હૃદયવિભૂતિ/વિકાસ/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૧ હૃદયવિભૂતિ
પ્રકરણ ૨
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૩ →
કંટાળો ઉપજાવતા દિવસો આમ ને આમ ચાલ્યા જતા હતા. તોફાન, મહેનત, શિક્ષા, ચાડીચુગલી અને મારામારી એ નિત્યનાં થઈ પડ્યાં હતાં, એટલે તેમાં કાંઈ ખાસ રસ પડતો નહિ. માનસીંગને થોડું લખતાંવાંચતાં આવડ્યું. પરંતુ એથી કાંઈ લાભ થતો હોય એમ દેખાયું નહિ. અનેક ભારણોમાં વાંચવાલખવાનું ભારણ વધ્યું જતું હતું.

એકબે નવા સાથીદારો પણ આવ્યા. તેમનામાં કશો ખાસ રસ પડે એવું ન હતું. એકબે દિવસ નવાઈ લાગ્યા પછી એ બધાય એક સરખા બની જતા. એકબે વિદ્યાર્થીઓ બહાર પણ નીકળી ગયા. તેમને થયેલી સજા કે તેમને માટે રાખેલો શિક્ષણક્રમ - પૂરાં થતાં હતાં.

માનસીંગને એક વાત સમજાઈ. તે એકદમ ઊંચો અને વધારે મજબૂત બન્યે જતો હતો. હરિયાને ગળે તે પ્રથમ પહોંચતો. હવે લગભગ હરિયા જેટલી તેની ઊંચાઈ વધી ગઈ. અને હરિયા સાથેની મારામારીમાં તે ઘણી વાર માર ખાઈ જતો તેને બદલે એ હરિયાને ઘણી વાર મારી શકતો. બંને પરસ્પર લડતા ઓછું અને મારામારીના પ્રસંગો બનતાં સુધી ટાળતા. પરંતુ છેક શાન્તિ રાખવી અશક્ય હતી, અને મારામારી વચ્ચે વચ્ચે થઈ પણ જતી. એટલે તેમાંથી એક દિવસ માનસીંગને પોતાની વધતી ઊંચાઈ અને વધતી શક્તિનો ખ્યાલ આવી ગયો. માનસીંગનું માનસ એ ખ્યાલને લેઈને વધારે લઢકારું પણ બન્યું. હવે હરિયો માનસીંગની ગાળ સહન કરી લેતો થયો હતો.

પરંતુ હરિયો સારો બની શકે છે એનો ખ્યાલ માનસીંગને આવ્યો ત્યારે તો એને ભારે નવાઈ લાગી. સર્વ સાથીદારોમાં તેને કોઈ માટે પણ સાચો તિરસ્કાર હોય તો તે હરિયા માટે હતો. હરિયામાં એક પણ સારો ગુણ હોઈ શકે એવી તેને કલ્પના પણ ન હતી. એક જ સરખા દિવસ ઉપર દિવસ વહી જતા હતા અને સંઝેર તથા તેજલની સ્મૃતિ પણ ભૂંસાઈ જવાની બીક માનસીંગને લાગી. સારાં કપડાં પહેરેલી સ્ત્રીઓ આ સંસ્થા જોવા જ્યારે જ્યારે આવતી ત્યારે ત્યારે તેને તેજલનો ખ્યાલ આવતો. છતાં મનમાં એમ તો રહેતું જ કે તેજલને તે ભૂલી જશે.

તેજલને ભૂલવી એ પણ એક દુઃખ હતું. કેટલા દિવસો વીત્યા હશે તેની પણ માનસીંગે ગણતરી કરી ન હતી. તે ક્યારે છૂટશે તેનો પણ વિચાર અસ્પષ્ટ હતો. સ્વપ્નમાં તેજલને જોવાની ઘણીયે ઇચ્છા કર્યા છતાં તે દિવસો થયાં સ્વપ્નમાંથી અદ્રશ્ય થઈ ગઈ હતી. તેજલને બદલે માનસીંગની સ્વપ્નસૃષ્ટિમાં હવે હરિયાની સાથેની મારામારી, શાળાના બગીચામાંથી શાક લેઈ જનારી જાડી બાઈ, માર મારતા શિક્ષક કે ગળે વળગવા મથતો તેનો સાથીદાર એ બધાં આવતાં હતાં. જોકે મોટે ભાગે તેની નિંદ્રા સ્વપ્ન રહિત જ હોય એમ તેને લાગતું.

