હૃદયવિભૂતિ/વિકાસ/પ્રકરણ ૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૩ હૃદયવિભૂતિ
પ્રકરણ ૪
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૫ →
'કબૂલ. તમે એક વખત ચાલો ને !'

માતાજીનો પણ ભાગ કબૂલાયો.

માનસીંગ અને હરિસીંગ બન્નેને આ ટોળી ભેગા થવાની ઇચ્છા જ હતી, અત્યારે એ સિવાય બીજો માર્ગ પણ ન હતો. તપાસમાં પકડાવાનો ભય પણ આ ટોળી ભેગા ભળવાથી ઘટી જાય એમ હતું, અને ન ફાવ્યું તો આ સ્થળે દાટી રાખેલી મિલકત પણ વખત બે વખત કાઢી લેવાનો ભાગ મળે એવો સંભવ હતો. માનપૂર્વક જવાનું હતું અને સહુના સરખો ચોરીમાં ભાગ મળે એમ હતું. એટલે આનાકાની સહ માનિયા અને હરિયો હવે માનસીંગ અને હરિસીંગ બની આ ટોળી ભેગા જોડાઈ આગળ ચાલ્યા, અને શહેરની સીમા શરૂ થતાં જ એક પડતર જમીનને ખૂણે આવેલાં ઘાસનાં અને સાદડીઓનાં ઝૂંપડાં તરફ વળ્યા.

એ ઝૂંપડાંમાં સ્ત્રીઓ હતી, બાળકો હતાં અને બાળકીઓ હતી. આસપાસથી સૂકા થોરિયા, વૃક્ષની સુકાયલી ડાળ, સળેકડાં અને ઝાંખરાં વીણી લાવી ઈંટ-પથરાના તાત્કાલિક ખુલ્લી જગામાં ઊભા કરેલા ચૂલાઓમાં તે બાળી સ્ત્રીઓ રોટલા ઘડી શેકી રહી હતી, સાતેક ઝૂંપડાંમાં થઈ ત્રીસપાત્રીસ માણસો હતાં. માનસીંગ અને હરિસીંગનો તેમાં ઉમેરો થયો.

સ્ત્રી અને બાળકોની નજર તત્કાળ નવા આવેલા બંને છોકરાઓ તરફ ગઈ. અજાણ્યા તરફ સદા શંકાની નજરથી જ જોવાની માનવ જાતની ટેવ આ લોકોમાં સ્વભાવરૂપ બની ગઈ હતી. કોઈએ કાંઈ પૂછ્યું નહિ. પરંતુ માનસીંગ અને હરિસીંગ બંને થોડો વખત તો સ્ત્રીબાળકોના ધ્યાનનો વિષય બની રહ્યા.

બન્નેને ઝડપથી ભૂખ લાગી. તેમના જીવનમાં સાચામાં સાચી વસ્તુ ભૂખ હતી. સહુની સાથે તેમણે રોટલા અને છાશ ખાધાં. ધીમે ધીમે પુરુષો અને સ્ત્રીઓ થોડા લોખંડના ડબ્બા અને લોઢાની કડછી-સાંડશી ગડવાના કામે લાગી ગયાં. તેઓ અંદરઅંદર વાતો ધીમેથી કરતાં, પણ તેમની વાત ઝડપથી સમજાતી નહિ. તેમની ભાષા અજબ હતી. હરિસીંગ અને માનસીંગ બન્ને જમીનની ધૂળ ઉપર ઝૂંપડીની ઓથે જરા આડા પડ્યા.

'સાંભળ્યું ? ચોર બોલી સમજાય છે ?' હરિસીંગ બોલ્યો. ‘શીખવી પડશે, નહિ ?’ માનસીંગે પૂછ્યું.

‘સાથે રહીએ તો શીખવી પડે.'

