કલાપીનો કેકારવ/હમીરજી ગોહેલ/સર્ગ-૩ મિજબાની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← હમીરજી ગોહેલ:સર્ગ-૨ નિમન્ત્રણ કલાપીનો કેકારવ
હમીરજી ગોહેલ/સર્ગ-૩ મિજબાની
કલાપી
હમીરજી ગોહેલ/સર્ગ-૪ પડાવ →


સર્ગ-૩
મિજબાની

જે જે ઉત્સવની મહાન ઘડીઓ દેવો કરે દૈત્યને -
જ્યાં જ્યાં સંકુલતા ત્યજી જગ ગ્રહે એકાગ્ર આચારને -
જેથી સંગતિ - સંપ - પ્રેમ તરફે જાતું વળી માનવી -
તે તે ઉત્સવની મહાન ઘડીઓ આ બીન ગાજો સ્મરી.

સ્વીકારી નોતરૂં જાતો પડાવે ફરી યોધ એ,
થાબડી અશ્વને હેતે તંબુ બ્હાર જરા ઊભો.

હુક્કા તણી ત્યાં વરદી અપાતી,
હજુ કસુંબો ગળણી મહીં છે;
પાસે પડી નાજુક વાટકી કૈં -
જેમાં ઝરે લાલ અફીણ ધીમે.

એ મિત્ર શૌર્ય રજપૂત તણો કસુંબો -
જે છે સદા ય હરકંઠ મહીં વસેલો -
જેની સુકીર્તિ હજુ ક્ષત્રિ સહે ગવાતી -
તેનો નવો જ હજુ ભક્ત હમીર થાતો.

જેને જુવાની મહીં વૃદ્ધ થવું ગમ્યું છે,
જેને રણે રુધિર સર્વ જ અર્પવું છે;
તે મિત્રની નવીન અંજલિઓ મહીં છો,
એ ફૂટતી જ નિજ મુછ સુખે ઝબોળે.

બખતર ઉતરાવી સ્વસ્થ એ યોધ થાતો,
હૃદય ફરી મધુ એ સ્વપ્ન માંહીં ચડે છે;
નિજ ઉર વસનારી તે જ ને તે જ વાતો,
ફરી ફરી ફરી પ્રેમે મિત્ર સાથે કરે છે.

* * *


વેગડો જાય છે પાછો પોતાના ગઢમાં અને
કિલ્લા ને ગામ માંહેથી બોલાવે સહુ ભીલને.

તે રાત્રિએ ભોજન સાથ લેવા
સૌ ભીલને સ્નેહથી નોતરે તે;
આજ્ઞા કરે છે શણગારવાને
કિલ્લો અને ગામ ઉતાવળેથી.

દોડી ગયા ભીલ અહીં તહીં સૌ
ને ગામમાં વાત હજાર ફેલી;
શોભાવવાને નિજ હાટડાં ગૃહો
લાગી ગયાં છે સહુ કાર્ય માહીં.

હુક્કો લઈ હાથ મહીં રૂપેરી
હર્ષે ફરે નાયક ભીલનો તે;
સંધ્યા તણી રાહ નિહાળતો કૈં
ઔત્સુક્યથી સૂર્ય ભણી જુવે છે.

ધીમે ધીમે કિરણ રવિનાં કાંઈ પીળાશ ધારે,
થંડી થાતી અનિલલહરી બાગમાં શાન્ત ચાલે;
લાંબી પાંખો કરી કરી શુકો ખાય છે કૈં બગાસાં,
છાયા છોડી ગગન ફરવા થાય છે સાદ મીઠા.

નિદ્રામાંથી ઉઠી ઉઠી હવે જોડીઓ લાખ ઊડે
ને બચ્ચાંને ચળ કરી હજુ ચંચુથી કૈં સુવારે;
કુંજોમાં તો બુલબુલ તણાં ગીત ફેલાઈ જાતાં
ને ન્હાનાં એ ઉદર પણ સૌ કાંઈ માગે ફરીથી.

જે અર્પતો સૂર્ય ઉઠી સહુને,
તેનું જ તે અર્પી સુવા ઢળે છે;
ઉત્સાહ જે જન્મ થતાં જ દેતો
ઉત્સાહ તે મૃત્યુ થતાં ય દે છે.

ધીમે ધીમે ગગનપડદે લાલ ભૂકી છવાતી,
ડૂબ્યો ગોળો ઝળહળ થતો પંખીડાંને ગવારી;
સૂતો ભાનુ પણ હજુ તરુ ગીત ગાતાં સહુ છે,
વિહંગોને હજુ રવિ તણું તાન લાગી રહ્યું છે.

અર્પે હાવાં નવીન મધુરૂં અષ્ટમીનો શશી આ,
છેલ્લાં કૂણાં રવિકિરણને ઝાંખવા અભ્ર આવી;
મીઠી થંડી શિશિર ઋતુની વાયુની લ્હેર વ્હેતી,
પુષ્પો સૂતાં, તરુ સુઈ જતાં, પક્ષીઓ શાન્ત થાતાં.

રૂપેરી કૈં મસાલો ત્યાં ચોગાને સળગી ઊઠે,
દીવાની હાર એ કાંઈ વાતો તારકથી કરે.

હમીરજીને લઈ આવવાને
ચાલ્યું હવે મંડલ આ બજારે;
કૈં ઢોલ ત્રાંસાં શરણાઈ વાગે,
અશ્વો કુદે ભીલ તણા અગાડી.

વચ્ચે જ સૌરાષ્ટ્ર તણા કુદંતા
દોરાઇ બે કુંતલ અશ્વ ચાલે;
કાંઠા સુનેરી ચળકે મશાલે
ને ઘાંસીએ ઘુઘરીઓ ઝણેણે !

ટાઢી કો ઘોડલી મથે ધીમેથી ગઢવી ચડે,
સામૈયાના મુખીની તે આકૃતિ પુલકે સ્મિતે.
વૃદ્ધ છે પુષ્ટ છે અંગો - તીખી આંખ છતાં હજી
સંસારી ભેખડૉ સામે સજ્જ છે લડવા નકી.

ક્ષત્રિ મહીં જન્મ થકી વસેલો -
ક્ષત્રિ તણા અન્નથી ઉછરેલો -
ક્ષત્રિ તણા યુદ્ધ મહીં રમેલો -
સૌ રીતિઓ ક્ષત્રિઓની જાણતો આ.

દોરી નાયકને ગૃહે નિજ કરે એ દોરનારો હતો,
લૂટારા ગૃહને અમીર ગૃહ શું એ રાખનારો હતો;
પોતાનાં સરદારની સ્થિતિ બધે સંભાળનારો હતો,
સાચા ચારણની જેમ ચંચળ અને ઉત્સાહી ડાહ્યો હતો.

તંબુ કને તે ઊતરી પડે છે,
તંબુ મહીં તે પગલું ભરે છે;
ગાદી પરે જોઈ હમીરજીને
વખાણ તેનાં લલકારતો તે[૧] -

'જો જાણત તુજ હાથ સાચાં મોતી વાવશે
'વવરાવત દી રાત તો તુંને ! દેપાળદે ![૨]

'ખળખળ મીઠું ખીર ગેમલ આંગળીએ વહ્યું !
'શોષી આપ શરીર ચારણ પોષ્યો ગોહિલે ![૩]

'અંબરનું દઈ દાન જલાંબર સાંગે ધર્યાં !
'જોવા તેને ભાણ ઊભો થંભી આભમાં ![૪]

'સાજી અમિત ઉદાર દેતો દાન દુકાળમાં,
'સાપ સુવર્ણી હાર જેનો કર અડતાં બન્યો ![૫]

'ખેતર વાવી રેત ! ઊગ્યાં તુંબાં સામટાં !
'તેમાં ઘ‌ઉંની રેલ સોનક ભક્ત તણે ખળે ![૬]

ગઢવીને બથે ભેટી મળે યોધ ઉભો થઈ,
બારોટે હસ્ત જોડીને ચાલવા વિનતી કરી.

બારોટજીને નિજ દેઈ હુક્કો
તેથી જરા સ્વસ્થ થવા કહીને,
હમીરજી સજ્જ થવા ત્વરાએ
ગયો કનેની લઘુ રાવટીમાં.

નોકરો ચાકરો સર્વે ઉભા સજ્જ થઈ જઈ,
મિત્રની સાથ આવે છે પ્હેરી વસ્ત્ર હમીરજી.

છે શ્વેત વસ્ત્ર સહુ અંગ પરે ધરેલાં,
આછી ઝીણી ટિબકી પાય પરે સુનેરી;
કેડે ઝુલે કમરબંધ નીચે પછેડી
ને ખડ્‌ગ હસ્ત મહીં નાજુક સર્પ જેવું.

જેને ઉરે રસિક છે લલના રમંતી,
જે પ્રેમથી હૃદય ત્યાં દ્રવતું સદા એ;
તે નેત્રમાં પ્રણયહેલી રહે વહંતી,
દેદીપ્યમાન રસ ભાલ પરે ઝગે છે.

ગંભીર એ વદન પૂર્ણ પ્રસન્ન ભાસે
ને ધૈર્ય નેત્ર તણું ધ્રુવ સમું દિસે છે;
તે ચાલ, તે વદન, તે સ્મિત, બોલ તેના
જોઈ રહે ગઢવી કાંઈ ઉમંગથી સૌ.

