હૃદયવિભૂતિ/પરિપાક/પ્રકરણ ૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૬ હૃદયવિભૂતિ
પ્રકરણ ૭
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૧ →
છસાત માણસો કુશ્પીના સૂકા બની ગયેલા પ્રવાહને ઓળંગી આવતાં હતાં. તેમણે સંઝેર ગામ તરફ દૃષ્ટિ કરી.

‘પેલું દેવળ હજી ઊભું છે, નહિ ?' એકે પૂછ્યું.

‘હા, એ જ મહત્વનું છે. કુશ્પી અને સંઝેરનો બીજો તપાસ થયો, પરંતુ આ મંદિરની કારીગરી જોવાની રહી ગઈ.' બીજાએ જવાબ આપ્યો.

‘મને એ જ ક્યારનું ખૂચતું હતું. ચાલો દસ વર્ષે પણ આપણે એટલું નક્કી કરીશું તો કુશાન થાણાંની વધારે વિગતો સમજાશે. એ મંદિર અતિ પ્રાચીન છે એમ ત્યારે પણ લાગતું હતું.' ત્રીજા ગૃહસ્થે કહ્યું.

કૅમેરા સઘળું કહેશે. મૂર્તિ અને મંદિરનું બાંધકામ બન્નેને જુદાં ચકાસવાં પડશે.

સવારના આઠ નવના સુમારમાં એ. સર્વ ગૃહસ્થો કુશ્પીની ટેકરી ચઢી. મંદિર પાસે આવ્યા. તેમની પેટીઓ, બિસ્તરા અને બીજો સામાન લઈ મજૂરો આગળથી આવી પહોંચ્યા હતા. ભણેગણે તે સાહેબ બને અને ના ભણે તે મજૂરી કરે. ગામડાના લોકો મજૂરી કરવાની શક્તિથી આગળ વધ્યા લાગતા ન હતા.

મંદિરને ઓટલે એક ભિખારણ સરખી સ્ત્રી બેસી રહી હતી. એની દૃષ્ટિ નદીના પટ ઉપર એકાગ્ર થયેલી હતી. તેને નવા આવનાર માણસોમાં જરાય રસ ન હતો; તેમના આવ્યાની તેને જરાય ખબર હોય એમ પણ. લાગ્યું નહિ.

‘કોણ છે આ બાઈ ?' મંદિરને અડીને આવેલી ધર્મશાળા તરફ વળતાં. એક જણે પૂછ્યું.

‘એના ભણી જોશો જ નહિ, સાહેબ ' એક પ્રતિષ્ઠિત લાગતા ગામડિયાએ કહ્યું.

‘કેમ ?'

'અરે વાત જવા દો ને ! એ તો... ડાકણ... છે !' ધીમે રહીને પેલા ગામડિયાએ કહ્યું,

દસ વર્ષ બાદ સંઝેર ગામ અને કુશ્પી નદીમાં સમાયેલા પ્રાચીન જ્ઞાનની ખાણ ખોદવા આવેલા વિદ્વાન પુરાત્ત્વવિદોના અગ્રણીને આ સાંભળી નવાઈ લાગી. ભૂતપ્રેત, ડાકણ શાકણની માન્યતા ઐતિહાસિક અને વિદ્વત્તાની દૃષ્ટિએ તેઓ સમજી સમજાવી શકતા હતા, પરંતુ જીવંત વર્તમાનમાં એ માનવવિકૃતિ શક્ય હોય એમ તેમણે કદી માનેલું નહિ. તેમણે વધારે વાત એ સંબંધમાં ન કરતાં પૂછ્યું : 'પેલા જૂના મુખી નથી કે?'

'કયા, ઘેમરસંગ ?'

'હા, હા, જરા જોરદાર હતા અને જેમણે અમને આ ગામલોકોના રોષમાંથી બચાવી લીધા હતા તે.'

‘એ તો વરસદહાડાથી ખાટલે પડ્યા છે. “આજ મરું કાલ મરું"માં છે. હવે મુખી હું છું.'

‘શાથી એમ થયું ?'

'પેલી બેઠી છે તે જોયું ને !' નવા મુખીએ ત્રાટક કરતી મંગી તરફ આંગળી ચીંધી.

'એટલે ?'

‘ઘેમરસંગનું કાળજું એ ખાઈ જાય છે.'

