લખાણ પર જાઓ

૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/રાક્ષસની વિસ્મયતા

વિકિસ્રોતમાંથી
← પર્વતેશ્વર પકડાયો ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
રાક્ષસની વિસ્મયતા
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ચન્દ્રગુપ્તની સવારી  →


પ્રકરણ ૨૯ મું.
રાક્ષસની વિસ્મયતા.

ન્દ્રગુપ્તે પર્વતેશ્વરને પકડ્યો અને તેને કેદ કરીને લઈ આવ્યો, એથી પોતાના સમસ્ત હેતુઓને સિદ્ધ થએલા જોઇને ચાણક્ય પોતાને કૃત કૃત્ય માનવા લાગ્યો, અને હવે પછી શી વ્યવસ્થા કરવી, તેનો વિચાર કરવા લાગ્યો. એ ગત પ્રકરણના અંતમાં આપણે જાણી આવ્યા છીએ. ચન્દ્રગુપ્તને મોટા ઠાઠમાઠથી કુસુમપુરમાં લઈ આવવો અને તેની આગળ પર્વતેશ્વરને ચલાવવો, એ નિશ્ચય તો તેણે કરી જ રાખ્યો હતો. તે પ્રમાણે સમસ્ત નગરમાં તેણે ચન્દ્રગુપ્તના નામનો જયજયકાર પ્રવર્તાવીને ઉદ્ઘોષક (જાહેરનામું આપનાર) દ્વારા તેણે એવો વૃત્તાંત પ્રજાજનોને જણાવ્યો કે, “મહારાજ ધનાનન્દ અને તેના પુત્રોનો કોઈ દુષ્ટે ઘાત કરાવ્યો અને એ સંધિને સાધીને પર્વતેશ્વર પોતાના સૈન્ય સહિત આવી પાટલિપુત્રને ઘેરો ઘાલી નગરપર હલ્લો કરવાની તૈયારીમાં હતો, એટલામાં ચન્દ્રગુપ્તે પોતાના પિતા અને બંધુઓના મરણનું વૈર લેવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિ ભાગુરાયણની સહાયતા વિના જ પર્વતેશ્વર૫ર આક્રમણ કર્યું અને તે આક્રમણના પ્રભાવથી ગભરાયલો પર્વતેશ્વર પોતાના સૈન્ય સહિત ૫લાયન કરી જતો હતો, તેને પકડી કેદ કરીને ચન્દ્રગુપ્ત આજે કુસુમપુરમાં આવનાર છે. પર્વતેશ્વર ગ્રીક યવનોનો માંડલિક છે - એ મૂળ આર્ય હોઈને એણે યવનોની ગુલામગીરી કબૂલ કરી છે, એટલું જ નહિ પણ નન્દોએ તેની ગુલામગીરી કબૂલ કરવી, એટલે કે મ્લેચ્છોના ગુલામના પણ ગુલામ થવું. એવી દુષ્ટ બુદ્ધિથી જ તેણે કુસુમપુરમાં પ્રપંચજાળ પાથરીને નંદોનો એકાએક નાશ કરવાનો અને આપણા આ દિવ્ય નગરપર ઘેરો ઘાલવાનો પ્રયત્ન કર્યો. એ તેના પ્રપંચ માટે તેને શી શિક્ષા કરવી, એનો મહારાજાધિરાજ ચન્દ્રગુપ્ત મહારાજ તો વિચાર કરશે જ, પરંતુ આ નગરમાંથી તેને કોણે સહાયતા કરી એનો પણ શોધ કરી તે દેશદ્રોહીને પકડીને તેને પણ દેહાંત દંડ આપવાની, મહારાજાની ઇચ્છા છે. એટલા માટે આટલું બધું શૌર્ય ગજાવી અને નંદવંશના અકાલ ઉચ્છેદનું વૈર વાળીને પાછા ફરેલા રાજકુમાર - હવે થએલા મહારાજાને સર્વએ મહાન જયઘોષથી આદર સન્માન આપવું – એ પ્રજાનો ધર્મ છે.” ઉદ્ઘોષકદ્વારા એવા ઉદ્ઘોષ કરાવીને સારા સારા કારીગરોને હાથે સ્થાને સ્થાને તેણે તોરણ બંધાવ્યાં. ઉપરાંત બીજી તૈયારીઓ પણ કરવામાં આવી. गतानुगतिको लोक: એ ન્યાય પ્રમાણે સમારંભનું કાર્ય આખા નગરમાં ચાલૂ થઈ ગયું. પરંતુ એ સમારંભની તૈયારી થવામાં અને ચન્દ્રગુપ્તના નગરપ્રવેશમાં હજી અવકાશ હોવાથી આપણે અમાત્ય રાક્ષસની શી સ્થિતિ છે, તેનું કિંચિત અવલોકન કરીશું.

