૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન/સંભાષણ શું થયું ?

વિકિસ્રોતમાંથી
← પત્રવાચન ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
સંભાષણ શું થયું ?
નારાયણ વિશનજી ઠક્કુર
૧૯૧૨
ચાણક્યનું કારસ્થાન →


પ્રકરણ ૧૦ મું.
સંભાષણ શું થયું?

વૃન્દમાલા ઘણી જ ચકિત થઈ ગઈ. મુરાદેવી, રાજાની સેવામાં આવી રીતે નિમગ્ન હોવા છતાં ચાણક્ય જેવા એક અપરિચિત બ્રાહ્મણને મળવા માટે સમય કાઢશે, એવી વૃન્દમાલાને સ્વપ્ને પણ આશા હતી નહિ અને તે પત્ર મુરાદેવીના હાથમાં તેણે આપ્યું, તે સમયે મુરાએ જે આવિર્ભાવ કર્યો, તે પણ તિસ્કારપૂર્ણ જ હતો; પરંતુ પત્રને વાંચતાં જ એ સર્વ સ્થિતિ બદલાઈ ગઈ - તેની ચર્યામાંથી તિરસ્કારનો લોપ થતાં તેનું સ્થાન પ્રફુલ્લતાએ લીધું અને તેમાં એક પ્રકારનું ઔત્સુક્ય પણ મિશ્રિત થએલું દેખાયું, અર્થાત્ ચાણક્યે એ પત્રમાં એવું તે શું લખ્યું હશે, એના વિચારથી વૃન્દમાલા મુરાદેવી પ્રતિ સાશંક દૃષ્ટિથી તાકી તાકીને જોવા લાગી, અને બોલી કે, “તેને અહીં લઈ આવવાની આજ્ઞા તો આપી, પરંતુ ક્યારે અને કયા સ્થાને લઈ આવું; એ આપે જણાવ્યું નહિ.” મુરાએ તે પત્ર પાછું એકવાર વાંચ્યું, અને પુનઃ વૃન્દમાલાને કહ્યું કે, “વૃન્દમાલે ! આ પત્ર લખનારો બ્રાહ્મણ તને કેવી રીતે અને ક્યાં મળ્યો? તેણે તને મારી સખી તરીકે શી રીતે એાળખી? તેણે તને શું કહ્યું? તે હાલમાં ક્યાં છે ? તે પાટલિપુત્રમાં ક્યારે આવ્યો?..........."

વૃન્દમાલા જાણી ગઈ કે, મુરાદેવીના એ પ્રશ્નોનો કદાપિ અંત આવનાર જ નથી. તેમ જ એ પ્રશ્નોથી તે એવું અનુમાન પણ કરી શકી, કે મુરા એ બ્રાહ્મણને મળવા માટે ઘણી જ ઉત્સુક થએલી છે; માટે એના પ્રશ્નો બધા પૂરા થાય ત્યાં સુધી ન થોભતાં ઝટ ઝટ ઉત્તરો આપી દેવા, એવો નિશ્ચય કરીને તે બોલી કે,”એ બ્રાહ્મણ મને મારા ગુરુને ત્યાં મળ્યો. એ કૈલાસનાથના મંદિરમાં ઉતરેલો છે. મારી તમારામાં પૂર્ણ નિષ્ઠા છે, એમ જોઇને મારાપર તમારો વિશ્વાસ હોવો જોઈએ, એવો તેણે સહજ તર્ક કર્યો અને મને એક સ્થળે એકાંતમાં મળીને આ પત્રિકા તમને આપવાની ઇચ્છા દર્શાવી. તે કોણ છે, ક્યાંનો છે અને અહીં શામાટે આવ્યો છે, ઇત્યાદિ વૃત્તાંત તેણે મને પ્રથમથી જ જણાવેલો હોવાથી કાંઈ પણ આનાકાની વિના મેં એ કાર્ય કરવાનું માથે લીધું.” એ ઉત્તરો સાંભળીને મુરાદેવીના મનનું કાંઈક સમાધાન થયું હોય, એમ દેખાયું - તે મ્લાન મુદ્રાથી વૃન્દમાલાને કહેવા લાગી, “એ બ્રાહ્મણને મળવું તો જરૂર જોઇએ જ. પણ તેને અહીં ક્યારે અને કેવી રીતે બોલાવવો, એને માટે વિચાર કરવાનો છે. અહીં મહારાજ તો મને પોતા પાસેથી ક્ષણ માત્ર પણ દૂર થવા દેતા નથી.“ એમ કહીને મુરાદેવી ઘણા જ વિચારમાં પડી ગઈ. તેને વૃન્દમાલાએ આશ્વાસન આપીને કહ્યું કે, “શું તેને મહાલયમાં લાવવાની એક પણ યુક્તિ થઈ શકે તેમ નથી?” મુરાદેવીએ એનું તત્કાળ ઉત્તર આપ્યું, “તેને તું અહીં જ રહેવા માટે લઈ આવ. તે અહીં આવીને યજ્ઞશાળામાં રહેશે, એટલે કોઈ પણ વેળાએ સંધિ આવ્યો કે મળીને વાતચિત કરી શકાશે મહારાજા નિદ્રાવશ થશે, એ વેળા સાધીને હું ત્યાં આવીશ. બ્રાહ્મણ જો અહીં પાસે જ હોય, તો પછી સમય ઠરાવવાની કાંઇપણ અગત્ય નથી. નિયમિત સમયનું વચન મારાથી કેમ આપી શકાય વારુ? કારણ કે, પરતંત્ર છું.”

