લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/ન્યાયાધીશ કે અપરાધી ?

વિકિસ્રોતમાંથી
← ન્યાય શો થયો ? ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
ન્યાયાધીશ કે અપરાધી ?
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
નવીન યુક્તિ →


પ્રકરણ ૩૩ મું.
ન્યાયાધીશ કે અપરાધી?

ર્વતેશ્વરનું એ ભાષણ સાંભળીને રાક્ષસ તો કોપથી લાલ હીંગળા જેવો થઈ ગયો અને એકધ્યાનથી તેના મુખને તાકી રહ્યો. તેનો સંતાપ એટલો બધો વધી ગયો કે, બોલવાની પણ તેનામાં શક્તિ રહી નહિ. ભાગુરાયણ અને ચન્દ્રગુપ્ત ઉભય અર્થપૂર્ણ દૃષ્ટિથી પરસ્પર જોઈ રહ્યા હતા. થોડોક સમય વીત્યા પછી અમાત્ય રાક્ષસની અત્યાર સૂધી બંધ થઈ ગએલી વાચા પુનઃ ચાલતી થઈ - તે બેાલ્યો, “અસત્ય-અસત્ય !!” પરંતુ એટલામાં તેને એમ ભાસ્યું કે, આવા પ્રસંગે પોતાનો સંતાપ બીજાને દેખાડવો, એ યોગ્ય નથી. સંતાપને સંતાડીને શાંતિથી બોલી સર્વ રહસ્ય બહાર કાઢવું, એ જ વધારે સારો માર્ગ છે. એવા વિચારથી મહા મહેનતે તે પોતાના સંતાપને શમાવીને કહેવા લાગ્યો કે, “પર્વતેશ્વર ! મેં એવું એક પણ પત્ર તને લખ્યું નથી. માટે તું આવાં તર્કટી પત્રોનો ભાર મારાપર નાંખીશ, તેથી તારું શું વળવાનું છે? પર્વતેશ્વર ! તું પોતાની નિર્બળતાથી શત્રુઓનો શિકાર થઈ ગયો, તેથી તારી બુદ્ધિમાં ભ્રમ થઈ ગયો છે અથવા તો મારા નામનાં પત્રો લખીને તને કોઈએ ભમાવ્યો છે. એટલા માટે પોતાના અવિચારનો ખેદ કર અને મારાપર દોષારોપ કરવાથી દૂર રહે. જે નીચ લોકોએ તને પ્રપંચથી ફસાવ્યો હોય, તે સઘળાંનાં નામો આપીને તું આ આપત્તિમાંથી છૂટી જા, એટલે ખંડણી લઈને તને તારા દેશમાં જવા દેવામાં આવશે. પછી તે પ્રપંચીઓની જે વ્યવસ્થા કરવાની હશે, તે અમે પોતાની મેળે જ કરીશું. જો એમ નહિ કરે, તો આ પાટલિપુત્રમાંથી તારે જીવતા પાછા જવાની આશા રાખવી નહિ. જે વાત જેવી રીતે બની હોય, તેને તેવા જ રૂપમાં વર્ણવીને તું નિરપરાધી ઠરી જા.”

