હૃદયવિભૂતિ/વિકાસ/પ્રકરણ ૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૬ હૃદયવિભૂતિ
પ્રકરણ ૧
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૨ →વિકાસનાના મોટા વીસેક છોકરાઓની વચ્ચે માનસીંગ આવી ચડ્યો. સંઝેર છોડ્યા પછી તે ક્યાં ક્યાં રખડ્યો અને શા માટે રખડ્યો તેની એને પૂરી સમજણ પડી નહિ. કેટલુંયે ચાલ્યો ત્યારે એની પહેલી મજલનો પાર આવ્યો. રસ્તામાં સિપાઈઓની ધોલ બેચાર વાર તેણે ખાધેલી, પરંતુ સિપાઈઓની માર મારવાની શક્તિ એના પિતા જેટલી ન હતી એમ માનસીંગની ખાતરી થઈ ગઈ.

ખાવાનું પણ એને છેક ખોટું મળતું નહિ – જોકે તેમાંનો કેટલો ભાગ સિપાઈઓના ખાણામાંથી વધેલો મળતો કોઈ માયાળુ સિપાઈ વધારે ઉદારતા દાખવી વખત બેવખત તેની તરફ બીડી પણ ફેંકતો :

'લે બે લડકા ! બીડી ખેંચ.'

આ ભાષા હિંદી, હિંદુસ્તાની કે ઉર્દૂ કહેવાય તેની તકરાર કરવા જેટલી રાજકીય જાગૃતિ હજી પોલીસખાતામાં આવી ન હતી. માનસીંગને બીડી ખેંચતાં આવડતી હતી. ગુસ્સાભર્યો મુખવાળો એનો પિતા બીડી પીવાની એની ચબરાકી જોઈ કદી કદી રાજી પણ થતો. ચારપાંચ દિવસ તો માનસીંગ પિતાની સાથે રહી શક્યો, પણ પછી છેવટે એને છૂટા થવું પડ્યું.

'મને ક્યાં લઈ જાઓ છો ?' તેણે સિપાઈને પૂછ્યું.

'કચેરીમાં. ત્યાં તારું કામ ચાલશે.' સિપાઈએ જવાબ આપ્યો.

'મારા બાપા ક્યાં રહેશે ?'

'એનું પણ કામ ચાલશે અને એને સજા થશે એટલે એ કેદમાં જશે.'

'તે અમારું કામ સાથે ન ચાલે ?'

'બન્નેના ગુના જુદા ને ?'

માનસીંગને સમજ ન પડી. ગુનામાં જુદાપણું શું? અને ગુનો કરવાથી બાપદીકરાને અળગા પાડવા એ ગુના કરતાં પણ ગંભીર પાપ શું નહોતું બનતું ?

માનસીંગે પહેલી વાર મોટું શહેર જોયું - જોકે રેલગાડી એણે બેત્રણ વાર જોઈ હતી. રેલમાં બેસી સિપાઈઓ ભેળો એ શહેરમાં આવ્યો. સંઝેર્ જેવી શાન્તિ અને સ્થિરતા શહેરમાં ન હતી. હડકવા હાલ્યો હોય એમ લોકોમાં દોડધામ ચાલ્યા કરતી, ગાડીઓ જાણે હમણાં જ કચરી નાખશે એમ તેને થયા કરતું. તેમાંયે જ્યારે ઘોડા કે બળદ જોડ્યા વગરની ગાડી માનસીંગની નજરે ચડતી. ત્યારે તે બધું વીસરી એ તરફ જોયા કરતો. સિપાઈઓને ઘણી વાર માનસીંગનો કાન ઝાલી ખેંચવો પડતો.

કચેરીએ તો તેને ઝંખવી નાખ્યો. સારાં કપડાં પહેરેલા કૈંક લોકો એમાં આવે અને જાય; એના જેવા ગામડિયાઓની પણ ત્યાં ઠીક સંખ્યા હતી. પરંતુ એમાંનું કોઈ તેને ઓળખતું ન હતું. સહુ પોતપોતાના કામમાં મશગૂલ હતા. આ બધી ધમાલ જગત શા માટે કરતું હતું તેની માનસીંગને ચોક્કસ ખબર પડી નહિ.