‘તમે ઘેમરસંગના શા સગા થાઓ ?'

‘હું એમનો દીકરો છું. જુઓ સાહેબ ! આ ધર્મશાળામાં મુકામ રાખ્યો છે. બે માણસો આપની પાસે બેસી રહેશે, જરૂર પડ્યે હું હાજર છું. આપ બધે ફરો. જુઓ અને છબીઓ પાડવી હોય તો પાડો. પણ... કોઈ બૈરીની નહિ. અને... પેલી મંગીને છેડશો નહિ.'

શોધકોને મૂકી મુખી ગામમાં ગયા. શોધકોએ પડેલી ધર્મશાળામાં પોતાનો મુકામ કર્યો. શોધખોળનું કામ કાંઈ સુખવાસીઓનું કામ નથી. ભારે અંગમહેનત, દૃઢ નિશ્ચય અને સાહસ માગતું ઐતિહાસિક શોધનું કાર્ય બધા કરી શકતા નથી, ધગશ અને ધ્યેયલક્ષીપણા વગર એ કદી ન બને.

આખો દિવસ તેમણે ફેરણી કરી. તેમણે મંદિર જોયું. મંદિરની તસુએ. તસુ જગા જોઈ; મંદિરની દીવાલ અને મંદિરની છત જોઈ. મંદિરના ખૂણે ખૂણા શોધ્યા; બહારથી તેમ જ અંદરથી માતાની મૂર્તિ પણ નિહાળી અને સર્વની છબીઓ પાડી લીધી. બહાર પડેલી ઇંટો, પથરા, ઈંટપથરાના રંગ અને માપ પણ તપાસ્યાં. કોઈ પણ રીતે આ સ્થળ પ્રાચીન કાળની સાથે સંકળાયેલું પુરવાર કરવાના તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા. શોધખોળ માટે એક દિવસ બસ ન થાય. સંધ્યાકાળે સર્વ વિદ્વાનોએ ટેકરા ઉપર બેસી આથમતા સૂર્યની શોભા નિહાળી. ઉત્તર ધ્રુવપ્રદેશની સંધ્યા વિષે વાંચેલાં વર્ણનો યાદ કર્યા. પ્રાચીન કાળનો પ્રકાશ ઉઘાડતા આ વિદ્વાનોને વર્તમાન યુગનો અંધકાર સલામતીભર્યો ન લાગ્યો. એટલે આછા આછા તારાઓ ઊઘડતાં તેઓ પશ્ચિમ આકાશનું લાલિત્ય જોવું છોડી દઈને ધર્મશાળા તરફ પાછા વળ્યા.

સવારથી બેઠેલી મંગી હજી ત્યાં જ બેસી રહી હતી ! - સરકારી રાહે આવેલા વિદ્વાનોની ખાતરબરદાસ કરવા મુખી સાંજે પાછા આવ્યા. થોડીઘણી વાતો કર્યા પછી એક વિદ્વાને પૂછયું : 'આ બાઈ અહીંથી ખસતી જ નથી શું ?'

'ન છૂટકે ખસે.'

‘અહીં શું જોયા કરે છે ?'

‘એનું નામ જ જવા દો ને ! એ મરે કે ગામમાંથી જાય તો જ આ ગામ સુખી થાય. આ તો એને લીધે આખું ગામ ઉજ્જડ થવા બેઠું છે !' મુખીએ કહ્યું.

‘અમને તો કાંઈ હરકત નથી ને ?' અંધારી રાતે વિદ્વાનોએ પોતાની સલામતીની ખાતરી કરી લીધી. સાહસ અને શૌર્ય જરૂરનાં છે, પરંતુ શોધખોળમાં સલામતી પણ જરૂરની છે.

'ના રે ! અજાણ્યાને - પરદેશીને એ કશું કરતી નથી. એને વેર છે ગામ જોડે.' કહી મુખી વિદાય થયા.

વિદ્વાનોના રસોઇયાએ રસોઈ કરી, નોકરે પથારીઓ કરી. ગામડામાં, ગામડાની ધર્મશાળામાં દુઃખ તો પાર વગરનું પડે. પરંતુ નોકરરસોઈયાની સહાય વડે વર્તમાન યુગના વિદ્વાનો ઘણી ઘણી મુસીબતોનો સામનો કરી આદર્શ સિદ્ધ કર્યે જાય છે.

