હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૪ હૃદયવિભૂતિ
પ્રકરણ ૫
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૬ →
સંઝેરમાં કસુંબા ઘોળાતા હતા, ચાપાણી થતાં હતાં, હુક્કામાંથી ગડાકુની વરાળ નીકળે જતી હતી અને સવારસાંજ લાપસીનાં ભોજન ચાલતાં હતાં. ઘેમરમુખીની દીકરી તેજલનાં અખાત્રીજે લગ્ન લેવાયાં હતાં; આખો મહેવાસ ઉત્સાહમાં આવી ગયો હતો. તેજલના લગ્ન મોતીજી સાથે નક્કી હતાં. મોતીજી એટલે તખતાજીનો દીકરો: અને તખતાજી એટલે ઘેમરમુખીની બરોબરીના ઠાકોર. સંઝેરથી દસેક ગાઉ દૂર આવેલા ગામમાં તખતાજીની હાક વાગતી હતી. ભાઈને મારી, ભત્રીજાને કાઢી મૂકી, ભાભી અને મિલકતને પચાવી પડેલા તખતાજીનો પાછલો ઇતિહાસ ભુલાઈ ગયો હતો. મોતીજી થોડુંઘણું ભણ્યો પણ હતો, અને નાનપણમાં સાહેબનો ડ્રેસ પહેરીને ગામમાં ફરતો હતો. તેજલને માટે એના કરતાં વધારે લાયક વર ભીલવાડામાં દેખાતો ન હતો - જોકે એની ઊંચાઈ તેજલ કરતાં ઓછી હતી. અને ઘોડે બેસતાં હજી તે ગભરાતો હતો એવી વાયકા હવામાં કદી કદી ફેલાતી પણ ખરી.

ઢોલી, શરણાઇયા, માળી અને બારોટો પણ સંઝેરમાં ભેગા થયા હતા. આખા ગામમાં ઉજાણીનો દેખાવ થઈ રહ્યો હતો. ઘેમરમુખીની દીકરી પરણે એ ગામ માટે ઘણો મહત્ત્વનો બનાવ હતો. રાત્રે દારૂની પણ છોળ ઊડતી. દારૂ ગાળનારા ગામમાંથી મળી રહેતા. એ પ્રસંગે ગામને સીમાડે, લાલાપીરને વડે કે કુશ્પીની રેતીમાં ભળભાંખળે કે સંધ્યાકાળે એક ચુડેલ ફર્યા કરતી હતી એવી વાત ઘેમરમુખીને કાને આવી. તપાસ કરતાં એમ પણ સમજાયું કે મધરાતે કે ખરે રણતડકે પણ એની ઝાંખી કોઈ કોઈને થતી. એ ચુડેલ વળી પુરુષનો પણ વેશ કોઈ કોઈ વાર લેઈ ગામમાં મધરાતે ફરતી પણ હતી.

‘આ સંઝરિયા ઠાકોરો આવા નમાલા થયા હશે એની મને ખબર નહિ. ચુડેલ હોય તો હાંકી કાઢો ગામમાંથી; મારા સુધી વાત શાના લાવો છો ?' ઘેમરમુખી ઘૂરક્યા.

‘ખરી વાત છે. એમાં શા વેદ ભણવા'તા?' એક વૃદ્ધે વર્તમાન યુગના યૌવન ઉપર તિરસ્કાર દર્શાવી કહ્યું.

'અને ગામ છે, ભૂતપ્રેત હોય ખરાં ! આપણે રહેવા જોઈએ ત્યારે એમને પણ રહેવા જોઈએ ને ? બહુ બહુ તો વાઘેણી માતાને એક બકરો વધેરો !' બીજા વૃદ્ધે કહ્યું. બલિ વધેરવામાં ગામના ઘરડા તરીકે તેમને ઠીક પ્રસાદ મળ્યા કરતો હતો.

‘પણ મુખી ! તમે બીજી એક વાત જાણો છો ?'

'શી ?'

'કોઈ કોઈ વાર પેલી મંગીવાળું ખોલડું ઊઘડેલું હોય છે !'

‘અને અભાજીવાળી ઝૂંપડીમાં કદી કદી હું દીવો જોઉ છું !'

'વળી કુશ્પીની રેતીમાંથી કદી કદી ગીત પણ સંભળાય છે !'

'આજે વાત, તપાસ કરીએ. એમાં થઈ શું ગયું ? કોઈ જીવ અવગતિયો થયો હોય તો તેનું મન મનાવીશું.' ઘેમરમુખી બોલ્યા.