આમ આછી વાત કરતાં કરતાં બન્ને જણને નિદ્રા આવી. આખી રાતનો ઉજાગરો હતો, થાક પણ લાગ્યો હતો, અને ભૂખતૃપ્તિ પણ થઈ હતી એટલે સુધારશાળાની કેદમાંથી છૂટેલા આ બન્ને ગુનેગારો અજાણ્યા સ્થળમાં પણ નિદ્રાવશ થયા. ઝૂંપડાં બાંધીને રહેલા અજાણ્યા લોકમાં તેમનું કોઈ મિત્ર ન હતું. પરંતુ તેમને શત્રુ પણ શા માટે હોય ? જેની પાસે મિલકત તેને પડછાયે શત્રુ. અહીં તો આખો નિવાસ મિલકત શોધતો હતો ! આ બંને પાસે કશી મિલકત જ ન હતી. એ કેમ સુખે ન સૂએ ?

પરંતુ એ બન્ને શું હવે બાળકો હતા ? ઊંઘમાં તેમને લાગ્યું કે તેમના ઉપર સૂર્યનો તાપ એકત્રિત થયો છે. કોઈ આવી તેમના દેહ સામે એક ભાંગેલો ખાટલો મૂકી ગયું હોય એવું કશું સ્વપ્ન પણ બન્નેને આવ્યું. સ્વપ્નમાં હમણાં હમણાં સ્ત્રીઓ કેમ દેખાયા કરતી હતી ?

પ્રશ્નનો ઉત્તર આપવા કરતાં નિદ્રાનું અભાન વધારે સુખકર લાગ્યું. તેઓ કેટલી વાર સૂતા તેની તેમને ખબર ન રહી, પરંતુ ઝૂંપડી પાસે જરા જોરથી થતી વાતચીતે તેમને જગાડ્યા.

‘એકેએક ઝૂંપડી મારે જોવી છે.’ કોઈ દમામભર્યો સાદ સંભળાયો.

‘તે જુઓ ને સાહેબ ! અમારી ક્યાં ના છે ?’

માનસીંગ અને હરિસીંગ બન્ને આંખો મીંચી પડી રહ્યા. સાહેબે ઝૂંપડીઓ જોઈ હશે. પરંતુ તેમની પાસે પગરવ સંભળાતાં માનસીંગની આંખ ઊઘડી ગઈ. હરિસીંગે પણ તે જ ક્ષણે આંખ ઉઘાડી.

‘મોં વાંકુચૂંકું કરી નાખ; તને જોવા આવ્યા ન હોય.’ હરિસીંગે બહુ ધીમેથી કહ્યું.

માનસીંગે મુખ ઉપર હાથ ઢાંકી બને એટલી મુખવિકૃતિ કરી દીધી. આંખો બન્નેએ મીંચી રાખી.

‘આ બે જણ કોણ છે ?'

‘અમારા અને અમારા જ છોકરા ! બીજું કોણ હોય ?’ એક સ્ત્રીનો જવાબ સંભળાયો.

‘નાસી ગયેલો એક જ જણ છે, નહિ ?’ દમામદાર અવાજે પૂછ્યું.

‘હા સાહેબ !'

‘આ તો બે જણ છે.’

‘નાઠેલો હોય તે અહીં આમ ખુલ્લામાં તે પડી રહે, સાહેબ ?’ સ્ત્રીનો અવાજ સંભળાયો. હરિસીંગે પાસું ફેરવ્યું. રખે કોઈ શાળાનો ઓળખીતો માણસ પોલીસ સાથે તપાસમાં નીકળી આવ્યો હોય તો ?

પરંતુ તેનો ભય ખોટો ઠર્યો. શાળાના ચાલકે તો એક જ બાલગુનેગાર નાસી ગયાની ખબર મોકલાવી હતી, અને પોલીસ તેનો જ ઉપરછલો તપાસ કરવા આવી હતી. અને ગામડેગામડે નવેસરથી ઝૂંપડાં બાંધી ફરતા આ લોકો ઉપર પોલીસ હંમેશાં શક રાખ્યા જ કરે છે, પરંતુ તેમને ઝૂંપડાં બાંધ્યે આઠેક દિવસ થઈ ગયા હતા, અને પોલીસે તેમના ઉપર ઘણી જ નજર રાખી હતી છતાં તેમની પાસેથી કોઈ ગુનાઈત વસ્તુ નીકળી ન હતી તેમ જ તેમના આવ્યા પછી નાની મોટી કોઈ પણ ચોરી ગામમાં થઈ ન હતી. નાસી ગયેલો બાળકેદી એક જ હતો, જ્યારે આ સ્થળે ઝૂંપડાના વાતાવરણમાં મળી ગયેલા બે યુવકો સૂતા હતા, જેમાંથી કોઈ પણ પોલીસ અમલદારને બાળકેદી જેવું લાગ્યું નહિ. પોલીસે વિદાયગીરી લીધી અને માનસીંગ તથા હરિસીંગ બન્ને બેઠા થયા. બપોર વીતી ગયા હતા. હરિસીંગે કહ્યું :

'અલ્યા ખરો બચી ગયો !'