રાક્ષસનાં એ વચનોથી તો પર્વતેશ્વર વધારે ચીડાયો. “આ નીચે મને ફસાવીને અહીં બોલાવ્યો અને હવે પોતે જ ન્યાયાસન પર ચઢીને મને મેણાં મારે છે. માટે હવે એના પ્રશ્નનોનાં ઉત્તરો આપવાને બદલે ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણને જ જે કાંઈ કહેવાનું છે તે કહી દેવું અને પછી મૌન ધારી બેસી રહેવું” એવો તેણે નિર્ધાર કર્યો અને તે પ્રમાણે તે બન્નેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “અહો ! જે અપરાધી હોય તેને જ ન્યાયાસને બેસાડીને મહત્તા આપવી અને જે તેના કારસ્થાનનો ભેાગ થઈ પડ્યો હોય, તેને પાછો તેના જ હાથે ઉપમર્દ અને છળ કરાવવો, એવો જ આ નન્દના રાજ્યનો પ્રઘાત છે કે શું? અમાત્ય રાક્ષસ એટલે નન્દનો અત્યંત સ્વામિનિષ્ઠ સેવક, એવી આખા ત્રિભુવનમાં વ્યાખ્યા વ્યાપેલી છે. પોતાની એકવાર એવી કીર્તિ ફેલાઈ ગઈ એટલે પોતાને ગમે તેમ વર્તવાનો જાણે પરવાનો જ મળ્યો, એમ ધારવાનો આવા નીચોનો પરંપરાનો ધર્મ જ હોય છે. કાંઈપણ કારણ ન હોવા છતાં મને પત્ર લખીને મગધદેશ પર ચઢી આવવાનું એણે જ આમંત્રણ આપ્યું હતું. “રાજા ધનાનંદ ઘણો જ મૂર્ખ છે, અને તેથી રાજ્યમાં તેનું બિલ્કુલ ધ્યાન નથી. ઉપરાંત તે એક વૃષલીના મોહપાશમાં ફસાયો છે. જો તેને એવીજ રીતે વર્તવા દઈશું, તો મગધદેશનું ભવિષ્ય ઘણું જ ખરાબ દેખાય છે. જો આપનો ચઢાઈ કરવાનો મનોભાવ હોય, તો આ પ્રસંગ ઘણો જ સારો છે. મેં અંદરખાનેથી એટલી વ્યવસ્થા તો કરી રાખી છે કે, અમુક દિવસે અમુક વેળાએ તેનો તેના પુત્રો સહિત સર્વથા સંહાર થઈ જશે, એટલે એ પ્રસંગે જો તમે આવીને ઉભા રહેશો, તો તમારી ઇચ્છા અવશ્ય સિદ્ધ થશે. રાજા નઠારો હોય તેના કરતાં દેશમાં રાજા ન હોય તે વધારે સારું છે; પરંતુ આપના જેવા સારા રાજા સમક્ષ હોવા છતાં રાજ્યને રાજા વિનાનું શા માટે રહેવા દેવું જોઇએ ?” એવા પ્રકારનાં પત્રો એણે જ મને એક પછી એક મોકલવા માંડ્યાં અને પોતાની ઇચ્છા પ્રમાણે એણે નંદનો તો નાશ હાથમાં કરી લેવાની ઇચ્છા થઈ હોય, એમ પણ જણાય છે. ચન્દ્રગુપ્ત ! તેં મહા પરાક્રમ કરીને મને પકડ્યો, માટે ખરી રીતે તો તું જ આ રાજ્યનો સ્વામી થઈ ચૂક્યો. પણ તારું એ સ્વામિત્વ કાયમ રાખવાની જો તને આશા હોય, તો આ અધમને તું અત્યારે જ યમલોકમાં રવાના કરી દે. નહિ તો કોક દિવસે એ તારા પ્રાણનો પણ શત્રુ થશે, એ મારાં વચનો જોઇએ તો લખી રાખ.જે નીચે આટલાં વર્ષ સ્વામિનિષ્ઠાનો વિચિત્ર વેશ દેખાડીને અંતે પોતાના સ્વામિનું જ નિકંદન કાઢવાનો ભયંકર ભાર માથે ઉઠાવ્યો, તે બીજાની સેવા ખરી નિષ્ઠાથી કરશે, એની ખાત્રી શી? હું હાલ તમારા સ્વાધીનમાં છું - તમારો કેદી છું, તેથી મારા બોલવાને જોઇએ તેટલું વજન આપવામાં નહિ આવે, એ સ્વાભાવિક છે: તો પણ આ નીચના વચનમાં વિશ્વાસ રાખવામાં મેં જેવી ભૂલ કરી છે, તેવી ભૂલ તમે ન કરશો, એટલી જ મારી નમ્ર પ્રાર્થના છે. હવે વધારે હું કશું પણ બોલાવાનો નથી જ. ન્યાય કરીને મને વધસ્તંભ પર લઈ જઈને મારો વધ કરાવો કે શૂળે ચઢાવો અથવા તે બીજી કોઈ ક્રૂર રીતિ શોધી કાઢીને તેની સહાયતાથી મારા પ્રાણનો નાશ કરો; પણ હવે આ નીચના શબ્દો સાંભળવા માટે મને અહીં ઉભો ન રાખો ! હવે હું મારા મુખમાંથી એક શબ્દ પણ બહાર કાઢવાનો નથી. હું જે કાંઈપણ બોલ્યો છું, તે ઘણું છે. હવે મને ન્યાય આપો કે અન્યાય એનો આધાર તમારી ઇચ્છા૫ર રહેલો છે, જ્યાં ન્યાયાધીશ ચોર, લુંટાક અને ધાતકી હોય, ત્યાં ન્યાય મળવાની આશા તો કયાંથી જ રાખી શકાય?”