‘એક અભાજી કમોતે મરી ગયો. એ વખતે ફરતો હોય !' બીજા કોઈએ કહ્યું.

'જે હોય તે, એનો રસ્તો કરીશું.’ મુખીએ કહ્યું.

મુખી પાસે અનેક રસ્તા હતા. દેવ, દાનવ કે માનવ એ સર્વનો મુખીની મુઠ્ઠીમાં સમાસ થતો હતો. તેમણે વડ ઉપર કુશ્તીને મંદિરે, નદીના પટમાં, સીમાડે અને બીજા યોગ્ય સ્થળે નાકાબંદી કરી પહેરા ગોઠવી દીધા. વડ ઉપરની નાકાબંદી કરનાર ટોળીએ અધ્ધર જમીનમાંથી બે વ્યક્તિઓ નીકળી આવતી જોઈ.

‘ધારતી જ હતી કે તું આવીશ. હું તને શોધ્યા કરું છું.' સ્ત્રીનો અવાજ આવ્યો. સહુએ ધાર્યું કે એ જ ચુડેલ હશે, જોકે એના હાથમાં ચૂડા ખખડતા ન હતા.

'મને લાગ્યું કે તું બળી મરી હોઈશ. હું એ જગાએ જઈ આવ્યો. લોકો વાતો કરતા હતા કે બે જણ - એક મરદ અને એક સ્ત્રી - બળી મૂઆં.’ પુરુષનો ભર્યો અવાજ સંભળાયો.

‘એ વાત જતી કર મુખીને ઘેર કાલે જ લગન છે.'

‘જાણું છું, માટે તો આવ્યો છું.’

'શું કરવું છે ?'

'કાંઈ નહિ. લગન થઈ જવા દે.'

‘કેમ એમ ?'

એકાએક વડ ઉપર સંતાયલી ટોળી નીચે કૂદી પડી અને તેમણે બન્નેને પકડી લીધાં. પરંતુ પુરુષ બળ કરી તેમના હાથમાંથી છૂટી અદૃશ્ય થઈ ગયો. સ્ત્રીએ છૂટવા માટે બહુ તરફડિયાં માર્યાં, પણ તેનાથી છુટાયું નહિ. અંતે તેણે છૂટવાના પ્રયત્નો છોડી દીધા. પકડનાર પુરુષો તેને વડની છાયા નીચેથી બહાર ખેંચી લાવ્યા.

સ્ત્રીના વાળ ઊડતા હતા; તેનું કપડું ફાટેલું હતું, ઘેરવાળા ઘાઘરામાં પચાસેક થીંગડાં હતાં, તેના પગ ઉઘડા હતા. પકડનાર પુરુષો તરફ તે ફાટેલી આંખે જોઈ રહી. એના મુખ ઉપર અંધકારમાં પણ ઘેલછા દેખાતી હતી.

'કોણ છે તું ?'

'હું? મને ના ઓળખી ?' કહી સ્ત્રી ખડખડાટ હસી પડી. એના હાસ્યે સંઝેરના મજબૂત ઠાકરડાઓના પગ પણ થથરાવ્યા.

'ચાલ, આગળ થા !' કહી ભય શમ્યા પછી સહુએ એ સ્ત્રીને આગળ ધકેલી.

‘ગામમાં લેઈ જઈ શું કરશો? જેના ઉપર નજર પડશે તેને હું ખાઈ જઈશ.’ કહી પેલી સ્ત્રીએ ફરી ક્રૂરતાભર્યું અટ્ટહાસ્ય કર્યું.

‘તું છે કોણ ?' ફરી એક જણે પૂછ્યું.

'હું ? હું મંગી ! ડાકણ થઈને આવી છું.' દાંત પીસી મંગીએ જવાબ આપ્યો. મંગીના પકડેલા હાથ સહુએ છોડી દીધા. મૃત્યુ કરતાં પણ મંત્રજંત્ર અને ભૂતપ્રેતનો ભય સંઝેરમાં વધારે હતો. મંગી છુટ્ટી થઈ સહુની સામે ઊભી રહી.

‘અહીં શું ખાવા આવી છે ?' એક જણે પૂછ્યું.

‘બધા સંઝેરિયાઓને ખાવા આવી છું. જો મને અડક્યા છો તો...' કહી મંગીએ આંખ કાઢી ઝડપથી બીજી બાજુએ પગલાં માંડ્યા.

