કલાપીનો કેકારવ/જાગૃતિનું સ્વપ્ન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ક્રૂર માશૂક કલાપીનો કેકારવ
જાગૃતિનું સ્વપ્ન
કલાપી
છાના રોશું દર્દે →


જાગૃતિનું સ્વપ્ન

નિસાસો આવે છે! હૃદય ધડકે છે નવીન કૈં!
સહુ છુપા તારો ઝણઝણ થતા કમ્પિત બની!
હજારો કોશોએ વદન પ્રિય જે દૂર વસતું,
ઉન્હા તેના શ્વાસો મમ અધર પાસે ફરકતા!

દિસે છે એ મૂર્તિ તરવર થતી આ નયનમાં,
ઉરે મ્હારે સ્પર્શી ખળળખળ એ અશ્રુ ઝરંતાં;
પુકારી ઉઠે છે વ્યથિત ઉર તેના વદનમાં,
અને એ ઝાળોથી મુજ અવયવો આ પિગળતા.

ન તેને કૈં આશા મુજ હૃદયમાં વા જગતમાં,
ગરીબી ગાવાની મધુર કવિતા એ નવ મળે;
મૃદુ એ નિર્માયું હૃદય શરનું લક્ષ બનવા,
તૂટેલી આશામાં જખમ સહી દર્દે તડફવા.

પ્રભુ પાસે એ ના જિગર ફરિયાદી કરી શકે,
ગુન્હેગારોથી તે મૃદુ હૃદયને મ્હોબત ઠરી;
છૂરી ખુલ્લીથી જે કતલ કરવા હસ્ત ઉપડે,
દુવા તેની ગાવી, નિરમિત થયું એ જિગરને.

પ્રભુ પાસે ના તે જિગર ફરિયાદે કરી શકે,
રહી છે ના શ્રધ્ધા કુદરત તણા આ ક્રમ પરે;
સહી ઘા માથે ઘા હૃદય કુમળું નિર્ભય થયું,
ગણ્યા તેણે દેવો, અરર સહુ તે રાક્ષસ હતા.

હતી પ્હેલાં આશા મુજ હૃદયમાં તે હૃદયને,
ન જાણી તૂટી તે પ્રથમ જ, અરે! જે ગઇ હતી;
હજુ છેલ્લે એ તે મુજ હૃદયમાં કૈં રસ જુવે,
હજુ તેને પીવા જીવિત કરવા યત્ન કરતી.

હવે હું પાસે તે હૃદય નવ દાવો કરી શકે,
હવે છેલ્લે છેલ્લે મધુર કંઇ એ મ્હોં કરગરે;
તરન્તી મૂર્તિ એ મમ નયન પાસે ટળવળે,
હજુ રેડે અશ્રુ ગરદન ધરી આ પદ પરે.

નિસાસા મ્હારા એ પ્રિય વદનની ઉપર પડે,
હજારો અંગારા ગત સમયના ત્યાં ઢળી પડે;
વિસામો લેવાની મુજ હૃદય આ આશ ધરતું,
નિરાશામાં કિન્તુ પ્રતિ પલ રહે છે ટપકતું.

નકી પૂર્વે આવું અનુભવી ગયું છે હૃદય આ,
અજાણ્યે રોતાં એ બહુ દિવસ પ્હેલાં ગત થયા;
મ્હને છે યાદે આ મધુતમ દશાની મધુરતા,
નિરાશાના પ્યાલા બહુ ય ભરી ખાલી પણ કર્યા.

ગયા જન્મોમાં એ પણ અનુભવ્યું આ નવ કદી,
નથી આવી કો દી હૃદય પર કો વિદ્યુત પડી,
સરી જાતાં મ્હારાં જગત પરનાં કાર્ય સઘળાં,
અહા! હું ઓચિન્તો કબજ બનતો કો ઝડપમાં.

ગણાઈ સંસારે ફરજ સઘળી જે હૃદયથી,
પ્રતિ પ્રાણીની જે જીવિત તણી ઇચ્છા કુદરતી,

ઉડી તે સૌ જાતું, સમજણ નહીં શું થઇ જતું,
પ્રિયાની મૂર્તિમાં મુજ હૃદય આ લીન બનતું.

ભલે કાટી જાતા વિષધર મ્હને આ હૃદયમાં,
ભલે લાખો વીંછી મુજ મગજમાં ડંખ કરતા;
ન છે શક્તિ નેત્રે રમણીપ્રતિમાથી ઉપડવા,
ભલે તૂટી જાતા મુજ જિગરના સર્વ પડદા.