મુરાદેવી આ ભાષણ કરતી હતી, એટલામાં તો ખરેખર તેને મહારાજાનું આમંત્રણ આવ્યું. તે ઊતાવળી ઊતાવળી ત્યાંથી ચાલતી થઈ. જતાં જતાં વૃન્દમાલાને તેણે કહ્યું કે, “મારા કહેવા પ્રમાણે તે બ્રાહ્મણને અહીં યજ્ઞશાળામાં જ આવીને રહેવાનું કહેજે, એટલે સરળતા થશે.” એમ કહીને તે ચાલી ગઈ.

પોતાની સ્વામિનીની એ આજ્ઞા સાંભળતાં જ વૃન્દમાલાના હૃદયમાં ઘણો જ હર્ષ થયો. હવે આ બધા ભેદને જાણવાનો ઘણો જ સારો લાગ મળશે, એમ તેને ભાસવા લાગ્યું. બીજે જ દિવસે તેણે ચાણક્ય પાસે જવાની તૈયારી કરી અને તત્કાળ ત્યાં પહોંચી પણ ગઈ. માર્ગમાં જતાં જતાં “આ બધી વાર્તા મારે વસુભૂતિને કહેવી કે નહિ ?” એ વિશેનો વિચાર તેના મનમાં આવ્યા જ કરતો હતો. એ ભેદ વસુભૂતિને કહેવાની ચાણક્યની તો સાફ ના જ હતી; માટે હવે શું કરવું? એવી મનોવ્યથામાં ને મનોવ્યથામાં તે વસુભૂતિના વિહારમાં આવી પહોંચી. આ સમયે અહીં કેમ આવી? એવો જો વસુભૂતિ પ્રશ્ન કરે, તો તેનું ઉત્તર શું આપવું, એની તેને બહુ જ ચિન્તા થઈ પડી; પણ કર્મ ધર્મ સંયોગે તેને એ પ્રસંગ પ્રાપ્ત ન થયો. વસુભૂતિ ભિક્ષા માટે નગરમાં ગએલો હતો અને સિદ્ધાર્થક પણ વિહારમાં હતો નહિ. એટલે એક પ્રકારની વેદના ઓછી થતાં તે તે જ પળે શ્રી કૈલાસનાથના મંદિરમાં જઈ પહોંચી.

