હૃદયવિભૂતિ/વિકાસ/પ્રકરણ ૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૬ હૃદયવિભૂતિ
પ્રકરણ ૭
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૮ →


પણ તને કોણે કહ્યું કે આપણા રોટલામાં કાચ વટાય છે ?’ હરિસીંગે પૂછ્યું.

‘એનું તારે શું કામ છે ? વાત ખરી કે નહિ એટલું સમજ ને !' માનસીંગે જવાબ આપ્યો.

‘પણ એનો કશો જુદો રસ્તો કાઢત. આ તો આપણો ભાગ મળ્યો નહિ અને આપણે બન્ને રખડી પડ્યા.'

હું અને તું બે જણ જીવતા જાગતા છીએ, પછી રખડી પડવાનું કેવું ? લાત મારીને ભાગ લઈશું. આ તો બે દિવસથી કાચ આપણા પેટમાં જતો હતો !

'એમ ! શું કહે છે તું ?'

‘હું કહું છું એ ખરું કહું છું. તેં જોયું નહિ આપણે રોટલા બદલ્યા એટલે કેવું તોફાન થયું તે ? આ તો ખબર પડત નહિ અને બીજા ચાર દહાડામાં આપણે મડદાં બની ગયા હોત.'

‘પણ એ તને ખબર કોણે આપી ? કોઈ બૈરીનું જ એ કામ.'

‘વાત ખરી. પણ એણે કોઈનેય કહેવાની ના પાડી છે.'

'તો તું મારાથીયે વાત છુપાવીશ, તો આપણે કેટલા દહાડા ભેગા રહીશું ?' હરિસીંગનો પ્રશ્ન માનસીંગને સાચો લાગ્યો. જો સાથે જ રહેવું હોય તો બન્ને વચ્ચે કશો જ પડદો હોઈ શકે નહિ.

'પેલી ઊજળી ખરીને - તેણે...' માનસીંગ બોલતાં અટકી ગયો. તેણે હરિસીંગના મુખ ઉપર કોઈ અજબ વિકૃતિ ફરી વળી જોઈ,

'હાં. તે કેમ અટક્યો ?' હરિસીંગે પૂછ્યું.

‘તારી આંખમાં મેં વેર ભાળ્યું. શી વાત છે ?'

'કાંઈ નહિ.'

‘તો તું મારાથી વાત છુપાવે છે ?'

‘જો માનસીંગ ! આપણે એક પરઠણ કરીએ, અને પછી ભેગા કામ કરીએ.'

'શી ?'

'બધામાં આપણો સરખો ભાગ.' ‘તેની કોણે ના પાડી ?'

‘ત્યારે આ ઊજળી...'

'ગમે તે હોય. પણ જે મને ન મળે તે તનેય ન મળે !'

‘એના કરતાં આપણે એમ કરીએ. આ ધંધામાં હોઈએ ત્યાં સુધી બધી જ બૈરીઓ માબેન !'

‘તને ખબર નથી. ઊજળીને માબહેન ગણવા ગયો હોત તો તને એ ભલી બધી વાત કહેત !'

માનસીંગને હરિસીંગનું વ્યવહારલક્ષી કથન સાચું લાગ્યું. ઊજળીનો તિરસ્કાર કર્યો હોત કે દોઢડહાપણ વાપરી એને પગે પડ્યો હોત તો એનો અને હરિસીંગનો જાન ભાગ્યે જ બચ્યો હોત. પરાઈ સ્ત્રીનો પ્રેમ પણ ધંધામાં યારી આપતો હોય તો તેને શા માટે જતો કરવો ?

પરંતુ એ દલીલ સાચી હોવા છતાં તેને ખૂંચવા લાગી. શા માટે? ધારો કે તેજલ આમ જ મળી ગઈ. તો હું હરિસીંગ..? અરે પણ એ તો હરિસીંગ સાથે પરણી પણ ગઈ હોત - જો એના કાકાએ હરિસીંગને ગુમ કર્યો ન હોત તો !

તો ?

'ચાલ હવે બાઘા જેવો બેસી ન રહીશ. સંધ્યાકાળ થાય છે. જગા જોઈ લઈએ.' હરિસીંગ બોલ્યો.