અમાત્ય રાક્ષસ ધનાનંદની સવારી સાથે હાથીપર બેસીને ચાલ્યો જતો હતો, એટલામાં તેને કોઈએ એક ચીઠ્ઠી લાવી આપી. એ ચીઠ્ઠી વાંચતાં જ રાક્ષસ ત્યાંથી ચાલતો થયો, એની વાંચકોને સ્મૃતિ હશે જ. “પર્વતેશ્વર પાટલિપુત્રને એકદમ ઘેરો ઘાલે છે, એટલે શું? તેના શરીરમાં આટલું બળ અને આટલું શૌર્ય એકાએક ક્યાંથી આવી ગયું ? મહારાજાની સવારીની વ્યવસ્થામાં અને મહારાજાને મુરાના મંદિરમાંથી બહાર લાવવાના આનંદના અવસરે એકાએક આ ભયંકર પ્રસંગ આવ્યો, એનું કારણ શું હશે ? ત્રિભુવનમાં મારો બરોબરિયો ગુપ્ત વાતો જાણનાર નથી મળવાનો, એવો અહંકાર મારા હૃદયમાં હોવા છતાં આ વાતની મને જરા જેટલી બાતમી પણ ન મળી, એ શું કહેવાય ?” એવા વિચારથી તે વિસ્મિત થઈ ગયો અને તેથી એ બાબતને જેટલી ઉતાવળે ચાલી શકાય તેટલી ઉતાવળે ચાલીને શોધ કરવા લાગ્યો. એ શોધાંતે તેને એમ જણાયું કે, પોતાની સર્વ સેના પર્વતેશ્વરના શિબિરપર ટૂટી પડવા માટે સજ્જ થઈને બેઠેલી છે. એ સાંભળીને રાક્ષસના મનમાં કાંઈક સંતોષ થયો. “હું તો જો કે સર્વથા અસાવધ થઈ ગયો હતો, પણ ભાગુરાયણે પોતાની સેના સજ્જ કરી રાખી છે, એ ઘણું જ સારું થયું.” એમ તેને ભાસ્યું. ભાગુરાયણ સેનાના રહેવાના સ્થાનમાં નહોતો, તેથી રાક્ષસે એક નીચી પંક્તિના અધિકારીને તેને બોલાવવા માટે મોકલ્યો. ભાગુરાયણ નહોતો, પણ તેના હાથ નીચેનો દ્વિતીય સેનાપતિ હતો, તેણે “ભાગુરાયણ તરફથી કોણ જાણે કઈ વેળાએ આમંત્રણ આવશે એનો નિયમ નથી, માટે મારાથી આવી શકાય તેમ નથી.” એમ કહીને આવવાની સાફ ના પાડી. એ ના સાંભળી રાક્ષસ તો આશ્ચર્યથી સ્તબ્ધ જ થઈ ગયો. પાછો તેના મનમાં વિચાર આવ્યો કે, “કદાચિત્ સરત ચૂકથી તેણે આવો જવાબ આપ્યો હશે, અમાત્યે બોલાવ્યો છે, એમ ન સમજવાથી જ તેણે આવું ઉત્તર દીધું હશે,” એમ સમજીને તેણે તે અધિકારીને પાછો બોલાવવા માટે સંદેશો કહાવ્યો. પરંતુ એ આજ્ઞાનો પણ કશો ઉપયોગ થયો નહિ. એથી રાક્ષસને ઘણો જ સન્તાપ થયો. પાટલિપુત્રમાં કોઈપણ આવા બેપરવાઈના જવાબો આપશે અને આવી અવજ્ઞા કરશે, એવો વિચાર તેને કોઈ દિવસે સ્વપ્નમાં પણ આવ્યો નહોતો. પરંતુ આજે તેને પ્રત્યક્ષ અનુભવ થયો, એટલે તેના શોકની સીમા જ થઈ ચૂકી! રાક્ષસ પોતે જ એકદમ તે અધિકારીના સ્થાનમાં જઈ પહોંચ્યો અને કોપથી કહેવા લાગ્યો કે, “ જો કે તેં મારી અવજ્ઞા કરેલી છે, તોપણ આ વેળાએ હું તને કાંઈ કહેતો નથી. પાટલિપુત્રને પર્વતેશ્વરે ઘેરો ઘાલ્યો છે, તેને હાંકી કાઢવામાટે અત્યારે ને અત્યારે તું પોતાના સૈન્ય સહિત ચાલતો થા.” પરંતુ તે અધિકારીએ એનું ઘણું જ શાન્તિથી એવું ઉત્તર આપ્યું કે, “ભાગુરાયણ સેનાપતિની અમને એવી આજ્ઞા છે કે, મારા વિના તમારે બીજા કોઈની પણ આજ્ઞા સાંભળવી નહિ; માટે તેની આજ્ઞા ન મળે, ત્યાં સુધી એક પણ સૈનિક અહીંથી ત્યાં જવાનો નથી. નહિ તો સૈન્ય તો શસ્ત્રાસ્ત્રથી સજ્જ થઈ તૈયાર જ ઊભેલું છે.” આ ઉત્તર સાંભળી રાક્ષસ ચકિત થઈ ગયો. તેનાં નેત્રો ફાટી ગયાં – તેના મનમાં ઘણો જ ખેદ થયો અને તે બોલ્યો કે, “પણ હું ભાગુરાયણ કરતાં વધારે ઉચ્ચ પદવીનો અધિકારી છું, માટે મારી આજ્ઞા તમારે માનવી જ જોઈએ. તે તમે કેમ માનતા નથી?”