આર્ય ચાણક્ય પોતાનાં પ્રાત:કર્મોની સમાપ્તિ કરીને થોડી જ વારથી કાંઈક વિચાર કરતો બેઠો હતો, એટલામાં વૃન્દમાલા ત્યાં આવીને કહેવા લાગી કે, “બ્રહ્મવર્ય ! તમને મુરાદેવીએ તમારા બધા સામાન સાથે જ ત્યાં બોલાવ્યા છે. ત્યાં યજ્ઞશાળામાં જ તમારા નિવાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે, અને જ્યારે પ્રસંગ મળશે, ત્યારે દેવી તમારાથી વાતચિત કરવા અને પોતાના પિતૃગૃહના સમાચાર સાંભળવા માટે પધારશે.” એ સાંભળીને ચાણક્ય જાણે આશ્વર્યચકિત થઈ ગયો હોયની ! એવો ભાવ તેણે દેખાડ્યો; પરંતુ ખરેખર કાંઈ તેને વિશેષ આશ્ચર્ય થયું નહોતું આશ્ચર્ય લાગ્યું હોય, તો તે પોતાને ત્યાં રહેવા માટે કહેવામાં આવ્યું તેનું જ. મુરાદેવી સાથે મેળાપ થશે કે નહિ, એની તેને જરાપણ શંકા હતી નહિ. પરંતુ યજ્ઞશાળામાં નિવાસ કરવાની આજ્ઞા સાંભળતાં જ પોતાની ધારણાથી પણ પોતાના કાર્યમાં વિશેષ સફળતા થતી તેના જોવામાં આવી. છતાં પણ એ વ્યવસ્થા તેને રુચતી થઈ નહિ. હવે શું કરવું? એવી તેના મનમાં મહતી ચિન્તા થઈ પડી; “જે રાજાના કુળનો વિધ્વંસ કરવાની જ મેં પ્રતિજ્ઞા કરેલી છે, તેની જ યજ્ઞશાળામાં રહી, તેનું જ અન્ન ખાઈને તેની વિરુદ્ધ કારસ્થાનો કરવાં, એ બહુ જ વિચારવા જેવું છે. વળી યજ્ઞશાળામાં રહેવાથી કોઈ મને ઓળખી કાઢે, એ પણ સ્વાભાવિક છે. રાજસભામાં મેં રાજાને શાપ આપ્યો હતો, એ વાતને પણ કાંઈ હજી ઘણાં વર્ષો થયાં નથી. કદાચિત તે વેળાએ મારી પ્રતિજ્ઞા અને શાપ ઇત્યાદિમાં કોઈએ ધ્યાન આપ્યું નહિ હોય, પણ હાલમાં જો હું અન્ય વેશે પ્રત્યક્ષ રાજમંદિરમાંની યજ્ઞશાળામાં જઈને રહું, તો મને જોતાં જ કોઈના મનમાં શંકા આવી જાય; માટે મારા પોતાના દેહ રક્ષણનો વિચાર કરવો જોઈએ અને જેનો નાશ કરવાનો છે, તેનું જ અન્ન ખાવું ન જોઈએ, એ નીતિનો વિચાર કરતાં પણ રાજમંદિરમાં ન જ રહેવું, એ જ નિશ્ચય વારંવાર નેત્રો સમક્ષ આવીને ઊભો રહે છે.” મનમાં તો ચાણક્યે એવો નિશ્ચય કર્યો; પરંતુ વૃન્દમાલાને શું ઉત્તર આપવું, એ તેને તત્કાળ સૂઝ્યું નહિ. અંતે તેણે તેને એમ જ કહ્યું કે, “અત્યારે હું તારી સાથે આવી શકતો નથી. સંધ્યાકાળે આવીશ. દેવીનાં દર્શન જે તે સમયે થઈ શકશે, તો તેનો લાભ લઈશ અને પ્રાત:કાળે પાછો હું અહીં ચાલ્યો આવીશ. મારે કાંઈ અહીં સદાને માટે રહેવાનું નથી; એટલે ભગવાન કૈલાસનાથના આશ્રયને ત્યાગીને બીજાનો આશ્રય શામાટે લેવો? સાયંસંધ્યા આદિ વિધિ કરીને લગભગ સવાપ્રહર રાત્રિ થતાં હું અહીંથી નીકળીશ અને રાજમંદિરના દ્વારપાસે આવીને ઉભો રહીશ. ત્યાં તું મને મળજે અને જ્યાં લઈ જવાનો હોય ત્યાં મને લઈ જજે.”

વૃન્દમાલાની એવી ધારણા હતી કે. મુરાદેવીની આજ્ઞા સાંભળતાં જ ચાણક્ય ઘણી જ ઉત્સુકતાથી દોડતો દોડતો યજ્ઞશાળામાં રહેવાને આવશે, પરંતુ બ્રાહ્મણે તો સર્વથા તેથી વિરુદ્ધ જ ઉત્તર આપ્યું - એથી તેને ઘણું જ આશ્ચર્ય લાગ્યું. પરંતુ તે તેણે બોલી દેખાડ્યું નહિ, માત્ર “બહુસારું.” એમ કહીને તે ત્યાંથી ચાલતી થઈ ગઈ