રોટલામાં કાચ છે એવી ખબર માનસીંગને પડી હતી. જમતી વખતે રોટલો આવતાં તેણે અંદર ચળકાટ નિહાળ્યો. એ રોટલો એણે બદલી બીજાના પાંદડા ઉપર મૂક્યો. એમાંથી ઝઘડો થયો અને એવી ભયંકર સ્થિતિ ઊભી થઈ કે માનસીંગ તથા હરિસીંગની સામે આખી ટોળી જ હથિયારસજ્જ બની ગઈ, અને જુવાનીની ભારે હિંમત છતાં જીવ બચાવવા તેમને ત્યાંથી ભાગી જવું પડ્યું. ટોળામાંની સ્ત્રીઓ જ્યારે આવા ઝઘડાઓમાં પડતી ત્યારે ટોળાનો પક્ષ અવશ્ય લેતી - જોકે દેખાવ તો લઢવૈયાઓને છૂટા પાડવાનો જ રહેતો. ટોળાની અંદર અંદર આવી ખૂનખાર મારામારીઓ પણ થતી ત્યારે લઢતા પુરુષોને સ્ત્રીઓ અવશ્ય પ્રામાણિકપણે છૂટા પાડવા મથતી, અને તે બન્ને પ્રસંગે બૂમાબૂમ, ચીસાચીસ, ગાળાગાળી અને જરૂર પડ્યે બળનો પણ ઉપયોગ કરતી. સ્ત્રીઓ બળ વાપરતી ત્યારે તે પુરુષોને અવશ્ય છૂટા કરી શકતી. સમૂહ તરીકે વિફરતી સ્ત્રીઓની શક્તિનો પુરુષોને બરાબર પરચો આવે પ્રસંગે પડતો હતો. માનસીંગ અને હરિસીંગ બચી ગયા એ પણ સ્ત્રીઓની શક્તિને જ લીધે. એ બન્નેની પાછળ પડેલા ક્રૂર પુરુષોને ઊજળી અને તેની સાથીદારણોએ ક્રૂરતાપૂર્વક રોકી રાખ્યા ન હોત તો જરૂર માનસીંગ અને હરિસીંગને મરણતોલ માર પડ્યો હોત.

બન્ને મિત્રો નાસી છૂટ્યા અને પેલા જાણીતા શિવમંદિર તરફ દોડ્યા. સંધ્યાકાળ થતા પહેલાં લપાતા છુપાતા તેઓ મંદિર પાસે આવી ગયા. મનમાં એક એ પણ વિચાર હતો કે પેલી ભીની ખોદાયેલી જગા શોધી કાઢી ત્યાં દાટેલો માલ કાઢી લેવાની પણ તક મળે અને ભાગ ન મળ્યાનો અસંતોષ દૂર થાય. મંદિર પાસે માણસો હવે સંતાઈ રહેતા નહોતા. એની ખાતરી તેમણે ચોરીને દિવસે કરી લીધી હતી. વારાફરતી મંદિર પાસે છૂપી ચોકી કરતાં ચોરીનો માલ લેઈ આગળ રવાના થઈ ગયા હતા એની પણ તેમને ખબર હતી. દાટેલો માલ ત્યાં ને ત્યાં રહ્યો હોય એ સંભવિત તો ન હતું, પરંતુ વાતચીતમાં તેમને એટલું તો સમજાયું કે દાટેલો માલ દસ પંદર દિવસ સુધી કાઢવામાં આવતો નથી. વળી માલ એક જ સ્થળે દટાતો નથી. ચોરી કર્યા પછી મળેલા માલને બેત્રણ રીતે વગે કરવામાં આવતો હતો, અને ખાડા પણ બેત્રણ સ્થળે થતા હતા. સંપૂર્ણ માહિતી નાયકને જ રહેતી અને બીજા કાર્યકરો તો માહિતીના ટુકડા ટુકડા જ જાણતા હતા. પકડાવાના પ્રસંગે બધી જ મિલકત પોલીસને હાથ ન જાય એવી અનેક તરકીબો તેમને કરવી પડતી હતી.