એ મિત્ર બેય ઊભી કુંતલ અશ્વ પાસે
એ વાળ ઊડતી પરે કર ફેરવે છે;
આરૂઢ થાય - ગઈ વિદ્યુત જેમ ચોંકી
ને અશ્વ પાંચ દશ તીવ્ર ફલંગ દેતાં.

જે શસ્ત્ર શત્રુકરનાં વિજયે મળેલાં -
જે પામતાં રુધિરનીક કંઈ વહેલી -

જેને ત્યજી હજી અરિ શરમિંદ થાતા -
તે ક્ષત્રિ કોઈ લઈ યોધ પછાડી ચાલે.

સૂઈ ગયેલ રજપૂતી જગાવવાને -
સૌ વીરને ચમક ક્ષત્રિની આપવાને -
ઉત્સાહ સ્થાન પ્રતિ ઉપર પ્રેરવાને
નિશાની યુદ્ધ તણી યોધ સહે ફરે આ.

ડંકાની ત્રણ ગર્જના નગરમાં લોકો સહુ સુણતાં
ને સૌ ઉત્સુક સ્ત્રી સસંભ્રમ હવે દ્વારે ધસી આવતી;
જેના વીર્ય તણી અનેક રસીલી વાતો સુણાઈ હતી,
તેને હર્ષથી ઝાંખવા જન બહુ હાટે બજારે ઊભાં.

દરવાજા કને પ્હોંચે સવારી યોધ તણી હવે,
જોવાને આવતાં લોકો દોડતાં પડતાં ધસે.

છે રોશની હાટ મહીં કરેલી,
છંટાયેલી શ્વેત બજાર ભાસે;
કૈં યુદ્ધનાં ચિત્ર દિવાલમાથે
રાતા પીળા રંગથી ચીતર્યાં છે.

આહીં હતો તે દશ શીર્ષવાળો,
ત્યાં રામ, ત્યાં વાનર ઊડતો તે;
ત્યાં જાનકી વૃક્ષ નીચે રડંતી,
ક્યાંઈ વળી શ્વેત જટા ઋષિની.

ત્યાં વાઘ અશ્વો, તહીં હસ્તિ મ્હોટા,
અનેક રંગી વળી વેલીઓ કૈં;
છાયા પડે તે પર કૈં જનોની -
કૈં ભૂતડાં દોડી જતાં દિસે છે.

કોલાહલે માનવીઓ તણા આ
સ્ત્રીના કંઈ અર્ધ સુણાય શબ્દો;
લાંબા ઝીણા સાદ અનેક થાતા,
પ્રત્યેક ટોળે નવી વાત ચાલે :

'આ જેવો વર લાડકો કદિ ય તેં જોયો હતો - બેન ! શું ?'
'જો જો ! ખડ્‌ગ સુનેરી એ કર મહીં કેવું દિસે છે રૂડું ?'

'ઓહો ! અશ્વ કુદી રહ્યો પણ જરી આ સ્વાર ના ના ડગે !'
'આહા ! એ મુખતેજથી શશી અને ઝાંખી મશાલો બને !'

'ચંદાબેન તણો જ આ કર ગ્રહે ! કેવું બને તો - સખિ ?'
'કોઈ વેગડભાઈને કહી શકે એ ગોળ ખાવા અહીં ?'
'રે ! એ ભીલ ઠર્યો અને રજપૂતી ટેકી દિસે વીર આ !'
'ચંદાને પણ ભીલડી ગણીશ ના" "એ કોઈ દેવી મહા !'

'કિંતુ આ રજપૂત યુદ્ધ કરવા જાતો - સૂણ્યું મેં નકી !'
'શું આ ઉછળતું જ પુષ્પ મરવા જાશે ? અરેરે ! સખિ !'
'તો એ આ વ્યવિશાલનું કહીશ હું ચંદાની માતા કને !'
'છે તો કૈં જ થવું નહીં !" "નિરખી આ છોને જરા તોય લે !'

'કોઈ કાયર સાથ લાખ વરસો સ્વર્ગે ય જીવ્યા થકી !'
'મ્હોટું ભાગ્ય સુવીરની કરલતા પૂરી ક્ષણે સ્પર્શવી !'
'ચંદા પાસ રહી શીખેલ દિસ તું વાતો વડી બોલવી !'
'બાઈ ! સૌ હરિએ લખેલ બનશે ! આ જોઈ લે તો જરી !

કતૂહલભર ચ્હેરો યોધનો છે પ્રફુલ્લ,
પ્રણયમય નિહાળી શ્‌હેર થાતો પ્રસન્ન;
જહીં જહીં રસ જોતો આંખ ત્યાં એ ઢળે છે,
હૃદય ગળી વહે છે દેખતાં આર્દ્રતા કૈં.

જોનારી-બોલનારી સૌ ઉભી આંહી થઈ રહી,
સ્વારી આ દ્વારની પાસે આવતાં અટકી ઉભી.

ઉભો અહીં મંડળી સાથ વેગડો,
હમીરને હસ્ત દઈ ઉતારતો;
મેમાનનો હસ્ત ગ્રહી સ્વહસ્તે,
એ ભીલનો નાયક સાથ ચાલે.

જરા અને યૌવન હાથ ઝાલી
ચાલ્યાં જતાં સાથ સદા વહંતા -
તેવું જ આ યુગ્મ નિહાળતાં આ
દ્વારે ઉભાં સ્થંભી હજાર લોકો.

જેડેલા દ્વારમાં મ્હોટા ખીલા વજ્ર તણા દિસે
હસ્તિના લાખ મ્હોરાથી જે ના દ્વાર કદી ખસે.

ચોપાસે શ્યામ આ મ્હોટી દિવાલો દૃઢ છે ઉભી;
કોઠા ને મારકાઓમાં આજે દીપ રહ્યા ઝગી.

રક્તશા લાલ સિંદુરે તોપો આ ગરકાવ છે;
બ્હારના શત્રુ સામે એ મ્હોં ખુલ્લાં વિકરાળ છે.

શત્રુથી દૂર થાવાને શત્રુના જયને સમે -
ભોંયરાં આ દિસે ઊંડાં ઉભા જ્યાં ભીલ સજ્જ છે.

'શું આ સાધન શૌર્યનાં મદદમાં છે લૂંટ માંહીં ઉભાં ?
રે રે ! પ્હાડસમી દિવાલ ! નવ તું પામી પ્રભુની દયા ?
ઓ વીરો ! તમ આ ભૂમિ અસુરથી છે શક્ત જે ઝૂઝવા
તેને આ તમ લૂંટમાં ક્યમ કરી શાન્તિ હશો આપતા ?'

વિચારો ઘોળતું આવા હૈયું યોધ તણું હતું,
કહેવું કિંતુ કાંઈએ તે ના સાર્થક ભાસતું.

આ દ્વાર અન્ય મહીંથી ઉપરે ચડે છે,
ચોરા પરે હમીરનાં નયનો ઠરે છે;
ટાંગ્યાં અનેક અહીં છે હથિયાર જૂનાં
ને કૈંક પાખર અને કવચો ઝુલંતાં.

ભાલા અહીં, ખડ્‌ગ અનેક ત્યાં છે,
ત્યાં ઢાલ ને ચક્ર તીરો તણાં છે,
જંઝાળ ને નાળ તહીં ટીંગાતી,
ત્યાં તાંસળી શીર્ષ તણી જડેલી.

ત્યાં વાઘના નોર હજુ ધ્રુજે છે,
છે સ્તબ્ધ ત્યાં કૈં રણશૃંગ મ્હોટાં;
કૈં વાવટા રક્ત મહીં ઢળ્યા તે
તેવા જ આંહીં ફરકી રહ્યા છે.

છે સજ્જ શસ્ત્રો હજુ રક્ત પીવા,
જે વેગડાના વડિલે ઉપાડ્યાં;
કૈં યુદ્ધની સર્વ નિશાનીઓ આ
ગાઈ રહી વાત અનેક જૂની.

હમીરજીના મુખમાં નવું કૈં
આ શસ્ત્ર અસ્ત્રો નિરખી રમે છે;

પ્હોળું અને દીર્ઘ પડેલ ખડ્‌ગ તે,
જોવા ઉઘાડી કરમાં ગ્રહે છે.

વીંઝવા ખડ્‌ગ સોટીશું જે બાહુ બળવાન છે -
આશ્ચર્ય જોઈને તેને રાજા ભીલ તણો કહે :

'આવી આ તલવાર યુદ્ધ સમયે મારા પિતા બાંધતા,
'તેને અન્ય ઉપાડનાર મળશે એ ના અમો માનતા;
'કિંતુ વીર તણી ભુજા કલિયુગે લૂટી ન લીધી હજુ,
'ક્ષત્રિની પ્રિય ભૂમિથી યવન સૌ છે દૂર પૂરા હજુ.'

બોલી આ મનમાં વિચાર કરતો કાંઈ હતો વેગડો,
ને તેની કંઈ ઝાંય એ મુખ પરે આછી હતી ભાસતી;
આવો આ રજપૂત તે ગઢ મહીં પ્હેલો પરોણો હતો.
તે સાથે નિજ વાત - વર્તન તણી ચિંતા ઉરે એ હતી.

ચોરા મહીં સૌ ફરતા હતા ત્યાં,
ક્યાં ઉભવું પાસ હમીરજીની,
ઘોળાઈ એ એ ઉરમાં રહ્યું'તું.
ને આંખ બારોટ ભણી જતી'તી.

