હૃદયવિભૂતિ/વિકાસ/પ્રકરણ ૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૭ હૃદયવિભૂતિ
પ્રકરણ ૮
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૧ →


માનસીંગની ભૂખ ઊડી ગઈ હતી. એકાએક તેને તેનો બાપ યાદ આવ્યો. બાપ તો કેદખાને હતો. એને કેટલી સજા થઈ હશે? એ છૂટ્યો હશે કે નહિ? અઢીત્રણ વર્ષનો ગાળો નીકળી ગયો હશે કે નહિ ? માનસીંગને સમયનું પણ બહુ ભાન રહ્યું ન હતું. ધરમચંદ શેઠ એવા અને એવા જ લાગતા હતા; મંગી પણ બદલાઈ ન હતી. મંગીએ તેને પ્રથમ નહિ ઓળખ્યો હોય ? શું માનસીંગ એટલો બધો બદલાઈ ગયો હતો ?

સંઝેરમાં શી નવાજૂની બની હશે? એનો પિતા છૂટીને આવ્યો હોય તો મંગી આમ આટલે દૂર શહેર પાસે આવે ખરી? અને તે ધરમચંદ શેઠની સોબતમાં ? અને પાછી માનસીંગને ઓળખી બૂમ પણ પાડી ગઈ ! સ્વપ્ન તો ન હોય ?

એ સ્વપ્ન ન હતું. હરિસીંગ અને માનસીંગ બન્ને સાચેસાચ સુખડી ખાતા હતા. શિવાલય અંધારામાં પણ દેખાતું હતું. આસપાસનાં વૃક્ષ હાલતાં હતાં. ચીલો પણ દેખાતો હતો અને વધારે ધ્યાનથી સાંભળતા ગાડાવાળાનો દૂર દૂર જતો ડચકારો પણ સંભળાતો હતો. તારાઓ હસી રહ્યા હતા.

'ચાલ હવે, આવવું છે ?' એકાએક માનસીંગ બોલી ઊઠ્યો.

'ક્યાં ?'

'પેલા ગાડાની પાછળ. શું કરીશું ?'

‘એ ક્યાં જાય છે તે જોઈશું.’

'અને જોઈને શું કરશું ?'

'આમે બીજું કશું કામ તો નથી જ. ગાડા પાછળ જઈશું અને જે થાય તે જોઈશું.'

'મારે તને ઊજળી પાસે મોકલવો છે'

'કેમ ?'

'બાવાનો વેશ લઈ આવવા.'

‘તો તું ઊજળી પાસે જા; હું ગાડા પાછળ જઈશ. તું જ એ પહેરવેશ લઈ મંદિરમાં આવ.' ‘તને એકલો નથી મૂકવો.'

'કેમ ?'

'પછી હુંયે એકલો પડી જાઉં.'

‘તેની શી હરકત છે ?'

'તને નહિ હોય; મને હરકત છે.'

'કારણ ?'

‘તારે યાદ કરવાને બાપા છે; બચાવવા માટે પાછળ દોડવા પૂરતી મા છે; મારે કોઈ નથી. ચાલ, હું તારી જોડે જ આવું.'

માનસીંગ હરિસીંગ સામે જરા જોઈ રહ્યો. મહા દુષ્ટ લાગતો સુધારશાળાનો હરિયો શાળામાંથી છૂટ્યા પછી મહામિત્ર બની ગયો હતો. એક પણ ક્ષણ હરિસીંગે તેને દગો દીધો ન હતો. પ્રત્યેક પ્રસંગે તે માનસીંગના પક્ષમાં જ રહ્યો હતો. લવારિયાંની ટોળીમાં પણ હરિસીંગે માનસીંગને જ સાથ આપ્યો હતો. આ ક્ષણે પણ હરિસીંગ પોતાની વિરુદ્ધ માનસીંગના મનને રાજી કરવા તૈયાર હતો.

'શા માટે ?'

‘ગાડું પકડવું હોય તો ઉતાવળ કર. બળદ ધીમા નહિ ચાલતા હોય.’ હરિસીંગે કહ્યું. અને બન્ને જણ ગાડાને રસ્તે ચાલ્યા - ચાલ્યા નહિ, લગભગ દોડ્યા.