જે સ્થળના ભાનથી તેમને ટોળીમાં સ્થાન મળ્યું હતું તે જ સ્થળ શોધી કાઢવું તેમને અત્યારે મુશ્કેલ થઈ પડ્યું. તેમણે હાથ ભરી જોયા, ડગલાં માપ્યાં, જમીન પરખી, જમીન આછી ખોતરી; પરંતુ જમીનનો એ ફળદાયી ટુકડો તેમને મળ્યો નહિ.

વચમાં બે વટેમાર્ગુ મહાદેવનાં દર્શને આવ્યા, જમીનની શોધ બંધ રાખી તેઓ દુઃખી મુખ કરી મંદિરને પગથિયે બેસી ગયા.

‘અલ્યા કોણ છો ?' એક વટેમાર્ગુએ પૂછ્યું.

‘પરદેશી છીએ. ભાઈસાહેબ !'

‘અહીં કેમ આવ્યા ?'

‘વખાના માર્યાસ્તો !'

‘અહીં શું કરો છો ?'

‘શહેર ભણી જઈશું, મજૂરી ખોળીએ છીએ.'

મુસાફરો કાંઈ બેકારીનો ઇલાજ કરવા નીકળ્યા ન હતા. વાત કરી તેઓ શહેર ભણી ચાલ્યા. માનસીંગે કહ્યું. ‘પેલા બાવાના વાઘા મળે તો ઠીક. થોડાઘણા પૈસા મળી રહે.'

'પૈસા વગર ચાલવાનું છે ? બપોરે ખાધું નથી અને અત્યારે મળવાનું નથી. બને તો ઊજળી પાસે છાનોછપનો જઈ લેઈ આવજે.'

'આજ તો કાંઈ જવાય એમ નથી !'

વળી પાછી એમણે શોધખોળ શરૂ કરી. એક ઝાડની છાલ ઉપર નાની ત્રિશૂળની આકૃતિ તેમણે જોઈ.

‘અલ્યા આ શું છે ?' માનસીંગે પૂછ્યું.

'કાંઈ છે તો ખરું. નિશાની લાગે છે.'

'પણ સમજવું શું ?'

એક ગાડાનો ખખડાટ સંભળાયો. મોટરકાર સાથે ગાડાં પણ હિંદમાં ચાલી શકે છે. શહેરો પણ ગાડાંના દૃશ્યોથી વંચિત રહેતાં નથી.

‘અલ્યા હરિસીંગ ! ગાડું આવતું લાગે છે.'

‘તેનું શું છે ?'

'એને લૂંટીએ તો કેવું?'

‘ગાડું હાંકનાર જ આપણી જાતનો હશે તો ?'

‘તો કાંઈ રસ્તો દેખાડશે. અત્યારે તો ભૂખ લાગી છે.'

વિમાનની ઝડપ આગળ જરા પણ ચાલતું ન હોય એવું દેખાતું ગાડું ચાલતું આવ્યું. અંધકાર એવો ન હતો કે માણસોનાં મુખ દેખાય નહિ, અંદર એક સ્ત્રી ઘૂમટો તાણીને બેઠી હતી. ગાડાની માફક ઘૂમટા પણ હજી હિંદમાં છે !

ચારેક પુરુષો પણ ગાડામાં બેઠા હતા. એક પુરુષે પાઘડી, દુપટ્ટો અને કોટ પહેર્યા હતાં; બીજા ત્રણે પુરુષોમાં એક માળા - ત્રિપુંડધારી બ્રાહ્મણ હતો અને બીજા બે કપરી આંખોવાળા સાફા પહેરી બેઠેલા યુવાન હતા. આગળ બેઠેલો ગાડાવાળો બળદને ડચકારે ચલાવતો હતો.

‘આવી છે ત્યારની રડ રેડ કરે છે ! તો આવી શું કરવા, મરવા?' એક પુરુષે કહ્યું.

'એ તો શરૂઆતમાં અતડું લાગે. વખત જતાં ઠેકાણે આવી જશે.' બીજા યુવકે કહ્યું.

'જુઓ ને ભાઈ ! ઘરગામ છોડવાં એ કાંઈ સહેલી વાત નથી.' પાઘડી દુપટ્ટો પહેરેલા સભ્ય ગૃહસ્થે કહ્યું.