અધિકારીએ એનું કશું પણ ઉત્તર ન આપતાં માત્ર સ્મિત કર્યું. એથી તો રાક્ષસના હૃદયનો સંતાપ વધારે જ વધતો ગયો. એ સંતાપના આવેશમાં તે કાંઈક વધારે બોલવા જતો હતો, એટલામાં દૂરથી તેને એક મોટા કોલાહલનો અવાજ સંભળાયો. પાટલિપુત્રમાં પર્વતેશ્વરના સૈન્યનો પ્રવેશ થવાથી જ આ કોલાહલ થયો હશે, એવી ધારણાથી તેણે વળી અધિકારીને પણ કહ્યું કે, “પર્વતેશ્વરે નગરમાં પ્રવેશ કરી પ્રજાને પીડવા માંડી છે, તોપણ તું પોતાનાં સૈન્ય સહિત ત્યાં જતો નથી?” એમ કહી તેને તે પોતાનાં કો૫થી આરકત થએલાં નેત્રોવડે જોવા લાગ્યો, “હવે શું કરું અને શું ન કરું?” એમ તેના મનમાં થઈ ગયું – એટલામાં તે અધિકારીએ શાંત થઈ ઉત્તર આપ્યું કે, “સેનાપતિ ભાગુરાયણની આજ્ઞા નહિ થાય, ત્યાં સુધી કોઈપણ પોતાના ધનુષ્યની દોરી ચઢાવનાર નથી કે કોષમાંથી ખડગ પણ બહાર કાઢનાર નથી, યુદ્ધ માટે ખાસ સેનાપતિની જ આજ્ઞા જોઈએ.”

“ત્યારે તે ભાગુરાયણ પર્વતેશ્વર સાથે મળી જવાથી જ આ પ્રપંચ થયો છે, એમ જ માની શકાય. ભાગુરાયણ સેનાધ્યક્ષ ! અંતે તું જ આ રાજહત્યા અને પાટલિપુત્રના નાશનો હેતુ થયો ને?” અમાત્ય રાક્ષસે નિરાશાથી એ ઉદ્દગાર કાઢયો.