કેટલી વારે ગાડું દેખાયું. પરંતુ બંને ગાડાથી પચાસ કદમ દૂર રહીને ચાલતા હતા. થોડી વારે કૂતરાં ભસ્યાં, તેમને લાગ્યું કે કોઈ ગામ આવ્યું. ખરે, ધીમે ધીમે ઝૂંપડીઓમાંથી ઈંટેરી મકાનો આવતાં દેખાયાં. કૂતરાં સતત ભસતાં હતાં, પણ ગામ શાન્ત લાગતું હતું. હજી મધરાત થઈ ન હતી. એકાએક ઝગમગાટ પ્રકાશ દેખાયો.

ગાડું આગળ ચાલતું જ હતું. ઝગઝગાટ પ્રકાશવાળા સ્થળમાંથી એક પુરુષ બહાર નીકળી આવ્યો અને બૂમ પાડી ઊઠ્યો :

'ચાલો, આવી ગયાં બધાં ! બહુ સારું થયું. બધી જ તૈયારી છે. ઘર આગળ ગાડું છોડીએ.’

માનસીંગ અને હરિસીંગને સમજાયું કે આ ગાડામાં બેઠેલા સર્વને આ ગામે ઊતરવાનું હતું. ગાડાથી તેઓ એટલે દૂર ચાલતા હતા કે ગાડામાં બેઠેલા માણસો ભાગ્યે જ તેમને દેખી શકે - જોકે ગાડામાં બેઠેલી વ્યક્તિઓ સૂક્ષ્મદર્શક આંખો વાળી હતી. એટલે તેમને એમ તો લાગતું જ હતું કે તેમની પાછળ કોઈ આવે છે. એક તોફાનમાં સાત રૂપિયા ગુમાવ્યા હતા; બીજી રકમ ગુમાવવી ન પડે અને સમાધાનીપૂર્વક ગામે પહોંચી જવાય એવી ઈંતેજારીવાળા એ મંડળી ગામ આવવાથી જરા પ્રસન્ન થઈ. જોકે એમાં બેઠેલા બે યુવકો કોઈનો પણ સામનો કરવા માટે તૈયાર જ હતા અને ધરમચંદ શેઠના બીકણપણા ઉપર માનસિક તિરસ્કાર વરસાવતા જ હતા. તેમની જ રાહ જોતો બેઠેલો માણસ દોડી આવતાં ગાડું જરા થોભાવી ગાડાવાળો આગળ વધ્યો, અને થોડે દૂર આવેલા એકલ મકાન આગળ આવતા માણસે ગાડું ઊભું રખાવ્યું. મકાનની પાછળ ધજા જેવું કપડું પણ હાલતું દુકાનવાળા પ્રકાશને લીધે દેખાતું હતું.

પ્રકાશવાળું સ્થળ એક હોટેલ હતી. એમાં ચા, સોડા અને ચણા માટે સગવડ હતી. દિલખુશ હોટેલ, મનોરંજન હોટેલ, રામભરોસે હિંદુ હોટેલ, સ્વરાજ શાન્તિગૃહ, ગાંધી લોજ, વગેરે અનેક નામો પામી ચૂકેલી આ ચાની દુકાન વટેમાર્ગુના આનંદનું, ગામલોકોનાં ગપ્પાંનું, છક્કા-પંજાની રમતનું અને ચોરી, વ્યભિચારી તથા મનુષ્યહરણનાં કાવતરાંનું એક કેન્દ્રસ્થાન હતી. દુકાનનો માલિક અણીદાર મૂછોવાળો, મજબૂત અને બેપરવા દેખાવાનો પ્રયત્ન કરતો એક હિંદુ હતો. પરંતુ એનું હિંદુત્વ બહુ ઉદાર હતું. ગામમાં વસતા મુસલમાનોને પણ તે ચા આપવામાં હરકત જોતો નહિ; અને ઘણી વાર ફેઝ પહેરીને હિંદુમુસ્લિમ વચ્ચેનું અંતર તે ઘટાડતો પણ હતો.