‘પણ અમને ગરદન મારે ને ! આજની રાત જાય એટલે ગંગા નાહ્યા.' એક યુવકે કહ્યું. 'એક સાફ વાત કહી દઉં. મારા જોર ઉપર આવી છે. એને ગભરાવશો એ નહિ બને. એની રૂખે રૂખે બધું થવા દો. એની ના હોય તો આપણે અબઘડી પાછા.' શેઠ જેવા દેખાતા ગૃહસ્થે કહ્યું.

‘પાછા તે ક્યાં મસાણમાં જાય? બે હજાર...'

‘તું છાનો મરીશ ? બકવાદે ચડવું હોય તો અહીં ઊતરી જા.'

ગાડું પાસે આવતાં જ માનસીંગ આગળ આવ્યો અને બોલ્યો : 'હા. હા. અહીં જ ઊતરી જાઓ. ગાડું છોડવું હોય તો હરકત નથી. અમે ચોકી કરીશું.'

'કોણ છે અલ્યા મવાલી ! હટ વચ્ચેથી ! તારી દાઢ ગળી થાય એમ નથી.' એક કપરી આંખવાળા યુવકે ગાડામાં ઊભા થઈ કહ્યું.

‘અરે એમ શું સાહેબો ? જરા અમારા તરફ પણ નજર તો કરો !' બળદની નાથ ઝાલી ગાડું ઊભું રાખી હરિસીંગ બોલ્યો.

'શહેર આટલું પાસે છે, તોય તોફાનની હિંમત કરો છો !'

'તોફાનબોફાન કાંઈ નથી કરવું. સાચી વાત સાંભળવી છે !' માનસીંગે કહ્યું.

'અરે એ સાચી વાતના સગા ! ખસે છે કે નીચે ઊતરું? તમારા જેવા બહુ જોયા છે.' બીજા યુવકે કહ્યું.

‘તમે નહિ જોયા હોય એવા બીજા બહુ માણસો નીકળી આવશે. જો તમારામાંથી કોઈ નીચે ઊતર્યું તો !' માનસીંગે ડંફાસ મારી. એ બે જણ સિવાય બીજું કોઈ ત્યાં ન હતું જે એમની સહાયે આવે. છતાં એણે ધમકી આપી.

'આપણે તકરારમાં નથી પડવું. કહો, શું કરવું છે? અમને લૂંટવા છે? બેપાંચ રૂપિયા કરતાં કશું વધારે નીકળે એમ નથી. એટલું લઈને રસ્તે પડવું છે ?' શેઠે શરત કરી.

‘એ જ કહું છું. અમને ભૂખ લાગી છે. પાંચને બદલે દસ કરી આપો; બેને બદલે ચાર દિવસ ચલાવીશું. પછી તમારા લાખો રૂપિયા હોય તો તે લઈ જાઓ. કહો તો અમે વળાવા તરીકે સાથે આવીએ.’ માનસીંગે કહ્યું.

‘અરે દસ રૂપિયા લેનારનું મોઢું...'

એક યુવકને બોલતો અટકાવી શેઠે કહ્યું : 'આપણે ઝઘડો જવા દો ને? પાંચે નહિ અને દસે નહિ, આપણે સાતમાં તોડ લાવીએ. એ તે કાંઈ વાત છે? સમજ્યા ?'

'ચાલો. સાત તો સાત. ધરમચંદ શેઠની શરમ નહિ છંડાય.' માનસીંગે કહ્યું અને પૈસા ખિસ્સામાંથી કાઢતા ધરમચંદ શેઠની પાસે આવી તેણે હાથ ધર્યો.

પોતાનું નામ સાંભળી ધરમચંદ શેઠ એકાએક ચમકી ઊઠ્યા અને બોલ્યા: 'અરે વાત છે વાત? ધરમચંદ સાળો કોણ થાય છે ?'

સહેજસાજ ઓળખાણ હોય તો આવા ડોળથી તે ભૂંસાઈ જાય એમ પોતાના નામનો જ શેઠે ઇન્કાર કર્યો. પરંતુ તેમના મનમાં વિચારોનાં વમળો ઘૂમી રહ્યાં. કદાચ ખરેખર કોઈ ઓળખીતો હોય તો ? તેમની બાજી ધૂળમાં મળી જાય એમ હતું.

