હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૨ હૃદયવિભૂતિ
પ્રકરણ ૩
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૪ →


[ ૧૫૧ ]

હરિસીંગને હસવું આવ્યું.

જે તેજલને મળવા માનસીંગ કષ્ટ વેઠતો હતો તે તેજલ તેની પત્ની થાત. જો તેના પિતાને મારી તેના કાકાએ બધી મિલકત લેઈ લીધી ન હોત તો.

તેના પિતા ન હોત, છતાં માતાયે તેની રહી હોત તો કદાચ મિલકત સચવાત અને તેજલ સાથેનાં લગ્ન પણ થાત. પરંતુ માતાએ જ ધંતૂરો ખવડાવી પિતાને મારી નાખ્યો ! એટલું જ નહિ, તે ખૂની કાકાની પત્ની બનીને બેઠી ! કેટકેટલાં દિયરવટાંમાં આવા ધંતૂરાના પ્રયોગો નહિ થતા હોય ?

એ બધુંયે ભલે બન્યું. માતા બાળકને જ રક્ષણ આપી શકી હોત તો? તો આજ હરિસીંગ આમ ઘર-ગામ છોડી કેદખાનાં, સુધારશાળા અને ચોરીની હવા ખાતો બની ગયો ન હોત. તેને વગર વાંકે માર પડતો; તેને ખાવાપીવાનું પણ દુઃખ પડતું. માર પડ્યે એ સામે થતો અને મોતીજી કરતાં એને ઓછું ખાવાનું મળતું એટલે એ ચોરી કરતો, અને ખોરાક બગાડી નાખતો. અને એ મોતીજી પણ કોણ ? તેની માતાનો જ પુત્ર ! - અલબત, એના પિતા તખતાજી – ખૂનીકાકા ! હરિસીંગ કરતાં એ નાનો - માનસીંગ જેવડો - હશે. એ મોતીજીને થતાં લાડ અને હરિસીંગની થતી હાડમારીએ હરિસીંગને નાસી જવા પ્રેર્યો.

કે પછી એને નસાડવા માટે જ એને દુઃખ દેવામાં આવતું હતું ?

ઘરથી તે ગમે તે કારણે નાસી છૂટ્યો ! પછી તો એ ભિખારીની ટોળીમાં ભળ્યો. ચોરની ટોળીમાં ભળ્યો. મારમારીઓમાં પકડાયે ગયો અને સમજ વધતાં વધારે અને વધારે પાવરધો બની આજ ટોળી જમાવી ચીમન નવાબ અને ધરમચંદ શેઠને પણ નાકલીંટી ખેંચાવવાની શક્તિ ધરાવતો બની ગયો હતો. એ ધારે તો મોતીજીનાં લગ્નમાં જરૂર વિઘ્ન નાખી શકે. અલબત્ત, ઘેમરમુખીનો મહેવાસ ઘેમરમુખીના બોલ ઉપર મરવા-મારવા તૈયાર થાય એમ હતું, અને એ મહેવાસને છંછેડનાર ભલભલી ટોળીઓને ઘેમરપટેલે ધૂળ ભેગી કરી નાખી હતી.

તેની પોતાની બનવાને પાત્ર તેજલને મળવા માનસીંગ શહેરમાં રહેવા માંગતો હતો. કોણ કોનું? આગ જેવો ઘેમરમુખી માનસીંગને તે [ ૧૫૨ ] મળવા દે ? મહા મહેનતે મળે તોય માનસીંગનો શો દહાડો વળે ?

હરિસીંગને હસવું ન આવે તો બીજું શું થાય ? આટઆટલા અનુભવને અંતે કોઈ એક સ્ત્રી કે એક પુરુષ માટે અન્યને લાગણી હોય એમ એ માનતો જ નહિ. એણે માનસીંગને છોડાવ્યો હતો એ વાત ખરી; એણે માનસીંગને વફાદારીભર્યો સાથ આપ્યો હતો એ પણ ખરું. માનસીંગ પણ સારો મિત્ર બની શક્યો હતો. પરંતુ એટલી ઉદારતા વગર સ્વાર્થ સાચવણી પણ શક્ય ન હતી. સાથી તો જોઈએ જ.

પરંતુ એનો અર્થ એવો ન હતો કે તેને માનસીંગ વગર ન જ ચાલે !'