એમ કહીને પર્વતેશ્વરે પોતાપાસેનાં સર્વ પત્ર ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણને આપી દીધાં, તે લઇને તેમણે અત્યંત આશ્ચર્યયુક્ત મુદ્રાથી સમગ્ર વાંચ્યાં, અને ત્યાર પછી ઘડીકમાં રાક્ષસના મુખનું તો ઘડીકમાં પર્વતેશ્વરના મુખનું તેઓ અવલોકન કરવા લાગ્યા, જાણે હવે શું કરવું? એનો ઉપાય જ તેમને સૂઝતો ન હોય, એવો તેમનો ભાવ દેખાતો હતો. વાસ્તવિક રીતે તો હવે રાક્ષસ શું કરે છે, એ જ તેમને જોવાનું હતું. કિંબહુના, એ જોવા માટે જ તેમણે આવી રીતે એકાંતમાં ન્યાય આપવાની વ્યવસ્થા કરેલી હતી, “આપણે જો વચમાં કાંઈપણ બોલીશું, તો વિનાકારણ રાક્ષસના મનમાં સંશય આવશે અને એ સંશયથી જો તેને લાભ નહિ થાય, તો આપણે જે કાર્ય સાધવાનું ધાર્યું છે, તેની સિદ્ધિનો સંભવ કાંઈક ન્યૂન થશે.” એવી ધારણાથી તેઓ મૌન ધારી રહ્યા.

રાક્ષસ તો બુદ્ધિહીન જ બની ગયો. પોતા પર પર્વતેશ્વર વિનાકારણ દોષારોપ કરે છે, એ રાક્ષસ સારી રીતે જાણી શક્યો, પરંતુ તે પત્ર પરની મુદ્રા જેતાં તે પોતાની જ જણાઈ એટલે તે વિચારરૂપી મહાસાગરમાં આધાર વિના જ તણાવા લાગ્યો. “પર્વતેશ્વર અસત્ય આરોપ મૂકે છે, એમ કહીએ, તો આ મુદ્રા એને ક્યાંથી મળી ? શું મારી મુદ્રાને સાચવનાર પર્વતેશ્વર સાથે મળી તો નહિ ગયો હોય? ના - ના - એ તો સર્વથા અસંભવનીય છે. હું જેવી રીતે પર્વતેશ્વરના રાજ્યમાં ગુપ્ત રાજદૂતોને ફેરવીને ત્યાંના સમાચાર મગાવું છું, તેવી જ રીતે એણે પણ મગધદેશમાં પોતાના દૂતો રાખીને અહીંના સમાચાર મેળવવાનો ધંધો તો નહિ આદર્યો હોય? જો એમ હોય તો તે મારી પૂરી ફજેતી થએલી માનવાની છે. કારણ કે, હું મને પોતાને એક મોટા રાજનીતિજ્ઞ તરીકે જાહેર કરતો આવ્યો છું, સમસ્ત પુષ્પપુરીમાં શું શું થાય છે, તે જાણી શકવાનો મને અહંકાર હતો, અને પ્રત્યક્ષ મારા સ્વામીનો કુળ સહિત નાશ થાય અને પર્વતેશ્વર નગરને ઘેરો ઘાલે, ત્યાં સૂધી મને એની ખબર ન પડે, એ શું કહેવાય ? હું આવો આંધળો કેમ બન્યો? એ માટે લોકોના મનમાં અવશ્ય અનેક શંકાઓ થવી જ જોઇએ. વળી એ શત્રુને પકડ્યો પણ બીજાએ; અને જ્યારે એ પકડાયો ત્યારે મારા શિરે દોષારોપ કરવા લાગ્યો છે; એટલું જ નહિ પણ પૂરાવા તરીકે મારી મુદ્રાવાળાં પત્રો પણ દેખાડે છે. આ ઇંદ્રજાળનો શો ભેદ હશે ?” અંધકાર - રાક્ષસનાં નેત્રો સમક્ષ સર્વથા અંધકાર છવાયલો દેખાયો. પોતાના બચાવનો તેને કોઈ પણ ઉપાય