'તમે ધરમચંદ હો કે ના હો; તેની અમને પરવા નથી. સાત રૂપિયા પહેલા મૂકી દો!' હરિસીંગ બોલ્યો.

'ધરમચંદ સિવાય એ બીજું હોય જ નહિ. એમને માટે બે ઓછા કરવા હું તૈયાર છું.' માનસીંગે કહ્યું.

‘અલ્યા, શી વાતે મને દબાવીને હા પાડવાનું કરે છે ? હું ધરમચંદ નથી તોય મને ધરમચંદ તરીકે કૂટી મારવો છે ? પૂછો આ બધાને. વાત છે કાંઈ વાત ?' ધરમચંદે માનસીંગના હાથમાં સાત રૂપિયા મૂકતાં કહ્યું અને અંધારાને પણ વીંધી નાખે એવી આંખે માનસીંગ તરફ તાકીને જોયું. ધરમચંદને લાગ્યું નહિ કે માનસીંગને તેમણે કદી જોયો હોય.

'બોલો શેઠ ! ક્યાં પધારો છો ?' હરિસીંગે પૂછ્યું.

'આ પાસેના ગામમાં.'

‘અમે પણ તમારી જોડે આવીએ.' માનસીંગે કહ્યું.

'બાપા ! હવે તો છોડ ? તારું અમે શું બગાડ્યું છે ? સાતના દસ જોઈએ તો તે લેતો પરવાર ! આ તે કાંઈ વાત છે વાત ?' બેજાર બની ગયેલા શેઠ બોલ્યા.

‘અમને લાગી છે ભૂખ. રૂપિયા તો તમે આપ્યા, પણ એ કાંઈ ખવાય એમ છે ? તમારી જોડે જોડે ગામે આવીશું અને પછી કાંઈ મળશે તે ખાઈ લેશું.' હરિસીંગે કહ્યું.

‘તમને ભૂખ લાગી હોય તો લો આ ઉપરથી હું સુખડી અપાવું. સાથે આવવાની જરૂર નથી.' ધરમચંદને ડર લાગ્યો કે તેમના અનેક વ્યવહારવ્યાપારમાંથી તેમને ઓળખી કાઢનાર અજાણ્યો ચોર સાથી તરીકે સારો નથી.

‘ડબો જ આપી દો ને બેચાર કટકે અમને થાય નહિ.' ઘૂમટો તાણી બેઠેલી યુવતી ડબામાંથી સુખડી કાઢતી હતી તેને હરિસીંગે કહ્યું. યુવતીએ ઘૂમટો સહજ ખસેડી આજ્ઞા માટે ધરમચંદ સામે જોયું. અંધકાર વધતો હતો, છતાં માનસીંગ બોલી ઊઠ્યો : ‘અલ્યા આ તો મંગી!'

મંગીએ ઘુમટો તાણી મુખ દેખાતું બંધ કર્યું. ધરમચંદની અવસ્થા વધી ગઈ.

'ચાલ, ગાડું આગળ લે !' તેમણે બૂમ પાડી ગાડાવાળાને કહ્યું. અને મંગીએ તેમના તરફ ખસેડેલો ડબ્બો તેણે હરિસીંગના હાથમાં મૂક્યો.

'જરા થોભી જાઓ !' માનસીંગે કહ્યું.

ઉગ્ર બનતા બીજા બે જણથી હવે રહેવાયું નહિ. તેઓ ભયમુક્ત હતા.. માત્ર જે કામ અર્થે તેઓ ધરમચંદ સાથે સામેલ થયા હતા તે કામને હરકત ન પહોંચે માટે અત્યાર સુધી શાન્ત રહ્યા હતા. એક જણ છરો કાઢી ગાડામાં ઊભો થઈ ગયો અને બોલ્યો : ‘ગાડા ઉપરથી હાથ લે, નહિ તો મર્યો જાણજે.'