'આ ઠીક જગા છે. ચા પીએ અને આટલામાં જ કાંઈ પડી રહીએ.' હરિસીંગે કહ્યું. માનસીંગે હા પાડી એટલે ગાડું છૂટ્યા પછી આગળ આવી તેઓ હોટેલ તરફ વળ્યા. તેમના દેખાવમાં ગૃહસ્થાઈ ન હતી. ધોતિયું, પહેરણ, માથે ફાળિયું અને હાથમાં ડાંગ ધારણ કરેલા. મેલા દેખાવના માણસોને ગૃહસ્થ ગણવામાં આવતા નથી, એટલે હોટેલમાં પેસતા બરોબર માલિકે પૂછ્યું :

‘અલ્યા કોણ છો ? ક્યાંથી આવો છો ?'

'ભાઈ ! ચા પી લેવા દે ને? પછી બીજી વાત. વટેમાર્ગુ છીએ. આમથી આવ્યા અને આગળ જવું છે.' હરિસીંગે કહ્યું.

'પૈસાબૈસા છે ને ખીસામાં ?' માલિકને વિશ્વાસ ન પડવાથી તેણે પૂછ્યું.

‘અરે જોઈએ એટલા ! તું કહેતો હોય તો પહેલાં આપીએ.’ માનસીંગે પહેરણનું ખીસું ખખડાવી કહ્યું.

‘એલ્યા, બે કોપ લાવ.' માલિકે કામ કરતા એક છોકરાને બૂમ પાડી અને લોખંડની ખુરશી ઉપર બેસી હરિસીંગ અને માનસીંગને પૂછ્યું : ‘શું લેશો ? રાજારાણી કે વીણાવેલી ?'

‘આપણે તો ચા જોઈએ. રાજારાણીયે નહિ અને વીણાવેલીયે નહિ.'

કોઈ દહાડો હોટેલમાં ગયા છો કે નહિ ? ગમાર જેવા ! શહેરમાંથી આવો છો અને આટલીયે ખબર નથી ? આનાવાળી ચા જોઈએ કે બે દોઢિયાંની ?'

‘આનાવાળી લાવ, દોસ્ત !' માનસીંગે કહ્યું.

બન્ને જણે કાચના જાડા મેલા પ્યાલામાં ચા પીધી. ઊની ચા સૂસવાટા વગર પિવાય જ નહિ. માલિકને પ્રથમ રમૂજ પડી અને પછી એ નવા આવેલા ગ્રાહકો સાથે વાત કરવા લાગ્યો. આજે એની દુકાન ભરચક ન હતી, મધરાત પછી કીટસન દીવો બંધ કરી તે ફાનસ સળગાવતો એટલે એની દુકાનનો લાભ લેનાર અનેક વ્યક્તિઓ ભેગી થતી. દુકાનમાં એક ઘડિયાળ પણ હતી. ઘડિયાળ તરફ જોઈ માનસીંગે હરિસીંગને કહ્યું :

'મધરાત થઈ. આગળ જવાશે ?'

'કંઈ પડી રહીશું આટલામાં. ગામમાં ધરમશાળા ખરી કે શેઠ ?' હરિસીંગે પૂછ્યું.

‘ત્યારે આ ગાડું ક્યાં ગયું? ધરમશાળામાં જ કે બીજે કાંઈ ?'

‘ત્યાં નથી રહેવું માટે તો પૂછીએ છીએ.' માનસીંગે અધ્ધર જવાબ દીધો.

‘તે તમે આ લગ્ન ખાતે નથી આવ્યાં ?' માલિકે પૂછ્યું.

'એ વગર આવીએ શું કરવા ? હમણાં ત્યાં જવાનું નથી. અલ્યા, બીજી ચા પીશું કે ?’ હરિસીંગે કહ્યું.

'હા હા ચા સારી બની છે. શહેરમાં આવી ન મળે.' માનસીંગે કહ્યું.

‘શહેરમાં ગામડાં જેવું દૂધ ક્યાંથી લાવો ?’ હોટેલ માલિકે પોતાની વિશિષ્ટતા દર્શાવી.

‘લાવો બે બીજા પ્યાલા. છુટ્ટું છે કે કંઈ ? અમારી પાસે તો રૂપિયો છે !' કહી હરિસીંગે માનસીંગ પાસેથી એક રૂપિયો લીધો અને માલિકના મેજ ઉપર ફેંક્યો. માલિકે તેને મેજ ઉપર પટક્યો. બ્રિટિશ રાજનીતિની પ્રામાણિકતા નહિ તો સદ્ધરતાનો પુરાવો આપતા રૂપિયાએ સચ્ચાઈનો રણકો વગાડ્યો.

