આ તે શી માથાફોડ !/૨૭. મોટો શંખ !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ૨૬. નંદુબા કેમ મનાણાં? આ તે શી માથાફોડ !
૨૭. મોટો શંખ !
ગિજુભાઈ બધેકા
૨૮. ઈ વળી ઢોંગ શાં ? →


: ૨૭ :
મોટો શંખ !

“મોટો શંખ ! આવડો મોટો ઢાંઢો થયો છે ને રોવે છે શું ? જો ભણ્યો છે ચાર ચોપડી ! આપી દે એને તારી પિસ્તોલ.”

“તે હું મારી પિસ્તોલ શેની આપું ? ગામમાંથી મેં મારા આઠ આનામાંથી પિસ્તોલ લીધી ને એણે ફુગ્ગા લીધા. ફુગ્ગા ફૂટી ગયા એટલે કહે છે કે 'લાવ હવે પિસ્તોલ.”

પણ તું મોટો છે ને ઈ કાંઈ સમજે છે ?”

“તે મોટો થયો તે પિસ્તોલ આપી દેવા ? હું તો કાંઈ નથી આપતો. ભલે ઈ રોવે. મારી પિસ્તોલ શેની આપું ?”

“જો મોટો ઢાંઢો થયો છે ! મૂરખ, ગધેડો ! એલી બચી, તારા ફુગા તેં તોડી નાખ્યા ને હવે એની પિસ્તોલ માગે છે ? એમ કોઈ કોઈનું આપી દે ? તારે રોવું હોય તો રો, નીકર રે'વા દે. જીનુ તને પિસ્તોલ નહિ આપે.”

આણી કોર જીનુ રોવે, આણી કોર બચી રોવે. બા આવી. “શું છે એલા જીનુ ? શું છે બચી ? કેમ રડો છો ?”

“મને પિસ્તોલ નથી આપતો.”

“તે શેનો આપું ?”

“ઊભાં રહો, ઊહાં રહો' જૂઓ સારીકાકીએ સવારે દારૂખાનું મોકલ્યું છે એના આપણે ભાગ પાડીએ.”

નભુ અને ચંદુ દોડતાં આવ્યાં; બચી ને જીનુ હળવે હળવે આંસુ લોતાં આવ્યાં.

“રહો. હારબંધ બેસી જાઓ. કહો ભાઈ, આ બે બાકસ નભુંનાં, બે બચીનાં ને બે જીનુનાં. આ બે બે ફૂલખરણી; આ બેબે પેટીઓ. અને હવે એક આ પિસ્તોલના ફટાકિયાની પેટી છે તે...”

જીનુઃ “મને આપ.”

બાઃ “તારી પિસ્તોલ મને આપ. હું સૌને ફટાકિયા વહેંચી આપું; પછી સૌ તારી પિસ્તોલે વારાફરતી ફટાકિયા ફોડે.બચી, તારે એવી પિસ્તોલ જોવે છે ?”

“હા, મારે જોવે છે પણ જીનુભાઈ નથી આપતો.”

“લે હવે ફટાકિયા ફોડવા આપશે. પણ એમાંથી કાંઈ રોઈને લેવાય ? જોતી હોય તો માગવી ને પાછી આપી દેવી. સૌ સૌનું પાસે રાખે ના ? તું કેમ તારા ફુગ્ગા સાચવતી હતી ?”