પૃષ્ઠ:Siddharaj Jaysinha.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 'જયભિખ્ખુ'નું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે કર્યા હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખ્ખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા.

૨૦૦૮
- ધીરુભાઈ ઠાકર
 


લોકપ્રિય રાજાધિરાજ

ગુજરાતનો સર્વથી વધારે લોકપ્રિય અને લોકહૃદયમાં ચિરંજીવ રહેનારો મહારાજાધિરાજ જયસિંહદેવ-સિદ્ધરાજ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં પણ એક ચિરંજીવ વ્યક્તિ છે.

એણે ગુજરાતની સંસ્કારિતાને દૃઢ કરવામાં મોટો ભાગ ભજવ્યો છે. એ મહાપરાક્રમી, વ્યવસ્થા કુશળ, રાજનીતિજ્ઞ, ઉદાર, પ્રજાવત્સલ, લોકમાં ભળી તેનાં સુખદુ:ખ જાણનારો, બ્રાહ્મણ અને જૈન ઉપરાંત બીજા ધર્મો તરફ સમાન દૃષ્ટિ રાખનારો, વિદ્યા-સંસ્કારોને પોષનારો, વિદ્વાન અને ધાર્મિક પુરુષોને માન આપનારો, અને એવા અનેક ગુણોથી શોભતો, ભૌગોલિક દૃષ્ટિએ પણ ગુજરાતનો ખરેખર મહારાજા હતો,

હાલના ગુજરાતે સાંસ્કૃતિક ઐક્યનો મૂળરાજના સમયથી કરેલો આરંભ, આ મહારાજાધિરાજના સમયથી સંપૂર્ણ સધાયો હતો.

- સ્વ. શ્રી રત્નમણિરાવ
 
११