૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ઉપસંહાર

વિકિસ્રોતમાંથી
← રાક્ષસ અને ચાણક્ય ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ઉપસંહાર
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨


ઉપસંહાર.

ચાણક્ય ખાસ પોતાના હેતુથી જ ચન્દ્રગુપ્તને શિષ્યનો વેશ પહેરાવીને પોતાસાથે લઈ આવ્યો હતો, અને શિષ્યનો તેણે જે બધો વૃત્તાન્ત રાક્ષસને કહી સંભળાવ્યો, તે સર્વ વૃત્તાન્ત ચન્દ્રગુપ્તનો જ હતો. રાક્ષસે એ બધો વૃત્તાન્ત સાંભળ્યો, તે આશ્ચર્યચકિત થયો અને અંતે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે નન્દનો અંકુર જે ચન્દ્રગુપ્ત તેની સેવાનો સ્વીકાર તેણે આનંદથી કર્યો. રાક્ષસ પાછો સચિવપદે નીમાયાથી ભાગુરાયણ મનમાં કાંઈક અસંતુષ્ટ થયો, પરંતુ ત્વરિત જ ચાણક્યે તેને સમજાવીને શાંત કરી નાંખ્યો. રાક્ષસ અને ચાણક્ય એ બન્ને એક થયા. એટલે પછી પૂછવું જ શું હોય ? સલૂક્ષસ અને મલયકેતુ પોતાનાં સૈન્યો લઈને આવે, તે પહેલાં જ તેમણે પોતાની એક પ્રચંડ સેના તૈયાર કરી. તે સેનામાં ૬૦૦૦૦૦ પાળદળ, ૩૦૦૦૦ ઘોડેસ્વાર અને ૯૦૦૦ હાથી હતા. એવી પ્રચંડ સેના હોય અને ચન્દ્રગુપ્ત જેવો તરુણ, મહત્ત્વાકાંક્ષી અને શૂર પુરુષ તેનો નેતા હોય, એટલે પછી તેના વિજયમાં શંકા જ શાની રહે ? પહેલે ફટકે જ સલૂક્ષસ અને મલયકેતુનાં સૈન્યોની તેમણે ધૂળધાણી કરી નાંખી; અને લગભગ વર્ષથી દોઢ વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ ચન્દ્રગુપ્તે સલૂક્ષસને કાશ્મીરથી પેલી તરફ હાંકી કાઢ્યો. અંતે સલૂક્ષસે ચન્દ્રગુપ્ત સાથે સુલેહ કરીને સિંધુ નદીની પશ્ચિમે આવેલો સર્વ દેશ છોડી દીધો. એ છોડેલા દેશમાં ગાંધાર દેશ પણ આવી ગયો હતો. તેણે પોતાની એક પુત્રીનું ચન્દ્રગુપ્ત સાથે લગ્ન કીધું અને પેાતાના એક મેગાસ્થનીસ નામના એલચી (પ્રતિનિધિ)ને ચન્દ્રગુપ્તની રાજધાનીમાં રાખ્યો. પર્વતેશ્વરને બંધનમુક્ત કરવામાં આવ્યો અને ત્યારથી તે ચન્દ્રગુપ્તનો માંડલિક થઇને રહ્યો. રાક્ષસે સચિવ પદવીને સંભાળી અને સલૂક્ષસનો એક બે વાર પરાજય થયો, એટલે થોડા દિવસ પછી ચાણક્ય પોતાના હિમાલયમાંના આશ્રમમાં ચાલ્યો ગયો અને ત્યાં તપશ્રર્યા કરતો કાળ વ્યતીત કરવા લાગ્યો. ચન્દ્રગુપ્તે આશ્રમમાંના પોતાના બધા સહાધ્યાયીઓને પાટલિપુત્રમાં બોલાવ્યા અને તેમને પોતાના સૈન્યમાં સારાસારા અધિકારો આપ્યા. રાજકુળના ગોધનના સંરક્ષણનું કાર્ય તેણે પોતાના પાલક પિતા ગોપાલને સોંપ્યું. પોતાની સાપત્ન માતાઓને ચન્દ્રગુપ્ત ઘણા જ આદરથી રાખવા લાગ્યો. પોતાની માતાએ પોતાના લાભ માટે આટલાં બધાં વિલક્ષણ સાહસો કર્યાં, તેથી ચન્દ્રગુપ્ત પોતાને મૌર્યના (મુરાના પુત્રના) નામથી ઓળખાવવા લાગ્યો. તેણે નન્દ નામનો ત્યાગ કર્યો હતો, છતાં પણ રાક્ષસ તો તેને નન્દ જ જાણતો હતો. વૃન્દમાલા અને તેના ઉપદેશથી સુમતિકા એ બન્ને પરિચારિકાઓ બૌદ્ધ યોગિનીઓ થઈ. વસુભૂતિના નિર્વાણપદે જવાપછી સિદ્ધાર્થક વિહારનો અધિકારી થયો અને તેણે પોતાના વિહારનો ઘણો જ બહોળો વિસ્તાર કર્યો, એના પ્રયત્નથી બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો જ વધવા લાગ્યો - તેનું પ્રાબલ્ય વિશેષ થયું.



સમાપ્ત.