કલાપીનો કેકારવ/જરી મોડું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વીંધાએલા હ્રદયને કલાપીનો કેકારવ
જરી મોડું
કલાપી
મધ્યમ દશા →


જરી મોડું

જુદી જુદી શ્રેણી ઉપર જનનાં સંચિત વહે,
અરે ! પ્રીતિ પહેલાં મરણ કંઈને તો ઝડપી લે !
અને યુક્તાત્મા જે મધુર રસ ચાખી ગત થશે,
પડે તેથી જુદાં ગરીબ દિલડાં ગ્રન્થિત ન જે.

ઘણાં ઇચ્છા સાથે તલફી મરતાં, જન્મ ધરતાં,
અને તૃપ્તિ માટે બહુ સમય જ્યાં ત્યાં ભટકતાં;
કમી જુદાં જુદાં કઠિન દુઃખ ને દર્દ સહતાં,
ઘવાતાં, રૂઝાતાં, કજખમ સહતાં ને મરી જતાં.

અરે ! કો અદૃષ્ટો પણ વધુ હજુ દારુણ દિસે'
મળે પ્રેમી ભોળાં પણ મિલન મોડું જરી બને;
'પ્રિયે ! ત્હારૂં હૈયું મુજ હ્રદયનું' 'હા ! તુજ ! સખે !'
'હથેલી દે ! વ્હાલી' 'નહિ ! અરર ! મ્હારે જવું પડે.'

૯-૮-૧૮૯૬