કલાપીનો કેકારવ/રજાની માગણી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← યજ્ઞમાં આમન્ત્રણ કલાપીનો કેકારવ
રજાની માગણી
કલાપી
શિકારીને →


રજાની માગણી

ત્રોફ્યું જિગર ! તું છે ખુશી ! હાવાં રજા દેવી ઘટે !
બાકી રહ્યા ઘા હોય તો બે ચાર દઇ દેવા ઘટે !

ત્‍હેં શું કર્યું, તે આ બદન ખોલી બતાવાતું નથી !
ઝંજીરથી છોડી મગર કૈં શ્વાસ તો દેવો ઘટે !

અરજી દઈ કેદી થનારો કેદખાને ઠીક છે !
તેને ય પણ મેદાનની કો દી હવા દેવી ઘટે !

માશૂક કે ઝુલ્મી નહીં મુર્દા મહીં પામે મજા !
લેવા મજા એ ઝુલ્મની આરામ તો દેવો ઘટે !

છે જીવવું કે જીવવા મથવું ય રોવા કાજ છે !
તો આંસુડાંની લાયકી એ પામવા દેવી ઘટે !

રીબાય તેની લઝ્‍ઝતો શું રીબનારૂં જાણતું ?
થાક્યો નથી; ત્‍હોયે સનમ ! તાજો થવા દેવો ઘટે !

આરામમાં આનન્દની આશા નથી રાખી હમે !
છે દર્દથી દર્દે જવું ! ત્યાં તો જવા દેવો ઘટે !

છે દર્દને બદલાવવું તે દર્દીઓની લ્હેર કૈં !
જ્યાં ત્યાં બધે છે એ જ, પણ પૂરી તલબ કીધી ઘટે !

ખંજર ચલાવી લાલ હાથેલી કરી તુજ હાથની !
મ્હારી નહી, તેની મગર કાંઈ દયા ખાવી ઘટે !

માગું રજા, જાઉં ભલે, આખર કદમ ત્‍હારે જ હું !
બે ચાર દિન, બે ચાર યુગ, હાવાં રજા દેવી ઘટે !

૨૨-૧-૯૮