ચારઆઠ દિવસ સાંભરે તો તેમાં શું ? પછીથી ભૂલી જવાય ! કેટકેટલા મિત્રો અને કેટકેટલી મૈત્રીઓને એ ભૂલી શક્યો હતો ? જગતમાં આંસુ પાડવા જેટલું વહાલું કોઈ જ ન હોઈ શકે. કદાચ આંસુ પડે તોય તેથી જીવનક્રમ અટકવાનો નહિ ! ભિખારીઓની ટોળીમાંથી એ નાસી ગયો ત્યારે પેલી સીતા કેટલું રડી હતી ? ચારેક વર્ષે એ જ સીતાને બાળક સાથે ભીખ માગતી તેણે જોઈ. હમણાંની જ વાત એણે વિચારી. ઊજળીને હરિસીંગની ઘેલછા લાગી હતી. તોય એણે માનસીંગનો સાથ સેવ્યો. એણે જરૂર બન્નેને મરતા બચાવ્યા, પરંતુ એણે બીજો કોઈ પ્રેમી શોધી કાઢ્યો અને પતિને હાથે સૌન્દર્યખંડિત બની ! એ પતિનીયે મૂર્ખાઈનો કાંઈ પાર ! પેલાં ભણેલોગણેલાં પતિપત્ની અને મિત્રો વધારે સમજદાર હતાં ! કોઈ કોઈનું નથી એ જાણ્યું એટલે જેને જેમ ફાવે તેમ હરેફરે ! ‘તેજલ ! તેજલ !' કરતો માનસીંગ ઘેમરમુખીના ઝપાટામાં સપડાવાનું કરતો હતો એ મૂર્ખાઈ નહિ તો બીજું શું ?

લગ્ન સિવાય તેજલને મેળવવા શી અડચણ હતી ? હરિસીંગની માતાએ છતે લગ્ન તેના દિયરનો હાથ ઝાલ્યો ! તે આજ વધારે દુઃખી છે એમ કોણે કહ્યું ?

અને એક તેજલ ન મળી તો બીજી તેજલ ! જીવ આપવા જેટલું વહાલ કોઈનાયે ઉપર કેમ આવતું હશે એની તેને સમજ ન પડી. આંસુ આપવાં તો તે ભુલાવામાં જ નાખવા માટે, અને જીવ આપવો તો માત્ર જમને જ. બાકી જીવનસરિતાના વહેણમાં વહ્યું જવું અને હાથ લાંબો કરતાં જે મળે તે ભોગવી લેવું, એથી વધારે ઊંડાણમાં ઊતરવું એ નિરર્થક જોખમભર્યું છે એમ તેને લાગ્યું.

માનસીંગ પ્રત્યે તેને હસવું ન આવે તો બીજું શું થાય ?

કે પછી તેજલ પ્રત્યેની તેની લાગણી હરિસીંગમાં અદેખાઈ ઉત્પન્ન કરી રહી હતી ? તેજલ હરિસીંગને મળી ન હતી; માનસીંગને તે નહિ જ [ ૧૫૩ ] મળે એવી ખાતરી પાછળ તેનું ઘેમરપટેલ તરફથી થવાનું અપમાન હરિસીંગને એક પ્રકારની રમૂજ આપી તેની અદેખાઈને પોષતું તો ન હતું? એ માટે જ તેને એકલો છોડવાની હરિસીંગે હા પાડી હતી શું ? માનસીંગને એકલો ન મુકાય એ લાગણીને લીધે તો તેણે પગના દર્દને ગણકાર્યું ન હતું ! અને ઘેમરમુખી પાસે માનસીંગને એકલો છોડી જવાની હરિસીંગે. શા માટે હિંમત કરી ? માનસીંગના તેજલ પ્રત્યેના પ્રેમની જરૂર તેને અદેખાઈ આવી !

તોય શું ? અદેખાઈ. ઈર્ષા, વેર, ઝેર, ચોરી, લૂંટ, ખેંચાખેંચી અને જુઠાણું એ જીવનનાં સાચાં તત્ત્વો ! ધરમચંદ શેઠ જાત્રા જઈ આવે અને ચોરીઓ કરાવે, જયકૃષ્ણદાસ માળા ફેરવે અને સાધુસંતોને જમાડી પોતાના જ દીકરાને શાપ આપે, ચીમન નવાબ હોટેલ ચલાવી મોજ કરતાં કરતાં ચોરીનો માલ બેધડક વેચે અને બૈરાંનાં લિલામ કરે ! જાહેર જગતના એ સદ્દગૃહસ્થો ! ઢાંક્યા જગતનો હરિસીંગ શા માટે એ ઊજળા જગતને પગલે પગલે ન ચાલે ? એમાં બગડી શું ગયું?