મ્હને ભાસે છે કૈં રુદન કરતી આલમ બધી,
પ્રતિ બિન્દુડે તે મુજ હૃદયમૂર્તિ પણ ખડી;
ન કો એ મૂર્તિનું નહિ નહિ જ કો આલમ તણું,
ગરીબી હું જેવી જગત ઉપરે વ્યાપ્ત દિસતી.

મ્હને કોઇ ખેંચી અવર દુનિયામાં લઇ જતું,
બતાવી અશ્રુનો ઉદધિ રડતું તે ગરીબડું;
ન કૈં કોની પાસે કટુ ઉદધિને મિષ્ટ કરવા,
ન કૈં કોની પાસે જ્વલિત ઉરને શાન્ત કરવા.

અરે! રોવા માટે કુદરત તણી આલમ બની,
અરે અશ્રુ આંહીં કટુતમ બધાં નિર્મિત બન્યાં;
જનોનાં હૈયાંને 'રુદન કરવું' ભેટ પ્રભુની,
ન કૈં કોની પાસે રુદન ઉરનું બન્ધ કરવા.

વિષો સૌ આંહીંનાં મધુતર બન્યાં અમૃત થકી,
વિષે જન્મી જીવે હૃદય વિષને અમૃત ગળી;
અમી આંખે જોવું પણ વિષ તણું પાન કરવું,
પ્રભુએ નિર્મ્યું આ જનહૃદય માટે તલફવું.

પ્રતિ હૈયું આંહીં રુદન કરતું કો હૃદયને,
પ્રવાસી ચાલે છે નયનજલચીલા ઉપર સૌ;
દિસે તેમાં સૌમાં રુદન કરતી એ ભગવતી,
અરે! આ ખોળાને હૃદય ચીરી આધીન બનતી.

ઝીણા ઝીણા ઉઠે લલિત સ્વર તેના રુદનના;
પડે છાના તેના મધુર ભણકારા હૃદયમા;
કંઇ કાલો વીત્યા ફરી નવ સુણ્યો એ સ્વર હતો,
હજારો કોશોથી મુજ શ્રવણમાં આજ પડતો.

અહો! સંકેલાઇ હૃદયબલથી શું પૃથિવિ છે?
અહો! શું બાલાનું હૃદયબલ આવું કરી શકે?
નિસાસા પ્રેમીના સહુ ય પડ ચીરી વહી જતા,
સખીનું હૈયું કૈં અતિ બલ કરે છે લપટવા.

'પિયુ! વ્હાલા! સાથી મુજ હૃદયની વ્હાર કરજે!
'હવેના જન્મોમાં ગરીબ તણી સંભાળ કરજે!
'નિરાશા રોતાં વા તુજ હૃદયને શાન્ત કરજે!
'સખે! મ્હારા દોષો રુદન કરતાં માફ કરજે!'

ઉઠી ઘૂમે છે આ મૃદુ રુદન મ્હારા હૃદયમાં,
લવન્તું એનું એ મુજ હૃદયમાં કૈં ઉત્તર ધરે;
ઝઝૂમે છે નેત્રે રુદનજલનું ક્ષાર ઝરણું;
મીઠી પાણીની ત્યાં તડફડ થતી માછલી રહી.

તહીં તેને થાતું, મુજ હૃદયમાં તે અહીં બને,
અમે સાથે રોતાં સમય પ્રિય તે આ ફરી મળે;
રડાવે રોઇને મુજ હૃદય કાં તે હૃદયને?
અહીંના તારો કાં મદદ કરતાં તે રુદનને?

અહીં પ્રીતિ,મૈત્રી,પ્રણય,રતિ,એ ભાવ સઘળા,
અરેરે! રોવાનું અરપણ કરી શાન્ત બનતા;
અરે! શું તેથી કૈં અધિક જનથી ના થઇ શકે?
બને ના શું દેવું મધુર સુખ પ્રેમી હૃદયને ?

કહેવા સન્દેશા અનુપમ મળ્યો આ સમય છે,
ઉરોના લ્હાણાની કુદરત બધી વાહક બને;
દિલાસો દેવા કાં મુજ જિગર આ ના ઉપડતું?
ઉડી અશ્રુથી કાં ભભકમય પહાડે ન ચઢતું?

અહો! અત્યારે તો હૃદય ઉડવા તપ્તર દિસે;
જહીં હું ત્યાં તે એ ઉર ભટકવા, તત્પર દિસે;
ન કાં અર્પું પાંખો? નવ ક્યમ ગ્રહું પાંખ મધુરી?
ન કાં ભાનુ સાથે કિરણમય હાવાં થઈ જવું?

