસીબતે મોતીજી સાથે લગ્ન કરવાની હા પાડી હતી. જોકે એની ના પાડી હોત તો તેજલની માએ તેજલ માટે ઝેરનો કટોરો તૈયાર જ રાખ્યો હતો ! દીકરી વહાલી ઘણી હતી, પરંતુ લગ્ન જેવી બાબતમાં માબાપનું ન માનનારી પ્રતિષ્ઠિત મુખીની દીકરી મુખીની પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવે તે કરતાં ઝેરથી મરી જાય એ માતાપિતાને વધારે અનુકૂળ લાગતું હતું.

એવા સંજોગોમાં જે સમયે નામનિશાન પણ ન સંભળાવું જોઈએ તે ઘડીએ માનસીંગ જાતે જ આવીને ઊભો રહે, એ ઘેમરપટેલને જરા પણ કેમ ફાવે ?

‘મુખી ! હું ઠીક કહું છું. તમારી દીકરીને લઈ નાસી...' માનસીંગ બોલ્યો.

‘સંઝેરમાં હોત અને આમ બોલ્યો હોત તો હું તને જીવતો રેતીમાં દાટી દેત !' મુખીએ કહ્યું.

'હું ફરીથી કહું છું, મુખી ! અમે સાથે રમ્યાં છીએ. એના મનને દુઃખ થાય એવું હું કાંઈ નહિ કરું.’

‘ઊભો થઈને ચાલવા માંડ ! તારા પાપે તો આજ સુધી તેજલ કુંવારી રહી.'

‘તો હું જોઉ છું, મુખી ! કે તમે તેજલને કેમ પરણાવો છો !' માનસીંગે સામે ધમકી આપી.

'ધરમાશેઠ ! આ છોકરાને કાઢો અહીંથી, નહિ તો...'

‘અરે વાત છે વાત મુખી ! માનસીંગ ! ડાહ્યો થઈ જા અને હમણાં જા. પાંચપચીસ જોઈએ તો માગી લે, પણ આપણા ઘરમાં...' શેઠ બોલ્યો.

‘મુખી ! ધરમાશેઠનો ધંધો અમારે લીધે ચાલે છે. અને... અને ભૂલશો નહિ કે હુંયે સંઝેરનો છું અને કુશ્પીનાં પાણી પી મોટો થયો છું. મારા બાપને માર્યાનું, પેલા તખતાજીના ભાઈને માર્યાનું પાપ ધોવું હોય તો...' માનસીંગને બોલતો અટકાવી ઘેમરપટેલે એક મજબૂત ધોલ માનસીંગને લગાવી દીધી. એ ધોલમાં ઉંમરની અસર જરાય ન હતી. માનસીંગને પણ ક્ષણભર તમ્મર આવ્યાં. એકાએક સ્થિર થઈ તે ઊઠ્યો, હસ્યો અને બોલ્યો:

'ઠીક, તમને કહેવાનું કહી દીધું. ગામના મોટા છો એટલે એક ધોલ પણ ખાઈ લીધી. હવે ધોલે નહિ પતે. હથિયાર વગર ઘડી પણ ફરશો નહિ, હું ગમે ત્યાંથી તમારી ખબર લેઈશ !' કહી માનસીંગ સીડીની નીચે ઊતરી ગયો. ઓટલા ઉપરથી ઊતરતાં જ એક માણસે ધીમેથી તેને કહ્યું :

'પાછલી બારી ભણીથી જા.'

'કેમ ?'

‘કહ્યું તે કર ને ?'

માનસીંગે મોટો રસ્તો ન લેતાં ઘરની પાછળના ભાગ તરફ જવા માંડ્યું. બારીએ તેજલ ઊભી હતી એમ અંધારામાં પણ તેને સમજાયું. બારી નીચે જઈ તે ઊભો રહ્યો. સામે બારી ઉપર તેજલ હતી. એક છલંગે બારી ઉપર ચડી જવાય એમ હતું. તેજલ તેની સામે જોઈ રહી.

‘માનસીંગ ! ક્યારે સંઝેર આવે છે ?' જરા વાર ધીમે રહી તેજલે પૂછ્યું. એનો અવાજ નાનપણના જેવો જ મધુર હતો, પરંતુ અત્યારે તેમાં વધારે માધુર્ય લાગ્યું.

‘તારા લગનમાં બોલાવીશ ને ?' માનસીંગે પૂછ્યું. તેજલે કશો જવાબ ન આપ્યો.

‘લગનમાં આ મારા તરફની ભેટ. હું આવું ન આવું તો એના વડે મને સંભારજે.' માનસીંગે વીંટી આપવા હાથ ઊંચો કર્યો. તેજલ વીંટી લેવા બારીના કઠેરાથી ખૂબ નીચી વળી. ક્ષણમાં બન્નેના હાથ મળી જાત. તે જ ક્ષણે તેજલ આછી ચીસ પાડી અંદર ખેંચાઈ ગઈ અને બારીનાં બારણાં બંધ થઈ ગયાં.

વીંટી ત્યાં ને ત્યાં પટકી માનસીંગ આગળ ચાલ્યો. રાત પડતી હતી, દીવા સળગવા માંડ્યા હતા. પરંતુ તેને કશાનું ભાન રહ્યું નહિ. ધીમે ધીમે તેણે પોતાના સ્થળ તરફ પગ દોર્યા. આખી રાત એકીટશે પરંતુ અત્યંત ધીમે તે ચાલ્યા જ કર્યો. પ્રભાતની તૈયારી આકાશ કરવા માંડી હતી. છતાં અંધારું તો હતું જ. ધીમે પગલે તે ઝૂંપડી પાસે આવ્યો. ઝૂંપડીની બહાર કોઈ સૂતું હતું. હરિસીંગ હશે. માનસીંગે પણ વિચાર્યું કે બે દિવસના ઉજાગરા પછી તેણે પણ નિદ્રા લેવી.

પરંતુ હરિસીંગની જોડે કોણ સૂતું હતું ? એક જ ઓઢણ ઓઢીને ! મંગી !

મંગી અને હરિસીંગ આમ ભેગાં સૂતાં હતાં ? માનસીંગના પગ નીચેથી પૃથ્વી ખસતી લાગી.