સુજ્યો નહિ. પોતાની મુદ્રાથી અંકિત થએલાં પત્ર એણે દેખાડ્યાં, છતાં તેમનો અસ્વીકાર કરે, તો લોકો કેમ માને ? કારણ કે, એ પત્ર પોતાનાં લખેલાં નથી, એમ સિદ્ધ કરવા માટે તેની પાસે બીજે કોઈ પૂરાવો હતો નહિ. આ સકંજામાંથી છૂટવાનો કોઈ પણ માર્ગ તેની દૃષ્ટિએ પડ્યો નહિ.” પર્વતેશ્વરનાં આ વચનો લોકોના સાંભળવામાં આવશે, ત્યારે તેઓ મારા માટે કેવો અભિપ્રાય બાંધશે ! મારી આજ સૂધીની કમાવેલી કીર્તિ સદાને માટે કલંકિત થઈ જવાની? સ્વામિનિષ્ઠ તરીકે મેળવેલું નામ એક ક્ષણમાં સ્વામિદ્રોહીના રૂપમાં ફેરવાઈ જશે!” એવા એવા એક બે નહિ, પણ હજારો વિચારો તેના મનમાં આવવા લાગ્યા. અંતે એ બધા વિચારોને દૂર કરીને અને આવું ચમત્કારિક સંકટ આવેલું છતાં પણ મનને શાંત કરીને તે ચન્દ્રગુપ્ત તથા ભાગુરાયણને સંબોધીને બોલ્યો કે, “કુમાર! આ પર્વતેશ્વર જ્યારે મને પણ એ પ્રપંચમાં ભાગ લેનાર જણાવે છે, અને મેં જ એને આ પુષ્પપુરીપર ચઢી આવવા માટેનાં પત્ર લખીને વિનતિ કરવાનું સિદ્ધ કરી બતાવે છે, તો મને પણ આરોપી ગણીને તમારે મારો પણ ન્યાય કરવો જોઈએ. પર્વતેશ્વર કહે છે તે ખરું છે - હવે મારે ન્યાયાસન પર બેસવું જોઇએ નહિ; કારણ કે, એમ કરવાથી ન્યાયાસન અપવિત્ર જ થવાનું. તમે આ પુષ્પપુરીનું આ શત્રુના પ્રહારથી સંરક્ષણ કર્યું છે, તે કારણથી સર્વના ત્રાતા માનીને લોકો તમને જ માન આપવાના. કુમાર ! જો તમે હવે આ મગધના સિંહાસન પર પણ બેસશો, તો પણ લોકો તમને રાજા તરીકે સ્વીકારવામાં કશો પણ વાંધો લેવાના નથી. એ બધું તો ઠીક, પણ હવે પર્વતેશ્વર સાથે મારો ન્યાય પણ તમારે કરવો જોઇએ. અર્થાત્ કોઈ ચતુર મનુષ્યને ન્યાયાધીશ નીમીને મારાપર રાજદ્રોહનો આરોપ મૂકો અને ન્યાય કરાવો. ન્યાય પ્રમાણે મને જે કાંઈ પણ શિક્ષા કરવામાં આવશે, તે ભોગવવાને હું તૈયાર છું. આજ સૂધીમાં મેં હજારો મનુષ્યોનો ન્યાય કરીને કેટલાકને દેહાંત દંડ સુધીની શિક્ષાઓ પણ આપેલી છે, તેને આધારે હું કહું છું કે, મારાપર સ્વામિઘાત, સ્વામિના કુલનો ઘાત અને મ્લેચ્છોને આશ્રય લઈને પોતાના સ્વામિનું રાજ્ય પર્વતેશ્વરને સોંપી દેવાનો એવી રીતે ત્રણ આરેાપો મૂકો. જો મારું દૈવ મને અનુકૂલ હશે, તે હું આ લાંચ્છનમાંથી બચી જઈશ, નહિ તો પોતાને જીવવા માટે અયોગ્ય ધારીને મારા અપવિત્ર શરીરના બંધનમાંથી મારા આત્માને મુક્તિ આપી દઈશ. ચાલો – મને આ ક્ષણે જ કારાગૃહમાં લઈ ચાલો.”