વૃન્દમાલા પાછી ગયા પછી તેનો અને મુરાદેવીનો મેલાપ થયો નહિ. અર્થાત્ રાત્રે આર્ય ચાણક્ય આવે, તો તેને યજ્ઞશાળામાં બેસાડી મૂકવો, એ જ પોતાનું કર્તવ્ય છે એમ જાણીને તેણે તે પ્રમાણે કરવાની યોજના કરી રાખી. રાત્રે નિયમિત સમયે ચાણક્ય ત્યાં આવ્યો. તેને યજ્ઞશાળામાં લઈ જઈને તેણે આસન આપીને આદરથી બેસાડ્યો, મુરાદેવીના આગમનની વાટ જોતો ચાણક્ય વિચારમાં લીન થઈ ગયો. વૃન્દમાલાએ કોઈ પણ રીતે ચાણક્યના આગમનના સમાચાર મુરાદેવીને પહોંચાડી દીધા હતા, તેથી તે પણ એ દ્વિજને મળવા માટે ઉત્સુક થઈ રહી હતી. રાજા ધનાનન્દ નિદ્રાવશ થતાં જ મધ્ય રાત્રિને સમયે મુરાદેવી યજ્ઞશાળામાં આવી અને ચાણક્યનાં દર્શન કર્યા. “આપણું જે સંભાષણ થાય, તે એકાંતમાં જ થવું જોઈએ, બીજાના દેખતાં થઈ શકે તેમ નથી.” એ પ્રમાણે ચાણક્યે પોતાની ઇચ્છા દર્શાવવાથી મુરાદેવી તેને એક એકાંત સ્થળમાં લઈ ગઈ અને ત્યાં ઉભયનું ઘણીક વાર સુધી ભાષણ ચાલતું રહ્યું. એ સંભાષણમાં તેમણે પરસ્પર શા શા વિચારો જણાવ્યા અને જાણ્યા, તે વિશે અમે કશું પણ જાણતા નથી; પરંતુ બન્નેનું સંભાષણ સંપૂર્ણ થતાં મુરાદેવી જતાં જતાં ચાણક્યને કહેવા લાગી, “જો આવી સહાયતા મને મળે તો તો વધારે સારું, પણ જો એવી સહાયતા ન પણ મળે, તોપણ મારી પ્રતિજ્ઞા પ્રમાણે સમસ્ત કાર્યનું સુખદ પરિણામ લાવવાની મેં તો બધી તૈયારીઓ કરી જ રાખેલી છે. મારા કાર્યનું મંગળાચરણ તો થઈ પણ ચૂક્યું છે. હવે થોડા જ દિવસમાં એનું પ્રથમ ફળ જોવામાં આવશે. આપ કહો છો, તે કાર્ય જો સિદ્ધ થાય, તો પછી બીજું તો શું જોઈએ? પરંતુ આવતી કાલે રાત્રે હું પાછી અહીં આવી જ શકીશ, એનો નિશ્ચય નથી. છતાં પણ મોડીવેલી તો હું આવીશ જ. હવે મારે જવું જોઈએ. કાલે આપ અહીં આવજો – આપણે પાછાં મળીને એ વિશે વિચાર કરીશું.” એટલું કહીને તે ત્યાંથી વાયુવેગે મહાલયમાં ચાલી ગઈ એ અંતિમ ભાષણનો કેટલોક ભાગ - તે પણ પ્રારંભનો ભાગ – વૃન્દમાલાએ સ્પષ્ટ સાંભળ્યો, અને તેનાં નેત્રોમાં એકાએક સ્ફુરણ થવા માંડ્યું. મહારાજ ધનાનન્દે મુરાદેવીમાં પાછી પૂર્વવત્ પ્રેમની ભાવના રાખવાથી તે પોતાનો બધો ક્રોધ ભૂલી ગઈ હશે અને થોડા જ દિવસમાં તે પાછી વિનોદી સ્વભાવની થઈ જશે, એમ વૃન્દમાલાનું ધારવું હતું; પરંતુ હમણા જ સાંભળેલા મુરાદેવીના ભાષણથી એ સધળો પોતાનો ભ્રમ જ હતો, એમ તેને જણાયું. “મારા કાર્યનું મંગળાચરણ તો થઈ પણ ચૂક્યું છે - હવે થોડા જ દિવસમાં એનું પ્રથમ ફળ જોવામાં આવશે,” એ તેના બોલવાનો ભાવાર્થ શો હશે ? એવો વૃન્દમાલાના મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો અને તે ગંભીર વિચારમાં નિમગ્ન થઈ ગઈ. વૃન્દમાલા ઘણી જ પાપભીરુ, અધર્મથી ડરનારી અને ભોળી હતી. મુરાદેવી એના એ સ્વભાવને સારી રીતે જાણતી હતી, તેથી હમણાં હમણાં પોતાનાં કારસ્થાનોમાં તે એની કાંઈ પણ સહાયતા લેતી નહોતી. જે કાર્યો સર્વથા સાત્ત્વિક વૃત્તિનાં જ હોય અથવા તો જે કાર્યમાં પોતાના ગુપ્ત હેતુનું કાંઈ પણ દર્શન થતું ન હોય, તેવાં જ કાર્યો તે વૃન્દમાલાને બતાવતી હતી અને બીજાં કાર્યો માટે બીજી પરિચારિકાઓની યોજના કરતી હતી. એમ કરવાનાં એનાં અનેક કારણો હતાં. આ કાર્ય સાચું જૂઠું કરવાનું છે એમ કહ્યું હોય તો પહેલાં તો એવા કાર્ય માટે તે હા જ પાડે તેમ નહોતું, અને યદા કદાચિત્ આજ્ઞાનું ઉલ્લંધન કરી ન શકાય અને કાર્ય કરે, તો તેમાં હજારો ભૂલો થવાથી ભેદનો ઘડો એકદમ ફૂટી જવાની ભીતિ રહેતી હતી. વૃન્દમાલા તે એક સરળ માર્ગમાં ચાલનારી અને પેાતાની સ્વામિનીમાં દૃઢ ભક્તિ રાખનારી પરિચારિકા હતી. સ્વામિનિષ્ઠ અને પ્રામાણિક સેવક, એ દૃષ્ટિથી તેની યોગ્યતા ઘણી જ મોટી હતી; પરંતુ જે પ્રકારનું કાર્ય મુરાદેવીને કરવાનું હતું, તે કાર્ય માટે એ સર્વથા નિરુપયોગી હતી. એની ભોળાઈથી એ કાર્યમાં હાનિ થવાનો જ વિશેષ સંભવ હતો. એ બધું જાણીને જ ધૂર્ત મુરાદેવીએ એને પોતાના કામમાં ન લેવાનો અને પોતાનાં કારસ્થાનોનો ભેદ તેની આગળ ન ખોલવાનો વજ્ર સમાન દૃઢ નિશ્ચય કર્યો હતો.