'નહિ તો શું કરત ?'

'તને પાછા ઘસડી જાત અને રોજના વધારે ફટકા પડત.'

તેમની પાછળ બે-ત્રણ પુરુષો આવી ઊભા રહ્યા. તેમાંના એકે કહ્યું:

'ચાલો, તૈયાર થાઓ.'

'ક્યાં જવું છે ?' માનસીંગે પૂછ્યું.

'કેમ, તારી આંખ તો ભીંતની આરપાર જુએ છે ને ? તમને બન્નેને આજે સાંજને વખત ગામમાં ફેરવવા છે. જે ઘરની ભીંત પાછળ પૈસા હોય તે ઘર શોધી લાવો.' આગેવાને કહ્યું.

'જોયું ને, અમને પકડવા પોલીસ આવી હતી ? અમને હવે જો ગામમાં ફરતા જોશે તો પોલીસ ઓળખી કાઢશે, અને પકડી જઈને કેદમાં પૂરશે.'

'એમ ! ત્યારે તમે કેદમાંથી નાઠેલા છો ? હરકત નહિ. તમારો વેશ એવો બદલી નાખીશું કે તમને પોલીસ તો શું, પણ પોલીસનો બાપ પણ, ઓળખી શકે નહિ.'

માનસીંગ અને હરિસીંગ બન્ને નિદ્રા લઈ સ્વસ્થ થયા હતા. નવો પ્રદેશ તેમને માટે ખુલ્લો થતો હતો, અને પરિણામની તેમને કશી જ ચિંતા થતી ન હતી. બન્નેને એક ઝૂંપડીમાં લઈ જવામાં આવ્યા. અર્ધા કલાકમાં એ ઝૂંપડીમાંથી બે ઘૂઘરીઆ બાવા બહાર નીકળી પડ્યા.

'જો, આ બાવાજીઓને લોટ આપો.' આગેવાને હસતે હસતે કહ્યું. ઝૂંપડીમાંથી એક બાઈએ આવી બન્નેની ઝોળીમાં લોટ નાખ્યો. એક બાવો મધ્યવયી લાગતો હતો, અને એક બાવો યુવાનીમાં પ્રવેશ કરતો દેખાતો હતો.

'હવે જાઓ, ગામમાં ફરો અને પૈસાવાળું ઘર શોધી કાઢો. એમ ન ધારશો કે તમે અમારી નજર બહાર છો. તમારી પાછળ દસ-પંદર ડગલે અમારામાંનું કોઈ પણ હશે જ. “અહાલેક !” બરાબર બોલજો.'

બાવાઓને માથે જટા ફેલાયેલી હતી; પગે, કમ્મરે અને હાથ ઉપર ઘૂઘરા ઘમકતા હતા. ભગવું વસ્ત્ર ચિત્રવિચિત્ર રીતે તેમણે પહેરેલું હતું. હાથમાં ચીમટો પણ ઝાલેલો હતો, બીજા હાથમાં ખપ્પર હતું. આંખો કાજળથી આંજેલી હતી, અને કપાળે ચોપડેલી ભસ્મ ઉપર સિંદૂરની આડ આગળ પડતી દેખાતી હતી. ગળામાં મોટી મોટી રુદ્રાક્ષની બબ્બે ત્રણ ત્રણ માળાઓ લટકાવેલી હતી. બન્ને બાવાઓ બૂમ પાડી ઊઠ્યા :

'અહાલેક !'

'બરાબર. હવે આગળ વધો.'

અને બાવાનું સ્વરૂપ ધારણ કરેલા માનસીંગ અને હરિસીંગ ઝૂંપડીવાળા મેદાનને ચીરી શહેરમાં ચાલ્યા.