અહો! અત્યારે તો મુજ હૃદય આધીન તલફે,
સુધાના વંટોળા પ્રિય વદનના ચોગમ ચડે;

દબાઈ જાતાં આ મુજ જિગર કૈલાસ ચડતું,
નહીં ભાનુ સાથે કિરણમય થાવા મન રહ્યું.

અરે! જૂઠાં જૂઠાં કિરણ ચળકે તે પ્રણયનાં,
જનો માટે ના તે, નવ જન ઉડી ત્યાં જઈ શક્યા;
ઉડેલાં દાઝેલાં અગણિત અહીં આ તરફડે,
ફરી ઉડી જાવા જિગર કદિ હોંશે નવ કરે.

અમે એ પંખીડાં બહુ વખત ત્યાં લ્હેર કરતાં,
હવા આછી પીળી ઉપર કિરણોમાં ય તરતાં,
ઘડીનો ભાનુ તે, ક્ષણિક સહુ તે રંગ ગજબી,
અહીં હું, વ્હાલી ત્યાં, ગત થઇ ગઇ સર્વ સુરખી.

રહ્યું રોવાનું તે ચિર સમયનું ને અમર છે,
ભલે હું સાથે તે અમર ઉદધિમાં ડુબી રહે;
કરૂં શાને યત્નો ચલિત દ્યુતિનાં દર્શન થવા?
ત્યજાયે શે અશ્રુ ક્ષણિક સ્મિતથી બાથ ભરવા?

સદા રોનારાનું સ્મિત વળી બલે ના કરી શકે,
હસું જેવું તેવું, ક્યમ પ્રિય ઉરે તે જઈ શકે!
હજારો કોશોએ રુદન જ નકી વ્હાર કરશે,
પ્રતિ બિન્દુડે જ્યાં બલમય કંઇ વિદ્યુત વસે.

અરે! મીઠાં અશ્રુ મધુતર બને છે અનુભવે,
સદા તાજી તાજી રુદન કરતાં લઝ્‍ઝત મળે;
હસે આંહીં તેની ઉપર અનુકમ્પા ઉર ધરે,
બિચારાં કિન્તુ એ અનુભવ ભલે સર્વ લઇ લે.

જશું બીજી કોઇ સ્મિતમય નવી આલમ મહીં,
જડી જાશે જ્યારે સ્મિત મધુર કો આ રુદનથી,
તહીં ત્યારે ચારે નયન ટપકે છો સ્મિતભર્યાં,
નથી આ રોવું કૈં રુદન મધુરૂં શાન્ત કરવા.

ધીમે ધીમે આ બે ઉર ઉરથી આલિંગન કરે,
ફરીથી એ જૂની ચકલી દિલડામાં ફડફડે;
ફરી અશ્રુ વ્હેતાં ચકચકિત એ ગાલ ઉપરે,
ધીમે ધીમે મ્હારૂં દ્રવિત ઉર કાંઈ ગણગણે.

પ્રિયે! વ્હાલી! સાથી! મધુર લહરી આ નિરખજે!
'સદા જન્મે જન્મે મુજ જિગરમાં આમ વસજે!
'નિરાશામાં આશા તુજ હૃદયની શાન્ત કરજે!
'સદાના ત્હારા આ દૂષિત સહ પ્રેમે જ તરજે!'

લવન્તાં આવું આ નયન નિરખે સ્વર્ગ નવલાં,
ભવિષ્યે ને ભૂતે નવીન કંઇ લાખો યુગ પડ્યા;
તહીં જોડી જોડી અગણિત ઉરોની રમી રહી!
અહીં જોડી જોડી અગણિત ઉરોની રડી રહી.

જહીં જે ત્યાં તે છે નિજ ગગનમાં મોજ કરતું,
અહીં ત્યાં સર્વેમાં સ્મિતરુદનજોડું રમી રહ્યું;
અમે ડૂબી જાતાં લટુપટુ અમારા ઉદધિએ,
ગતિની ઇચ્છા કે જરૂર પણ કૈં એ નવ મળે.

અહો! એ મ્હોં એ મ્હોં મુજ નયન પાસે તરવરે!
અરે! ઊંડું ઊંડું હજુય ઉર એ કૈં કરગરે!
નિસાસો આવે છે! હૃદય ધડકે છે નવીન કૈં!
સહુ છુપા તારો ઝણઝણ થતા કમ્પિત બની.

૮-૫-'૯૭