એમ કહીને રાક્ષસ ન્યાયાસન પરથી નીચે ઊતર્યો અને પર્વતેશ્વરથી થોડોક છેટે જઈને ઊભો રહ્યો. અત્યાર સુધીની તેની ક્ષુબ્ધ વૃત્તિ સર્વથા શાંત થઈ ગઈ - હવે તે જાણે ધૈર્યની સાક્ષાત મૂર્તિ હોયની, તેવો દેખાવા લાગ્યો. ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણની તો એવી જ ધારણા હતી કે, પર્વતેશ્વરે એના નામનો ઉચ્ચાર કરતાં જ એ ગભરાઈ જશે અને પર્વતેશ્વર કહે છે તે બધું ખોટું છે માટે આપ મને આ સંકટમાંથી બચાવો, એવી એવી અનેક વિનતિઓ કરશે; અથવા તો કાંઈ યદ્વા તદ્વા બોલવા માંડશે.” પણ તે તો “મને પણ ન્યાયાસન સમક્ષ ઊભો રાખીને મારો પણ ન્યાય કરો,” એમ કહેવા લાગ્યો અને શાંતિની છટા ધારીને નીચે ઉતરી ઉભો રહ્યો. એ જોઈને તે ઉભય આશ્ચર્યમાં લીન થઈ ગયા. “નન્દનો નાશ થયો, તે વેળાએ ક્ષુબ્ધ થએલો જનસમાજ ગમે તેટલો રાક્ષસથી વિરુદ્ધ થયો હોય, તો પણ થોડીક સ્થિરતા થતાં જ રાક્ષસનું મિત્રમંડળ તેના પરના આ વૃથા આરોપને દૂર કરીને આપણી વિરુદ્ધ થઈ જવામાં જરા જેટલો પણ વિલંબ કરશે નહિ, તેમ જ વળી જનસમાજનો અભિપ્રાય પણ પાછો બદલાઈ જવાનો સંભવ છે.” એ બધું ચાણક્ય સારીરીતે જાણતો હતો. ક્ષુબ્ધ જનસમાજ અને ક્ષુબ્ધ મહાસાગર એ ઉભય સમાન હોય છે. શાંત સ્થિતિમાં તેઓ જેમને પોતાના શિરપર ધારે છે, તેમને જ તેઓ ક્ષુબ્ધ સ્થિતિમાં રસાતળમાં પહોંચાવી દે છે, કિંવા યમપુરીનો માર્ગ પણ બતાવી દે છે, એવાં કેટલાંક કારણોથી રાક્ષસના શિરે રાજદ્રોહના અપરાધનો આરોપ મૂકીને પ્રસિદ્ધ રીતે તેનો ન્યાય કરવો, એ કામ ઘણું જ જોખમભરેલું હતું. ચાણક્યની ઇચ્છા પ્રમાણે માત્ર એક જ કાર્ય હવે કરવાનું બાકી રહ્યું હતું. તે એ કે, અમાત્ય રાક્ષસને ચન્દ્રગુપ્તના પ્રધાનનું સ્થાન આપીને તેના હસ્તે ગ્રીક યવનોનો સર્વથા સંહાર કરાવી નાંખવો.જ્યારે તે પોતે તક્ષશિલા નગરીમાં વસતો હતો, તે વેળાએ ગ્રીક લોકોનો આર્યોપર કેટલો બધો જુલમ થાય છે, એનો આપણો વિષ્ણુશર્મા ઉર્ફે ચાણક્યને ઘણો જ સારો અનુભવ હતો. ત્યારપછી તે પાટલિપુત્રમાં આવ્યો અને ત્યાં તેનું અપમાન થવાથી તેણે વૈર વાળવાની પ્રતિજ્ઞા કરી અને રાક્ષસ જેવા ધુરંધર અમાત્યને પણ થાપ ખવડાવીને પોતાની તે પ્રતિજ્ઞા પૂરી કરી, “પરંતુ એ સર્વ ગુપ્ત કેટલા દિવસ રાખી શકાશે ? રાક્ષસના કહેવા પ્રમાણે જો કોઇને ન્યાયધીશ નીમીને સર્વ લોકો સમક્ષ તેનો ન્યાય કરાવવામાં આવે, તો કોઈને કોઈ ભેદનો