મંગીને પકડવાની શક્તિવાળા એ ટોળીમાં હતાં જ, મંગી કરતાં વધારે ઝડપથી દોડનાર માણસો પણ તેમાં હતા. છતાં કોઈએ મંગીને પકડવાની હિંમત કરી નહિ. સહુ પુરુષો થરથર કંપી ઊઠ્યા - અને ભય અસહ્ય થઈ પડતાં એક પળમાં જ સહુએ ગામ તરફ જીવ લેઈને દોટ મૂકી. પાછળ મંગીનું હાસ્ય તેમનો પીછો લેઈ રહ્યું હતું.

‘આવું કે?’ હાસ્યની પાછળ ચીસ પડી.

કોઈએ પાછળ નજર જ ન નાખી ! સીધા તેઓ કુશ્પીની ભેખડે ચડી ગયા; ભેખડે ચડી સહુએ શ્વાસ નીચો મૂક્યો. બીતે બીતે પાછળ જોયું તો મંગી આવતી દેખાઈ નહિ.

‘આપણે કહીશું શું મુખીને ?' શ્વાસ વળતાં એક જણે પૂછ્યું. મુખીનો ભય પણ ડાકણ કરતાં ઓછો ન હતો.

'ખરી વાત. કહી દેવી એ જ ઠીક છે.' ‘એ હં. એમ કહેવું કે મંગી પડાઈ ખરી, પણ હાથમાંથી માખી બનીને નીકળી ગઈ !'

‘એમાં ખોટું પણ શું છે ? થયું તો એવું જ ને ? નહિ તો આપણા હાથમાંથી કોઈ છટકે ?'

'પણ અલ્યા ! રાતે માખી હોય ?'

‘આ ક્યાં સાચી માખી હતી ? ડાકણ ફાવે તે બને, અને ફાવે ત્યારે બને.'

મુખીને સમજાવવા માટે કરેલી યોજના સફળ થશે કે કેમ એવી શંકા સહુના મનમાં હતી જ, છતાં એકમત થવાના ફાયદા સહુએ સમજી લીધા. અંધારામાં ગામપ્રવેશ કરી મુખીના ચોતરા પાસે એ ટોળી આવી. પાછલી રાતના દીવા ઝાંખા થયા હતા, જોકે મધરાત સુધી ઘેમરમુખીના આંગણામાં તો પેટ્રોમેક્સ પણ બળતું હતું.

પરંતુ અંધારામાં અગ્નિ કરતાં વધારે શોષક અને પ્રકાશ કરતાં વધારે તીવ્ર વાતાવરણ ફેલાયું હોય એમ દેખાયું. ચોતરે બેસી મુખી હુક્કો પીતા હતા, પરંતુ તેમની આંખમાં દાવાનળ દેખાયો. સહુને લાગ્યું કે મુખી આખા ગામને બાળી મૂકશે. આવેલા માણસોએ બોલવાની પણ હિંમત ન કરી. જરા રહી મુખીએ આડું જોઈ પૂછ્યું : 'તમે શું ધોળી આવ્યા?'

‘મોટા ! પેલી મંગી ખરીને...' એક જણે કહ્યું.

‘તે ભસ ને બરાબર ! એનું છે શું?’ મુખીએ કહ્યું.

'એ ડાકણ બની છે.'

‘એમાં તે શું કહ્યું? એમ તો તારી માયે ડાકણ છે ! પણ મંગીને લાવ્યા કેમ નહિ ?'

'બાપા ! માખી થઈને હાથમાંથી ઊડી ગઈ.' મુખીને બધા તરફથી જવાબ મળ્યો.

મુખીએ થોડી વાર કશો જવાબ ન આપ્યો. ધીમે રહીને ચોતરા ઉપરથી નીચે ઊતર્યા અને હુક્કો પાસેના એક ચોકિયાતના હાથમાં મૂક્યો. નાસીને પાછી આવેલી ટોળી પાસે જઈ તેમણે ગંભીરતાથી પૂછ્યું :

‘મંગી માખી થઈને હાથમાંથી ઊડી ગઈ ?'

‘હા, મોટા ! પૂછો...'