વાસ્તવિક રીતે જોતાં રાક્ષસે એ મોટેથી ઉચ્ચારેલા, પરંતુ પોતાને જ ઉદ્દેશીને કહેલા ઉદ્દગારનું ઉત્તર મળવાની કાંઈપણ આવશ્યકતા હતી નહિ, તેમ જ તેણે ઉત્તરની અપેક્ષા પણ રાખી નહોતી, પરંતુ અનેક વેળા સર્વથા ન ધારેલી વાતો બની આવે છે, તે જ પ્રમાણે અત્યારે પણ થયું.

“ભાગુરાયણ સેનાધ્યક્ષ ! અંતે તું જ આ રાજહત્યા અને પાટલિપુત્રના નાશનો હેતુ થયો ને?” એ વાક્યો રાક્ષસના મુખમાંથી બહાર પડ્યા ન પડ્યા, એટલામાં તો તેનું તેને નીચે પ્રમાણે ઉત્તર મળ્યું:-

“અમાત્ય ! - પણ હવે તમને અમાત્ય પણ કેમ કહી શકાય? રાજહત્યા અને પાટલિપુત્રના નાશનો હેતુ કોણ થયો છે, એ હવે સર્વે જાણી ગયા છે. તેં જ કરેલા રાજઘાતનો પ્રતિકાર થવો હવે અશક્ય છે; પરંતુ પાટલિપુત્રનો નાશ હવે હું થવા દઈશ નહિ. તારા કૃષ્ણ કૃત્ય માટે રાજ હિતૈષિજનો તારું યોગ્ય વેળાએ પારિપુત્ય કરશે જ.” એવા ધીર અને ગંભીર વાણીથી ઉચ્ચારેલા શબ્દો રાક્ષસના કાને પડ્યા. એ શબ્દો કોણે ઉચ્ચાર્યા, એ જોવાને રાક્ષસે મુખ ઊંચું કર્યું, એટલે ભાગુરાયણ સેનાપતિ તેની દૃષ્ટિએ પડ્યો, પરંતુ એ શબ્દો ભાગુરાયણે જ ઉચ્ચાર્યા હશે, એવો તેને નિશ્ચય થઈ શક્યો નહિ. ભાગુરાયણે એટલું બોલીને તેના સામું જોયું સુદ્ધાં પણ નહિ, તેણે તત્કાળ પોતાના હાથ તળેના અધિકારીને આજ્ઞા આપતાં કહ્યું કે, “પર્વતેશ્વરે નગરને ઘેરો ઘાલ્યો છે, માટે કિલ્લાપરથી તેના સૈન્યપર મારો ચલાવો.” જાણે રાક્ષસને તેણે જોયો જ ન હોય ને, તેવી રીતે તે પોતાનું કાર્ય ચલાવવા લાગ્યો.