'અરે, શેઠના આપેલા રૂપિયામાં વાંધો હોય ખરો ?’ માનસીંગે કહ્યું.

‘તમારા શેઠની વાત જવા દો ને ! પેલા બામણને કોણ જાણે કયી નાતનું ઝોડ વળગાડશે !' માલિકે શેઠ સંબંધમાં અભિપ્રાય આપ્યો. ‘ત્યારે તમે અમારા શેઠને ઓળખો છો ખરા ?'

‘કેમ ના ઓળખીએ ? મારો આખો વેપાર એક મહિનામાં તોડી પાડ્યો ને !' હોટેલ માલિકે કહ્યું.

‘તમારો વેપાર ? શેઠની અહીં કે શહેરમાં હોટેલ બોટલ નથી.'

'હોટેલનું તો ઠીક છે. પણ... હવે તમે શેઠના જ માણસ... તમને શું કહીએ ?'

‘અમે શેઠના વેચાણ નથી કાંઈ ! સમજ્યા ? આજની રાત પૂરતા સાથમાં. અમે પણ ગમે તે ધંધામાં ભાગલાગ કરીએ.'

હોટેલવાળાએ બન્ને ગામડિયાઓ તરફ જોયું. જરા ધારીને જોયું. તેમની આંખમાં મુશ્કેલ કામ કરવાની શક્તિ દેખાઈ ખરી.

‘શો ધંધો કરી શકો?' તેણે પૂછ્યું.

‘બતાવી જુઓ એટલે વાત. આપણે ગમે તે ધંધાની તૈયારી છે.' માનસીંગે કહ્યું.

‘સિગારેટ લેશો કે ?’ હોટેલવાળાએ પૂછ્યું.

‘લાવો; નાખો એક પાકીટ.' હરિસીંગ બોલ્યો. બીડી પીવાની એક પણ તક તે જવા દેતો નહિ.

વાતમાં અંતે એમ નીકળી આવ્યું કે ગામના માસ્તરને કન્યા જોઈતી હતી તે પૂરી પાડવા હોટેલના માલિકે પાંચ હજાર રૂપિયાના મહેનતાણાથી કબૂલ કર્યું હતું. માસ્તર બ્રાહ્મણ હતા એમ તે કહેતા અને દૂરના ગામડામાંથી વર્ષો પહેલાં આ ગામે આવી રહ્યા હતા. તેઓ પરણેલા હતા. પણ પત્ની ગુજરી જવાથી દુઃખના માર્યા ગામ છોડી પરગામ આવ્યા હતા. બાળકોને ભણાવવાની ગામમાં સગવડ ન હતી એટલે ગામે ઉઘરાણું કરી તેમને રાખ્યા. અને ધીમે ધીમે શિક્ષક લોકપ્રિય બનતા ચાલ્યા.

શરૂઆતમાં તે પોતાને આર્યસમાજિસ્ટ કહેવડાવતા. વેદ, હોમ, હવન અને બ્રહ્મચર્ય સંબંધી તેઓ ખૂબ વાતો કરતા અને જરૂર પડ્યે ભાષણો પણ આપતા. તેમના કથનનો મોટો ભાગ લોકો સમજતા નહિ, છતાં એ કોઈ બુદ્ધિશાળી વિદ્વાન માણસ છે એમ લોકોમાં માન્યતા ફેલાઈ.

અસહકાર વખતે તેમણે ખાદી ધારણ કરી ચરખા ફેરવવા માંડ્યા, પ્રભાત ફેરીઓ ગોઠવવા માંડી અને ચાની હોટેલવાળાઓના વિરોધ સામે થઈ ચા વિરુદ્ધ પ્રચાર કરવા માંડ્યો.