ચોક છે એક મ્હોટો ત્યાં ડાયરો સહુ જાય છે,
મેમાનો કાજ તૈયારી આંહીં સર્વ કરેલ છે.

રંગોળી વતી રંગ કૈંક પુરીને ચોકો અહીં છે કર્યાં,
પીળાં, લાલ, સુવર્ણરંગી ફુલડાં વેલો મહીં છે ભર્યાં;
આંહીં રંગીન મોર નૃત્ય કરતો, ત્યાં છે સુતેલાં શુકો,
રૂપેરી લઘુ કેવડો ચળકતો પ્રત્યેક ખૂણે રહ્યો.

ગુચ્છા પુષ્પતણા સુગંધી વચમાં ખીલી રહ્યા ચંદ્રથી,
મીઠું અર્પણ પુષ્પ ને શશીતણું આંહીં વહે હર્ષથી;
પ્રેમીની નજરે સહુ ય પ્રણયે આ રંગ ભાસે ભળ્યા
ને આમોદ ભર્યા સુરંગ ફુલને આધીન વાયુ બન્યા.[૭]

ત્યાં પાસે દશ બાર રંગત રૂડા ઢાળ્યા નવા ઢોલિયા,
તેની ઉપર સ્વચ્છ ને ભરતનાં મ્હોટાં બિછાનાં રહ્યાં,
વચ્ચે ગોહિલરાજને કર ગ્રહી બેસારતો વેગડો,
સૌ એ સ્થાન લીધા પછી હમીરને હુક્કો દઈ બેસતો.

સામે સન્મુખ રામનામ લઈને બારોટજી બેસતા,
માળા જે કરમાં રહી તુલસીની તે ડોકમાં ટાંગતા;
હુક્કાની ત્રણ ચાર ફૂંક લઈને લાંબી પછેડીવતી,
વાળીને પગની પલાંઠી સરખી કૈં સ્વસ્થ બેઠા થઈ.

છે પાંચેક જડિત્ર ત્યાં અહીં તહીં હુક્કા હજુ એ પડ્યા,
પીળી લાલ દરેક એ ચલમમાં અંગાર છે ખેરના;
ઝીણી ગૂંથણીના રૂપેરી ચરપા રાતા બન્યા છે ધગી,
ઊભા ભીલ ત્રણેક એ હરઘડી તાજો કરે દેવતા.

'ભાઈ ! આ શ્રમ આવડો ઘટિત ના હું કાજ લેવો હતો,
'બે દીનો મિજમાન હેત નિરખી આભારી પૂરો હતો.'
જોઈ આ રવના હમીર વદતો આનંદ આભારથી,
ને માધુર્યભર્યા મુખે પડી રહે ઝીણી ગુલાબી ઝરી.

વેગડો સર્વ પોતાના સંબંધી વીર ભીલને
આંગળીથી બતાવીને ઓળખાવે હમીરને :

'આનું નામ ગેમલ' નામ જે તીરવતી પાડે શુકો ઊડતાં,
'આ 'ઘેલો' મુજ ભાઈ જે હરણને પ્હોંચી જતો દોડતાં;
'આનું નામ 'વડિંગ' દેવીપ્રિય તે પામ્યો ભુજા વજ્રની -
'જે પાડો અરણો ય એક ઝાટકે જૂદો કરે શીષથી.

'આ 'ભીલો' મુજ મલ્લ - એક બકરો જેનો સદા'હાર છે -
તે ખંભે ત્રણ આદમી ઊંચકીને કૈં કોશ દોડી શકે;
'આ કાકા મુજ જેમણે વરષની છે પાંચ વીશો ગણી -
'ભાલો એ કરનો છતાં ય હજુ યે કો ઢાલ ઝીલે નહીં.'

સામે નિહાળી મલકી સ્મિતે કૈં
પિછાન દે છે ગઢવી તણી એ;
પ્રણામ બારોટ નમી કરે ને
મજાકમાં વાત અગાડી ચાલે :

આજથી વીસ વર્ષોએ મ્હોટી લૂટ કરેલ કો,
પછી તે ભીલનો રાજા મધ્યાહ્‌ને વનમાં હતો.

ત્હોયે શિકાર હજુ શોધતી એક ટોળી,
કો' ધોરી માર્ગ પકડી ચૂપ છે રહેલી;

બારીક આંખ શકરા સરખી ફરે, ને
બે ચાર કોશની બિના નજરે પડે છે.

એ આંખનો વિષય આ ગઢવી બને છે,
એ શ્વેત વસ્ત્ર દૂરથી નયને ચડે છે;
હુક્કા રૂપેરી રવિનાં કિરણે પ્રકાશે
ને પાઘડી ઉપરની ઝબકે સુનેરી.

પીરાણી ઘોડલી રોઝી આવે રેવાલ દોડતી,
સ્વારના પેટનું પાણી ધ્રૂજે ન જરી ચાલથી.

કો રાજ્યમાં લગ્ન તણે પ્રસંગે
સારો હતો એ શિરપાવ પામ્યા;
એ વસ્ત્ર, એ ઘોડલી, ચારજામો
ને ભૂષણો લેઈ ગૃહે જતા'તા.

ધાર્યા હતાં ભૂષણ વસ્ત્ર અંગે,
લીધા હતા બેવડિયા કસુંબા;
ના કોઈની બીક હતી જરા એ,
ધીમે દૂહા કૈં લલકારતા'તા.

ચારણો - દેવીના ભક્તો - યુદ્ધની કવિતા હતા,
હતા તે જંગલે ક્યાં યે મીઠી છાંય મહીં સદા.

રાજ્ય ને ધર્મનીતિથી - ક્ષત્રિના અતિ પ્રેમથી -
ઉગામી આંગળી તેની સામે કોઈ શકે નહીં.

પોશાકને અંગ પરે જ રાખી
દેનારની કીર્તિ પ્રસારતા તે;
દેતાં વળી ચારણને ઉમંગે
છે કીર્તિ આ, સૂચન એય થાતું.

વાજાં આ નૃપતિનાં તે શું ભીલો સમજી શકે ?
કોઈ યે એક નીતિની ના ના છાપ બધે પડે.

વીંટાઈ ચોપાસ જતાં લૂટારા
બારોટજી એ હિબતાઈ ઉભા;
ગયા પડી મ્હોં પર શેરડા ને
દૂહા ગયા ક્યાંઈ છૂપાઈ સર્વે.

કિંતુ હિંમતને કંઈ કરગરી લાવ્યા ઉરે ધ્રૂજતે,
ખોખારો બલવાન એક દઈને તાજો કર્યો કંઠને;
વાચા આવી ફરી અને મગજ જે યુક્તિભરેલું સદા -
તેણે આજ નવીન યત્ન કરીને જોડ્યા નવા સોરઠા :

'દેવી સહશે કેમ દેવીપુત્ર થતો દુઃખી,
'ઇચ્છો જો તમ ક્ષેમ, લેજો ચારણની દુવા !
'છંછેડીને સાપ કાઢ્યો માલ ન કોઈએ !
'ચારણ દેશે શાપ આંતરડી ઉકળી જતાં !'

પરંતુ ડાંગ ઊંચી ત્યાં સામે ભીલ તણી થતી,
ઔદાર્યે સર્વ દેવાનું ગઢવીજી કરે નકી.

ઉતારીને ભૂષણ સર્વ લીધાં,
મૂક્યાં નીચે મંદિલ વસ્ત્ર સર્વે;
- ઘોડી હતી જીવ થકી વધારે -
સોંપી દીધી તે ય લગામ અંતે.

ખડીઆમાં હતા ગોટા માળવાના અફીણના
અને તેમાં હતું ભાતું - યાચે તે નવ લૂટવા.
ગઢવીની સુણી વાણી દયા લૂટ મહીં કરી,
કહે છે ભીલ કો તેને વેગડા પાસ ચાલવા.

રાજા તણું નામ સુણી ફરીથી
હૈયા મહીં હિંમત કાંઈ લાવી,
બારોટજી ભીલ સહે ગયા ને
નવો હતો ઘાટ ઘડ્યો ઉરે કૈં.

વિચારો ઘોળતા પ્હોંચ્યા ગઢવી નૃપની કને,
આદર્યો જાતિનો ધંધો જોઈ વેગડરાજને.

લૂટારાને વીર પુરુષનાં આપવાં માન મ્હોટાં
લૂટારાને રસિક કવિતે દેવની તુલ્ય ગાવા -
વ્હાલો ધંધો ગઢવીઉરને બાપદાદા તણો એ,
ને શ્લાઘાની નરમ મધુરી વાણીનો ધોધ ચાલે :

'અર્જુન ! થોથાં ફેંક ! ત્હારાં તીર ઉડી ગયાં !
'આ તો ભડ છે એક કિરાત બીજો - વેગડો !

'અર્જુન ! દૈવત આજ ત્હારૂં ના અજમાવજે !
'આ તો શંભુનાથ કિરાત બીજો - વેગડો !

અર્જુન જોડી હાથ થાકી પદ જેને પડે,
'તે હરનો તું હાથ જમણો - સાવજ વેગડા !

'હરની ત્રીજી આંખ અનંગથી છો ઉઘડે -
'પણ ચારણનો વાંક શું છે ! વીરા વેગડા !

'શૂરાનાં હથિયાર ચારણ ને તલવાર આ,
'તેની સામે ધાડ ત્હારી હોય ના - વેગડા !