રાક્ષસ તેના એ ભાષણ અને વર્તનના રહસ્યને લેશ માત્રપણ સમજી શક્યો નહિ. એટલામાં વળી એક બીજા કોલાહલનો ધ્વનિ તેના કાને પડ્યો, એટલે હવે અહીં વધારે વાર ખેાટી થવામાં કશો સાર નથી, એમ લાગવાથી આ બધો શો કોલાહલ છે, તે વિશે વિચાર કરતો કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો. “ભાગુરાયણ શત્રુના પરાભવમાટે ઉદ્યુક્ત થએલો છે, એટલે વૃથા એનાથી ન ઝગડતાં હવે પછી શું કરવું એની વ્યવસ્થા કરવી જોઈએ. હાલ તો મહારાજાની શી દશા છે, તે જાણવું વધારે અગત્યનું છે. તે બહુધા હવે સભામંદિરમાં પહોંચી ગયા હશે. પર્વતેશ્વરની દુષ્ટતાની વાત સાંભળીને જો તેઓ પોતે શત્રુ પર ધસી ગયા હોય, તો ત્યાં જવું.” એવી મનમાં યોજના કરીને, પરંતુ ભાગુરાયણના ભાષણ અને વર્તનથી અત્યંત વિષણ્ણ થતો અમાત્ય રાક્ષસ સેનાપતિના સ્થાનમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતાં જ જ્યાં ત્યાં હાહાકાર કરતા લોકોના સમૂહો જીવ લઈને દોડતા તેની દૃષ્ટિએ પડ્યા. તેમના પરસ્પર બોલવાનો એટલો બધો ઘોંધાટ થએલેા હતો કે, કોણ શું બેાલે છે, એ બિલકુલ સમજી શકાતું નહોતું. વચવચમાંથી માત્ર રાક્ષસ નામનો ઉચ્ચાર થતો તેના સાંભળવામાં આવ્યેા. એટલામાં કોઈએ પાછળથી આવીને તેની કોણીને સ્પર્શ કર્યો. પાછું વાળીને જોતાં તેનો પ્રતિહારી તેની દૃષ્ટિએ પડ્યો. તેણે તત્કાળ વિનતિ કરીને કહ્યું કે,“અમાત્યરાજ ! આ વેળાએ આપ જો ક્યાંક છુપાઈ બેસો તો ઘણું સારું. મહારાજાના પ્રયાણસમારંભને જોવા માટે એકઠો થએલો જનસમૂહ આ થએલી ઘટનાથી ઘણો જ સંતપ્ત થઈ ગયો છે અને આપનું નામ લઈને જનો જે આવે તે યદ્વા તદ્વા બક્યા કરે છે. જ્યાં સુધી આપ કોઈના જોવામાં આવ્યા નથી, ત્યાં સુધી જીવ બચાવીને ચાલ્યા જવાનું શક્ય છે. નહિ તો એ છેડાયલા પ્રજાજનો શું કરશે અને શું નહિ, એનો નિયમ નથી. માટે સત્વર ચાલો.”

“મહારાજાની સવારી કયાં સુધી આવી છે ? સભામંદિર પર્યત પહોંચી નથી કે શું?” રાક્ષસે પૂછ્યું. તેના એ પ્રશ્નો સાંભળીને પ્રતિહારી તો સ્તબ્ધ જ થઈ ગયો. પુનઃ રાક્ષસે તેને એજ પ્રશ્નો પૂછ્યા. એટલે તે ધીમેથી કહેવા લાગ્યો કે, “ અમાત્યરાજ ! મહારાજાને આપે જ્યાં મોકલવાની વ્યવસ્થા કરી હતી, ત્યાં તેઓ પોતાના પુત્ર સહિત જઈ પહોંચ્યા છે, અને તેથી જ આપ મારા જેવા એક દીનના...”

“પ્રતિહારિન્ ! તું શું બકે છે ? તારા બોલવાનો ભાવાર્થ હું જરા પણ સમજી શકતો નથી, સંતપ્ત થએલા પ્રજાજનો મારા નામનો ઉચ્ચાર કરી યદ્વા તદ્વા બકે છે, તે શા માટે ? અને બનેલી ઘટનાને જોઈને, એટલે શું?” રાક્ષસે પૂછ્યું.

“ મહારાજાના............આપનાપર સર્વ જનોનો ક્રોધ.…”

“શું? તે કપટી મુરાદેવીના મોહપાશમાંથી મુક્ત કરીને મહારાજાને પુન: રાજ્યકાર્યભારમાં લગાડ્યા, તે માટે સર્વ જનોને મારાપર ક્રોધ થએલો છે? અરે ! તું આ શું બોલે છે? આ સમારંભના આનંદોત્સવમાં તેં મદિરાપાન હદથી ઉપરાંત તો કર્યું નથી ને? બોલ બોલ–સત્વર બોલ–નહિ તો......” રાક્ષસે વચમાં જ તેને બોલતો અટકાવીને આ ઉદ્દગારો કાઢ્યા.

“અમાત્યરાજ ! હું આપના પ્રાણ બચાવવામાટે બોલું છું, કૃપા કરી પ્રથમ અહીંથી નીકળી ચાલો. પછી હું આપને બધો વૃત્તાંત કહી સંભળાવીશ, આપેજ જો એ કાવત્રુ કર્યું હોય, તોપણ મારે આપનામાં સારો ભાવ હોવાથી જ હું મારા ઉપદેશને ધ્યાનમાં લેવાની આપને હાથ જોડીને વિનતિ કરું છું. માટે સત્વર કોઈપણ ગુપ્ત સ્થાને છુપાઈ રહેવા માટે ચાલો, નહિતો મહારાજાના આકસ્મિક થએલા ઘાતથી ખળભળેલા લોકો અવશ્ય આપના પ્રાણની હાનિ કરી નાખશે.” પ્રતિહારીએ પ્રાર્થના કરીને કહ્યું.