માનવીને ભૂખ લાગે એટલે એ ખાવાનું માગે ! ખાવાનું ના મળે એટલે એ ઝૂંટવી લે પછી એને ચોરી કહો કે લૂંટ કહો કે વ્યાપાર કહો ! માનવી મોજ માગે ! એ ન મળે એટલે સ્ત્રીને એ ઉઠાવી લાવે એને લગ્ન કહો, પુર્નલગ્ન કહો કે વ્યભિચાર કહો ! એ વગર છૂટકો શો ?

પૈસો કે વસ્તુ ઉપાડી લાવીએ તો તે કદી ના પાડતાં નથી; એને ચોરનો હાથ સરખો અને શાહુકારનો હાથ પણ સરખો !

સ્ત્રી હા ના કરે, પરંતુ એ હા કહે તો તેને ઉપાડી લાવવામાં હરકત શી ? ના કહે તેને લલચાવાય : વધારેમાં વધારે એટલું જ કે ના કહેનાર સ્ત્રીને જતી કરવી. નીતિમાં એટલું જ ને ? બાકી સ્ત્રીનું ધણીપણું કરનાર ધનના રખેવાળ સરખો છે ! રખેવાળ ઊંઘતો હોય, મુડદાલ હોય, કાળજી વગરનો હોય તો ધન ઉપાડી જવામાં હરકત શી ? ઊજળીને સાચવી ન શકતો વશરામ શા માટે આકળો બને ? ઊજળીનું નાક કાપી એણે કોને લાભ કર્યો ? ઊજળીને ભૂખે માર્યાનું પાપ વહોર્યું એ વધારામાં !

શહેરમાંથી નીકળી ગયેલા હરિસીંગના મનમાં આવા આવા - વિચારો ચાલતા હતા. કશું નિશ્ચિત ભાવિ તેની આગળ રચાય છે એમ એને લાગ્યું. પરંતુ તે ભલે ને રચાય ? એની મરજી વિરુદ્ધનું ભાવિ રચાતું હોય તો એ ભાવિને અનુકૂળ મરજી કરી લેવી એ જ વધારે સારું. તેની આખી જિંદગી એ જ રીતે ઘડાઈ હતી.

આજ તેની ઉગ્રતા કેમ ઓસરી ગઈ ? ઉગ્રતામાં મઝા ન આવી. [ ૧૫૪ ] એણે ધીમે ધીમે જોયું કે સંજોગોને આધીન થઈ જવું એ જ સુખનો માર્ગ છે. સંજોગો સામે લડવું એ અર્થવિહીન કાર્ય નિષ્ફળતા જ આપતું હતું. પરંતુ સંજોગોમાં જ એને શું નહોતું મળતું ? ચોરી અને લૂંટના સંજોગો તેને માટે ઊભા થતા હતા. એ સામે થઈ પ્રામાણિક વેપારરોજગાર કે નોકરી કરવા તે જાય તો એને સંજોગો સામે લઢવું પડે; એના કરતાં ચોર કે લૂંટારો રહીને જ તે જરૂરનો પૈસો મેળવે તો એને ઓછી હરકત પડે !

અને જે હરકત પડે છે તે જીવનને મોજ તથા રમત પણ આપે છે ! એ જ પ્રમાણે તેજલ લગ્નમાં મળે કે લગ્ન સિવાય મળે ! એમાં ફેર શો ? ફેર એટલો જ કે લગ્નમાં તેજલને માગનાર માનસીંગ આફત વહોરવાનો છે; વગર લગ્ન તેજલને મેળવવાના તેને અનેક માર્ગ મળી આવે છે ! એ મૂરખને સમજાવવો પડશે; એને સહાય પણ આપવી પડશે.

રસ્તો કપાતો હતો અને રાત્રી વધતી જતી હતી. ચીમન નવાબ શહેરમાંથી ગામે આવી ગયો હોવો જોઈએ એમ ધારી તે બારોબાર ખેતરે ન જતાં ગામમાં હોટેલ તરફ ગયો. ચીમન નવાબ હોટેલમાં આરામખુરશી ઉપર બેઠા હતા. શહેરમાં જઈ આવેલા હતા એટલે તેમણે ફૂલનો ગજરો હાથે વીંટાળ્યો હતો.

'અલ્યા હરિસીંગ ! હમણાં આવે છે ?'

'હા ચીમનભાઈ ! શહેરમાં જરા ફર્યો.'

'પેલો માનસીંગ ક્યાં ગયો ?'

'ઘેમરપટેલના પંજામાં સપડાયો છે.'

'એનાથી વેગળા રહેજો, છોકરાઓ ! એ મારી નાખશે તોય ખબર નહિ પડે.'