જાણનાર નીકળી આવતાં સર્વ કારસ્થાનો ખુલ્લાં થઈ જવાનો સંભવ છે. એટલામાટે ન્યાયનો એવો પ્રસંગ ન લાવવો, એ જ ચાણક્યને અને તેના પક્ષવાળાઓને માટે ઇષ્ટ હતું. લોકોનાં મન ક્ષુબ્ધ હોય છે, ત્યાં સુધી જ રાક્ષસને કાંઇ પણ શિક્ષા કરવાનું કે તેને દેશપાર કરવાનું શક્ય હતું, પરંતુ એમ કરવું પણ ચાણક્યને બે કારણોને લીધે યોગ્ય ભાસતું નહોતું. એક તો રાક્ષસ જેવો મગધદેશથી બહાર નીકળ્યો તે તત્કાળ ચન્દ્રગુપ્તનો દોષ કરવા માંડશે અને કોઈ પણ રાજાને તેની વિરુદ્ધ જગાવીને મગધપર ચઢાઈ કરાવવાનો અવશ્ય પ્રયત્ન કરશે. કારણ કે, નન્દના વંશમાં તેની દૃઢ ભક્તિ છે, અને તે નન્દવંશનો સર્વથા નાશ થએલો છે, માટે તે નન્દવંશના સંહારકોનો દોષ કરીને તેમનો નાશ કરવો, એ જ પોતાની ઈતિકર્તવ્યતા છે, એમ તે સમજવાનો. તેમ જ એ કાર્ય પૂર્ણ કરવામાં જ તે પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરવાનો. એ કારણોથી રાક્ષસનો દેશનિકાલ કરવામાં કશો પણ લાભ હતો નહિ. વિરુદ્ધ પક્ષે કાંઈક હાનિનો જ સંભવ હતો. રાક્ષસને શિક્ષા ન કરતાં પોતાના પક્ષનો કરી લેવાનું બીજું કારણ એ હતું કે, ચન્દ્રગુપ્તને એના જેવા સચિવની એ વેળાએ ઘણી જ આવશ્યકતા હતી. ભાગુરાયણ સચિવ પદવીને યોગ્ય મનુષ્ય નહોતો - તે સારો શૂરવીર નર હતો - દીર્ધ વિચારવાન અમાત્ય નહોતો. પોતે સચિવપદે રહીને ચન્દ્રગુપ્તને સહાયતા કરવાની ચાણક્યની ઇચ્છા હતી નહિ. તેના મનમાં તો હવે પુનઃ પોતાના આશ્રમમાં જઇને તપશ્ચર્યા કરવાની જ લાલસા હતી; પરંતુ જેવી રીતે ચન્દ્રગુપ્તને પ્રથમથી આશ્રય આપેલો છે, તેવી જ રીતે તેના રાજ્યશકટને સુયંત્રિત ચાલુ કરીને તેના હાથે ગ્રીક યવનોનો પરાજય કરાવવા માટેની એક જ આશા અદ્યાપિ તેના મનમાં બાકી હતી. રાક્ષસ જો એક વાર ચન્દ્રગુપ્તને નન્દનું રૂપ માનીને તેની પ્રમાણિકપણે સેવા કરવાનું કબૂલ કરે અને પ્રતિજ્ઞા લે, તો સર્વ કાર્ય સિદ્ધ થઈ જ ચૂક્યાં, એવી ચાણક્યની ધારણા હતી. નન્દનો કોઈ શત્રુ જ સૃષ્ટિમાં રહ્યો નથી, એવા ભ્રમથી એ જેવી રીતે નિશ્ચિત અને બેપરવા રહ્યો હતો અને તેથી જ એને ઠગીને આ બધાં કારસ્થાનો પાર પાડી શકાયાં, એવી ગફલતી હવે એનાથી થવાની નથી, કારણ કે, પોતાની અસાવધતાનું એને અત્યારે જોઇએ તેવું શિક્ષણ મળી ચૂક્યું છે. અર્થાત ચન્દ્રગુપ્તના રાજ્યમાં રાક્ષસ જેવો સચિવ જ હોવો જોઇએ. એ જો ચન્દ્રગુપ્તને નન્દવંશનો અંકુર અને મગધદેશનો