જવાબ આપનાર વાક્ય પૂરું કરે તે પહેલાં તેના મુખ ઉપર ઘેમરમુખીની લોખંડી ધોલ વીજળી વેગે ઊતરી આવી. તેમની ક્રૂર મુખમુદ્રાએ જીભને પણ કરવત બનાવી દીધી. ધોલ ખાનારની મા બહેનને નિર્લજ્જતાભરી રીતે યાદ કરી ધોલથી અડબડિયું ખાઈ ગયેલા તે પુરુષને મુખીએ કહ્યું :

‘મંગી તો માખી બનીને ઊડી ગઈ, પણ જો તમે હવે એને લીધા વગર આવ્યા તો માખી બનીને મસળાઈ જશો : બધાયને કહું છું !'

આટલું કહી મુખી પોતાના પીંઢરિયા નિવાસમાં ગયા. તોરણથી શણગારેલું તેમનું ઘર પહેલી રાતે ગીતથી ગાજી રહ્યું હતું. અત્યારે તેમાં ભારે શાંતિ ફેલાઈ હતી. એ શાંતિમાંથી ક્વચિત્ ચીસ અને થોડાં ડૂસકાં સંભળાતાં હતાં.

‘શી મોંકાણ અહીં મંડાઈ છે ?' ધોલ ખાનારને ખૂણે બેઠેલો રહેવા દઈ તેની ટોળીના એક માણસે ત્યાં ઊભેલા બીજા માણસને પૂછ્યું. લગ્નપ્રસંગને મોંકાણ કહેવામાં ગ્રામ્ય સંસ્કૃતિ ખાસ ગભરાતી લાગતી. નથી.

‘પેલી તેજલસ્તો !'

‘તેનું છે શું ?'

‘એને મોતીજી સાથે પરણવું નથી.'

‘ત્યારે કોની સાથે પરણવું છે ? એના બાપ...' સામાન્ય થતી વાતચીત ઘેમરમુખીને લાગુ પાડવામાં જોખમ રહેલું સમજી, વિચારી એ. પ્રશ્ન પૂછનાર વાક્ય અરધુ રાખી. અટકી ગયો.

‘એને તો પેલા માનિયા જોડે પરણવું છે !'

‘માનિયો ?... હાં.... હાં.... પેલા અભાજીનો દીકરો. નાનપણમાં ભેગાં રમતાં તે આજ સાંભરી આવ્યું હશે.'

‘નાનપણ તો ઠીક. હમણાં કંઈ શહેરમાં ભેગાં થઈ ગયાં... અને લોકોને તો વહેમ છે કે એકબે રાતથી એ માનિયો જ તેજલને મળવા આવે છે.'

‘પછી ?'

‘પછી શું ? જાન તો કાલે સવારમાં આવશે. મુખી કાંઈ રસ્તો તો કરશે જ ને ?'

‘રસ્તો કેમ કરવાનો ? છોકરીને મનાવવાની વળી.'

‘કોઈનું સાંભળતી નથી, એટલે તો મુખી દાઝે બળે છે ને ?'

એવામાં એક બાજુએથી ખડખડ હસવાનો અવાજ સંભળાયો. એ હાસ્યમાં ભયાનકતા હતી. વાઘવરુના ચિત્કારથી ન બીતા સંઝરના ઠાકોરો આ હાસ્યથી અસ્થિર બન્યા. એક બાઈ હતી. અને દોડતી આવતી હતી. એ જ મંગી ડાકણ છે એમ થોડા માણસોએ જાણ્યું. તેની પાછળ માણસોનું એક ટોળું હતું. 'પકડો, પકડો !' 'ડાકણ છે !'ની બૂમો પાછળ પડતી હતી. સ્ત્રીના મુખ ઉપર ઘેલછાભરેલી સ્વસ્થતા હતી, તેની ફાટી આંખો તેના ચગડોળે ચઢેલા હૃદયનું પ્રતિબિંબ પાડતી હતી. તેના મુખ ઉપર લોહીના રેલા હતા, તેના વાળ ઊડતા ફરફરતા અતિશય ધૂળથી ધોળાશ પડતા બની ગયેલા હતા. તે આવી અને ચૉકમાં ચૉતરા સામે ઊભી રહી. ત્યાં તે ફરીથી હસી અને તેના મુખની વિકરાળતા હુના હૃદયને કંપાવી રહી. તેના બેત્રણ દાંત તૂટી ગયા હતા અને તેના ઘેલા હાસ્યને વધારે ભયાનક બનાવતા હતા. આખું ટોળું શાન્ત પડી ગયું. દીવા પણ હાલતા બંધ થઈ ગયા લાગ્યા. જરા રહી મંગીએ ગાંભીર્ય ધારણ કર્યું. શાંતિથી તેણે પૂછ્યું :

'ક્યાં છે તમારા ઘેમરમુખી ?'