પરંતુ તેમણે અંત્યજોને અસ્પૃશ્ય ન ગણવા જોઈએ એવું ભાષણ કર્યું ત્યારથી ગામલોકોએ તેમના પ્રત્યે અભાવ દેખાડવો શરૂ કર્યો. ગામની આગેવાની લેવામાં તેમના બે ધ્યેય હતા : પ્રતિષ્ઠા અને પત્ની. ભાષણોમાં સ્ત્રીઓ પણ આવતી એટલે તેમને એ સભાપ્રયોગ સારો લાગ્યો. સાથે સાથે પ્રતિષ્ઠા પણ જળવાય એની તેમણે ખાસ કાળજી રાખી હતી. ચાના દુકાનદારે તેમને બોલાવી મફત ચા પાવા માંડી. એટલે તેમનો ચા વિરુદ્ધનો પ્રચાર અટકી ગયો. ગામમાંથી કાઢી મૂકવાની લોકોએ ધમકી આપી એટલે અંત્યજોની તરફેણ કરવાનું તેમણે છોડી દીધું, એટલું જ નહિ આર્યસમાજિસ્ટો અને ગાંધીજી બન્ને દેશના દુશ્મન છે એમ પણ થોડા દિવસમાં કહેવા માંડ્યું. હોટલવાળાએ તેમના સ્ત્રીશોખને પારખી સ્ત્રી મેળવી આપવાની જ્યારે કબૂલત આપી, ત્યારે તે હોટેલવાળાના ખાસ દોસ્ત બની ગયા અને ચા ઉપરાંત બીડી પણ ખુલ્લેખુલ્લી પીવા લાગ્યા – જોકે ખાનગીમાં તેમને બીડીની જરાય છોછ ન હતી.

વીસેક વર્ષે ગામમાં આવેલા માસ્તર ચાળીસ બેંતાળી વર્ષ સુધી પત્ની વગરના રહે એ વાત એમને ખૂંચતી હતી. આમ તો તેઓ નૈષ્ઠિક બ્રહ્મચર્યનો બોધ કરતા હતા, પરંતુ દૂરનાં સગાંવહાલાંની તાકીદને લીધે. વધતી જતી ઉમ્મરમાં કાળજી રહે એ કારણે, વંશ ચાલુ રહે એ અર્થે અને કોઈ પતિ માટે ઝૂરતી કન્યાનું ઠેકાણું પાડવાના ઉદાર આશયથી તેમણે પાંચેક વર્ષથી કન્યાની શોધ કરવા માંડી હતી. ધીમે ધીમે એ શોધ કોઈ વિજ્ઞાનના પ્રયોગને શોભે એવી તીવ્ર બની ગઈ. પત્ની વગર ધર્મ સાધી ન શકાય એવો આધાર તેમણે વેદમાંથી શોધી કાઢ્યો; વળી સંતાન વગર મુક્તિ ન મળે એવા શ્લોક તેમણે પુરાણોમાંથી ભેગા કર્યા; મોટી ઉમ્મરે લગ્ન થઈ શકે છે એવો યુરોપીય સંસ્કૃતિનો તેમણે ટેકો શોધ્યો, અને વ્યવહાર તો તેમને અનુમોદન આપી જ રહ્યો હતો, એટલે ભેગા કરેલા ત્રણ હજાર અને વ્યાજે ઉપાડેલા બે હજાર ખર્ચીને પણ પરણવું એવો એમનો નિશ્ચય જગજાહેર બની ગયો. હોટલવાળો મિત્ર તેમને બહુ જ સહાયભૂત બન્યો. માત્ર તેણે શોધેલી કન્યા વિધવા હતી એટલે તેમના બ્રાહ્મણપણાને તે વાત સહજ ખૂંચી. પરંતુ ઈશ્વર કોઈનું અડ્યું રાખતો નથી. આર્યસમાજી સંસ્કારોએ ઝટ તેમને સુધારા તરફ દોર્યા અને સુધારો તો વિધવાવિવાહને સંપૂર્ણ ટેકો આપે જ.

એટલે માસ્તરનાં લગ્ન લગભગ નક્કી થઈ ગયાં. પરંતુ વચમાં હોટલવાળાના વ્યાપારને સહાય આપવા આવેલા શહેરમાં વસતા એક શેઠે માસ્તરની હકીકત જાણી એટલે હોટલવાળાને બાજુએ રાખી તેમણે પાંચ હજારને બદલે ત્રણ હજાર રોકડા લેઈને એક કન્યા લાવી આપવાનું બીડું ઝડપ્યું - અલબત્ત બે હજાર બીજા કોઈને ત્યાંથી માસ્તર ઉપાડે તેને બદલે એ કડાકૂટમાંથી ઊગરી જવા માટે ત્રણ હજાર રોકડા લેઈ બે હજારનું ખાતું પાડી આપ્યે ચલાવી લેવાની તરકીબ તેમણે બતાવી - જે માસ્તરને વધારે રુચતું લાગ્યું અને કન્યા તો રૂપાળી અને ઘર ચલાવે એવી અનુભવી હતી જ - કારણ તે પણ વિધવા હતી.