રાજા માનીને હું એનો સચિવ છું, એ વાક્યનો પોતાના મુખથી એકવાર ઉચ્ચાર કરે, તો પછી સર્વ ચિંતાનો નાશ જ થએલો સમજવાનો છે. એકવાર એ વાક્ય તેના મુખમાંથી ઉચ્ચરાવી શકાય, તો જ કાર્ય નિર્વિઘ્નને સિદ્ધ થાય. એમ થાય તો પછી ચન્દ્રગુપ્તના રાજ્યશકટના ચાલવામાં કશું પણ વિઘ્ન રહે નહિ, એવા ચાણક્યના વિચારો હતા. પરંતુ રાક્ષસને ચન્દ્રગુપ્તના પક્ષમાં લાવવો, એ કાર્ય ઘણું જ કઠિન હતું. અત્યાર સુધી જે કાંઈ પણ થયું હતું, તે તો બધું બહુ જ સરળ હતું. પરંતુ રાક્ષસના શબ્દને ફેરવવો અને પૃથ્વીની ગતિને બીજી દિશામાં વાળવાનો પ્રયત્ન કરવો, એ બન્ને કાર્યો સમાન હતાં – અર્થાત્ પૃથ્વીની ગતિ ફેરવવી, એ જેમ સર્વથા અશક્ય છે, તેવી જ રીતે ચાણક્યનો શબ્દ ફેરવવો, એ પણ સર્વથા અશક્ય હતું. પરંતુ ચાણક્યનો તો સર્વદા એ સિદ્ધાન્ત જ હતો કે, અશક્ય જેવું આ સૃષ્ટિમાં કાંઈ છે જ નહિ. કિંબહુના, જે કાર્યો એવાં અશક્ય જેવાં જણાતાં હોય, તેમને શક્ય કરી દેખાડવાં, એનું નામ જ નીતિનૈપુણ્ય. એવા પ્રકારની ધારણાથી તેણે પોતાના મનમાં એ કાર્ય કરવા માટેની કોઈક રચના કરી રાખી હતી. બીજા કોઈપણ ઉપાયે રાક્ષસને નમાવી શકાશે નહિ, એ ચાણક્ય સારી રીતે જાણતો હોવાથી જ તેણે, રાક્ષસપર પોતે પર્વતેશ્વર સાથે મળી જઈને નન્દકુળનો નાશ કરાવ્યો એવો અપરાધ મૂક્યો અને તેમાંથી છૂટવાનો કોઈ પણ માર્ગ નથી, એવો તેને ભાસ કરાવ્યો. એ જો કે એક સાધન હતું ખરું, પણ બહુ જ નિર્બળ સાધન હતું. એ સાધનથી કાર્ય પૂરેપૂરું પાર પડવાનું નથી જ, એ પણ ચાણક્યની જાણ બહાર હતું નહિ. અર્થાત્ રાક્ષસનું મન જિતવામાટે કોઈ બીજાં જ સાધનો સાધવાની આવશ્યકતા હતી. અને ચાણક્ય એ સાધનને સાધવાના પ્રયત્નમાં જ હતો. એણે જ રાક્ષસને ન્યાયાસને બેસાડીને તેનાપર આવનારા સંકટનું તેને પ્રત્યક્ષ દર્શન કરાવવાનું કાર્ય - ચન્દ્રગુપ્ત - દ્વારા કરાવ્યું હતું. તે વેળાએ ચન્દ્રગુપ્ત અને રાક્ષસનું જે પરસ્પર ભાષણ થયું, તે આ પ્રમાણે હતું; ચન્દ્રગુપ્તને ચાણક્યે કેટલાક પ્રશ્નો સૂચવેલા હતા અને તેના ઉત્તરો ચાણક્યને શીઘ્ર જ જોઈતા હતા. ચાણક્યનો હેતુ જાળવીને ચન્દ્રગુપ્તે રાક્ષસને કહ્યું કે;–