'હમણાં આવે છે ! એ આવશે ત્યારે જ તને ખબર પડશે !' કોઈએ કહ્યું.

‘શી ખબર પડશે ? મેં ઓછો મુખીનો બાપ માર્યો છે ?' મંગીએ કહ્યું.

'એ...! બાપ બાપ કરતી ! કર્કશા...' ઘેમરમુખી ટોળામાં થઈને માર્ગ કરતા આવ્યા અને મંગીનો બોલ સાંભળી જવાબ આપવા તેની સામે ધસ્યા. પરંતુ મંગીના મુખ તરફ જોતાં જ તેમનું વાક્ય અધૂરું રહી ગયું. રાત-મધરાત, વાઘ-વરુ, રેલ કે આગ, ખૂન કે ઘા કશાથી ન બીતા ઘેમરમુખી એક ક્ષણવાર સ્થિર થઈ ઊભા રહ્યા.

‘એ તો હું મંગી ! મને ના ઓળખી ? ડાકણ ! ઘેમર મોટા ! હા... હા.... હા... !' કહી મંગીએ બેફાટ હાસ્ય કર્યું.

'તું કેમ અહીં આવી છે ?'

'તમે મને બોલાવી માટે. આ બધા મને પકડવા આવ્યા. ઘેમરમુખી બોલાવે અને હું ન આવું? પણ જુઓ મોટા ! મને મારી છે તે ! મેં નથી તમારું કાંઈ બગાડ્યું. મેં નથી ગામનું બગાડ્યું ! તોય જુઓ આ લોહીના રેલા ! જુઓ આ બે દાંત તોડી પાડ્યા તે ! ગામની વહુદીકરી હોય, ગામને આશરે આવેલી કોઈ અપરાધી હોય, એની આ દશા કરવાની ? ઘેમરમુખીના રાજમાં આ ન્યાય?’ મંગી નીચે બેસી ગઈ અને તેણે લૂગડું ઢાંકી આંખમાંથી આંસુનો વરસાદ વરસાવ્યો. ફાટેલા વસ્ત્રમાંથી મંગીના અંગ દેખાતાં હતાં. તેનું તેને ભાન ન હતું. છતાં મંગીની બેસવાની લઢણે ઘણા ઘણા યુવકોને જૂની રસિક મંગીની સ્મૃતિ તાજી કરાવી. તેના રુદને ઘણાય હૃદયમાં ધબકાર વધાર્યા. ઘેમરમુખી જાતે જ ગળામાં ડચૂરો બાઝતો અનુભવી રહ્યા.

'પણ મંગી !' ઘેમરમુખીએ આંખો લૂછી મુખ ઉઘાડતી મંગીને કહ્યું.

'મંગી તો મરી ગઈ !'

'તો તું કોણ છે?'

'હું મંગીનું ભૂત છું... આ જુઓ મોટા ! પેલો રત્નો ! એની જોડે ઘર માંડવાનું મને કહેનારો ! અને આજે વધારેમાં વધારે ડાંગો મને કોઈએ મારી હોય તો એ રત્નાએ... હા... હા... હા... હા... હા....' મંગી હસી પડી. તેના રુદનથી સહુને ઉત્પન્ન થયેલી દયાની આછી લાગણી તેના હાસ્યથી ઓસરી ગઈ.

'એ બધાને હું જોઈ લઈશ. પણ કહે ને, તારે અહીં શું કરવું છે ?' ઘેમરે પૂછ્યું.

'મારે ? મારે શું કરવું છે ? કહું ?.. સાંભળો. સહુથી પહેલાં તમે મને ડાકણ કહી. એ હવે હું તમને ખાવાની.' મંગીની ખૂનભરી આંખો આખી મેદનીને ચમકાવી રહી. ઘેમરમુખી જોડે લાંબી વાતચીત કરવાની હિંમત કોઈ પુરુષમાં પણ ન હતી. આ તો એક સ્ત્રી ઘેમરમુખીને ભક્ષ કરવાની સામે મોંએ ધમકી આપતી હતી.

'બીક બતાવે છે ? તારા જેવી કૈંક ડાકણોને મેં જીવતી બાળી મૂકી છે, સમજી ?' ઘેમરમુખી બોલી ઊઠ્યા. સામનો થયે મુખીની શક્તિ પૂરી ખીલી ઊઠી.