આવું જ એક અણગમતું સ્વપ્ન માનસીંગને આવ્યું, અને અત્યંત દિલગીરીપૂર્વક માનસીંગ સંઝેરની ભુલાઈ જતી સૃષ્ટિને મથી મથી યાદ કરી રહ્યો હતો. બે ઉનાળા તો વીતી ગયા હોય એમ તેને લાગ્યું. કારણ પાછાં વાદળોની દોડાદોડ આકાશમાં શરૂ થઈ ચૂકી હતી. નવો ચાસ ખોદી તૈયાર કરવાનું કામ માનસીંગને તથા હરિયાને સાથે જ આવેલું હતું. પરંતુ હરિયો કશું કામ કરતો ન હતો. કામ પૂરું કરી માનસીંગ સાંજ પડ્યે કૂવા ઉપર જઈ હાથપગ ધોવા લાગ્યો. હરિયાએ તેને દૂરથી બૂમ મારી : 'માનિયા, માનિયા ! જરા આમ આવ.'

'નથી આવતા, જા તું કોણ મોટો હુકમ કરનારો ?' માનસીંગે કહ્યું.

'સાળો ઢેડ બની ગયો લાગે છે !'

'કોને કહે છે ?'

'તને, વળી બીજા કોને ?'

'એમ કે ? આ હાથ ધોઈ લેવા દે, પછી ઢેડ કોણ છે તે હું તને બતાવું.' માનસીંગે કહ્યું.

હરિયો ખડખડ હસી પડ્યો. માનસીંગને વધારે ગુસ્સો ચડ્યો. હાથ–મોં ધોઈ તેણે બાંયો ચડાવી અને હરિયાના ચાસ તરફ તે ગયો. માટીના એક ઢગલા ઉપર હરિયો બેસી રહ્યો હતો. તેણે સામે થવાનો જરાય દેખાવ કર્યો નહિ. માનસીંગ સામે આવે અને હરિયો બેસી રહે એ આજ પહેલી જ વાર બન્યું. માનસીંગ જરા વિચારમાં પડ્યો અને અટક્યો.

'કેમ અટક્યો ? ગભરાયો કે ?' હરિયે પૂછ્યું.

'ગભરાયો હું કે તું ? દબાઈને બેસી તો તું રહ્યો છે !' માનસીંગે કહ્યું.

'તો આજે લડી લેવું છે, એમ ?'

'આજે, કાલે અને જ્યારે જ્યારે તારી મરજી થાય ત્યારે હું લડવાને તૈયાર છું.'

'એ હવે બને એમ નથી. કાલે તો હું ચાલ્યો જઈશ. લડવું હોય તો આજનો દિવસ છે.' 'કાલે જ ચાલ્યો જઈશ? ક્યાં ચાલ્યો જઈશ ?' ચમકીને માનસીંગે પૂછ્યું.

'હું છૂટી જવાનો છું.'

'એમ ?' માનસીંગને આશ્ચર્ય લાગ્યું. તેનો એક ખરો સામા વાળિયો શું એક દિવસમાં ચાલ્યો જવાનો ? સુધારશાળાની જિંદગીને કોઈ પણ સહાધ્યાયીએ જીવવા લાયક જીવંત રાખી હોય તો તે હરિયો હતો ! તે શાળા ત્યજી જાય એ વિચારે માનસીંગને ખૂબ દુઃખ થયું. દુશ્મન પણ જિંદગીને જાગતી રાખે છે. જિંદગીને જીવવાલાયક બનાવતો દુશ્મન પણ અદ્રશ્ય થાય એ ન સહેવાય એવી સ્થિતિ છે.'

'એટલે આપણે છેલ્લે લડી લઈએ.' હરિયાએ કહ્યું.

'એમ ? લડવું જ છે ?'

'મારી તો મરજી નથી; તારી મરજી હોય તો હું તૈયાર છું.'

'મરજી ન હતી તો મને ઢેડ કેમ કહ્યો ?'

'તે વગર તું આ બાજુ આવત શાનો ?'

'મને બોલાવવાનું કાંઈ કારણ ?'

'છેલ્લે દિવસે તારી જોડે વાતો કરી લઉં.'