‘પેલી બાઈ હજી જમી પણ નથી !' જમ્યા પછી એક વિદ્વાનને પારકું દુઃખ દેખાયું.

'કશું વધ્યું હોય તો આપો.' બીજા વિદ્વાને આજ્ઞા કરી. વર્તમાન વિદ્વાનો પણ વર્તમાન ધનિકો માફક વધેલી વસ્તુ જ અર્પણ કરે છે; અને એને દાન, સેવા તથા પરોપકાર કહે છે.

‘પણ એની પાસે જવાની ના પાડી છે ને ?' ત્રીજા વિદ્વાને કહ્યું.

‘એમ બીવાનું કારણ નથી. મોકલો નોકરને.’ ચોથા વિદ્વાને કહ્યું. અજાણ્યાને એ બાઈ હેરાન કરતી નથી એવી ખાતરી મળ્યા પછી વિદ્વાનો પણ ભયનો સામનો કરે છે - તેમાંયે મોખરે બીજાને મોકલવાની સગવડ હોય તો તેઓ ભયને ઓળખતા જ નથી. નોકર ખાવાનું લેઈ ગયો, પરંતુ તત્કાળ તે પાછો આવ્યો : 'વધેલું કે અજીઠું ખાવાની એ બાઈ ના કહે છે.’

ખરે, વધ્યાઘટ્યા ખોરાકનો વધીવટી વિદ્ધતા જેટલો જ ગ્રામજીવનને તિરસ્કાર હોય છે.

‘પછી એ ખાશે શું ?' એક વિદ્વાને પૂછ્યું. જાતની કાળજી પૂરી થયા પછી બીજાની કાળજી લેવાનું શક્ય બને છે.

‘કાંઈ કરે છે ખરી, બે ઈંટો મૂકી લાકડું સળગાવ્યું છે.' નોકરે જવાબ આપ્યો.

‘એ કેમ ત્યાં બેસી રહે છે ?' બીજા વિદ્વાનને જિજ્ઞાસા થઈ.

‘કોઈની રાહ જુએ છે એમ કહે છે.' નોકરે કહ્યું.

‘તપાસ તો કરીએ.'

‘આપણે બધા જ જોઈએ.’ જિજ્ઞાસા એ વિદ્વાનોનું લક્ષણ છે. જોખમ વહેંચાઈ જતું હોય તો જવાબદારી ઠીક લઈ શકાય; અને સમૂહમાં વિદ્વાનો પણ વીર બની શકે છે. ડાકણનો પણ ડર રાખ્યા વગર વિદ્વાનો ધર્મશાળાની બહાર નીકળ્યા. દસ ડગલામાં મંદિર આવ્યું. મંદિર સાથે જડાયલી મંગી ચૂલાનો અગ્નિ સંકોરી રહી હતી. આસપાસના અંધકારમાં મંગીનો ચૂલાનો અગ્નિ અને આકાશના તારા સિવાય બીજું તેજ દેખાયું ન હતું.

છમ્મ...

ચૂલા ઉપર કાંઈ તળાતું હતું ? અડદના લોટનું વડું હશે ?

‘બાઈ ! તારું નામ શું ?' એક વિદ્વાને સભ્યતાપૂર્વક વાત શરૂ કરી.

'મંગી'.. કોઈના તરફ નજર કર્યા વગર મંગીએ જવાબ આપ્યો.

'શું કરે છે અંધારામાં ?'

‘ઘેમરમુખીનું કાળજું તળીને ખાઉ છું.' મંગીએ જવાબ આપ્યો, અને એકાએક ભયાનક હાસ્ય તૂટી પડ્યું.

શાંત જગતને એ હાસ્યે હલાવી નાખ્યું. પાસે આવેલા ગામનાં કૂતરાંએ રુદન શરૂ કર્યું, સીમનાં શિયાળ પણ કુહુ કુહુ કરી ઊઠ્યાં. વિદ્વાનોનાં હૃદય થાકી ગયાં.

‘કેમ કોઈનું કલેજું ખાય છે ?'

‘મારું કાળજું હતું ત્યાં સુધી તે ઉપર ચલાવ્યું; હવે મને ડાકણ કહેનાર બધાયનાં કાળજાં...' કહી મંગી એ વાક્ય પૂરું કરતાં પહેલાં હાસ્યનો બીજો ફુવારો ઉરાડ્યો.