છેવટે તેને એક સરસ શણગારેલા ઓરડામાં દાખલ કરવામાં આવ્યો. પોલીસ સિપાઈએ પગ પછાડી, ધમાધમ કરી ચત્તો હાથ કપાળે અરાડ્યા, અને માનસીંગને તેણે કહ્યું :

'સાહેબને સલામ કર.' માનસીંગે પણ થોડું હાલી ચત્તો હાથ કપાળે મૂકી દીધો.

પરંતુ સાહેબ કોઈની સલામ જોતા ન હતા. માનસીંગને એક ચકચકતા લાકડાના પાંજરામાં પૂર્યો. પાંજરામાંથી કૂદીને બહાર નીકળાય કે નહિ તેનો વિચાર કરતા માનસીંગને સાહેબે પૂછ્યું : 'તારું નામ શું ? છોકરા !'

'માનસીંગ, બાપા !'

'મા...ન.સીંગ..બા..પા... ઉમ્મર ?' સાહેબે લખતાં લખતાં પૂછ્યું.

'સાહેબ ! એનું નામ માનસીંગ અભેસીંગ !' કોઈ સારાં કપડાં પહેરેલા માણસે કહ્યું.

'ત્યારે બાપા કોણ ?' સાહેબે પૂછ્યું.

'એ તો સાહેબ ! આપને સંબોધન કર્યું.' આસપાસ સહુનાં મુખ ઉપર આછું સ્મિત દેખાયું.

'પણ માના અભા આરોપી છે ને ?'

'હા જી. એ જ માનસીંગ અભેસીંગ.' 'છોકરા ! તારી ઉમ્મર કેટલી ?' સાહેબે પૂછ્યું.

'હશે બારપંદર વર્ષની.' માનસીંગે કહ્યું.

'બાર અને પંદર વચ્ચે ઘણો તફાવત. ચોક્કસ વર્ષ કહે.'

સાહેબને ચોક્કસ વર્ષની કેમ જરૂર પડી ? માનસીંગના વર્ષ માનસીંગનાં પોતાનાં હતાં. બીજાને એમાં પંચાત શી ? અને જનમના તે દાખલા હોય ? સાહેબને બીજો કશો ધંધો હશે કે નહિ ? પાછા એક દાક્તરને તેમણે બોલાવ્યા ! માનસીંગની ઉમર કેટલી તેની તપાસ દાક્તરને સોંપી ! દાક્તરને પણ બીજો ધંધો નહિ ! માનસીંગનાં હાડકાં અને પાંસળાં જોઈ એણે માનસીંગની ઉમ્મર કહી ! બાર તો માનસીંગે કહ્યાં જ હતાં, દાક્તરે વધારે તપાસ કરી તેરચૌદ વરસ કહ્યાં ! મોટી ધાડ મારી દાક્તરે !

પછી તો એને કાંઈ કાંઈ સવાલો પુછાયા, જેમાંના ઘણા તેને મૂર્ખાઈ ભરેલા લાગ્યા હતા. સિપાઈને એણે ડાંગ મારી હતી ? ખરી વાત. એમાં પૂછવાનું શું ? એ માટે તો એને પકડ્યો હતો ! શા માટે એણે ડાંગ મારી ? તે ડાંગ ને મારે તો બીજું શું કરે ? એના બાપને સિપાઈઓ શા માટે બાંધી અને પકડી જતા હતા ? ચોરી તો બધાય કરે ! સાહેબ પણ કાંઈ કાંઈ ચોરીઓ કરતા હશે ! ચોરી કર્યા વગર જિવાય નહિ, પછી શા માટે એના બાપને પકડવો જોઈએ ?

અને વળી માનસીંગને પોતાને સિપાઈએ સોટી મારી હતી તે ! સિપાઈ એને સોટી મારે તો એ સામી ડાંગ કેમ ન મારે ? એમાં શું બગડી ગયું ? જરા માથું ફૂટ્યું તે મટી ગયું હશે ! એક ડાંગ મારી તેમાં આટલું બધું ધાંધળ શું ?