'મારી જોડે કેમ ?'

'તારા સિવાય આ બીજ માયકાંગલા જોડે મને ફાવે એમ નથી. તારા આવ્યા પછી મને અહીં રહેવામાં મઝા પડી.'

'એટલે ! આપણે તો મારામારી કરતા હતા !'

'તેમાં શું થયું ? તું બહાર નીકળીશ એટલે મારો સાચો દોસ્ત બનીશ. તું જલદી મજબૂત બને એ ખાતર તો હું તને માર મારતો અને ચીડવતો.'

શું હરિયો મિત્રભાવે માનસીંગ જોડે મારામારી કરતો હતો ? તેને હરિયા પ્રત્યે સભાવ ઊપજ્યો. તેને એકાએક લાગ્યું કે હરિયાએ મારામારી કરીને તેના ઉપર ઉપકાર કર્યો છે !

'બહાર નીકળીને તું ક્યાં જવાનો ?' માનસીંગે હરિયાની પાસે બેસી પૂછ્યું.

'ખબર નથી.'

'કેમ ?'

'મારે મા નથી અને બાપ પણ નથી. પછી ક્યાં જાઉ ?' હરિયાએ કહ્યું.

માનસીંગને દયા આવી. હરિયાને સંઝેર મોકલ્યો હોય તો કેવું ? પણ ત્યાં કોણ એની કાળજી રાખે ? તેજલ પરતંત્ર બાળકી હતી. મંગી કદાચ સંઘરે ! પણ... પણ એના પિતાને મૂકી મંગી હરિયાને લેઈ રહે તો મંગીનું નાક કાપવાનો પ્રસંગ માનસીંગને જ આવે ત્યારે ?

'તને અહીં વધારે ન રાખે ?' માનસીંગે પૂછ્યું.

'મેં પૂછી જોયું. તારે લીધે મને અહીં રહેવામાં મઝા આવત. પણ માસ્તર ના પાડે છે.'

'કેમ ?'

‘વખત પૂરો થાય એટલે જવું પડે.’

‘તારું ઘર ક્યાં આવ્યું ?'

‘મારું ઘર મારા કાકાએ લઈ લીધું.’

‘તે હવે જઈને પાછો લઈ લે.’

‘મને ઊભો રહેવા દે ? નાનો હતો ત્યારથી કાઢી મૂક્યો છે.’

‘હું છુટો હોત તો તને મારે ગામ લેઈ જાત.’

‘છુટ્ટા થવું છે ?'

‘પણ હજી મારો વખત પૂરો નહિ થયો હોય ને ?’

‘હિંમત હોય તો વખત પૂરો જ થયો સમજ ને !'

'કેવી રીતે ?’

‘કાલે હું છૂટીશ. મધરાતે આ વંડા ઉપર હું દોરડું નાખું, તું ચઢી આવ.’

‘કોઈ પકડે ત્યારે ?’

‘તેમાં કોણ તને ગરદન મારવાનું છે ? બે ફટકા ખાઈ લેવાના. પહેલી વખત હું એમ જ નાસી ગયો હતો, આ તો વળી બીજી વાર આવ્યો છું.'

‘કબૂલ ! તું દોરડું નાખે તો હું ચાલ્યો આવીશ.’ માનસીંગને આ બાલસુધારશાળા બંધન રૂપ લાગતી હતી, એમાં એનો નૈતિક સુધાર ખાસ થયો હોય એમ તેને પોતાને પણ લાગ્યું નહિ. સંઝેર કરતાં કાંઈ વધારે લુચ્ચાઈના કિસ્સા એ શીખ્યો હતો. દેહમાં બળ ઊભરાતું હતું એટલે આવું સાહસ જતું કરવાનું ડહાપણ તેને રુચ્યું નહિ. સંઝેરની ભૂમિનો સાદ આછો આછો પણ તેને સતત સંભળાયા કરતો હતો. બહાર નીકળવાની યુક્તિ જડતાં એ સાદ અત્યંત બળભર્યો બની ગયો.

‘જોજે, હો ! ફરી ન જતો.’ હરિયાએ કહ્યું. .

‘ફરી જાઉ એમ લાગે છે ?’

‘માટે તો મેં તને વાત કરી. આપણે બન્ને ભેગા હોઈશું તો કાંઈ કાંઈ કરીશું.’