'મુખી જોડે કાંઈ વેર છે તારે ?' ‘વેર ? છે તો બધા જોડે છે; તમારી જોડે પણ ! આખું જગત મારું દુશ્મન છે. હું કુશ્પીમાને રોજ વીનવું છું કે આખા જગત ઉપર એ ફરી વળે અને એકેએક જીવતા જીવને ગૂંગળાવી ડુબાડી દે.'

‘પણ કાંઈ કારણ ?'

'કારણ ? બેસો નીચે. હું તમને કારણ બતાવું..' કહી મંગીએ બીજું વડું તળવું બાજુએ રાખી પોતાના વીતકની આખી કહાણી આ વિદ્વાનોના સમૂહને રણકતા અવાજે કહી સંભળાવી.

વાત કહેતાં તે રડી, હસી, ગુસ્સે થઈ. તેના મુખ ઉપર એકેએક ભાવ અંધકારમાં પણ ઊપસી આવતો. વાત કહેતાં તેની સૌંદર્યરખાઓ પણ ઊઘડી આવતી, અને તેની આંખમાં માર્દવના ફુવારા પણ ઊડી રહેતા અને ક્રોધનો ધગધગતો અગ્નિ પણ જગતભરને બાળતો તેની વાણીમાં પ્રજળી ઊઠતો. પ્રાચીન સિક્કાઓ, પ્રાચીન મૂર્તિઓ, પ્રાચીન ખંડેરો જે ભાવ આ વિદ્વાનોમાં ઉપજાવી શકતાં હતાં, તે સર્વ ભાવ મંગીની કથનીએ તેમના હૃદયમાં ઉપજાવ્યા.

નહિ; એ કરતાં પણ વધારે જીવતા ભાવ એ કથનીએ ઉપજાવ્યા. મંગી ચલણી સિક્કો મટી ગઈ હતી, પરંતુ એનામાં તાવીજની મારણશક્તિ હતી. એની મૂર્તિ ખંડિત હતી, પરંતુ ખંડનનો ઇતિહાસ કહી શકતી જ મૂર્તિ જીવંત હતી. એનું હૃદય ખંડેર હતું, પરંતુ એ ખંડેરની ભૂતાવળ હજી તેની કથની ગાવા જેટલી જાગ્રત હતી. એકાગ્રતાપૂર્વક સાંભળી રહેલી વિદ્વાન મંડળીને મંગીએ પૂછ્યું :

‘કહો ! હું હવે આખા જગતમાં માનવીને ખાઈ જાઉ તો મારો વાંક છે? તમારો સુધ્ધાં?

વિદ્વાનોની પાસે એનો જવાબ ન હતો. પ્રાચીન જગતનાં ખંડેરી કરતાં અર્વાચીન જગતનાં ખંડેરો શું ઓછું પુનર્વિધાન માગે છે ?

અને એ પુનર્વિધાનની શક્તિ વિદ્વાનોમાં હતી ખરી ? ખંડેર જગતના વિદ્વાનો પણ શું એ ખંડેર જગતનો જ ભાગ ન હતા? તે પણ ખંડેરને લાગેલા લૂણા સરખા - નિરુપયોગી ! વર્તમાન જીવન જ ખંડનભર્યું હોય ત્યાં પ્રાચીન જગતને શું જોવું?

‘પણ મંગી ! તું અહીં આખો દિવસ અને રાત કેમ બેસી રહે છે ?' એક વિદ્વાને પૂછ્યું. મંગીના મુખ ઉપર માનવતાની ચાંદની ખીલી નીકળી,

માનવતા ? માનવીનાં કૃત્યો જોતાં એ શબ્દ બદલી નાખવાને પાત્ર છે એમ એ વિદ્વાનોને લાગ્યું. મંગીએ જવાબ આપ્યો : ‘મારો દીકરો અને વહુ આવવાનાં છે ને !'

એ જવાબમાં ગાંભીર્ય હતું, શ્રદ્ધા હતી, ખાતરી હતી.

'એ કોણ ?'

‘વાત તો હમણાં કહી, એટલામાં ભૂલી ગયા? માનસીંગ મારો દીકરો અને તેજલ એની વહુ !' મંગીએ સ્મિત કરીને કહ્યું. એ સ્મિતમાં મંગી ડાકણના ખંડેર બની ગયેલા દેહનાં કોઈ ભૂતસૌન્દર્યનો પડછાયો પ્રગટ થયો.