અને વકીલો કાંઈકાંઈ બોલ્યા ! એ વકીલોને શી લેવાદેવા ? વકીલો તે કોણ ? માનસીંગે પોલીસને લાકડી મારી તે પોલીસને કહેવું હોય તે કહે ! એ વકીલ શીદ વચમાં આવતા હશે ? કચેરીની બહાર આ ઝઘડો જાય તો એ નકામા વચ્ચે પડનાર પંચાતિયાને જ એક ડાંગ જડાવી દેવાય ! આમ બકવાદ કરતા તો બંધ રહે ? જાણે બધું દેખ્યું ના હોય એમ વકીલો વાત કરતા હતા ! માનસીંગ નાનો છે માટે દયા કરો એમ વળી એક વકીલ કહેવા માંડ્યા ! દયા વકીલના બાપને કરે ! સંઝેરના ઠાકોરનો દીકરો કોઈનાં દાનદયા ઉપર કાંઈ જીવતો ન હતો !

માનસીંગને સજા પણ થઈ ! ત્રણ વરસ નિશાળે બેસાડવાની સજા ! સજામાં તો ફટકા મારે, કેદમાં મોકલે કે દંડ કરે ! પણ નિશાળે લઈ જવાની. તે સજા કદી સાંભળી છે ? સંઝેરમાં કોઈએ કહ્યું ન હતું કે મારામારી કરે તેને નિશાળે મોકલે ! દુનિયા ગાંડી તો નહિ થઈ હોય ? મોટા રુઆબદાર દેખાતા સાહેબમાં જરાયે અક્કલ હશે ખરી કે નહિ? અક્કલ હોય તો આવી સજા થાય ? એ તે સજા કહેવાય? ને એક વકીલે તો ધમકાવીને માનસીંગને કહ્યું.

'તારા ઉપર સાહેબે બહુ દયા કરી છે તો અલ્યા ! પગે લાગ ! તારો અવતાર ફરી ગયો.'

પગે લાગે એનો ભા ! મોટા અવતાર ફેરવનારા ના જોયા હોય તે !

પણ એ નિશાળ ક્યાં હશે ? સંઝેરમાં તો નહિ જ ! શું ત્રણ વર્ષ એણે સંઝેરની બહાર રહેવું પડશે ? તો પછી એ નિશાળ કહેવાય કે કેદખાનું ?

માનસીંગને પહેલી જ વાર આ બધી હાસ્યપાત્ર દેખાતી રમતનું ગાંભીર્ય સમજાયું. ગામથી તેને દૂર થવું જ પડશે. એટલે કુશ્પીની કરાડો, વડની ઘટા, માતાના મેળા એ બધું ત્રણ વર્ષ માટે તો અદ્રશ્ય જ થયું ! અને તેજલની જોડે રખડવાનું તો બંધ જ ને ?

માનસીંગના હૃદયને કેમ ધક્કો લાગ્યો ? ગામ છોડવાનું દુઃખ વધારે કે તેજલને છોડવાનું દુઃખ વધારે ? એક પણ દિવસ મળ્યા વગર રહ્યો હોય એમ માનસીંગને સાંભરતું ન હતું ! હવે ત્રણ વર્ષ જૂદાં રહેવાનું ?

નિશાળમાંથી ઘેર જવા દે કે નહિ ? એ વિચાર કરતાં તેને લાગ્યું કે તેનાથી રડી પડાશે.

ત્રણ વર્ષ સુધી તો નીકળાય જ નહિ, એ જ કેદખાનું કે બીજું કાંઈ ? નાનો છોકરો ગણી એ કેદનું નામ નિશાળ આપ્યું ! પણ બહાર ન નીકળાય એવી નિશાળ. એ બંધન નહિ તો બીજું શું?

વચ્ચે નાસી જવાનો તેણે ઘણો લાગ શોધ્યો, પરંતુ નાસવાનું તેને માટે અશક્ય બની ગયું હતું. સિપાઈઓએ તેને બરાબર ઘેર્યો હતો. નાસવાના તેના પ્રયત્નોએ ઊલટો તેને માર ખવરાવ્યો. માર તેના મનને વધારે દૃઢ બનાવતો હતો. નિશાળ તોડીને પણ નાસવું એમ એણે નિશ્ચય કર્યો.