‘સારું. હું મધરાતે તૈયાર રહીશ. પેલી ખાઈ બાજુએ કોઈ દેખશે નહિ. ત્યાં દોરડું નાખજે.'

‘દોરડું નહિ તો મારું ફાળિયું નાખીશ. પહોંચશે નહિ તો બે ચીરા કરીશ.’

‘એના કરતાં તું વંડા બહાર કાંઈ નિશાન કરજે ને ? હું કૂવા ઉપરનું દોરડું લેઈ ફેંકીશ. તું બહાર બાંધી દેજે, હું ચઢી આવીશ.’

‘એ બાજુ શિયાળ રડે એટલે જાણજે કે વખત થયો છે.’

દૂરથી માસ્તર આવતા દેખાયા. બન્ને છૂટા પડ્યા. માનસીંગ જાણે કાંઈ બન્યું ન હોય એમ માસ્તરની બાજુએ જ વળ્યો. માસ્તર અને માનસીંગ ભેગા થતાં માસ્તરે પૂછ્યું : ‘શી વાતો કરતો હતો, માનિયા ?'

‘હરિયો કાલ જાય છે ને?’

‘તેમાં તારે શું ?'

‘એમાં મારે શું ? એક પાપ કાલથી ઓછું થયું ! રોજ ઝઘડો થતો હતો.'

‘તમે બન્નેએ લડી લડીને મારી જિંદગી અડધી કરી નાખી.'

‘એને તો અત્યારે પણ લડવું હતું ! મેં જતો કર્યો !' વાત સાચી હોવા છતાં તેનો ઉપયોગ જૂઠાણા અર્થે થઈ શકે છે. એ આવડત માનસીંગમાં આવી હતી !

માસ્તર બીજી બાજુએ વળ્યા અને તેમણે હરિયા સાથે વાત શરૂ કરી. માનસીંગને જતે જતે વિચાર આવ્યો : ‘થયેલી વાતચીત હરિયો માસ્તરને કહી દેશે તો?’

પરંતુ તે રાતના અને બીજા દિવસના માસ્તરનાં વર્તન ઉપરથી માનસીંગને એમ તો લાગ્યું જ કે હરિયાએ કશી વાત માસ્તરને કરી ન હતી.

બીજે દિવસે હરિયાને નવાં કપડાં મળ્યાં, કાકાને ઘેર પહોંચવા જેટલી ભાડાની રકમ પણ મળી અને માસ્તરની લાંબી અને સારી શિખામણ પણ મળી. સુંદર હરિયાને ગળે બાઝીને રડી પડ્યો. બીજાઓએ સુંદરનો તિરસ્કાર તો કર્યો છતાં હરિયાના જવાથી સહુને દિલગીરી તો થઈ જ. મારકણો સાથીદાર પણ સુધારશાળાના જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતો હતો. એટલે તેની ગેરહાજરીમાં તે ખોટ માનીંગ એકલાથી પૂરી પડી શકશે કે કેમ એ શંકાસ્પદ હતું. ધમકી અને મારથી ટેવાઈ ગયેલું જીવન ધમકી અને મારની ગેરહાજરી થતાં અશાન્તિ અને ખામી અનુભવે છે. સહુએ હરિયાને ઊજળું ભવિષ્ય ઇછ્યું – જેની તેની કલ્પના પ્રમાણે હરિયાનું મારકણું વર્તન ભુલાઈ ગયું અને તેના જોરની, તેના રોફની, તેની બહાદુરીની જ વાતો સહુની નજર આગળ તરવા લાગી. ગુનેગાર બાળકો એક મહાગુનેગાર સાથીદારના સર્વ દોષની માફી આપવા તત્પર થયા. હરિયાને પણ લાગ્યું કે આવી લાગણી લાંબો સમય વ્યક્ત થાય તો તેનું પથ્થર સરખું હૃદય પણ દ્રવીભૂત થવા લાગશે.

તેને વળાવવાને સહુ ગયા, ન ગયો માત્ર માનસીંગ. બન્નેની ઘુરકાઘુરકી મારામારીની હદે પહોંચતી એ જાણીતી વાત બન્નેને એકબીજાના દુશમન તરીકે ઓળખાવતી. છેલ્લા દિવસે દુશ્મનાવટ ભૂલી માનસીંગ વળાવવા આવ્યો હોત તો વધારે સારું થાત એમ સહુને લાગ્યું. હરિયાનો વિરોધ કરી માનસીંગનો પક્ષપાત કરનાર સુંદર પણ હરિયાના ગયા પછી માનસીંગ પાસે જઈ તેને ખભે હાથ મૂકી કહેવા લાગ્યો :

'હરિયો ગયો.'