એવી સ્થિતિમાં વૃન્દમાલાએ ઊપર કહેલા મુરાદેવીના ઉદ્દગારો સાંભળ્યા. એથી તેનું કોમલ અંતઃકરણ એકાએક કંપાયમાન થઈ ગયું, “શું મુરાદેવી પેાતાની પૂર્વ પ્રતિજ્ઞા પ્રમાણે રાજકુળનો વિધ્વંસ કરવાના ઉઘોગમાં લાગેલી છે? રાજાના પ્રેમને પાછો મેળવાનો હું પ્રયત્ન કરીશ, તેને મજબૂતીથી મારા મોહપાશમાં ફસાવીશ અને ત્યારપછી મારી ધારણા પ્રમાણે પ્રસંગ આવતાં તેનો નાશ કરીશ. એમ તે સુમાલ્યના રાજ્યાભિષેક સમયે કારાગૃહમાંથી છૂટી આવી ત્યારથી બક્યા કરતી હતી, તેને અદ્યાપિ એ વિસરી શકી નથી કે શું ? આજના એના શબ્દોથી તો એ વિષયનું એને વિસ્મરણ થયું હોય, એમ ભાસતું નથી. ત્યારે રાજકુળપર કોઈ ભયંકર આપત્તિ આવવાની જ કે શું ? ભગવાન વસુભૂતિના વચન પ્રમાણે ગૃહકલહથી જ આ પાટલિપુત્રનો નાશ તો નહિ થવાનો હોય એવા નાના પ્રકારના દુ:ખકારક વિચારોનો તેના મનમાં ઉદ્ભવ થતાં તે ત્યાંની ત્યાં જ સ્તબ્ધ બનીને પાષાણની પ્રતિમા પ્રમાણે નિશ્ચષ્ટ ઉભી હતી.

———₪₪₪₪——