પરંતુ નિશાળમાંથી જલદી નસાય એમ હતું જ નહિ. પંદર – વીસ છોકરાઓની વચ્ચે એ નિશાળમાં રહેવાનું હતું. છેક અણગમો આવે એવું માનસીંગને તત્કાળ તો લાગ્યું નહિ.

ઘેર મળતા જમણ કરતાં અહીં બહુ સારું જમણ મળતું હતું, અને તે પણ પેટ ભરાય એટલું. ઘર આગળ તો જ્યારે તે જમતો ત્યારે તે ભૂખ્યો રહેતો એમ તેને હવે લાગવા માંડ્યું. નિશાળમાં બે વખતનું જમણ તેને સંતોષ આપી શક્યું.

નિશાળની આસપાસ મોટો વંડો ચણી લીધેલો હતો અને દરવાજાને તાળાં વાસ્યાં હતાં. ખુલ્લે દરવાજે પહેરેગીરો બેસતાં એટલે નાસવાનો લાગ મળતો નહિ. છતાં વંડામાં જગા ખૂબ રોકેલી હતી. બધા છોકરાઓને રમવાનું અને ખેતી કરવાનું ઠીક ફાવતું. એમાં કૂવો પણ હતો, બળદ પણ હતા અને કોસ પણ હતો. દરેક છોકરાને એકબે ચાસ સોંપેલા હતા. તેમાં ખેડવાનું અને પાણી પાવાનું કામ માનસીંગને છેક ન ગમ્યું એમ કહેવાય નહિ.

ઉપરાંત સુથારીકામ પણ માનસીંગને શીખવવા માંડ્યું. એમાં પણ એને બહુ હરકત આવી નહિ. માત્ર સ્લેટપેન લઈ એને કક્કો ઘૂંટાવવા માંડ્યો ત્યારે એના કંટાળાનો પાર રહ્યો નહિ. પરંતુ કક્કો ભણાવનાર માસ્તર બહુ જ ક્રૂર હતો, અને માનસીંગના પિતાની ખોટ ન પડે એવું તે મારતો એટલે ન છૂટકે કંટાળીને પણ માનસીંગ કક્કો-બારાખડી જાણતો થવા લાગ્યો.

આ નવી દુનિયાના માનવીઓ પણ અજબ હતા. એક મજબૂત અને સહુથી મોટા દેખાતા છોકરાએ તેને પૂછ્યું : 'અલ્યા તું અહીં કેમ આવ્યો ?'

'અહીં લાવ્યા એટલે અહીં આવ્યો.' માનસીંગે કહ્યું.

'તો બોથડ ! કહેતો ખરો કે ગુનો તેં શો કર્યો હતો ?'

'જો હવે બોથડ કહ્યું છે તો યાદ રાખજે.'

'તે તું શું કરીશ ?'

'કહી જો ફરીથી બોથડ !'

'બોથડ, બોથડ, સાત વખત બોથડ !...'

એકાએક માનસીંગે પોતાના હાથ ચલાવવા માંડ્યા, અને પેલો મજબૂત છોકરો કાંઈ પણ કરે તે પહેલાં તો તેને સાત મુક્કા અને સાત ધોલ લગાવી દીધાં. આમ તેનું ગણિતજ્ઞાન શરૂ થયું.

છોકરાઓ બધા ભેગા થઈ ગયા અને માનસીંગ પ્રત્યે માનની નજરથી જોતા હોય એમ લાગ્યું. પેલા મજબૂત છોકરાથી આ સહ્યું ગયું નહિ. તે સ્થિર થયો અને અત્યંત ક્રૂરતા ભરેલું મુખ કરી બોલ્યો : 'કેમ, હવે તું મારી રહ્યો ? જો હવે તને શું થાય છે તે !' એમ કહીને તે માનસીંગ ઉપર તૂટી પડ્યો. માનસીંગે પોતાનો બને એટલો બચાવ કર્યો, અને સામાવાળિયાને બને એટલો માર માર્યો, પરંતુ મારામારીમાંથી બાઝાબાઝીમાં આવી જતાં માનસીંગ નીચે પટકાયો. માનસીંગ ઉપર લાતોનો વરસાદ વરસ્યો. એટલામાં ચાબુકધારી શિક્ષક દોડી આવતાં માનસીંગનો હરીફ જરા આઘોપાછો ખસ્યો. માસ્તરે તેને સડાસડ ચાબુકો જડાવી દીધી અને માનસીંગ ઊભો થયો એટલે તેને પણ બે ફટકા લગાવી દીધા.