'માનસીંગને એની દીકરી જોડે લગ્ન કરવું છે, નવાબ !'

આરામથી બેઠેલા નવાબ ચમકીને અધ્ધર થયા. હરિસીંગના મુખ તરફ તેમણે જોયું અને પૂછ્યું : 'માનસીંગનું મગજ તો ઠેકાણે છે ને ?'

'નહિ હોય તો લાવવું પડશે.'

‘એ મૂરખને કહે કે ઘેમરપટેલથી જેટલા દૂર ખસાય એટલું સારું.’

'એવું બધું શું છે એ ડોસામાં ?'

'ધરમચંઠ શેઠ એની પડોશ છોડી નાસી આવ્યા. એકબે કામમાં મારી પાસે નાકલીંટીઓ ખેંચાવી, અને ફોજદારને ઘેર બેસાડ્યો એ જુદું.'

'એને સીધો કરીએ ત્યારે ખરા !'

ચીમન નવાબે ખુરશી ઉપરથી ઊઠી હરિસીંગને બાજુએ બોલાવ્યો [ ૧૫૫ ] અને ધીમેથી કહ્યું :

‘જો હરિસીંગ ! ઘેમરમુખી જોડે કાંઈ ધાંધળ કરવું હોય તો પહેલેથી કહી દેજે. હું તમને છૂટા કરી દઈશ.'

‘અરે શું નવાબ ! તમેય ગભરાવ છો ?'

‘એ તો ખરું. પણ આ. ધરમચંદ શેઠને સપડાવવાનું અમે બન્નેએ માથે લીધું છે. એટલે જો મારા રહેવું હોય તો ઘેમરપટેલ ભણી નજર ન કરશો. અને એ આદમી આગનો કટકો છે એ યાદ રાખજો.’

‘એની દીકરીનાં લગન માનસીંગ જોડે...'

‘તું વાત ન કર ! ચા પી, ચવેણું ખા અને જા તારે ખેતરે. જોઈએ તો એના કરતાં વધારે સારી બૈરી અપાવું, પણ એનું નામ ન દેતો.'

નવાબે હરિસીંગને ચા ચેવડો આપ્યાં. ઘેરથી બીજું ખાવાનું મંગાવી આપ્યું, જેમાં નશાનું સાધન પણ ઠીક ઠીક હતું. તે પૂરું થતાં એક ગ્રામસેવક ખાસ ભાષણ કરવા આવ્યો હતો તેનું ભાષણ પણ નવાબે સાંભળ્યું. નવાબે ભાષણકારને ફૂલહાર પણ કર્યા. હરિસીંગે હસવાનું જ વલણ આજ લીધું હતું.

‘નવાબ ! આ માણસ શું બબડી ગયો ?' હરિસીંગે પૂછ્યું.

‘એ બરાબર બબડી ગયો. ગામડાંને સુખી કરો એમ એ કહે છે.'

‘શી રીતે સુખી કરવાનાં ?'

‘લડવું નહિ, ઝઘડવું નહિ. દારુ ના પીવો, જૂઠું ના બોલવું, એમ કરીને સ્તો !'

‘ગમાર ! બધાને પહોંચે એટલું વહેંચવા પૈસા લાવ્યો છે ? માગ્યું મળે તો કોઈ નહિ લડે.'

કહી મધરાત થઈ ગઈ હોવાથી હરિસીંગ ખેતરે ચાલ્યો. માનસીંગ હજી આવ્યો ન હતો. ગામને રસ્તે આવ્યો હોય તો નવાબની હોટેલ ઓળંગ્યા વગર જવાય જ નહિ; બારોબાર જાય એવો સંભવ ન લાગ્યો. ઘણુંખરું તો બન્ને મિત્રો સાથે જ હોય. હરિસીંગ એકલો ખેતરે જતો હતો. રાત્રીનો તેને ભય ન હતો. અરે, એને તો દિવસનો પણ ભય ન હતો. રાત્રે ભૂતપ્રેતનો થોડો સંભવ ખરો; દિવસે પોલીસનો ભય રહ્યા કરે. પરંતુ થોડા દિવસ થયાં એ ભય પણ જતો રહ્યો હતો.

તેમાંયે રાત્રી તો હવે માતાની ગોદ જેટલી સલામત લાગતી. એ હરિસીંગને શાન્તિ આપતી હતી. પૈસા આપતી હતી, સુખ આપતી હતી. એ શાન્તિમાં નહિ ભીડ, નહિ ઉતાવળ, નહિ દોડ, નહિ હાયવરાળ. એ [ ૧૫૬ ] શાન્ત સુંવાળા રેશમી અંધકારનો રંગ બગાડતા કોઈ દીવાનો પણ પ્રકાશ આસપાસ દેખાતો ન હતો. એ અંધકારના પડદામાં શું શું સમાયું ન હોય? અંધકારમાં હાથ લંબાવે તો તેને ધન મળે એમ હતું ! એવું કેટલુંયે ધન એણે અંધકાર પાસેથી મેળવ્યું હતું !