“અમાત્ય રાક્ષસ! પર્વતેશ્વર શું બડબડ કરે છે, તે તો આપ સાંભળો છો જ અને અમે પણ સાંભળીએ છીએ. પરંતુ આપના જેવા સ્વામિનિષ્ઠ અને નન્દના પક્ષપાતી પુરુષશ્રેષ્ઠના સંબંધમાં એનું જે બોલવું છે, તે ખરું હશે કે નહિ; એ વિશે અમારા મનમાં શંકા જ છે. માટે એ જે આડું અવળું બોલે તેનો કાંઈપણ વિષાદ માનીને અમે એ બધું ખરું સમજતા હોઈશું, એવી આપે શંકા કરવી નહિ. પર્વતેશ્વર તો સદા સર્વદા પાટલિપુત્રને સ્વાહા કરવા માટે જ તૈયાર છે. આજનું એનું કૃત્ય કાંઈ નવું નથી, માટે આપ પોતે જ જઈને એને મળ્યા હશો, એ વાત જાગૃત અવસ્થામાં તો શું, પણ સ્વપ્નમાં પણ અમને સત્ય ભાસે તેમ નથી. ત્યારે ખરો પ્રપંચી કોણ છે અને આપની મુદ્રાવાળાં પત્રો બનાવટી કોણે બનાવ્યાં, એનો આપે અવશ્ય શોધ કરવો જ જોઈએ. નહિ તો ભવિષ્યની ઘણી જ ભીતિ રહે છે.” “કુમાર ! તમારા મનમાં ગમેતેમ હોય, પણ બહારથી પણ તમે મને આ વિષયમાં નિરપરાધી માનો છો, એ પણ એક ઉદારતાનું ઉદાહરણ છે. પરંતુ માત્ર તમારા સારા મતથી જ મને કાંઈપણ લાભ થઈ શકે તેમ નથી. મારી મુદ્રાવાળાં પત્રો એની પાસેથી મળી આવ્યાં, એ જ લોકોના અપવાદ માટે પૂરતું સાધન છે. એ લોકાપવાદ મારા શિરેથી સર્વથા ટળી જવો જોઈએ. માટે એને ટાળી નાંખવાનો જો તમે પ્રસિદ્ધ રીતે ન્યાયસભામાં પ્રયત્ન કરશો તો તમારો મારામાં અને મારી સ્વામિનિષ્ઠામાં પૂરેપૂરો વિશ્વાસ છે, એમ હું માનીશ. અન્યથા નહિ.” રાક્ષસે કહ્યું.

“અમાત્યરાજ ! આ વિષયના ઉહાપોહમાટે જો પ્રસિદ્ધતાથી ન્યાયસભા ભરવામાં આવશે તો બધી બાજી બગડી જશે, એના કરતાં તો આ ભેદભરેલા વિષયને અંદરને અંદર દબાવી દઈને પર્વતેશ્વરને ખંડણી લઈને તેના રાજ્યમાં પાછો મોકલી દેવો અને આ ચન્દ્રગુપ્તને સિંહાસનારૂઢ કરીને મગધદેશનું રાજ્ય પૂર્વ પ્રમાણે ચલાવવાની ચેષ્ટા કરવી એ જ સારું છે. તમે સચિવ અને હું સેનાપતિ......” સેનાપતિ ભાગુરાયણ વચમાં જ બોલી ઉઠ્યો.

“ના ના” રાક્ષસે એકદમ પોકાર કરીને કહ્યું. “ભાગુરાયણ ! આ નન્દવંશના પક્ષપાતી રાક્ષસ સમક્ષ તારે કોઈ કાળે પણ આવી વાત કાઢવી નહિ. નન્દનો ઘાત કરાવીને તેના સિંહાસને બેસવા ઇચ્છતા વૃષલનું સાચિવ્ય કરાવીને મને કલંકિત કરવાની તું ઇચ્છા રાખે છે કે ? એ શબ્દો ઉચ્ચારવા પહેલાં તારી જિહ્વાના શતશઃ ટુકડા કેમ થઈ નથી જતા ? નીચો ! શું તમારા બધાના કપટનાટકને હું નથી જાણતો કે ? અરેરે ! જાણું છું ખરો, પણ તે ઘણું જ મોડું જાણ્યું. એટલે જ તમને આવા રાજદ્રોહાત્મક ભાષણો કરવાનો પ્રસંગ મળ્યો, નહિ તો......પણ હવે એ વિચારો પ્રદર્શિત કરવાથી લાભ શો થવાનો છે ? કાંઈ પણ નહિ, માટે મૌન જ વધારે સારું છે.”

—₪₪₪₪—