'ભલે ગયો, એમાં મારે શું ?'

સુંદરે માનસીંગને ખભેથી ગળા ઉપર હાથ નાખી લાડમાં કહ્યું : 'જતી વખતે તો મળવું હતું ? છેક આવો ક્યાંથી...'

'ચાલ હટ ! તારું કામ કર. હરિયાની વાત કરી છે તો ચામડું સસ્તું કરી નાખીશ !' માનસીંગે સુંદરનો હાથ ઝંઝેડી નાખતાં કહ્યું. અને માનસીંગ ત્યાંથી ખસી ગયો.

સહુએ માનસીંગ અને સુંદરની વાત સાંભળી હતી. તેમની ખાતરી થઈ ગઈ કે માનસીંગ અને હરિયો દુશ્મન તરીકે જ છૂટા પડ્યા હતા. હરિયાના જવાથી માનસીંગને કશી જ લાગણી થઈ ન હતી, સાથે સાથે એ પણ ખરું જ કે હરિયાએ પણ જતી વખતે માનસીંગને યાદ કર્યો ન હતો ! માસ્તરને પણ એ પુરાવો બન્નેની દુશ્મનાવટ માટે પૂરતો લાગ્યો.

એટલે મધરાતે સહુને ઊંઘતા મૂકી ઓસરીમાંથી બહાર મેદાનમાં નીકળેલા માનસીંગના હૃદયમાં જે તર્કવિતર્ક ચાલતા હતા તેનો ઇશારો પણ કોઈની સમજમાં આવ્યો નહિ. ચોરપગે ચાલતાં તો માનસીંગને નાનપણથી આવડતું હતું. સુધારશાળામાં તેની એ આવડત વધી ગઈ. શિયાળ તો રોજ રડતાં સંભળાતાં હતાં, પરંતુ આજે એક શિયાળ વંડાની છેક બહાર ખાઈની બાજુમાં રડતું – સહજ લાંબી વાર સુધી રડ્યા કરતું તેણે સાંભળ્યું એટલે જાગતો. રહેલો માનસીંગ કોઈને ખબર ન પડે એમ બહાર નીકળ્યો અને ધીમે ડગલે કૂવા ઉપર લટકતું દોરડું છોડી લાવી વંડા પાસે પહોંચ્યો.

વંડા પાસે શિયાળ રડતું હતું એટલું જ નહિ, વંડા ઉપર એક લાંબું દોરડું પણ લટકતું માનસીંગે જોયું ! હરિયો સાચો નીવડ્યો. ગમે ત્યાંથી દોરડું પણ લેઈ આવી તેણે માનસીંગને સહાય આપવાની હિંમત કરી હતી. કૂવેથી માનસીંગે છોડી આણેલું દોરડું નિરુપયોગી નીવડ્યું. એને પાછું મૂકવા જવું ? કે કેટલીયે વારથી હરિયાએ લટકાવી રાખેલા દોરડા ઉપર ચડી મુક્તિ મેળવવી ? કૂવા ઉપરના દોરડાને તેણે બાજુએ મૂકી દીધું, અને વંડે લટકેલા દોરડા ઉપર કાંઈ પણ બીજો વિચાર ન કરતાં તે ચડી ગયો.

વંડા ઉપર પહોંચતાં તેણે અંધકારમાં પથરાયલી શાળાની જમીન નિહાળી. એમાં એક સરસ ક્યારડો તેના હાથનો બનેલો હતો. શાળા છોડી જતાં તેને કશું જ દુઃખ થયું નહિ; ઊલટો એ ઉત્સાહ અને આનંદમાં આવી ગયો. માત્ર એ ક્યારડો બીજા સહુ બગાડી નાખશે એટલા વિચારે તેને સહજ દિલગીરી થઈ.

પરંતુ આ કાંઈ દિલગીરી થવાનો સમય ન હતો. વંડાની બીજી પાસથી મજબૂત ઝલાયલું દોરડું કોઈ હલાવતું હતું. એક ધીમો અવાજ પણ તેણે નીચેથી સાંભળ્યો :

'જલદી કર, રેઢિયાળ !'