એવા જ અંધકારમાં એણે માગ્યું તે સુખ પણ મળ્યું હતું ! અને પેલો બેવકૂફ માનસીંગ ! ભર અજવાળે સુખ પાછળ દોડ્યો છે ! અજવાળામાં તે સુખ હોય ? અજવાળાના અગ્નિમાં એ બળી મરવાનો છે !

લગ્ન ! ઢોલતાંસાં અને શરણાઈ વાગે ! ગીતો ગવાય ! આખી ન્યાત ભેગી થઈ જમણ જમે ! દારૂ પિવાય ! આખી દુનિયા જાણે કે લગ્ન થયાં ! અજવાળું ! અજવાળું !

પછી ?

ચોકીપહેરા ! ચોરીછૂપી ! ગાળાગાળી ! મારામારી ! નાકકટાઈ ! કાચધંતૂરાનાં ઝેર ! કે ધારિયાંતલવાર વડે ખૂન !

અજવાળું જ ન હોય તો આવું કશુંય ન થાય ! અંધકારમાં બધુંય વિસરાઈ જાય ! અંધકાર માગીએ તે આપે ! અને કોઈ દેખે તે પહેલાં બધું સમેટી લે !

‘આપણે પરણવુંયે નથી, અને પૈસો ભેગો કરવોયે નથી !' હરિસીંગ મનમાં બોલ્યો.

આંખો ચમકાવતું એક શિયાળ તેની પાસે થઈને ચાલ્યું ગયું. એ કશું જ બોલ્યું નહિ. કેટલું શાન્ત ! દોડે તોય સમજાય નહિ !

પગ પાસેથી નાગ ગયો શું ? એને અડે નહિ તો એ કદી કરડે જ નહિ. અંધકાર જેવો જ શાન્ત, શામ અને સુંવાળો ! એની શામ શાન્તિમાં મણિ હોય જ ને !

સદાકાળ જગત ઉપર નિશા જ પથરાયેલી રહે તો કેવું સારું ! ઘુવડનો ભરેલો ઘુઘવાટ દૂર દૂરથી સંભળાયો !

ચકલું ખાઈ બેઠો હશે; હવે બોલાવે છે એની માદાને ! અંધકારનો અવતાર !

હરિસીંગ ખેતરની પાસે આવી પહોંચતો હતો. ચીમન નવાબે એને ખાવાનું આપ્યું હતું. એને ભૂખની તૃપ્તિ હતી, પણ માદા તેને મળી ન હતી. એ તો બોલાવીએ તો આવે ને ? ઘુવડ જેટલીયે માનસીંગમાં અક્કલ હોત તો અજવાળાં તે શોધત જ નહિ. અંધકારને વિકૃત કરી મૂકતા દીવાઓવાળા શહેરમાં માનસીંગ માદા ખોળવા ગયો છે ! હરિસીંગ પગલાં ભરતો [ ૧૫૭ ] હતો અને... અને માદાની પાસે આવતો હતો ?

કોણ માદા ? ખેતરમાં તો મંગી જ સૂતેલી હતી ! જરા વિચારસ્વપ્નને તેણે હલાવી નાખ્યું. વ્યગ્ર થયેલા મનમાં પાછી શાન્તિ પ્રસરી.

આમ તો એના મનમાં એક પ્રકારની શાન્તિ હતી જ. છતાં તારાઓ જેવો ચમકાર તેના હૃદયમાં ચાલ્યા કરતો હતો શું ? પગના દુઃખનો તો એ ઝમઝમટ ન હોય ? એવાં દુઃખને કદી એણે ગણકાર્યા ન હતાં. ત્યારે એ કયી લાગણી અનુભવતો હતો ?

માનસીંગ એની જોડે ન હતો. એ એકલો જ ખેતરમાં જતો હતો. મંગી પણ એકલી ઝૂંપડીમાં હતી. મંગી કહેતી કે માનસીંગ અને હરિસીંગ કરતાં તે પોતે ઘણી મોટી હતી ! માનસીંગ કરતાં પાંચછ વર્ષે મોટી હોય તો હરિસીંગ કરતાં ત્રણ ચાર વર્ષે મોટી હોય; બીજું શું ?