બન્ને ખોટી વાત હતી, નહિ ? માનસીંગ એનો દીકરો હતો ? સગો નહિ અને ઓરમન પણ નહિ ! અભાજી સાથે મંગીનું લગ્ન ક્યારે થયું હતું ?

અને તેજલ પણ માનસીંગ સાથે ક્યાં પરણી હતી? એ બન્ને તો નાસી. ગયેલાં મનાય !

પરંતુ જગતની દૃષ્ટિ અને મંગીની દૃષ્ટિના કોણ જુદા હતા; માટે જગતમાં ખંડન !

‘પણ ઘેમરમુખીએ બન્નેને તીરથી વીંધી નાખ્યાં હતાં ને ?' એક વિગત શોખીન વિદ્વાનથી ન રહેવાયું એટલે તેમણે પૂછ્યું.

'ના રે ! કુશ્પીમાની મેં તે જ ઘડીએ બાધા રાખી. માએ બન્નેને બચાવી લીધાં છે.'

‘તને કોણે કહ્યું ?'

'કુશ્પીમાએ જાતે મને કહ્યું.'

‘શું કહ્યું?'

'કે માનસીંગ અને તેજલ પાછાં આવે છે. એમનો મારગ જોઈ રાખ.'

‘પણ આટલા બધા દિવસ વીતી ગયા છે ને ?'

‘તેમાં શું ? મને લાગે છે કે.... વરવહુ... દીકરો લેઈ આવે છે... આવે કે હું માને નાળિયેર વધેરું... જુઓ, આ રાખી મૂક્યું છે.' કહી મંગીએ ઓટલા નીચે સંતાડેલું નાળિયેર સહુને બતાવ્યું.

વિદ્વાનોને લાગ્યું કે મંગીના હૃદયની રાખ વધારે ઉરાડવાની જરૂર ન હતી.

મોતી અને હીરા, ચાંદી અને સોનું એ જગતની વિભૂતિઓ બાળી ભસ્મ કરી તેની ઔષધિ બનાવાય છે. હૃદયની ભરી ભરી વિભૂતિઓ બાળ્યા કરે છતાં જગતને સજીવન કરતી ભસ્મ હજી માનવ જાતને કેમ લાધી નથી ? સવારે અભ્યાસી વિદ્વાનોએ અભ્યાસ સમેટી લીધો, અને સંઝેર ગામ છોડ્યું. સંઝેરની વ્યુત્પત્તિ, કુશ્પીનાં મૂળ અને ઠાકરડાઓના ઐતિહાસિક સંબંધો વિષે તેમને કશું સંશોધન કરવાની વૃત્તિ રહી નહિ.

નદીમાં જતે જતે તેમણે કુશ્પીના ટેકરા ઉપર દૃષ્ટિ નાખી. મંગી બેઠી બેઠી કુશ્પીના લંબાતા પટ સામે મીટ માંડી બેઠી હતી.

'ભગ્ન માનવહૃદયના કરતાં વધારે ભવ્ય બીજું કયું ખંડેર હોઈ શકે ?'

'પણ એ ખંડેર બનાવનાર માનવતામાં રહેલો શયતાન...'

'શયતાનને કોણ સંભારે ? મંગીને ગામે ભલે ડાકણ ઠરાવી; મંગીએ પોતાને ભલે ડાકણ માની લીધી. એની હૃદયવિભૂતિ ઉપર નજર નાખીએ. તો ?'

'આપણી એ નજર જ ક્યાં ઊઘડી છે ?'

મંગીનો લંબાયેલો પડછાયો ટૂંકો બનતો ગયો. દિવસ ચડે તેમ પડછાયો ઘટે. પણ... પણ એ ગામ ઉપર અને ગામની મુલાકાત લેનાર ઉપર મંગીની મૂર્તિ વજલેપ બની ગઈ હતી.

એ કુરૂપ બનેલી મૂર્તિ મૂળ સૌન્દર્ય સાચવી રહી હોત તો ?

પણ માનવ જાતને સૌન્દર્યનો ખપ ક્યાં છે? નહિ તો દેહના અને હૃદયના સૌન્દર્યની આટલી આટલી રાખ ઊડે ખરી ?

(નવલકથા સમાપ્ત)