ઘેમરપટેલે સંઝેરમાંથી કાઢી મૂકેલી મંગીને આમ વેચવા માટે ધરમદાસ શેઠ આ ગામે લઈ આવ્યા હતા એટલી ખબર અને સમજ માનસીંગને પડી.

'હું તો બ્રાહ્મણની દીકરીને લાવત, પણ આ શેઠ ક્યી નાતની લાવ્યા હશે એ કોણ જાણે ? કહે છે બ્રાહ્મણ; પણ ખાતરી શી ? આપણે બધું કરીએ પણ કોઈની નાત વટાળીએ નહિ !'

બધાં પાપ કરવાની તૈયારી ધરાવતા - લગભગ કરી ચૂકેલા હોટલવાળાને સ્ત્રી વેચવામાં કે વિધવાવિવાહમાં પાપ ન દેખાયું, પરંતુ ધરમચંદ શેઠ બ્રાહ્મણ પતિને અબ્રાહ્મણ પત્ની પરણાવી દેશે એ સંભવમાં એને ભારે પાપ દેખાયું. એણે શોધી રાખેલી કન્યા પણ બ્રાહ્મણ જ્ઞાતિની જ હતી એમ માનવા માટે એ હોટલવાળાના જ પુરાવા ઉપર આધાર રાખવાનો હતો !

‘ત્યારે સાચી વાત કહું ? એ બાઈની શી નાત છે તે જાણો છો ?' માનસીંગે કહ્યું.

‘શી નાત છે ? બ્રાહ્મણ તો નથી જ ને ?'

‘અરે બ્રાહ્મણ શું ? એ તો કોળી છે !'

‘કોળી ? શી વાત કરો છો ! એ લગ્ન થવા દેવાય ?'

‘આપણે શું ? બે જણ પરણશે અને આપણને પૈસા મળશે.’ હરિસીંગ બોલ્યો.

'પૈસા હું આપું - જો આ વાત ખરી હોય તો. કહો, કેટલા જોઈએ ?' હોટેલવાળો બોલ્યો.

‘સો સો રૂપિયા શેઠ અમને આપવાના છે. થોડા પહેલેથી આપી મૂક્યા છે - પણ શેઠને ખબર નથી કે લગન થતા બરોબર એ બાઈનું નાક અમે વાઢી લેવાના છીએ.’ માનસીંગ બોલ્યો.

‘કેમ ?'

આના બાપ જોડે એનું ઘરઘરણું થવાનું હતું. બાપ કેદમાં ગયો એટલે શેઠ બામણને માથે એને મારે છે. બામણ પણ જોશે !' હરિસીંગે સાંભળેલી વાતનો ઉપયોગ કર્યો.

'એના કરતાં માસ્તરને ચેતવીએ તો ? બિચારો પૈસા અને બૈરી બંને ખોશે.’ હોટેલવાળાએ કહ્યું. એ બાઈનો બીજે કોઈ સ્થળે સદ્ઉપયોગ થઈ શકશે એ વિચારે તેણે આ સૂચના કરી. એને માત્ર ધરમચંદ શેઠને ફાવવા દેવા નહોતા.

‘માનશે તમારું ?' માનસીંગે પૂછ્યું.

‘કહેવામાં શું જાય છે ? પછી તમારાવાળો રસ્તો છે જ ને !' હોટેલવાળાએ કહ્યું અને પોતાનું કીટસન ફાનસ હોલવી નાખ્યું. બન્નેને ત્યાં બેસવાનો અને સૂવાનો પણ આગ્રહ કર્યો.