પણ એ એવી મોટી લાગે છે ક્યારે ?

હરિસીંગ જરા ઊભો રહ્યો. ખેતર આવી ગયું હતું, એકાન્ત અને મંગી ! માનસીંગની હાજરી કોઈ કોઈ વાર એને અણગમતી થતી હતી. એનું કારણ મંગી સાથે એકાંત મેળવવાની તેની ઇચ્છામાં તો નહિ રહ્યું હોય ? તેની સ્ફૂર્તિ, તેનું આરોગ્ય, તેનું બળ તેના પૌરુષને ભાન આપતું હતું શું ?

ભાન તો હતું જ. છેક અસ્પષ્ટ તો કેમ કહેવાય ? પરંતુ અનેક વ્યવસાયોમાં તેનું અસ્તિત્વ આછું આછું સમજાતું. તેનું ઉગ્ર ભાન કૈંક ચોરીછૂપીનાં સ્ત્રીમિલનોમાં પરિણામ પામતું, અને ક્વચિત્ તે સ્ત્રીની શોધમાં પણ પરિણામ પામતું. સ્ત્રી શોધવાની માનસિક ઉશ્કેરણી કદી કદી તેને આખી રાતનો ઉજાગરો કરાવતી અને ચોરીની ઇચ્છા કરતાં પણ વધારે તીવ્ર વ્યગ્રતાનો અનુભવ કરાવતી. મંગી સાથે જ રહેતી હતી, પરંતુ માનસીંગની વિચિત્રતા હરિસીંગને મંગી પ્રત્યે ઘણી વાર ઉદાસીન બનાવતી. આજે માનસીંગ ન હતો. મંગી એકલી જ ઝૂંપડીમાં હતી. મંગી અણગમો આવે એવી ન હતી. અને હરિસીંગને વાગ્યું હતું છતાં તેને સ્ત્રીની ઝંખના થતી હતી. કદાચ એ ઝંખનામાં જ એને વાગ્યું હશે ! સિગ્નલ પાસેની ઝૂંપડીમાં કોઈ સ્ત્રી હશે કે કેમ એ વિચારે તેને ઝૂંપડી તરફ દૃષ્ટિ કરવા પ્રેર્યો અને તેના પગે જરા વાગ્યું. ખેતરમાં પ્રવેશ કરતાં તેનું હૃદય જરા ધડક્યું. પાપ-પુણ્યની નાજુક તુલનામાં નહિ પરંતુ અણધાર્યા એકાંતે કદી ન અનુભવેલી વ્યગ્રતા ઊભી કરીને આ હૃદયધડકાર તેણે ઉપજાવ્યો હતો. સ્ત્રીઓને મળતાં હૃદય ધડકતું; પરંતુ તે પહેલાં. પછી તો તેને અનુકૂળ સ્ત્રીઓ મળી હતી, પ્રતિકૂળ સ્ત્રીઓ પણ ઓળખાઈ આવતી. એટલે સામાન્ય ધડકારો ચાલ્યો ગયો હતો. પછી મંગીની હાજરી આવી [ ૧૫૮ ] કેમ મૂંઝવનારી બની ?

હરિસીંગ ખેતરમાં ગયો અને ધારિયું ખખડાવતો ઝૂંપડી તરફ પહોંચ્યો.

'કોણ છે ?' મંગીએ બહારના ભાગમાંથી પૂછ્યું.

'હું.' હરિસીંગ બોલ્યો.

'ક્યાંથી અત્યારે ? તમે તો બપોર સુધીમાં આવવાના હતા ! માનસીંગને મૂકીને તું એકલો ક્યાંથી આવ્યો ?'

‘તને એકલી ન મૂકવી એમ માનસીંગે કહ્યું.'

'કેમ ?'

‘તેં જતી વખતે અમને ગભરાવ્યા હતા ને ?... તે તું બહાર સૂઈ રહી છે ?'

‘ઝૂંપડીમાં જતાં બીક લાગે છે. બીજી રાત થઈ બહાર સૂતે !'

'કોની બીક ?'

‘મારી પોતાની.'

‘ટાઢે મરી ગઈ હોઈશ; આજની ટાઢ વધારે લાગે છે.'

'હું ટાઢે મરું કે તાપે મરું તેમાં તમારે કોઈને શું ?'

'ઊંઘી પણ નહિ હોઉં.'

‘તે તું મારી કાળજી રાખવા આવ્યો છે ?'