'કોનાં ગાશું ગીત ? ગીત કોણ ગવરાવશે ?
'જો હંસાની રીત હંસા મૂકે - વેગડા !

'ચારણ હરની જીભ ! તું તો હરની આંખડી !
'જૂદાં અંગ શરીર ના ના કર તું વેગડા !

'તુંમાં ઝાઝો માલ - ઝંઝેડી જગ લે ભલે !
'પણ હું ના મરનાર ત્હારો માર્યો ! વેગડા !'

લૂટારાની ઉપર પણ એ ધારતો રાજ્યદંડ,
ને રાજાનાં પ્રિય બહુ હતાં માન સૌ વેગડાને;

વ્હાલું થાતું મન ગમી જતું માન એ આપનારૂં,
વ્હાલું થાતું રજપૂત સહે ભીલને મૂકનારૂં.

વખાણમાં છેક ગળી ગયો એ,
લીધેલ પાછું સહુ દેઈ દીધું;
બારોટજીને નિજ સાથ રાખવા
જીવાઈ આપી નકી ત્યાં જ કીધું.

ધંધો હતો લૂટ તણો જ તેનો,
તેને નવો રંગ ચડાવનારો -
સારો કહી તે સમજાવનારો -
બારોટ આ કૈં ઉપયોગી ભાસ્યો.

જે લૂટમાં પાછળ ચાલતા'તા -
જે લૂટમાં વીર્ય ભજાવતા'તા -
ઉત્સાહ તેને પણ આપનારો -
વખાણનારો મળતાં મળ્યો આ.

હમીરજીને રજપૂત રીતે
સ્વીકારવાનો નિજ ઘેર આજે
બારોટજીનો ઉપયોગ હાવાં
લેતો હતો નાયક ભીલનો આ.

ગઢવીની કથા જૂની પૂરી પૂર્ણ થઈ રહી,
કચેરી ચૂપ છે બેઠી, હુક્કા માત્ર લવે કંઈ.

'હા ! વિશ્વેશ્વરની ખુબી અવનવી છે વિશ્વવ્યાપી સદા !
'સંયોગો તણી છે વિચિત્ર ગતિ કૈં સંસારવ્યાપારમાં !
'સિંધુમાં તરતાં કંઈ લહરીએ ભેગાં થતાં પાટિયાં !
'શી લ્હેરે ફરી કોણ ક્યાં વહી જતાં ? એ કોણ જાણી શક્યાં ?'

ઉદ્‌ગારો નીકળે આવા હર્ષે સ્નિગ્ધ હમીરના,
કચેરી ડૂબતી પાછી હુક્કાના ગડડાટમાં.

એ ભીલ નાયક કૈં ઇશારો
બારોટજીને નયને કરે છે;
મેમાન સૌ રંજન થાય તેવી
કથા રસીલી કરવા કહે છે.

હમીરજી રંજન થાય એટલો
હેતુ હતો નાયકને મને તો;
કિંતુ કંઈ અન્ય જ હેતુ ઊંડો
બારોટજીના મુખમાં હસે છે.

સ્વીકારીને નાયકની જીવાઈ
કૃપાલ છાયા મહીં વાસ કીધો;
આભાર મ્હોટા બહુ એ થએલા
પોતા પરે તે ગઢવી ગણે છે.

આભાર વાળી ઋણ મુક્ત થાવું -
ઇચ્છા હતી એ ગઢવી તણી કૈં;
શોધ્યો હતો કોઈ પ્રકાર તેવો,
તે કાજ આ એક પ્રસંગ ભાસ્યો.

કન્યા રૂપવતી હતી ભીલ તણી તેના ગૃહસ્થાશ્રમે,
તેને બાલપણા મહીં જ ત્યજીને માતા મરેલી હતી;

તોએ સત્તર વર્ષની ઉછરીને હાવાં થએલી હતી,
વીતેલી સહુ ઝિંદગી ગઢવીની સાથે ગયેલી હતી.

તેને કુશળ સૌ રીતે ગઢવીએ કીધી હતી કેળવી,
માતાની જ હતી ઉરે ગઢવીને વાત્સલ્યની લાગણી;
તેને વ્હાલથી સર્વદા કુંવરી એ 'દાદા' કહી બોલતી,
ને એ બોલ મહીં જ કોઈ કવિતા દૈવી હતી ભાસતી.

જેવી સુંદર ને હતી કુશલ તે તેવો પતિ શોધવા -
તેવા યોગ્ય પતિ સહે સુખ મહીં તેને સદા દેખવા -
ધારી હોંશ હતી ખરી ગઢવીએ વીતેલ કૈં કાળથી,
ને એ ખંત પૂરી કરી ઋણ થકી મુક્તિ ય લેવી હતી.

સંસાર સૌ સમયના સમજેલ પૂરા
રાજ્યો મહીં ફરી ફરી ગઢવી હતા સૌ;
વાકેફ આ પણ હતો ગઢવી સહુથી
નેં મામલા પણ કંઈ નિરખી ગયો'તો.

ગોહેલ કોણ ? વળી કોણ હમીરજી છે ?
ગંગાતણા કુલની કેવી મહાનતા છે ?
એ સૌ હકીકતથી કૈં જ અજાણ ન્હોતો,
એ સૌ રમી ગઢવીના ઉરમાં રહ્યું'તું.

તેથી કેવી ધરા પરે રમણીઓ વીરાંગના હોય છે -
તેની ઝાંખી કરાવવા હમીરને ચૂંટી જ કાઢી કથા;
ચક્રાવે અભિમન્યુના ગમનની આખ્યાયિકા આદરી,
ને સૌ ભાવ હમીરના નિરખવા ત્યાં આંખ ચોંટી રહી.

કેવી કોમલ સૃષ્ટિ રૂપ ગુણમાં બ્રહ્મા તણી છે બની ?
કેવી ભૂષણરૂપ વીરનરને સ્ત્રી છે સદા એ થઈ ?
તેની ઝાંખી કરાવીને હમીરને ઉતારવા તે ઉરે -
હેતુ એ પકડી સહુ ય બલથી એ યત્ન એ આદરે.

ભૂલી ભાન ડૂબી ગયો હમીર છે આખ્યાન માંહી ઊંડે,
પોતાના ઇતિહાસનું જ સઘળું એ ચિત્ર ભાસી રહે;
બંધાયો અભિમન્યુ લગ્નવતી છે - ફેરા ફર્યો ચાર છે,
જોવાને ય છતાં હજુ વદન એ ભાગી થએલો ન છે.

શી છે કોમલ સૃષ્ટિના હૃદયના ભાવોની મીઠી મજા ?
શાં વિશ્રાંતિભર્યાં સુરંગ ફુલડાં એ નેત્રમાં છે વસ્યાં ?
એ સંગીત સ્વરે અકેક ધ્વનિમાં શા છે દિલાસા રહ્યા ?
કાં સંસાર તણી સુખી સફલતા એમાં સહુ માનતા ?

એનું ભાન હજુ સુધી નવ કશું અર્જુનના પુત્રને,
તેને એક જ લાલસા રણ તણી - છે એ જ વ્હાલું ઉરે;
રોમે રોમ ભરેલ આશ જયની આત્મપ્રભાવે હતી,
ને સંગ્રામ મહીં જ એ જીવિતની માનેલ તૃપ્તિ હતી.

હુક્કાઓ બોલવાનું એ ભૂલી જાય બધા હવે,
અગાડી ચાલતી વાર્તા મીઠા કો રસમાં વહે :

'આજે અર્જુન વીણ પાંડવ તણાં સૌ શસ્ત્ર સૂનાં ગણી,
હર્ષી કૌરવ યુદ્ધ ચક્રવ્યૂહનું દેવા કરે માગણી;
પહોંચી અર્જુન તો નહીં જ શકશે, ના ક્‌હેણ ઠેલાય વા,
ખામી ગાંડીવની રણે પૂરી શકે તે બાણ દેખાય ના.

હારી આજ શું ધર્મ ધર્મ સરખો જાશે અનીતિ વડે ?
'જ્યાં જ્યાં ધર્મ તહીં તહીં જ જય' એ શું વ્યર્થ વાણી થશે ?
એવા લાખ વિચારમાં ડુબી ગઈ છે પાંડવોની સભા,
ચિંતાક્રાંત મુખો સહુ ઢળી જઈ છે તેજહીણાં બન્યાં.

હીરાજડ્યું કંકણ એક કાઢી,
સો પાનનું એક બનાવી બીડું,
સુવર્ણના થાળ મહીં ધરીને,
સભા મહીં ફેરવવા ઠરે છે :

'ખામી ગાંડીવની રણે પૂરી શકે તે બાણ કો હોય જો -
ખામી અર્જુનની રણે પૂરી શકે તે વીર કો હોય જો -
ચક્રાવે ચડવા મહાન બલને જે કોઈ હો ધારતો -
તે આ કંકણ સાથ તાંબુલ તણું બીડું સુખે ઝીલજો.'

બે વખ્ત આવો ધ્વનિ ઉઠ્યો ને
સભા મહીં તાંબુલ એ ફરે છે;
વીરો મુખો વીર તણાં જુએ ને
ભૂમિ ભણી નેત્ર સહુ ઢળે છે.