પાછલી રાતનાં લગ્નમાં એકાએક વિઘ્ન ઊભું થયું. હોટેલવાળાએ જઈને માસ્તરને વાત કરી કે કન્યા તો કોળી જ્ઞાતિની છે. માસ્તરે ધરમચંદને બોલાવ્યા. ધરમચંદે હોટેલવાળાને જુઠો કહ્યો, એટલે હોટેલવાળાએ એ કન્યાને જ ખરી હકીકત પૂછી જોવાનું કહ્યું. એને તો કહી જ રાખ્યું હતું કે તેણે પોતાની જાતને બ્રાહ્મણ તરીકે ગણાવી દેવી. પરંતુ ખરે વખતે તેણે જ કહ્યું કે તે તો ઠાકરડી હતી. ધરમચંદની સાથે આવેલા બે માણસોએ ગુસ્સે થઈ મંગી ઉપર તેમ જ હોટેલવાળા ઉપર હુમલો કર્યો. પરંતુ હોટેલવાળાએ તૈયારી રાખી જ હતી. હરિસીંગ તેમજ માનસીંગ પણ મારામારીમાં તૂટી પડ્યા, અને લગ્નને સ્થાને આખા ગામને આકર્ષે એવી જબરજસ્ત મારામારી ત્યાં થઈ. એ મારામારીમાં ધરમચંદની સાથે આવેલા એક માણસને સખ્ત ફટકો માથામાં પડ્યો અને તે મૂર્છિત થઈ લોહી નીંગળતો જમીન ઉપર પડ્યો. હોટેલવાળાએ યુક્તિથી મંગી, હરિસીંગ અને માનસીંગને પોતાની હોટેલમાં પૂરી દીધાં.

'શું થયું ?'ની બૂમ મારતા ગામના મુખી અને આગેવાનો ત્યાં આવી પહોંચ્યા.

‘મને કોળણ જોડે પરણાવવા આવ્યા !' માસ્તરે ઉશ્કેરાઈને જવાબ આપ્યો. કોળણ બ્રાહ્મણ સ્ત્રી જેવી રૂપાળી હતી એટલે આ વાત ન જણાય અને લગન થઈ જાય એવી તેમને ઇચ્છા તો હતી જ, પરંતુ હોટેલવાળાએ ધાંધલ કરી તેમને વગોવવા માંડ્યા અને સાથે સાથે એ જ કે એના જેવી જ રૂપાળી સ્ત્રીને વગર ખર્ચે લાવી આપવાની લાલચ આપવાથી તેઓ પણ ધરમચંદ અને તેના સાથીઓની વિરુદ્ધ પડ્યા હતા.

‘પછી ?' મુખીએ પૂછ્યું.

'મેં કાઢી મૂક્યા !'

'કોણ કોણ હતા ?'

'આ ધરમાં શેઠ અને એના બે સાગરીતો.' 'શેઠ ! આ તો કેસનું ઘર તમે ઊભું કર્યું !' મુખીએ કહ્યું.

'આ માણસ અહીં મરવા પડ્યો છે તેનું શું ?' કેસની વાત સાંભળી ધરમચંદે સામી ધમકી આપી.

‘મરવા પડ્યો છે તે મરશે. પણ સાથે તો તમે લાવ્યા હતા ને ? આવી ઠગાઈ અને મારામારી કરવા?’ મુખી બોલ્યા.

ધરમચંદે કાલાવાલા કર્યા અને મુખીને કાંઈ રકમ આપી મૂર્છિત સાથીદારને ગાડામાં ઘાલી સવાર પડતાંમાં ગામ બહાર નીકળી ગયા.

જતે જતે માનસીંગે ધરમચંદને કહ્યું : 'મને ઓળખ્યો નહિ, ખરું ને શેઠ ? હું અભાજીનો દીકરો.'

'એ અભાજી તો પહોંચી ગયો પરમેશ્વરને ત્યાં. અને તુંયે ત્યાં જ જવાનો !'

‘આપણે બધાયે ત્યાં જ ભેગા હોઈશું ને ?' હરિસીંગે કહ્યું.

‘પરંતુ માનસીંગ સ્તબ્ધ બન્યો. અને આઘું ઓઢી ઊભેલી મંગીને નિહાળી જતે જતે ધરમચંદ બોલ્યા : 'આને ઘેમરપટેલ ડાકણ કહેતા તે ખોટું નહિ !'