'કહો તો એ બધાં નામ ગણાવી જાઉ.' મંગીએ ઘેમરમુખી તરફ નજર તાકીને કહ્યું.

‘કાલ સવારે ગામનો સીમાડો છોડી તું જવાની કે નહિ ?'

‘હું તો તેજલનું લગન મહાલવા આવી છું ! ખબર છે ને કે તેજલ મારી નાની બહેનપણી હતી તે ?' મંગી બોલી અને હસી.

‘લાવ, આની જીભ કાપી નાખું.' કહી ઘેમરપટેલે તેની પાસે જઈ લાત ઉગામી. મંગીને હવે લાત, લાકડી કે ડાંગનો ડર રહ્યો જ ન હતો; તેણે ઘેમર સામે જોયું અને ઘેમરનો પગ પાછો પડ્યો.

એક ઘોડેસ્વાર દોડતે ઘોડે આવી પહોંચ્યો.

‘મુખી ! જુઓ, આ સમાચાર આવ્યા. ઘડીમાં જાનના રથ આવી પહોંચશે. સામૈયાની તૈયારી કરો.’ મંગીએ ઘોડેસ્વારને ઓળખી કહ્યું. ઘોડેસ્વાર એ જ સમાચાર લાવ્યો હતો.

જીવનમાં પહેલી વાર ઘેમરમુખીએ મૂંઝવણ અનુભવી. તેજલ લગ્નની જ ના પાડતી હતી. માનસીંગ અને મંગીની આ અસર ઘટી ગઈ હોવી જ જોઈએ એમ માનતા મુખીએ. છેવટની ઘડીએ એ અસરને સજીવન થતી જોઈ. તેજલના પક્ષપાતની સહજ શંકા પડતાં જ તેમણે અભાજીને વિદાય કરી દીધો અને ધરમચંદને ત્યાં મંગીને ધકેલી મૂકી; માનસીંગ આપોઆપ અદ્રશ્ય થઈ ગયો હતો. એ ઘટમાળ પાછી. છેલ્લી ક્ષણે જાગે એ અસંભવિત સ્થિતિ તેમને અસહ્ય થઈ પડી.

'હા હા, કરો તૈયારી. શું છે ? અને આને અહીંથી ઘસડી જાઓ.’ મુખીએ કહ્યું.

‘હું મરીશ તોય અહીંથી ખસીશ નહિ.' મંગીએ કહ્યું.

‘અલ્યા, કોણ છે ! ખાડો ખોદ, અને આ ડાકણને જીવતી અને જીવતી. અહીં જ દાટી દે !' મુખીએ આજ્ઞા આપી.

'પણ હું ખાડામાંથી નીકળી આવીશ, હોં મોટા ! લગન વખતે જ !' જાણે પોતાનામાં એવી જાદુઈ શક્તિ ભરી હોય એમ ખાતરીથી મંગી બોલી. કોઈ પણ જાદુઈ શક્તિવાળા સ્ત્રીપુરુષે ઘેમરમુખી સામે આવી બેફિકરાઈ બતાવી ન હતી. મુખીને શંકા પડી કે કદાચ મંગી એવી શક્તિ મેળવીને તો બેઠી ન હોય ? એવી જ શંકા મુખીની જ ઉંમરના તેમના એક મિત્રને આવી. તેમણે મુખીને દૂર બોલાવી કશી વાત કરી, અને તેમને ઘરમાં મોકલી દીધા, આજુબાજુ ભેગાં થયેલાં ટોળાંને વિખેરી નાખ્યાં, અને ખાસ અંગનાં માણસો રહ્યાં એટલે તેમણે કહ્યું :

‘છોડી ! તારે ઢંગથી વાત કરવી છે કે આમ ને આમ ?'

‘હું તો ઢંગથી જ વાત કરું છું. મને ડાકણ તમારે કરવી છે એટલે હું ડાકણ થઈ. મને ગામ બહાર કરવી છે તો હું ગામમાં આવતી નથી. હવે તમારે શું જોઈએ ? મારી નાખવી હોય તો તેમ કરો. મારું કોઈ નથી જે તમારી વચ્ચે આવે.' મંગીએ કહ્યું.

'એ બધી વાત જવા દે. તારે લગન થવા દેવું છે કે નહિ ?'

‘મેં કયે દહાડે ના પાડી ? અને મારી ના પાડવાથી તેજલનું લગન કાંઈ અટકવાનું છે ?'