માનસીંગે હરિયાનો અવાજ પારખ્યો. વંડાની બીજી પાસ તે સડસડાટ ઊતરી ગયો. સહજ દૂર કૂતરાં ભસી ઊઠ્યાં. શાળાના ચોગાનમાં ફરતો એક કૂતરો પણ ભસી ઊઠ્યો. પરંતુ હવે માનસીંગને પકડાવાનો ભય રહ્યો ન હતો. તે શાળા તોડીને બહાર આવ્યો હતો. નીચે ખાઈની જમીન ઉપર પગ મૂકતાં બરોબર હરિયાએ કહ્યું :

'કેટલી વાર કરી ?'

'શું કરું ? કોઈનું કોઈ સળવળી ઊઠતું. મને થયું કે આજે જવાશે કે નહિ.'

'ચાલ, સારું કર્યું. હિંમત ભારે દેખાડી.' દોર ખેંચી લેતાં હરિયાએ કહ્યું.

'પણ હવે ક્યાં જઈશું ?'

'તારે તો સંઝેર જવું છે ને ?' 'વિચાર તો ખરો.'

'પચાસ ગાઉ અહીંથી ગાડીએ જઈએ; પછી દસબાર ગાઉ ચાલીએ ત્યારે તારું સંઝેર આવે.'

'તું ક્યાંથી જાણે ?'

'હું એ બાજુનો જ છું ને ? સંઝેર પંદર ગાઉ આગળ મારું ગામ.'

'એ તો તેં કદી કહ્યું પણ નહિ !'

'તેં પૂછ્યું ક્યારે ? આપણે લડવામાંથી ઊંચા ક્યારે આવતા ?'

'ત્યારે આપણે એક જ મુલકના. હવે લડવું નહિ પડે.'

'એકરાગે ચાલીએ તો ?'

'આપણે કબૂલ.'

'જો સંઝેર ભણી નીકળશું તો આપણને પટેલ પકડાવી દેશે.'

'તું ઓળખે છે પટેલને ?'

'ઘેમરપટેલને કોણ ના ઓળખે ? મારા કાકાએ મને કાઢી મૂક્યો ન હોત, તો પટેલની દીકરી જોડે મારું લગન થાત.'

'તેજલ જોડે ?' ચમકીને માનસીંગે પૂછ્યું.

'હા.. પણ એ તો હવે વાત ગઈ. એમાં કેમ ચમકી ઊઠ્યો ?'

'કાંઈ નહિ. પણ ત્યારે હવે શું કરવું ?'

'સવાર પડ્યે તપાસ થશે. તે પહેલાં જ્યાં નસાય ત્યાં અત્યારે આપણે નાસી જવું.'

'કઈ બાજુએ જઈશું ?'

'અહીંથી બે ગાઉ મહાદેવનું દહેરું છે. ત્યાં રાત સૂઈ રહી સવારે આડફેટા ચાલ્યા જઈશું.'

'આ દોરડું ક્યાંથી લાવ્યો ?'

'એક વોરાની દુકાનેથી.'

'ઊંચકી લાવ્યો ?'

'તે કોઈ માગ્યે આપે ખરું ? મજૂરીએ રહ્યો અને લાગ જોઈ દોરડું ઊંચકી લાવ્યો.'

'કોઈએ જોયું નહિ ?'

'જોયું હોય તો કોઈ લાવવા દે ?'

હરિયો અને માનસીંગ બંને ખાઈમાંથી બહાર નીકળ્યા. દોરડું માનસીંગે હાથમાં રાખી લીધું, ખાઈમાં અત્યારે પાણી ન હતું; માત્ર ચોમાસામાં શહેરનું પાણી એ માર્ગે જતું અને થોડો સમય તેમાં પાણી ભરાઈ રહેતું. આ બધો ગામનો છેવાડો ભાગ હતો. હરિયાએ અંધારામાં માર્ગ દર્શાવ્યો. હરિયાને તેમ જ માનસીંગને અંધારું નડ્યું નહિ. અજવાળા કરતાં અંધારામાં માર્ગ કરવો બંનેને વધારે ફાવ્યો.

સુધારશાળાની દીવાલો અંધારામાં અદૃશ્ય થઈ.