“ શું? મહારાજાનો આકસ્મિક ઘાત! કેવો ઘાત? કોનો ઘાત ? આ તું શું બેાલે છે? કાં તો તું ને કાં તો હું બન્નેમાંથી એકતો ભ્રમિષ્ટ થયો જ છે !” રાક્ષસે કહ્યું.

“ગમે તે ભ્રમિષ્ટ થયો હોય, પરંતુ આપ આપના પોતાના મંદિરમાં ન જતાં મારીસાથે આવી કોઈપણ બીજે સ્થળે છુપાઈ બેસો. ત્યાં હું આપને જે કાંઈ બન્યું છે, તે બધું કહી સંભળાવીશ.” પ્રતિહારીએ પાછી પોતાની જ વાત કરી.

“પણ તું આ બધું કહે છે શું ? હું મારા પોતાના મંદિરમાં ન જતાં બીજે સ્થળે છુપાઈ બેસું? શું હું ચોર છું ? કે મને ગાંડા બનાવી દેવાની તું યોજના કરે છે? પ્રતિહારિન્, તું મારો ઘણો જ જૂનો અને વિશ્વાસુ સેવક છે, માટે જ હું તને અત્યારે તરછોડી નથી નાખતો. છતાં પણ તારાપર અત્યારે મને ઘણો જ ગુસ્સો આવ્યો છે.” રાક્ષસે તેના બોલવાને તુચ્છકારી કાઢ્યું.

“અમાત્યરાજ ! અત્યારે આવા ભયંકર સમયે માર્ગ વચ્ચે હું આપને શું કહું ? જે ક્ષણ જાય છે, તે મૂલ્યવાન છે, અદ્યાપિ કોઈ આ બાજૂએ આવ્યું નથી. અમાત્યરાજ! જે ખાડામાં મહારાજા અને તેમના રાજપુત્રો પડ્યા તે ખાડો ખાસ આપે જ ખોદાવ્યો હતો અને તેમ કરવામાં આપનો મહારાજાના નાશનો હેતુ સમાયેલો હતો, એવો જનસમૂહનો પોકાર છે. માટે આપના શિરે કોઈ સંકટ ન આવે અને આપ સુરક્ષિત રહો, તેથી જ આપ બહાનું કાઢીને અણીના સમયે મહારાજાથી દૂર થઈ ગયા હતા, એમ પણ તેઓ બોલે છે. અને... ...”

“અરે ખાડો કેવો અને આ પોકાર શેનો ? હું તારા બોલવાનો ભાવાર્થ જરા પણ સમજી શકતો નથી. બધું સમજાવીને કહે...” વચમાં રાક્ષસ બોલ્યો.

“આ સ્થાન એ વૃત્તાંત કહેવામાટે યોગ્ય નથી. આપ જો મારી સાથે એકાન્તમાં આવો, તો કહી સંભળાવું.” પ્રતિહારીએ ઉત્તર આપ્યું.