‘હા હા, તું જ વચ્ચે આવે છે !' કહી ઘેમરપટેલ વળી વચ્ચે આવ્યા.

‘મને વચ્ચેથી કાઢવા તો આ બધું થાય છે ! તો કરી જુઓ બધુંયે.’

‘જો, તું કાંઈ રસ્તો બતાવે તો અમારે કાંઈ કરવું નથી.’ મુખીના મિત્રે કહ્યું.

‘જુઓ ને ! લગન કાંઈ અટકવાનું નથી, તેજલ ના પાડતી હોય તો એને બાજુએ મૂકો અને બીજી કન્યા લાવી. એને તેજલનું નામ આપો, ઘેમરમુખીને એ શીખવવું પડશે ?' મંગી હસીને બોલી, છતાં તેના મુખ ઉપર સહુને જ્ઞાન દેખાયું. આ જ માર્ગ ઘેમરમુખી લેવાના હતા.

‘અરે, પણ એ તે કાંઈ બને ? તેજલને ક્યાં રાખવી ?'

‘તેજલને ઝેર પાઈ સુવાડી દેવી કે પછી એ બોલે જ નહિ. કેમ મોટા ! ખોટું કહું છું ?' મંગીએ તીણી આંખ કરીને કહ્યું.

ખરે, ઘેમરમુખીએ આ જ માર્ગ શોધી કાઢ્યો હતો. તેજલની જક લાંબી ચાલે એ મુખી માટે અસહ્ય હતું. અને તેમની ધારણા પ્રમાણે વર્તન ન કરનાર પુત્રીને ઝેર આપી દૂર કરવામાં મુખીના મનને બહુ દુઃખ થાય એમ ન હતું. સગાંસંબંધી કે મિત્ર એ સર્વ ઘેમરમુખીની બાજીમાં માત્ર સોગઠાં જ હતાં. મંગીએ આ હકીકત ક્યાંથી જાણી ? ઘેમરમુખીને પૂરેપૂરા ઓળખી ગયેલી ચબરાક મંગીની એ સાચી કલ્પના હતી ? કે એ ડાકણને દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી ? મુખી અબઘડી અંદર જઈ ઝેરનો પ્યાલો જોઈ આવ્યા હતા; માત્ર તેજલની મા એ ઝેર તેજલને પાવામાં વાર કરતી હતી. તેજલને સમજાવી લેવાની તેને આશા હતી.

‘જાઓ તમે બધા ! અહીંથી આઘા ખસો, સામૈયાની તૈયારી કરો.' મુખીએ બૂમ પાડી અને બધા જ ચાલ્યા ગયા. માત્ર મુખી અને તેમના મિત્ર મંગી સામે ઊભા રહ્યા. મંગીને લાગ્યું કે કદાચ મુખી તેને ઝટકાવી પણ નાખે ! પરંતુ એને મૃત્યુનો તો ભય હતો જ ક્યારે ? કેટલીયે વાર એણે મૃત્યુની કરાલ દૃષ્ટિ નિહાળી હતી.

‘બધું ખરું ! પણ કાંઈ તેજલ માને એવું તારાથી થાય એમ છે ? તે નજરબંધી કરી હોય તો તું હવે એ છોડ.' મિત્રે કહ્યું.

'છે ! એમાં મોટી વાત શી છે ? મને આટલા સારુ બોલાવી હતી ? તો મને પહેલેથી કહ્યું શું નહિ ?' મંગી.એ ઉત્સાહથી કહ્યું.

‘તો તેજલ પાસે લગ્નની હા કહેવડાવ.'

‘એક જ શરત.'

‘શી ?'

‘હું ગામમાં ફાવે તેમ પડી રહું, મને કોઈ હરકત ન કરે.'

'કબૂલ ! એમાં શો વાંધો છે?'

‘તો મોકલો તેજલને અહીં. હું અબઘડી હા કહેવરાવું. કાલે લગન અને મુખીની ફ્તેહ !'

મુખીના મિત્રે વળી પાછા મુખીને બાજુએ લઈ જઈ સમજાવ્યા. તે અંદર જઈ તેજલને બોલાવી લાવ્યા. સારાં કપડાંઘરેણાં પહેરી આવેલી તેજલના મુખ ઉપર ગ્લાનિ હતી અને દૃઢતા હતી. ઝેરનો પ્યાલો તે હાથમાં ઝાલી ચૂકી હતી. જોડે તેની મા અને ભોજાઈઓ, ભાઈઓ અને મુખી પણ હતાં.