‘નહિ તો શા માટે ? લે આ ધાબળો, હું ઉપાડી લાવ્યો છું. ઓઢ. થથરતી રહે !' કહી હરિસીંગે મંગીના ધનુષ્યાકાર દેહ ઉપર ગરમ સુંવાળો ધાબળો નાખ્યો.

મંગીને હૂંફ વળી. તેને સારું લાગ્યું. માનસીંગ અને હરિસીંગ રાતે તેને છોડીને ગયા પછી તેને લાગ્યું કે તે પાસેના ખેતરમાં જઈ કૂવે પડી આપઘાત કરે. પરંતુ તેને ઊઠવાની ઇચ્છા જ ન થઈ તેના પગમાં જોર ન હતું. છતાં તેના મનમાં વિચારો આવ્યે જ જતા હતા અને સર્વ વિચારો તેને એક જ બાજુએ દોરતા હતા. પોતે ડાકણ તો નહિ હોય ?

એને જે જે અડ્યા તે બધાય મર્યા : એનો ધણી, અભાજી, બાબર... ધરમાશેઠ જીવતા હતા ! ધરમાને પણ મારવો જોઈએ અને ઘેમરમુખીને પણ ખાવો જોઈએ. મરચાંની ધૂણી આપી એણે ગામમાંથી મંગીને કાઢી ત્યારથી એના ભ્રમણની શરૂઆત થઈ. એનું કાળજું કાઢી તળીને ખાધું હોય તો ?

મંગી થરથરી. ટાઢથી કે વિચારથી ? તેનું વિચાર કરતું મન સ્થિર [ ૧૫૯ ] બની ગયું. સ્થિરતામાંથી તે શૂન્યમાં પ્રવેશ્યું. અંધકારમાં તેની દૃષ્ટિ હતી; તેના હૃદયમાં પણ અંધકાર જ હતો. કેટલીયે વાર સુધી તે વિચાર રહિત સ્થિતિમાં બેસી રહી. અત્યંત ઠંડક લાગવા માંડી અને તે જાગૃત થઈ. ઝૂંપડી તરફ જોતા બરોબર તેને પાછી બીક લાગી. મુખ ફેરવી તે જમીન ઉપર પડી, અંદરથી આઘુંપાતળું ઓઢવાનું લાવવા પણ તેણે પ્રયત્ન ન કર્યો. તે જાગતી હતી કે ઊંઘતી હતી ?

મંગીને કશી ખબર ન રહી. આખો દિવસ અને બીજી રાત તેણે વિચારશુન્યતા કે વિચારવ્યગ્રતામાં કાઢ્યો. છતાં હરિસીંગ પાછલી રાતે ખેતરમાં આવ્યો તે તેણે જાણ્યું... હરિસીંગે તેના ટાઢે ઠરી ગયેલા દેહ ઉપર કામળો ઓઢાડ્યો.

મંગીને ઠીક લાગ્યું. થીજી ગયેલું મન ચપળ બન્યું. મનમાં વિચાર ચાલવા માંડ્યા.

‘અલ્યા, જમ્યો નહિ હોઉં !' તેણે પૂછ્યું.

‘જમ્યો છું. તારે કેમ છે ?'

'મારે ? મારે ખાવા માટે કલેજાં ઘડાય છે !' મંગી બોલી અને એકદમ બેઠી થઈ ગઈ. તેના મુખ ઉપર ભયંકર ગભરાટ પથરાઈ ગયો હતો તે. અંધકારમાં પણ હરિસીંગ જોઈ શક્યો.

'મંગી ! તું...'

'હરિસીંગ મારી પાસે જરા આવ. મને બીક લાગે છે.'

‘હરિસીંગ પાસે આવ્યો. શું તેને વગર માગ્યે માદા મળતી હતી ?'

'કહે, શું છે ?'

‘મને પકડી રાખ. હું ગાંડી થઈ જઈશ; મારાથી ચીસ પાડી દેવાશે !'

હરિસીંગે પાસે બેસી તેને વાંસે હાથ ફેરવ્યો. મંગીને હિંમત આવી. બળવાન પુરુષની હાજરીમાં તેણે નિર્ભયતા અનુભવી. તે હસી.

હરિસીંગના પૌરુષને શું આમત્રણ તો નહોતું અપાતું ? રાતનો અંધકાર પુરુષને માગ્યું આપતો હતો શું ?

'ચાલ, અંદર સુવાડી દઉં.’ હરિસીંગે અંધકારને વધારે ગાઢ બનાવવાના ઉદ્દેશથી કહ્યું.

‘રાતે અંદર પગ મુકાય. તું અત્યારે મને ઝૂંપડી બતાવી બિવડાવીશ નહિ.'

‘ઝૂંપડીથી કેમ ડરે છે !'

