કલાપીનો કેકારવ/એ મૂર્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સ્નેહશૈથિલ્ય કલાપીનો કેકારવ
એ મૂર્તિ
કલાપી
એ સ્થલ →


એ મૂર્તિ

કંઇક દિવસો સુધી નયન બંધ રાખ્યાં,અરે!
ન એ મૃદુ છબી છતાં હૃદય પાસ આવે હવે!

ન યાદ મુખડું રહે, ન વિસરાઇ જાતું વળી!
રહી હૃદયમાં ન તે નયન પાસ આવે છબી.

અહો! જિગરના ય જિગરમાં જ પાળી હતી,
જરા ય પ્રતિમા ને તે જિગરને હવે ધીરતી;
હજાર રમતો કરી વદન છેક ઉડી ગયું,
સ્મૃતિ ન સ્ફુટતા ધરે - નિરખતાં ય જે દાઝવું.

અનેક વદનો અહીં જગતમાં સદા આથડે,
અનેક વદને સ્મિતે અમી તણા ઝરા યે વહે;
સમાન મુખનાં વળી જગતમાં દિસે જોડલાં,
ન કાં વદન એ તણી જરી ય છાય કો ધારતાં?

અહો! વદન એ કંઇ વદનમાં કંઈ દેખતાં,
છતાં ય સમતા જરી નયન આ ન જોઈ શક્યાં,
હજાર મુખડે ફરી નયન અન્ધ આજે બને,
હજાર મુખડે ફરી નયન તો નિરાશા ધરે.

થયાં પ્રથમથી જ આમ વદનો કંઈ વેગળાં,
ગયાં પણ ગયાં દઈ વદન અન્ય આ નેત્રમાં;
ગયાં વદન તે ગયાં ન સુનકાર હૈયે ભરી,
ગયાં મૃદુ મુખો વધુ મૃદુ મુખો જ નેત્રે ધરી.

અરે! પણ હવે ન અન્ય પ્રતિમા ખડી થાય છે,
ન દાહ સળગે અને જિગર ખાક ના થાય છે,
ન અન્ય વદને ન અન્ય નયને ઠરે નેત્ર આ,
ન બન્ધ પડતો અને ધુંધવતો જ હૈયે ધુંવા.

ધ્વનિ મધુર કો છતાં નભ થકી સુણાતા દિસે,
મ્હને શશી, રવિ, ગ્રહો, ઝરણ, વૃક્ષ, સૌ નોતરે;
અહા! હૃદય કાજ આ જરૂર વિશ્વ મૂર્તિ બને,
છતાં ક્યમ હજુ ન એ નવીન મૂર્તિ ચાંપું ઉરે?

પ્રવાસ હૃદયે કર્યો પ્રણય શ્રેષ્ઠનો વાંછતાં,
ચડ્યું ગિરિવરો, તર્યું ઉદધિઓ ઉમંગે સદા;
નવીન વદને નવીન નયને ફર્યું મ્હાલતું,
નવીન જિગરે નવાં મધુર આંસુડાં ઢાળતું.

હવે હૃદય આ ન લે હૃદય કેમ બ્રહ્માંડનું?
હવે કુદરતે બને હૃદય કેમ શ્રધ્ધાહીણું?
ન ફાંસ નડતી તહીં ક્યમ ભલા શૂળી પેખતું?
ગયા મુખ ભણી હજુ ક્યમ ઢળી ફરી ઝાંખતું?

નવીન મુખ ચુમ્બતાં જિગરમાં ન દાગે થશે,
પ્રભુમય થતાં ન શોચ ડર ભીતિ કૈં યે ઘટે;
ન કેમ કરવી હવે રમત વિશ્વવ્યક્તિ થકી?
ન કેમ ભળવું હવે ગહન યારની બાથથી?

અનન્ત મુખડાં અનન્ત સુખડાં જહીં સાંપડે,
ત્યજી વદન એ ગયા મુખની કેમ કાંક્ષા ધરે?
અનન્ત યુગનું અહીં વચન પ્રેમનું લાધતું,
અનન્ત યુગમાં ભળી નિજથી કેમ ના ખેલ તું?

અનન્ત યુગ તો જતાં નવ કશી ય વેળા જશે,
ન ખેલ કરવા પછી જગત એ ય પૂરું થશે;
ન સાથ કરશે પછી શશી, રવિ, ગ્રહો સામટા,
ન કાંઇ રસ પામશે હૃદય એકલું ચાલતાં.

ન લાખ યુગમાં ભળી નિજથી ખેલ હુંથી બને,
વિના વદન એ સદા હૃદયબ્રહ્મ લૂખું, અરે!
ન મોક્ષ મધુતા ધરે, પ્રણય શુષ્ક ખારો અહીં,
વિના વદન એ નિજત્વ નિજનુંય પૂરું નહીં.

વિના વદન એ પછી હૃદય આ ન જીવી શકે,
અહો! વદન એક આ જગતથી વિશાળું દિસે;
અરે ! વદન એ વિના જગત શૂન્ય સૂનું નકી,
અને વદન એ ગયું નયન બ્હાર ક્યાં યે લૂંટી

ન સાદ ન ઝરણાં તણા, ગિરિ તણા શશી ના ગમે,
ન કૈં કુદરતે મ્હને હજુ ય ચેન લાધ્યું દિસે;
કદાપિ હજુ યોગ્યતા હૃદયની થઇ ના હશે;
હજો જ જ્યમ હો છતાં વદન એ વિના ના રુચે.

મ્હને વદન એ દઈ જગત આ લઇ લે સુખે,
નહીં કરગરૂં, નહીં ટળવળું, પ્રભુ! હું દુઃખે,

ન અન્ય મુખની હવે કરીશ નાથ! હું પ્રાર્થના,
મ્હને વદન એ જ દે જિગર સાથ આ ચાલવા.

૧૫-૩-૧૮૯૭