કલાપીનો કેકારવ/પાણીનું પ્યાલું

વિકિસ્રોતમાંથી
← એક પ્રશ્ન કલાપીનો કેકારવ
પાણીનું પ્યાલું
કલાપી
હવે આરામ આ આવ્યો! →


પાણીનું પ્યાલું

વ્હાલી ! પાણીનું પ્યાલું !
ભરી તું દેજે છેલ્લું, વ્હાલી !પાણીનું પ્યાલું !

કોણ નશો કરશે હવે ? શું મસ્તીથી થાય ?
તું મસ્તી મુજ દૂર તો શું છે મસ્ત ઉપાય ?

પાજે પાણીનું પ્યાલું !

પાણી પા મુજને પ્રિયે ! પછી સુખે જા દૂર !
પાણીના જ નશા મહીં રહું સદા ચકચૂર !
એક જ પાણીનું પ્યાલું !

પાણી જે તું પાય તે નશાદાર દિન લાખ !
એ જ ધૂનમાં ગાઈશું ગીત લાખ દસ લાખ !
દે દે પાણીનું પ્યાલું !

તોડી દે સુખથી સીસો ને મદિરાનું જામ !
તોડું છું ઉર આજ હું ! ત્‍હને હજો આરામ !
ત્‍હોયે પાણીનું પ્યાલું !

મળ્યાં હોત ના આપણે, થઈ હોત ના પ્રીત,
પડ્યાં હોત જૂદાં ન તો દિલે હોત ના ચીર !
પણ આ પાણીનું પ્યાલું !

કોણે પાયું હત પ્યાલું ? આવું પાણીનું પ્યાલું ?
મીઠું આજે આ પ્યાલું ?

૧૦-૨-૧૮૯૭