આરોગ્યની ચાવી/પ્રાસ્તાવિક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વિષય સૂચિ આરોગ્યની ચાવી
પ્રાસ્તાવિક
મોહનદાસ કરમચંદ ગાંધી
૧. શરીર →


પ્રાસ્તાવિક

आरोग्य विषे सामान्य ज्ञान નામના મથાળા હેઠે મેં ઇન્ડિયન ઓપીનિયન વાંચનારાઓને સારુ દક્ષિણ આફ્રિકામાં સન ૧૯૦૬ની इन्डियन ओपीनियन પ્રકરણો લખેલાં. તે છેવટે પુસ્તકાકારે પ્રગટ થયેલાં. એ પુસ્તક હિન્દુસ્તાનમાં તો કોઇ જ જગ્યા એ મળતું. હું દેશમાં પાછો ફર્યો ત્યારે એ પુસ્તકની બહુ માગણી થઈ. કૈ૦ સ્વામી અખંડાનંદજીએ તે છપાવવાની ઇચ્છા બતાવી. તેના તરજુમા હિંદની ઘણી ભાષામાં થયા. અંગ્રેજી તરજુમો પણ કોઇ ભાઇએ પ્રગટ કર્યો. એ પશ્ચિમમાં પહોંચ્યો. તેના યુરોપની ભાષામાં તરજુમા થયા. પરિણામ એ આવ્યું કે, મારું કોઈ લખાણ પશ્ચિમમાં કે પૂર્વમાં એટલું લોકપ્રિય નથી થવા પામ્યું જેટલું મજકૂર પુસ્તક. આનું કારણ હું આજ લગી સમજી નથી શક્યો. મેં એ પ્રકરણો સહેજે લખેલાં. મારી પાસે એની ખાસ કદર ન હતી. એ પુસ્તકની નવી આવૃત્તિની માગણી ઘણા મિત્રો તરફથી થઈ છે, જે રૂપે મેં મૂળ લખ્યું છે તેમાંના વિચારોમાં કંઈ ફેરફાર થયો છે કે નહીં, એ જાણવાની ઈચ્છા અનેક મિત્રોએ દર્શાવી છે. આજ લગી મને એ ઇચ્છાની તૃપ્તિ કરવાનો સમય જ નહોતો મળ્યો. એ અવસર આજે આવ્યો છે. તેનો લાભ લઈને એ પુસ્તક છેક નવું જ લખી રહ્યો છું. મૂળ પુસ્તક મારી પાસે નથી. આટલાં બધા વર્ષોના અનુભવની અસર મારા વિચારો ઉપર પડ્યા વિના નહીં રહી હોય. પણ જેણે મૂળ વાંચ્યું હશે તે જોશે કે, મારા આજના વિચારોમાં ને ૧૯૦૬ની સાલના વિચારોમાં મૌલિક ફેરફાર નથી થયો.

આ પુસ્તકને નવું નામ આપ્યું છે: आरोग्यनी चावी ધ્યાન દઈને વાંચનારનેં અને પુસ્તકમાં આપેલા નિયમોનો અમલ કરનારને આરોગ્ય જાળવવાની ચાવી મળી રહેશે ને તેને દાક્તરોના, વૈધોના કે હકીમોના ઉંબરા નહીં ભાંગવા પડે, એવી આશા હું બંધાવી શકું છું.

આગાખાન મહેલ,
યરવડા,
૨૭-૭-'૪૨
મો.ક. ગાંધી