કલાપીનો કેકારવ/એક ઉદાસ દિવસ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← એક ઇચ્છા કલાપીનો કેકારવ
એક ઉદાસ દિવસ
કલાપી
એક આગિયાને  →


એક ઉદાસ દિવસ

આકાશે છવરાઇ છે રજ અને વાયુ વહે આંચકે,
ના છે વાદળ, ના રવિ, પડી ગઈ મેલી દિશાઓ બધે;
આ નીલાં ભુખરાં દિસે તરુ અને ડોલી રહ્યાં સુસ્ત કૈં,
ના છે તાપ પરન્તુ આ જ્વર સમી ઉન્હી હવા લાગતી,

ઊડે છે શુક કોઈ તો દુઃખી થતું દેખાય છે ઊડતાં,
પાંખોમાં નવ જોર છે ચણ મળી આજે દિસે ક્યાંય ના;
કાંઇ લક્ષ્ય વિના અરે ! ભમી રહ્યું એવું દિસે છે મને,
જ્યાં ખેંચી લઈ જાય છે પવન ત્યાં જાતું બિચારૂં અરે !

હું એ એમ જ આજ કૈં ભમી રહ્યો, વાડી તળાવે, વને,
વાંચ્યું, કાંઈ લખ્યું, સૂતો, ભટકું છું, ના ચેન કૈં એ પડે;
ના છે કાંઈ વિચાર , હેતુ નહિ કૈં, બ્હેરી બની લાગણી,
ઇચ્છે છે મન આપઘાત કરવા, સૂનું હસે છે, વળી.

સ્વપ્નાં મેં કંઈ ગોઠવ્યાં પણ થઈ મૂર્તિ ન એક્કે ખડી,
હૈયાનાં કંઈ દર્દ જોઈ વળતાં, રે ! ઘા ય લાગે નહીં;
આવું કાંઈ લખાય છે, પણ અરે ! બેચેની ત્યાં એ રહી.
રોવાનું મન થાય છે, પણ ખરે આસું ય એક્કે નહીં

૨૬-૬-૧૮૯૬