'અંદર ડાકણ છે; તને અને મને ખાઈ જશે.' [ ૧૬૦ ] 'તને ખાય તો કોણ જાણે ! હું તો કશાથી જ બીતો નથી.'

નિર્ભય બહાદુર પુરુષની હાજરી સ્ત્રીને સદાય ગમે છે. મંગીએ પાછું હસીને પૂછ્યું :

'અલ્યા, મારાથી બીવે ખરો કે નહિ ?'

‘તારાથી ? અંહ !' કહી હરિસીંગે મંગીના ગાલ ઉપર ટપલી મારી.

મંગીને શું એમ લાગ્યું કે તેનામાં માનવ ભાવ હતા? ડાકણની ક્રૂરતા, ડાકણની નિષ્ઠૂરતા, ડાકણનું અમાનુષી હૃદય તેનામાં ન હતું ! એ વિચારે જ તે પ્રસન્ન થઈ ગઈ. ભયથી બચવા તેણે માનુષી વિકારો અને ભાવોને હૃદયમાં મુક્તપણે વહેવા દીધા. એક યુવકને આકર્ષવાનું સ્ત્રીત્વ તેનામાં હતું એ ખ્યાલ તેને નવું જીવતર આપતો હતો શું ? એનું સૌન્દર્ય હજી જળવાયું હતું, ડાકણની વિરૂપતા કે કુરૂપતા તેનામાં હતી જ નહિ ! પછી એને શાની બીક લાગી ?

'મને સૂવા દે, હવે.’ મંગીએ કહ્યું. હરિસીંગે તેના દેહ ઉપરથી હાથ ખસેડી લીધો. હાથ ખસતાં બરોબર તેના હૃદયે ભયનો એક પડકાર અનુભવ્યો. હિંમત લાવી તે સૂતી. હરિસીંગે તેના ઉપર ફરી ધાબળો ઓઢાડ્યો અને બરાબર ગોઠવ્યો; મંગીની પાસે જ તે બેઠો.

ઘુવડનો અવાજ ફરીથી રાત્રીના સૂનકારને ભેદી રહ્યો. છતાં એ સાદ એની માદાએ હજી સાંભળ્યો નહિ !

‘હજી સૂતી નથી શું ?' હરિસીંગે હાલી ઊઠેલી મંગીને પૂછ્યું.

‘ના; મને ઊંઘ નથી આવતી. તને ટાઢ વાય છે એ હું જોઉં છું.'

‘ટાઢ હોય તો લાગે જ ને ?'

'નકામો ટાઢે શા માટે મરે છે ?'

'શું કરું? તાપણું સળગાવું?'

'મૂઆ ! ધાબળો તો આવડો મોટો છે ! આપણે બન્નેને થશે.'

હરિસીંગે ધાબળો ઊંચક્યો. અને તેની નીચે સૂવા તેણે શરીરને લંબાવ્યું. એની પાનીએ સર્પની સુંવાળાશ અનુભવી. તે બેઠો થઈ ગયો.

એના પગ પાસે તો નહિ પરંતુ દૂર એક નાગને લંબાતો ધીમેધીમે રેલાની માફક આગળ વધતો એણે જોયો.

માથા આગળ પડેલું ધારિયું તેણે ખખડાવ્યું, અંધકારમાં નાગ અદ્રશ્ય થયો. બન્ને વચ્ચે વેર ન હતું.

હરિસીંગ ધાબળા નીચે દેહ લંબાવી સૂતો. એના પગને લાગેલી સુંવાળાશ એણે પરખી. મંગીના પગની એ પાની હતી. નાગદેહ ન હતો. [ ૧૬૧ ] એ ધાબળા ઉપર થઈને ટાઢ પસાર થઈ ગઈ.

રાત્રી પણ તે ઉપરથી ઓસરવા લાગી. સુંવાળો શામ અંધકાર ઓગળતાં પ્રભાતની કઠોર ધવલતાએ પૂર્વ બાજુએથી ડોકું ઊંચું કર્યું.

તે જ ક્ષણે કઠોર ધવલતાના પ્રતિનિધિ સરખો એક પુરુષ આવીને ત્યાં ઊભો રહ્યો.

ધાબળા નીચે બે જીવંત માનવીઓ અંધકારનું અસ્તિત્વ સનાતન ધારી નિર્ભય નિદ્રા લઈ રહ્યાં હતાં.

પુરુષ ચોર કે ડાકુ ન હતો !

સ્ત્રી ડાકણ કે પિશાચિની ન હતી !

બન્ને માનવી હતાં : અત્યારે.