'ખામી અર્જુનની રણે પૂરી શકે તે વીર શું કોઈ ના ?
'ચક્રાવે ચડનાર અર્જુન વિના શું અન્ય કો હોય ના ?
'ક્ષત્રિનો કર કોઈ શું નવ શકે આ થાળને ઝીલવા ?
'આ બીડું ધરવા ફરી ધરણીએ આપે ન કાં કો રજા ?'

શબ્દો આ કર્ણ પ્હોંચે છે આવતા અભિમન્યુના,
તપે છે રક્ત એ રાતું જોઈ નિસ્તેજ એ સભા.

ના થાળ ભૂમિ ઉપરે અડ્યો એ
ત્યાં વીર તેને ઝડપી લીએ છે;
બીડું ઉપાડી મુકુટે ધરે ને
ઉપાડતો કંકણ પ્હેરવાને.

ખળખળી અતિ હર્ષે ઊઠતી એ સભા ને
'જય જય અભિમન્યુ' નાદ એવો ઉઠે છે;
નવીન રણ તણો અગ્રણી ત્યાં જ સ્થાપી
'જય જય અભિમન્યુ' ગર્જના થાય પાછી.

'જય જય અભિમન્યુ' એ જ શબ્દો ઉમંગે
હમીરના હૃદયમાંથી ઊઠતા મ્હોં બતાવે;
મધુર ધ્વનિ વદે છે 'રંગ બારોટજી છે'
ગઢવી શિર નમે ને વાત ચાલે અગાડી.

'ધ્વનિ આ હર્ષનો આવો સુભદ્રા શ્રવણે પડે,
ફડકી દોડતી ઊઠી નીચે મ્હેલથી ઊતરે.

ત્યાં વીર પુત્ર જનની નિકટે જઈને
હર્ષે ભર્યું મુખ પદે નમવી ઉભે છે;
બીડું ગ્રહ્યું સહજ વીરની વૃત્તિએ જે
સાક્ષાત તેજ પુલકી વદતી દિસે છે.

'માતા ! પાંડવની સભા મહીં ફર્યું બીડું શું ભૂમિ પડે ?
શું ના ગાંડીવ પૂજ્ય વીણ ધરતી કો બાણ બીજું ધરે ?
ક્ષત્રિ શું નવ ચક્રવ્યૂહ અથવા કો અન્ય યુદ્ધે ચડે ?
પાણી આમ જતું, અરે રુધિર આ શે, માત ! સાંખી શકે ?'

'નહીં, બાપુ ! નહીં બેટા !' અશ્રુધાર ઢળી પડે !
બાલ એ વીરને મ્હોંએ હસ્ત માત તણો ફરે :

'તું બાલ ને તુજ પિતા નહિ આજ પાસે,
એ કૌરવો કુશલ પ્રોઢ મહાબલી છે;
આ નેત્ર માત્ર તુજ ઉપર ઠારવાનાં,
મા વિનવે, જઈશ ના ! નહિ બાળ નાના !

ખીલતું ઉત્તરાનું મ્હોં આ નેત્રે તરતું દિસે,
છેડો એ વારવા તુંને ત્હારા પાદ પરે પડે.

ત્હેં હસ્ત એ ગ્રહી હજુ નવ મ્હોં ય દીઠું !
એ દેવી ઉપર દયા નવ લાવશે શું ?
સંસારમાં નિરખવા સરખી વિભૂતિ
જોવા નહીં નયન શું તુજ જાય ઠેરી ?

વાદીલો પણ જન્મથી ય પ્રથમે તું છે બન્યો - બાપલા !
માતા આ તુજ ભોળીએ વળી તને કીધો બહુ ચાગલો !
શું હું વ્યર્થ જ આ કહું સહુ તને ? ના વાદ શું છોડશે ?
રે રે ભાઈ ! દયા ય કોઈ ઉરની ના શું જરી લાવશે ?'

'માતા ! આ તુજ બોલ શું ઘટિત છે કો વીરમાતામુખે ?
માતા ! ખડ્‌ગ વિના - વિના રણભૂમિ શું પુત્રનો અર્થ છે ?
મ્હારા તાત ન શું દુઃખે સળગશે આ બોલ ત્હારા સુણી ?
દે આશિષ, ફરી હવે રણ જવા વારિશ હુંને નહીં.'

આંસુડાં આ ઉપાલંભે માતાનાં અટકે નહીં,
હસ્ત એ પુત્રને મ્હોંએ ફરતાં કંપ મટે નહીં.

અસુખ જરી ય થાતાં પુત્રને સ્વપ્નમાં એ -
જરી પણ બનતાં કૈં પુત્રનો વાળ વાંકો -
ફડફડી ઉઠતું જે માતનું આર્દ્ર હૈયું,
નહિ હજુ અભિમન્યુ જાણતો દિસે છે.

વીરનું બાલ હૈયું એ ના ના પ્રૌઢ હજુ સુધી,
ખડ્‌ગનો બાલસ્નેહી આ - તેને જાણ ન સ્નેહની.

પણ માતાનો પ્રેમ જાણે એક જ માવડી,
બીજાં ભીનાં નેણ દુનિયાની માયા ખરી.
બચલાં વીંછણ ખાય - વીંછા ડંખ ન આપતી,
માનો મર જીવ જાય - ઊની આંચ દીએ નહીં.

મા ! ચડતો સંગ્રામ અમર બાલ તુજ આ હજો,
એનો રક્ષણહાર ચૌદ લોકનો નાથ હો.

સૂર્યોદયે રમત જે કરવી મહાન
તેના જ તાન મહીં રાત્રિ જતી વહંતી;
ઉત્સાહ હર્ષભર યોધ ઘુમી રહ્યો છે,
આજ્ઞા તણા ધ્વનિ સુણાય મહેલમાંથી.

માતા તણાં નયન મેઘ બની ઢળે છે,
આશિષમાં હૃદય એ ટપકી પડે છે;
પ્રત્યેક બિંદુ મહીં નિર્મળ આર્દ્રતા છે;
ઓહો ! વિધિ ય તણું તખ્ત દ્રવી ગળે છે.'

માતાનાં અશ્રુની સાથે ઢળે અશ્રુ હમીરનાં,
વિચારો આર્દ્ર એ હૈયે જાગતા કઈ ભૂતના.

'અરે ! મ્હારે એ છે પ્રિયજન કંઈ આ રુધિરનાં !
ત્યજી તેને આવો ભટકી અપરાધી ક્યમ બનું ?
પ્રભો ! શું મ્હારાથી નવ સુખી થશે કોઈ જ ઉરે ?
ક્ષમા શાની યાચું મરણવશ જાતાં પણ હવે ?

અરે ! બાલા !બાલા ! તુજ નયન હૈયે ખટકતાં !
થવાયે તો થાજે પણ હજુ સુખી તું બહુ સદા !
હશે એ શું પ્રીતિ ? નહિ નહિ ! છતાં અન્ય પણ શું ?
પરંતુ ક્યાં ખોળું વીજળી સરકી જે ગગન શું ?'

હમીરનાં આર્દ્ર ગળેલ નેત્રો
ચોટી રહ્યાં છે ગઢવીમુખે જે,
ઇચ્છેલ તે સૌ બનતું નિહાળી
બારોટ કૈં રંગ નવીન ધારે.

વીરત્વ નારીનું બતાવવાનો
હેતુ બને જો પરિપૂર્ણ આજે -
ચંદા પછી સૌ કરી પૂર્ણ દેશે
બારોટને નકી ખાતરી છે.

હુક્કાની ફૂંક બે લેઇ જમાવી ફરી કલ્પના,
હસી કૈં યોધની સામે ચલાવે ફરી વારતા :

'નભ ઘુંમટ તોડી ભરી એક ફાળ
પ્રકટે ખળળભળ ભાનુ બાલ;
એ ચંડીના કર તણો થાલ
ઢોળે અસુરનું રુધિર લાલ.

વાદળી નિકટ ઉભી સિંહરૂપ,
શોણિત પીએ ભૂખ ચૂસ ચૂસ;
ફાટી ગયેલ અંગાર આંખ
દેશે કરી શું જગત ખાક !

અભિમન્યુનો સામો મહેલ,
ઝળકે ઉપર કંઈ કલશ હેલ;
રવિકિરણનો એ પ્રલય આજ
ત્યાં આ અડગ કો ગિરિરાજ !

ત્યાં દૂર ઉભું સેન સજ્જ,
હયદલ અને પેદલ અબજ્જ;
ગડડડે ઝુલે કંઈ મતંગજ,
કુંભસ્થલે ટપટપક મદ.

ભાલા, કટાર, કંઈ ખડ્‌ગ દંડ -
પાવક પહાડ સૂતો પ્રચંડ !
ચોપાસ બાણટંકાર થાય -
વહ્નિ ફણે ફુંફવે વ્યાલ !

સહુ અડગ વીર દૃઢ સુભટ યોધ
વર્ષે સુરખ દૃગ ક્રોધ ક્રોધ !
નયનને ખૂણે ઉભી રહી મૂછ,
માતંગ શુંઢવત્ ફરક ભુજ.

રણશૃંગનો ઉપડે અવાજ,
કંઈ ગડગડે વાજિંત્ર વાજ;
ડંકો ડમકડમ . ભેરે - ઢોલ,
એ ધ્વનિ અતુલ - ન થાય તોલ !

'હર હર' ઉઠ્યો ગંભીર નાદ,
ઘડ ઘડ વહે જ્યમ ઘન અષાઢ !