'કેમ હરામખોરો ! મરવાના થયા છો ?' માસ્તરે કહ્યું.

'પહેલો મને આણે માર્યો.' મજબૂત છોકરાએ કહ્યું.

'સાહેબ ! મને એણે ગાળો દીધી.' માનસીંગે કહ્યું.

'ગાળો નથી દીધી, એને બોથડ કહ્યો છે !'

'હરિયા ! તારું હવે આવી બન્યું છે. શા માટે તેં એને બોથડ કહ્યો ?'

હરિયાને સજા થઈ. બીજા કરતાં વધારે કામ તેને સોંપાયું. હરિયો માનસીંગને પજવતો નહીં, પજવતો ત્યારે મારામારી થતી પણ ખરી, અને એમાંથી ઘણી મારામારીના અહેવાલ માસ્તર સુધી જતા પણ નહિ. વિદ્યાર્થીઓમાં માનસીંગનું માન વધી ગયું. કારણ હરિયો સહુને મારતો અને તેની સામે થવાની માનસીંગ સિવાય કોઈ હિંમત કરતું નહિ.

પરંતુ એ વિદ્યાર્થીઓ ગુનેગાર વિદ્યાર્થીઓ હતા, તેની સહુને ધીમે ધીમે ખબર પણ પડી જતી.

કેટલાક ચોરીમાં સપડાયેલા હતા, કેટલાક વિકૃત જાતિ-ગુનાઓમાં ફસાઈ પડેલા હતા, કેટલાક પોતાનાથી નાના બાળકો પ્રત્યેના અતિ ક્રૂર વર્તન માટે પણ સજા પામ્યા હતા. ખેતરમાં ઊગેલી શિંગો કેમ ચોરીથી ખાઈ જવી, રસોડામાં આવેલું દૂધ લાગ જોઈ કેમ પી જવું. સાથીદારને મળેલી મીઠાઈ કેમ કરી તફડાવવી, એ બાબતની સતત ચાલ્યા કરતી યોજનામાં માનસીંગ પણ સામેલ થઈ ગયો. એમાં પણ હરિયાની અને માનસીંગની હરીફાઈ ચાલ્યા કરતી હતી. હરીફાઈમાંથી ઝઘડો પણ થઈ જતો. માનસીંગ સિફતથી આ સુધારશાળામાં ચોરીની અનેક કરામતો શીખ્યો.

હરિયો વખત બેવખત માનસીંગની મૈત્રી શોધવા પ્રયત્ન પણ કરતો હતો. પરંતુ બન્ને વચ્ચે સમાધાન થયું જ નહિ.

માનસીંગની વિરુદ્ધ હરિયાની ફરિયાદો અને ચાડીઓ પણ ચાલુ થઈ ગઈ હતી. તેમાંની કેટલીક પુરવાર થતી અને કેટલીક પુરવાર ન થતી. બાલસુધારશાળાના ગુનેગાર બાળકો અને કિશોરો જરાય સતવાદી ન હતા. મોજ આવે તેમ તેઓ સાહેદી પૂરતા, અને ઘડીમાં હરિયાનો તો ઘડીમાં માનસીંગનો પક્ષ લેતા.

મહેનતમાં દિવસનો ઘણો ભાગ વ્યતીત થતો; સાથીદારોના ઝઘડાઓમાં બાકીનો ભાગ રોકાતો. રાત્રે ઊંઘ પણ સારી આવતી.

છતાં કોઈ કોઈ વાર કુશ્પીની રેતી અને કુપીની ભેખડો એને યાદ આવતી, અને સ્વપ્નમાં તેજલ કે મંગી પણ તેની સાથે વાતો કરતાં દેખાતાં હતાં !