‘એકલી તેજલને આવવા દો, દગદગો ન રાખો. ઝેર મારી પાસે નથી.' મંગીએ કહ્યું. અંધારું ઓસરવા માંડ્યું હતું. દીવા બળતા હતા છતાં પ્રભાતનું સૂચન આપતી ઝાંખપ એ દીવાને લાગી ચૂકી હતી. તેજલને એકલી મોકલતાં જરા ડર તો સહુને લાગ્યો. પરંતુ એક પાસ તેજલને આપવાનું ઝેર હતું અને બીજી પાસ તેજલના જીવિતની નિશ્ચિતતા અને લગ્નની સંમતિ હતાં. બિહામણી મંગી પાસે તેજલને મોકલી સહુ કોઈ પચીસ-ત્રીસ ડગલાં દૂર ઊભાં રહ્યાં.

તેજલ પાસે આવતાં મંગીએ પોતાના કપાળે હજી નીતરતા રુધિરમાં આંગળી બોળી અને તેજલને તેનો ચાંદલો કર્યો. સામે ઊભેલાં સહુ કોઈ થરથરી ઊઠ્યાં.

'મૂઈ ! ગભરાય છે શાની ? હું તો ડાકણે નથી અને શાકણે નથી. તારે માનસીંગ જોઈએ એ જ વાત છે ને ?' મંગીએ બહુ જ ધીમેથી પૂછ્યું. પૂછતી વખતે તેના મુખ ઉપર અકલ્પ્ય મૃદુતા દેખાઈ.

'હા.'

'તો આ લગનની હા કહે.'

'મરી જાઉ તો ભલે, પણ...' તેજલ બોલી.

તેને અટકાવી દઈ મંગીએ કહ્યું: ‘જો, લગન થશે પણ તારે રહેવાનું અહીં અને બેચાર માસમાં તને ગમે ત્યાં માનસીંગ ઉપાડી જશે. લગ્નની ના કહીશ તો જીવથી જઈશ, અને માનસીંગ તને ભૂલી બીજી કરશે એ પણ ચોક્કસ. એક વખત હા પાડ. ઘેમરમુખીને આ વખતે ખબર પાડવી છે.

'મંગી ! તું મને દગો દે છે?'

'બધાને દગો દઈશ, માત્ર તને અને માનસીંગને નહિ. તમને ભેગાં જોવા માટે હું જીવું છું. કહે હા, વાર ન કર !'

'કબૂલ તું કહે તેમ. માનસીંગ એમ મળશે ?' તેજલે પૂછ્યું.

અને મંગી હસી. તેનું અશબ્દ હાસ્ય પણ સહુને ભયાનક લાગ્યું. તેણે સહુને ઇશારત કરી પાસે બોલાવ્યાં.

‘લો, મોટા ! આ તમારી દીકરી હા પાડે છે. લગન લીધાં છે તે કરી નાખો.' મંગીએ કહ્યુ. ‘એમ? ખરી વાત ?’ તેજલની માતાએ આગળ ધસી આવી પૂછ્યું. પુત્રીની જીવનદોરી લગ્નને દિવસે જ તોડવા તત્પર થયેલા ઘેમરમુખીને તેમનાં પત્નીએ મહા મહેનતે રોકી રાખ્યા હતા.

'જાઓ, અંદર જઈને પૂછો.' મંગીએ કહ્યું, અને પોતાનાં જ પહેલાં ફાટેલાં કપડાં વડે મંગીએ દેહ ઉપર ઝમતું લોહી લૂછી નાખ્યું અને મુખીના ચોતરા ઉપર તે સૂતી. સૂતે સૂતે તેણે એક સૂચના આપી :

‘ઘેમર મોટા ! તેજલે હા તો કહી, પણ એનું એક વેણ રાખજો.’

'શું ?'

‘એને લગન કરીને તરત સાસરે વિદાય ન કરશો.'

‘ત્યારે ક્યારે ?'

‘દશરાને દહાડે. કુશ્પી માનો મેળો પૂરો થાય ત્યાર પછી.’

'એમ કેમ ?'

'એ એમ. માતાજીનો હુકમ છે !' કહી તેણે આંખ મીંચી અને લગભગ તે આખોય દિવસ ત્યાં જ પડી રહી. લગ્નની જાન આવી ત્યારે તે ચૉતરેથી ઊઠી એક ખૂણે જઈ બેઠી; તેની આંખમાં ઊંઘ ન હતી.