ગોળા તૂટ્યા ગ્રહ ભાનુ જેમ !
ઉજડી પડ્યું આકાશ કેમ !

કંપે ધરણી પર વૃક્ષ ઝુંડ,
કંપે અનિલની લહરી મંદ !
કંપે જલધિ તજી આજ માઝ !
કંપે ભૂતલ ને શેષનાગ !

ધ્રૂજે રિપુદલ છાતી દૂર !
પગ ધ્રૂજતાં ઉડી જાય ધૂલ !
ઊંધા વહે નદનદી પૂર !
કંઈ પ્હાડ બનતા ચૂર ચૂર !

ધૂર્જટિ ઉઠે લઈ રૂંઢમાલ !
શિર પર ધરી લઈ કરિન ખાલ !
લઈ ડમરૂ ડાક જોગિની પિશાચ !
કંઈ ભૂત સાથ કૂદી કરે નાચ !

સુરલોકની કન્યા અનેક !
વર શોધવા ઉઠી એક એક !
લઈ કરલતા પર કુસુમહાર
ઊડી વિમાને કરી કરી સિંગાર !

ગિરિગહ્‌વરો ઉદધિ અખાત -
જ્યાં સાથ ચાલે દિવસ રાત -
પાતાલ નભ દિગપાલ પાસ -
ઘૂમી રહી હજુ ઘોર હાક.

સજી સજ્જ છે બખતર કુમાર
સુણી હાક ઉઠતો સિંહબાલ,
મરડાઈ ઊઠતા અંગબાલ,
ફુટ્તી મૂછે દે હાથ તાલ.

સ્મિત અધર ફરકે લાલ લાલ !
મુખ પર ફરે છે રુધિર લાલ !
ચડી ચક્ષુ પર કંઈ રેખ લાલ !
કો અન્ય ઊગતો અરુણ લાલ !

ઊઠ્યો જલધિના મથન કાજ !
વા ફોડવા નભ ઘૂમ્મટ આજ !
રગદોળવા નિજ કરથી કાલ
કે તોડવા જગ અંધકાર !'

હમીરનાં નેત્ર ભરાય રક્તે,
સંગ્રામના નાદ સુણાય કર્ણે;
એ હસ્ત એ મૂછ ભણી વળે છે;
ત્યાં વાત બારોટ તણી ફરે છે :

'ભૂંડી સાંઢણી ! આજ રાત બધી ત્હેં શું કર્યું ?
જેનો ચાલ્યો નાથ તેને મેળવ - થાક કાં ?

અભિમન્યુ થાતો રથારૂઢ
કંઈ શીષનાં નમી રહે પૂર;
ત્યાં કૈંક શશીના સમું નૂર
ક્ષિતિજે દિસે છે દૂર દૂર !

કો સ્વર્ગ ફૂલડાં તણો હાર !
કો દિવ્ય હોળી તણી ઝાળ !
કો વીજળી તણી વહે ધાર !
સહુ જગત પર કો ધવલ ગાર.

પવનવેગની સાંઢ ! તુને રંગ હજાર છે !
પીજે ઘીની નાળ પ્હોંચાડીને ઉત્તરા !

જેનો ઝાલ્યો હાથ વીરે તે મુખ ના દીઠું !
તે જોવાનું આજ બતાવનારી - સાંઢણી !

બાપુ ! બાલા ! બેન ! બે ટાણાં તું પૂજજે -
સાચો રાખી પ્રેમ ભવ આખો આ સાંઢણી !

દેનારાં તુજ હાથ - બેની ! મા ને બાપ તો !
પણ તુજ મીઠી લ્હાણ સાચી દેતલ સાંઢણી !

ઊતરી કુંવરી લલના બાલ,
ઝમકે નૂપુર - શિરની ઝાલ;
અનિલે લળકી ઉભે કેળ
તેવી ઊભી અંગની વેલ !

કરતું મધુર મુખ સ્મિત મંદ,
રેડે અધર અજબી રંગ;
હસતાં વમળ પડતા ગાલ -
પિયુને થજો ઝાઝું વ્હાલ.

રાત્રિ બધી જાગી છેક,
નેત્રે પડી રાતી રેખ;
કેસર તંતુ કમલે સ્હોય -
જ્યોત્સના મહીં ગુલ જ્યમ હોય.

સરકે હંસ સર પર જેમ
ચાલે યૌવના ઝટ તેમ;
પ્હોંચી સુભદ્રાની પાસ -
જેઉં મુખ દિસે ઉદાસ.

શુંભુસ્તવન કરતી માત,
નયનો ઢળ્યાં નીચાં શાંત;
છૂટા રહ્યા કાળા બાલ -
હરનો દિસે જાણે વ્યાલ !

નમતી ઉત્તરા પડી પાદ,
વાંસે ફેરવે કર માત;
મુખથી શબ્દ ના બોલાય,
ખાળ્યાં અશ્રુ ના ખાળાય.

ડુસકાં ભરતી માત મ્હોં આ દેખી બેવડાં,
વધૂને છાતી સાથ ચાંપી પણ અંતે વદે :

'બેટા ત્હારો નાથ મ્હારો વાર્યો ના રહ્યો !
ઘરડી માની વાત ના માની ! ચાલ્યો ગયો !

ત્હારા ઉરનો હાર, આ આંખડીનો હીરલો
ચક્રાવે ચડનાર જાશે રણમાં આ ઘડી !

તું બાલક નવ જાણ, પિયુને શે સમજાવવો,
એ યે બાલ અજાણ, વેનીલો હઠ ના મૂકે !

વેનીલા વર સાથ વેનીલાં ય થાવું પડે !
પાછો વિનવી લાવ જો એ તુજ માને કહ્યું !

અપશુકની આ આંખ તુંને ના થાશે રડી !
મીઠી વાણી - બાપ ! તારી ભેર પરે થજો !'

ગાલે આંસુબોર અટકી ઉભું એકલું,
નિસાસાનો દોર મુખ મલક્યે તૂટી પડ્યો !

દેવી ખિન્ન જરી ના થાય !
સ્મિતમાં ઉત્તરા બોળાય !
મુખ પા નવીન આવે તેજ !
ચળકે નયનમાં પણ એ જ !

જેવો પગ ધર્યો ગૃહમાંય
તેવી ફરી પાછી બ્હાર;
ભર ઉત્સાહ રોમે રોમે,
પગમાં હામનું છે જોમ.

રથ છે આંગણે ઉભેલ,
ઝબકે પતાકા ને હેલ;
હીરાજડ્યા મોટા સ્તંભ,
તેમાં શસ્ત્ર પૂરે રંગ.

ચોગમ ચક્ર ટાંગ્યાં દિવ્ય,
ઉભાં અસ્ત્ર ખડ્‌ગો ભવ્ય;
ઉપર ચિત્રમાં હનુમાન
તેડી ઉડે લક્ષ્મણ રામ.

વચમાં ઇન્દ્ર શો કુમાર,
બેઠો કર મહીં લઈ બાણ;
અશ્વો સારથિ છે સજ્જ,
સેના કૂચ કરતી અર્ધ.

હરખે જોઈ પતિનું મુખ,
કુંવરી થઈ રથઆરૂઢ,
પિયુના વામ કરની પાસ
લીધું યુદ્ધરથમાં સ્થાન.

વાળી વીર‌આસન દેવી,
બેઠી જગત‌અંબા જેવી;

કમલે ભ્રમરે ઝુઝે તેમ,
પતિને મુખે ચોટ્યાં નેન.

ચમકે અભિમન્યુ જોઈ,
પડખે આમ બાલા કોઈ !
સમજે નહીં આ શું થાય !
મનમાં કાંઈ એ મૂંઝાય.

પોતાની જ સ્ત્રી છે એમ
જાણે અભિમન્યુ કેમ ?
ગઈ છે તેડવાને સાંઢ -
એને એટલી છે જાણ.

પોતાની ય સ્ત્રી એ કેમ
રથમાં આવી બેસે એમ ?
એ ના વીરથી સમજાય,
કોઈ સ્ત્રીથી ક્યમ બોલાય ?

પ્રૌઢ હૃદયની નીક આત્માર્પણ ઔદાર્યની
તે નવ સમજે વીર - જેનો પાઠ ભણ્યો નહીં.
પણ સ્થિર સુંદર રૂપ વયમાં તાજું આવતું -
ત્યા દંગ ફરતાં સ્નિગ્ધ પાઠ ભણાવ્યો કુદરતે.

જોઈ ચપલતા આટોપ -
જોઈ ખીલતો એ રોપ -
જોઈ આંખડીનો તીર -
ડૂબે અચંબામાં વીર.

આ તે કોઈ છે શું દેવી !
ઉર સંભાવના છે એવી !
મુખથી નેત્ર ના ખેંચાય !
દર્શનની ન તૃપ્તિ થાય !

લાગી ગઈ દૈવી ચોટ !
દિલડું થયું લોટંપોટ !
મીઠું મુગ્ધ ઉરનું તાન
તેમાં ગયો ભૂલી ભાન !

ભમરો બીડવા જેમ ઉઘડે ગુલાબની કળી,
ખીલે મુખડું તેમ કુંવરીનું સ્મિત મન્દમાં.
ઝરતાં ફુલડાં જેમ ઠંડી વાયુલ્હેરીએ
પિયુનાં દગને તેમ ઉત્તર દેતી ઉત્તરા :

'દાસી આપની છું - નાથ !
શિષ્યા પાર્થની છું - નાથ !
જ્યાં જ્યાં આપ ત્યાં ત્યાં હું ય -
મ્હેલ જંગલે કે ક્યાં ય.