પ્રતિહારીના એ છૂટા છવાયા શબ્દોથી રાક્ષસ જાણી ગયો કે, “કોઈ પણ ભયંકર બનાવ બનેલો છે અને તેમાટે લોકોની શંકા મારામાં છે.” ભાગુરાયણ પણ સૈન્યશિબિરમાં થોડા વખત પહેલાં જે કાંઈ બોલ્યો હતો, તેનું પણ હવે તેને સ્મરણ થયું અને આ સર્વ બનાવો બહુ જ વિચિત્ર ભાસવાથી તે ઘણો જ આશ્ચર્યચકિત થઇ ગયો. પણ શું થયું અને શું નહિ, તે સારીરીતે જાણ્યાવિના બેસી રહેવું એ ઠીક નથી, એવો વિચાર થવાથી તેણે તત્કાળ પ્રતિહારીસંગે જવાનું કબૂલ કર્યું. પ્રતિહારીએ તેને પુષ્પપુરીમાં એક ખૂણે રહેનારા પોતાના એક મિત્રને ઘેર લઈ જઈને રાખ્યો, અને બધી હકીકત કહી સંભળાવી, તે સાંભળીને રાક્ષસ ઘણો જ દુ:ખી થયો. “આટલાં વર્ષ જેની કાયા, વાચા અને મનથી સેવા કરી, તે મહારાજાના ઘાત માટે રચાતા વ્યુહની મને બિલકુલ ખબર ન પડી શકી ? અને તે દુષ્ટબુદ્ધિને હું પકડી ન શક્યો? આજસુધી મારી ચતુરતામાટે હું અભિમાન ધરાવતો હતો, તે મારી સઘળી ચતુરતા ક્યાં ચાલી ગઈ ! બીજી કોઈ જેવી તેવી બીના હોત, તો તો ઠીક; પણ મહારાજાનો પોતાનો નાશ થવાનો હતો અને તે હું જાણી ન શક્યો, એ મારી કેટલી બધી અસાવધતા? આજસુધી હું મારા ચારચક્ષુત્વ માટે જે અહંકાર ધરાવતો હતો, તે વ્યર્થ જ?” એવા વિચારોથી તેના મનમાં આશ્ચર્ય, ખેદ અને ઉદ્વેગનો એકસાથે આવિર્ભાવ થયો; અને તેમાં પણ જ્યારે તેણે એમ સાંભળ્યું કે, “લોકોનો એવો જ નિશ્ચય થયો છે કે, એ કારસ્થાનનો કરનાર રાક્ષસ જ છે.” ત્યારે તો તેના ખેદની સીમા જ રહી નહિ. “મારી ચતુરતા, દીર્ધદષ્ટિ, નીતિવિશારદતા અને રાજકાર્યદક્ષતાનો ક્યાં લોપ થઈ ગયો ? મારાં નેત્રો ક્યાં ગયાં? હું અંધ કેમ બની ગયો ? કોઈપણ પ્રચંડ શત્રુએ એ વ્યૂહ ઘણી જ દક્ષતાથી રચેલો હોવો જોઈએ, એ સ્પષ્ટ છે. ત્યારે એ શત્રુ સેનાપતિ ભાગુરાયણ તો નહિ હોય ? એણે જ આ સઘળી ભયંકર ઘટનાનો પાયો નાખ્યો નહિ હોય, એમ કેમ માની શકાય ? એ જ તો પર્વતેશ્વર સાથે મળી ગયો નહિ હોય? અમુક દિવસે અને અમુક વેળાએ મહારાજાનો તેના સર્વપુત્રો સહિત હું નાશ કરવાનો છું, માટે તે દિવસે તું આવીને પાટલિપુત્રપર ચઢાઈ કરજે, એટલે મારા સૈન્યની હું તને સહાયતા આપીશ ને રાજા તારે સ્વાધીન કરીશ, એમ લખીને એણે જ તે પર્વતેશ્વરને બોલાવ્યો નહિ હોયને ? કાંઈપણ એવું જ કાવત્રું હોવું જેઈએ. એ વિના, આજે જ આવીને પર્વતેશ્વરે નગરને ઘેરો ઘાલ્યો, તેમ બનત નહિ. શું ત્યારે સેનાપતિ ભાગુરાયણે આટલી બધી નીચતા કરી હશે ? ધિક્કાર-ધિક્કાર ભાગુરાયણ ! તને સર્વથા ધિક્કાર હો ! તારે આવું કપટતંત્ર કરવાની શી અગત્ય હતી? જો પાટલિપુત્રના સચિવ પદની તને અપેક્ષા હોત, તો હું આનંદથી તે તને આપત. માટે આમ કરીને માત્ર તે તારી નીચતા જ દેખાડી આપી છે, પરંતુ ચિન્તા નહિ ! આ સંકટમાંથી પાર પડીને પણ હું નન્દવંશની સેવા કરીશ અને પછી તારી કેવી દુર્દશા થાય છે, તે જોજે. એ જ મારી પ્રતિજ્ઞા- એજ મારો નિશ્ચય અને હવે એ જ મારું વ્રત!”

રાક્ષસની આ પ્રતિજ્ઞા કેવી રીતે પૂરી થઈ, તે આગળ જતાં જણાશે.