માનસીંગ અને હરિસીંગ પાસે ડાંગ સિવાય બીજું કાંઈ ન હતું; તેમની સહાયમાં વધારે માણસો આવી શકે એ પણ અશક્ય હતું. બપોરે વાગેલા ફટકા હજી યાદ રહેલા હતા. યુવાનોના મુખ ઉપરથી તેમનો દૃઢ નિશ્ચય દેખાઈ આવતો હતો. તેમની સામે થવામાં કશો અર્થ ન હતો. એટલે હરિસીંગે વિચાર્યું કે હાથ આવેલા સાત રૂપિયા અને સુખડીના ડબ્બાથી સંતોષ માનવો. ધરમચંદ અને મંગીનાં નામ માનસીંગે તેમને ડરાવવા લીધાં હોય એમ જ તેણે ધાર્યું. તેણે કહ્યું : 'તમારી મદદમાં આવીએ, કહો તો. તમને જરૂર ન લાગે તો અમારે કાંઈ આવવું નથી.’

‘પણ રસ્તામાં બીજાં ચાર ટોળાંનું દાણ ચૂકવવાનું છે એ યાદ રાખજો. અમને સાથે રાખશો તો બચી જશો.’ માનસીંગ બોલ્યો.

અને ગાડું આગળ ચાલ્યું. માનસીંગના પગ ગાડા પાછળ ઊપડતા હતા; હરિસીંગે તેને અટકાવ્યો. માનસીંગ અટક્યો, છતાં તેણે બૂમ પાડી : 'ધરમચંદ શેઠ ! મારા બાપાના કાંઈ સમાચાર હોય તો આપતા જાઓ.’

'કોણ તારો બાપો ?' દોડતા ગાડામાંથી અવાજ આવ્યો.

‘અભાજી !' માનસીંગે બૂમ પાડી.

‘અલ્યા માનિયા ! મને..' સ્ત્રીનો અવાજ અંત ભાગમાં ગૂંગળાઈ ગયેલો સંભળાયો, અને માનસીંગની આંખ ફાટી.

હરિસીંગને પણ લાગ્યું કે માનસીંગનું ઓળખાણ છેક ખોટું ન હતું. તેણે પૂછ્યું :

'શું છે માનસીંગ ?' 'મંગીને છોડાવવી પડશે.'

'શી રીતે ?'

‘ગમે તેમ કરીને.'

'તેં આમ બૈરામાં ક્યાં પડવા માંડ્યું ?'

‘તને ખબર શી છે ?'

'મંગી મારી મા થવાની છે.'

'ના હોય; બહુ નાની છે.'

'એણે બૂમ પાડી તે સાંભળી નહિ ?'

‘જરા હેઠો બેશ. થોડું ખાઈ લે, પગમાં જોર હશે તો ગાડાને પકડી પાડીશું. ત્રણ ગાઉ સુધી બીજો મારગ નથી, એટલે હરકત નથી.'

માનસીંગનો હાથ ખેંચી હરિસીંગે તેને નીચે બેસાડ્યો, અને સુખડીનો ડબ્બો રસ્તા વચ્ચે જ ઉઘાડ્યો. હરિસીંગને ભૂખ કકડીને લાગી હતી; તેણે ઝડપથી ખાવા માંડ્યું. પરંતુ માનસીંગનો હાથ ઊપડતો એણે દીઠો નહિ.

‘અલ્યા, કેમ ખાતો નથી ?' હરિસીંગે પૂછ્યું.

'ખાઉ છું ને !' માનસીંગે ટુકડો મુખમાં મૂકી કહ્યું.

‘ક્યાં ખાય છે તું ? તારું ભાન ક્યાં છે?'

'મારું ભાન જતું રહ્યું છે.'

'કારણ ?'

‘મારા બાપાનો બોલ યાદ આવે છે.'

‘શો?'

‘મંગી બીજે કાંઈ ઠામ બેસે તો એનું નાક કાપી નાખજે.'

'એનું નાક કાપવા માટે તારે ભૂખ્યા રહેવું છે ? ચાલ, આટલું પૂરું કર. નાક કાપવું હોય તો તે ગમે ત્યારે બનશે. એમાં ઉતાવળ શી છે?'

'મારે એમ નથી થવા દેવું. એવું રૂપાળું એનું મોં છે !' ખાતે ખાતે માનસીંગ બોલ્યો.