મ્હારો પતિ જ રણમાં જાય,
હુંથી ક્યમ અહીં રહેવાય ?
ચિન્તા રાખશો ના - નાથ,
ના હું ડરીશ સુણી રણહાક.

મુજને શસ્ત્રનો છે યોગ,
પાર્થે શીખવ્યો ઉપયોગ,
આપીશ નાથને હું સ્હાય,
શીખ્યું આજ સાર્થક થાય.

ઝુઝે રણે વ્હાલો યોધ -
તે છે મ્હને જોવા કોડ;
તૃપ્તિ તે જ લેવા કાજ,
રણના રથે બેઠી આજ.'

પોતાની જે માત - નિત્યની ભાગિણી પાર્થની
રડતી તે હમણાં જ જોઈ આવ્યો વીર છે.

તાજી અશ્રુધાર - દયામણું મુખ માતનું
તે ફરીથી આ વાત વીરનયનમાં તરવરે.

સ્ત્રી તો કોમળ જાત - વીરપણું ત્યાં હોય ક્યાં ?
અનુભવની જે બ્હાર તે આ વીર ન માનતો.

ત્યાં આ બાલાવેણ વિસ્મયદરિયો ભાસતો,
તેને પીતો તેમ અધર બે ય ઉઘડી રહે.

સ્ત્રી ના યુદ્ધમાં લેવાય,
શાસ્ત્રો કેમ ઉલ્લંઘાય ?

દેવા રજા મન ના થાય,
'જા' એ બોલ ક્યમ બોલાય ?

એ મુખચન્દ્રનું સૌંદર્ય -
તેમાં અમી છે કંઈ દિવ્ય;
તેનું પાન કરતો જાય,
તૃપ્તિ કાળથી ના થાય.

આ ના દેવી કોય પણ છે નકી નિજ ઉત્તરા -
એ જાણે તવ યોધ વિચારલહરીમાં તરે.

'લલનાઓ તણાં આ રૂપ -
અહો ! સુધાના શા કૂપ !
એ લાવણ્યના સૌ ભાવ -
તેનો શો ગભીર પ્રભાવ !

એને જોઈ તો મ્હેં આજ
પણ ના કરૂં શું તે કાજ ?
ભાસે યુગો વીત્યા સાથ !
મ્હારૂં હૃદય થાતું દાસ !

આ કો સભર મૃદુતાકોષ !
કેવો યોગ આ નિર્દોષ !
જોતાં થાક ઉતરી જાય !
દુઃખનો નાશ ક્ષણમાં થાય !

રણમાં ઝૂઝવું તે પાપ,
કરવો શત્રુનો ત્યાં ઘાત;
જાણે પોષવાનું પ્રીત,
પ્રેમે હારવું તે જીત.

શી છે ઘાત કરતાં જીત ?
એ તો મૃત્યુની છે રીત !
જીવન યુદ્ધમાં શોષાય !
જીવન પોષતાં પોષાય !

બાલાઓ ! અહો ! સુકુમાર !
તમને સ્વર્ગ ખુલ્લું દ્વાર !

જગના સ્તુત્ય આ સૌ વીર
તે તો ક્ષારનું છે નીર !'

અહો ! કેવું હૈયું ઘનવત બન્યું છે હમીરનું !
દિસે છે એ હેલી મુખ પર સુધાની વરસતી !
અરે ! સ્વાતિબિન્દુ ! તુજ પ્રિય તને છીપ મળજો !
તમારા સંયોગે જગત શુ મુક્તામય થજો !

ભલે થાતો હાવાં શિથિલ કર આ ખડ્‌ગ પરથી,
ભલે છૂપા ભાવો તુજ નયન દેતાં સહુ કહી;
અરે ! કિન્તુ શાને તુજ ઉર નિરાશામય બને ?
રમ્યો આડો સાથી પ્રણય ત્યમ તુંથી પણ રમે !

ગઢવી ! મારજે છાપો જે જે હો હજુ મારવી !
ઝીલનારૂં ત્હને આવું ના ના કોઈ મળે ફરી.

'બાલાનું મુખ મૂક - તેમાં દૈવી નાદ કો -
તે સુણતો અભિમન્યુ, ને જોતો મૃગબાલ શો.
જયઉત્સાહી નેન પ્રેમગરીબી વ્યાપતાં
કાંઈ યાચે તેમ ચોટ્યાં બાલમુખ પરે.

ચોટ્યાં નેન-દિલનાં નેન,
ઉઠ્યું મધુર ઝરણું - પ્રેમ;
પણ ના યુદ્ધ કૈં રોકાય,
હાવાં વિલંબે ક્યમ થાય ?

ઉત્તર વાળવાનો કાળ
આવ્યો હવે - વીરા બાળ !
નીચે ધરી કરથી બાણ,
'બોલે ઉત્તરાનો ભાણ :

'તુજ ગુરુ - પિતા મ્હારા દૂર,
આ જો સજ્જ ઉભા શૂર;
છેટું યુદ્ધને ન જરા ય,'
હુંથી ઉભું ના ર્‌હેવાય.

સ્ત્રી ના યુદ્ધમાં લેવાય,
શાસ્ત્રો કેમ ઉલ્લંઘાય ?

ત્હારો કોડ - બાલા ! આજ
હુંથી કેમ પૂરો થાય ?

ત્હારો કોડ ના પૂરાય,
જૂદાં થવું - ના ઉપાય;
ત્હારા યોગનું સુખ તેમ
હુંથી ન તેટલું લેવાય.

આપું - ઉત્તરા ! પણ કોલ,
પાળો પ્રભુ મ્હારો બોલ;
પાછો ફરી રણથી આજ
ભેગો કરીશ પંડિતસાથ.

સ્ત્રી કાં રણે ના લેવાય ?
એ સુખ કેમ ના દેવાય ?
એવી કરૂં છું તકરાર.
ખુલ્લું પછી થાશે દ્વાર.

ચડતાં ફરી હું સંગ્રામ
લેઇશ સાથ તુંને - પ્રાણ !
કર તુજ ખંત પૂરી કાલ,
માતા સહે ર્‌હેજે હાલ.'

હોતાં શાસ્ત્રનો પ્રતિષેધ
મૂકી ઉત્તરાને ઘેર;
પણ એ બોલતાં એ વેણ
નેત્રે વહી અશ્રુરેલ.

ઉત્તરે ઉત્તરા લાચાર,
ધડકે દિલે મ્હોટો ભાર;
દૃઢ ઉર છે કર્યું કરી જોર,
ખરતું તો ય આંસુબોર.

બાલાના હૃદયનો કંપ -
એ મુખ તણો ઘેરો રંગ -
તે પર સ્નિગ્ધ લોચન યોધ
ચોડી રાખતો ધરી લોભ.

નેત્ર વિખૂટાં છો બને ! ભલે દૂર હો અંગ !
પણ ધ્રુવ ત્યાં ધ્રુવમાછલી - એ જ પ્રેમનો રંગ !"

તૈયારી છે કસુંબાની, વારતા, અટકી અહીં;
અંજળી આપવા લેવા તાણખેંચ શરૂ થઈ.

પાળાં રૂપેરી ત્રણ ચાર મ્હોટાં
કુંડી સમાં હાજર એ ફરે છે;
હુક્કા દિસે સૂઈ ઉઠેલ તાજા -
ભરેલ તે વાદળી શા ગડેડે.

બારોટજી બાંય ચડાવી ઉઠે,
એ ધર્મ તેણે જ હતો બજાવવો;
ટીપાં ઉપાડી નિજ આંગળીથી
શીરે ધરી રંગ કંઈક દેતા.

'રંગ છે મોખડા તુંને ! હોજો રંગ હમીરને !
વીભાને રંગ હો ઝાઝા ઘોડાં દેતલ જામને !'[૮]

મીઠો કસુંબો ગઢવી કરે છે,
ચોપાસ કૈં અંજળીઓ ફરે છે;
એ ઘેન ધીમે ચડતું દિસે ને
વેળા ય ના ભોજનને હવે છે.

નશામાં ઘેન સૌ મીઠાં મીઠાં છો વિશ્વને બને;
પ્રેમના ઘેનમાં બીજું ના ના ઘેન કદી ચડે.

ફરીથી એ બાલા સરવર તણી યોધહૃદયે
સુણાતાં આ વાર્તા રુધિર સઘળામાં તરવરે;

દ્રવી ચાલી જાતી મધુર સ્વરમાં ઇંદ્રિય બધી,
સમાતી ના આવી લહરી જિગરે કૈં ઉઠી ઉઠી :

અહો ! તે બાલા શી મુજ હૃદયની તે રમણી એ
મને ક્યારે ક્હેશે - 'તુજ સહ પિયુ ! ચાલીશ રણે ?
હશે ક્યાં તે વેળા પ્રિય‌ઉર તણો કોડ પૂરતી ?
હશે - હા ! ક્યારે તે અસુરશિર વ્હેતાં નિરખતી ?'

ધીમે ધીમે ગળી ગળી જતી પાકતી ચાંદની આ
ચારે પાસે ધવલ સરખી દૂધની રેલ રેલે;
પ્રેમે થાક્યો અગર દિસતો ઘેનમાં કો નશાના -
તેવો ધીમે પદ ધરી વહે અષ્ટમીનો શશી આ.