જ્યારે એવાં સ્વપ્ન આવે ત્યારે એનો આખો દિવસ ગમગીનીમાં જતો. તેને મન થતું કે તે વંડો કૂદીને બહાર નીકળે અને એકી દોટે સંઝેર પહોંચી જાય ! સંઝેરમાં અહીંના કરતાં વધારે સુખ ન હતું; સંઝેરમાં પૂરતું ન ખાવાનું મળતું, ન પૂરાં કપડાં હોય. ને મહેનતનો પાર નહિ. અહીં તો. પૂરતો ખોરાક મળતો, અને તે પણ સ્વાદિષ્ટ, એક સરખાં પણ ચોખ્ખાં ને આખું શરીર ઢંકાય એટલાં કપડાં મળતાં. અને મહેનત તો અહીં પણ ખરી; પરંતુ તે નિયમિત અને સહન થાય એવી.

તે છતાં સંઝેરનો સાદ રાત્રે કદી તેને સંભળાતો. એ. સાદમાં એટલું બળ હતું કે તેને દીવાલો તોડી જવાનું મન થતું.

સ્વપ્નમાં એક રાત તેણે સંઝેરનાં કોતરમાં તેજલને ફરતી જોઈ. માનસીંગ જાણે જાણતો ન હોય તેમ મુખ ફેરવી બેસી રહ્યો. બહુ વાર રાહ જોઈ તોય તેજલે સામું પણ જોયું નહિ. માનરીંગે સિસોટીમાં ગાવા માંડ્યું. તોય તેજલે તે સાંભળ્યું નહિ. માનસીંગે બેઠે બેઠે એક પથ્થર માર્યો, પરંતુ પથ્થર મારતા બરોબર તેજલ અદૃશ્ય થઈ ગઈ. માનસીંગ બાવરો બની ગયો. બાજુએ નજર નાખવા ગયો તો તેની આંખ જોરથી કોઈએ દબાવી દીધી.

'તેજલ ! છોડ.' માનસીંગે બૂમ મારી.

'પથરો કેમ માર્યો ?'

'હવેથી નહિ મારું.' માનસીંગે કહ્યું, અને તેજલે આંખ ઉપરથી હાથ લેઈ લીધો. માનસીંગે પાછળ નજર નાખી. ત્યાં તેજલ પણ ન હતી અને કુશ્પીનાં કોતર પણ ન હતાં. ઊંડો ઊંડો અંધકાર તેને દેખાયો.

આંખો ચોળતાં તેને સમજાયું કે તે સંઝેરથી તો ગાઉના ગાઉ દૂર હતો. તેની આંખ કોઈએ દાબી ન હતી, પરંતુ શાળાનો એક સુંદર નામનો છોકરો તેને વળગીને સૂતો હતો.

માનસીંગે રીસમાં ને રીસમાં એક લાત મારી અને બોલી ઊઠ્યો : “હટ્, સાલા સુવ્વર !'

ગળે હાથ નાખવાની, તાળી આપવાની, હાથમાં હાથ ભેરવવાની એ સુંદરને આદત જ પડી ગઈ હતી. માનસીંગ જ્યારે ત્યારે તેને તરછોડી નાખતો. પરંતુ કેટલાક સાથીદારોને એમાં અણગમો આવતો નહિ. જેમ જેમ માનસીંગ વધારે અણગમો બતાવતો તેમ તેમ એ છોકરો માનસીંગને વધારે કંટાળો આપતો હતો.

લાત અને બૂમથી જાગી ગયેલા છોકરાઓએ ધાંધળ કરતાં શિક્ષક આવી પહોંચ્યા. લાત ખાનાર સુંદરે માનસીંગની વિરુદ્ધ કાંઈ જ કહ્યું નહિ. તેને લાત મારી હતી. એ વાતનો પણ તેણે ઇન્કાર કર્યો અને માનસીંગ અનેક આક્ષેપો અને શિક્ષાથી ઊગરી ગયો. માનસીંગને નવાઈ લાગી. જૂઠું બોલીને પણ માનસીંગનો પક્ષ કરનાર સાથીદાર બીજાઓના કહેવા પ્રમાણે એટલો બધો ખરાબ તો ન જ હોય. સહુનું જાતિવિષયક જ્ઞાન છૂપી રીતે વધારનાર એ સાથીદારમાં એક મહાગુણ તો હતો જ. અંદર અંદર ગમે તે પ્રકારના આક્ષેપો થતા હોય, છતાં એ છોકરો કદી કોઈની પણ ચાડી ખાતો ન હતો !