બ્હોળું હતું મંડળ આજ આંહીં,
સમાસ ચોગાન વિના થશે ના;
ટેકી કરે એ ગઢવી ઉઠે ને
અહીં તહીં નોકર કૈં ફરે છે.

અક્કેકાને ઉપાડીને મૂકાતા દૂર ઢોલિયા,
ચાદરો પથરાઈ ને બાજઠો ય ઢળી રહ્યા.

પંક્તિ હવે સૌ પથરાઇ જાતાં,
થાળોય ત્યાં સર્વ મૂકાઈ ર્‌હેતાં,
હમીરજી શબ્દ સુણે 'પધારો,'
ને તાન મીઠું અટકી પડે છે.

પરીસવાનું શરૂ કામ થાતું,
પ્હેલું જ ત્યાં ભોજન ક્ષીરનુ છે,
પરીસવાનું સહુ પૂર્ણ થાતાં
થાળી ફરે ચોગમ શર્કરાની.

વેગડાની કુમારીએ પકાવેલ રસોઈ છે,
પરીસે હાથથી જાતે બૂરૂં સાકરનું બધે.

મધ્યમાં યોધ બેઠો ત્યાં આવે પીરસતી હવે,
હસ્ત એ થાય લાંબો ને મ્હોં સામે મુખડું નમે.

કેવા નમે અવયવો ફુલની કળી શા !
કેવી સમાન સહુ અંગની પૂર્ણતા છે !

સંકોચ ને સ્મિત તણી હદ શાં રસીલાં
કેવાં દિસે નયનપદ્મ ઢળેલ અર્ધ !

મીઠું સ્ત્રવે પ્રણયસ્ત્રોત કટાક્ષમાંથી,
ગંભીર દૃષ્ટિ ઉરની સ્થિરતા જણાવે;
એ ભ્રુકમાન જયઉત્સવની પતાકા
સામ્રાજ્ય આ જગત ઉપરનું ભજાવે.

જે નેત્ર તાપ સમરાંગણના સહે છે,
તેને ય દર્શનથી થંડક પ્રેરવાને
યોજાયલી પ્રભુથી મૂર્તિ દિસે નકી એ :
ને એ જ સર્વ શશી ખુલ્લું કરી બતાવે.

વિદ્યુતના પ્રતિ નવા ચમકારમાંથી
ભાસે રસાલ જગ જન્મ સદાય લેતું -
પ્રત્યેક તેમ ગતિ આ લલના તણીમાં
આકર્ષનાર કંઈ નૂતન ઉદ્‌ભવે છે.

એ ગૌર છે વદન, ગૌરપણા મહીં એ
તેજપ્રભાવ કંઈ ચંદ્ર અપૂર્વ પ્રેરે;
એ ભાલ, ગાલ, દૃગ, નાજુક નાસિકાથી
આછાં ગુલાબી કિરણો ઝરતાં દિસે છે.

સામે જ છે શશી રહેલ હમીરજીની,
એ અર્ધ ચંદ્ર દૃગ એ નિરખી રહ્યા છે;
આ કિંતુ ગૌર પરિપૂર્ણ સુધાંશુ ક્યાંથી ?
આશ્ચર્ય એ ચકિત આંખ નિહાળી ર્‌હેતી.

જે અર્ધ ચંદ્ર હમણાં જ નિહાળતો'તો
ત્યાં પૂર્ણ ગૌર શશી ભાવભર્યો કયો આ ?
આ સ્વચ્છ આભ - નભ વાદળી એક છે જ્યાં
ત્યાં આ કયો નવીન વિદ્યુતનો લીસોટો ?

બાલા નમી હજુ ય પીરસતી જતી ને
એ હસ્તમાં નવીન ભાવ હજાર કંપે;
ક્યારે ગણે અતિથિ છે થઈ પૂર્ણતા તે
જોવા નમ્યું વદન યોધની આંખ સામે.

ઢોળાય થાળ અર્ધો મિજમાનને તો,
તોયે ગળામણ હજુ નવ પૂર્ણ થાતું;
એ તો પ્રભાત સુધી પૂર્ણ નહીં થવાનું,
બેઠો અહીં અતિથિ આત્મલગામ ખોઈ.

પોતે ગણેલ શશી પૂર્ણ કળા ભરેલો
તે સ્ત્રી જ છે - વદન છે - સમજાય છે એ;
કિંતુ વિશેષ કંઈ ખાતરી થાય હૈયે
ને એ થતાં જિગર શીત દવે ગળે છે.

તે તે તડાગ પરની પનિહારી બાલા
ને આ ઝુકી અહીં સુધા પીરસી રહી તે
છે એક એક જ નકી ! નકી એ જ એ છે !
શાં એ ઉરે મધુર સ્વપ્ન વહી રહ્યાં છે !

જે દર્શને હૃદયને હલવી મૂક્યું'તું
તે ઇષ્ટ દર્શન ફરી અહીંઆં કહીંથી ?
જે દર્શને દિવસ કૂચ મહી વધાર્યો
તેની ય આ સફલતા બનવી કહીંથી ?

એ નેત્રની સફલતા અણચિન્તવીથી
સિન્ધુ કૂદે તટવિહીન અજાયબીનો,
ભૂલી ગયો અતિથિ પીરસનારને છે
અન્ય સ્થલે પીરસવાની રજા જ દેવા.

સામે જ બેઠા ગઢવી તહીં છે,
તે દૃષ્ટિ આ સર્વ નિહાળી ર્‌હે છે;
સ્વ‌ઇષ્ટને પાર પડ્યું જ માને,
આનન્દનો વેગ ઉરે ઉડી રહે.

કુંકાવટી નાયક ભીલનાને
ઉત્સાહમાં હસ્ત મહીં ધરે છે;
વૃદ્ધા અવસ્થા ઉડી ક્યાંઈ ચાલી -
બારોટજી બાલક શા ઉઠી ઉભે.

વિસ્મયે વેગડો ઊઠે - ધોળી મૂછ હસી રહે;
જોઈને જોડલું આવું હર્ષાશ્રુ નયને વહે.

ચોટ્યાં હજુ નયન એક બીજા મહીં છે,
મીઠી ઘડી હૃદયમાં ધડકી રહી છે;
આનંદ અમૃત તણા ગરકાવ માંહીં,
એ સ્નિગ્ધ આર્દ્ર અભિષેક બની રહ્યો છે.

ત્યાં ભીલનાયક કરે જઈ ચાંદલો, ને
બારોટજી કરથી અક્ષત ચોડી દે છે;
કન્યા તણો કર ગળામણથી ભરેલો
લેઈ હમીરકર નાયક માગતો આ.

એટલું થાય ત્યાં જાગે - આવે ભાન હમીરને,
ઘેરી આંખડી તેની ખેંચી લે મુખથી હવે.

આ પૂર્ણ છે સહુ જ ઇષ્ટ બની રહેલું -
છે એટલું ય સમજેલ કુમાર યોધ;
બ્રહ્માંડતખ્ત પ્રભુ અર્પી અહીં રહ્યો આ -
તેનું ય ભાન ઉરમાં ઉચળી રહ્યું છે.

પોતે પણ જવાનો પણ કાલ યુદ્ધે -
એ વાત હૈયે ખટકી ઉઠે છે;
સૌ ક્ષેમ પાછું જ ફરાય ત્યાંથી,
શી ખાતરી તેની થઈ શકે છે !

તો આ બિચારી અનભિજ્ઞ બાલા
અખંડ સૌભાગ્ય સમી દિસે જે -
સૌભાગ્ય તે હસ્ત સહે લૂટીને
વૈધવ્ય દેશે ક્યમ પ્રેમ તેને ?!

ઊઠતાં ઊર્મિ એ ઉરે સાવધાન થઈ ગયો,
અગાડી દીર્ઘ થાતો તે હસ્તને કબજે કર્યો.

મીઠાં દયાર્દ્ર નયનો જલમાં તરંતાં,
એ ભીલનાયક તણાં નયને લગાડી,
એ સાહસિક ગતિને અટકવતો એ
જે છે ઉરે ટપકતું - વિનયે કહે તે :

'અહો ! ત્હારી કન્યા - મુજ હૃદય તેને વશ બન્યું,
ખરૂં કે ચાહું છું, અધિક તુજને એ જીવનથી;

ખરૂં કે એ વિના જગત સઘળું શુષ્ક મુજને,
બધું સાચું સાચું પણ ન ઘટે તે ક્યમ બને ?

અહો ! તેની પ્રાપ્તિ મુજ હૃદય પુણ્યોદય ગણે,
અહો ! એથી બીજું જગ પર સુભાગ્યે કયું હશે ?
ગયાં સ્વર્ગોના એ સ્વપ્ન સહુ એને નિરખતાં !
બધું સાચું કિન્તુ પ્રણય ક્યમ દેશે દુઃખ ભલા ?

હવે છે ના ઝાઝો જગત સહ સંબંધ મુજને,
રસીલું વા સૂકું પણ સહુ હવે સ્વપ્ન સરખું,
અરે ! સ્વપ્ના માટે મૃદુ જીવન ડો'ળી ક્યમ દઊં ?
કળી ચૂંટી લેઈ મરણવશ તેને ક્યમ કરૂં ?

જવું મ્હારે યુદ્ધે - મુજ કર હવે તો શબ સમો,
અરે ! તેનો તેણે ઘટિત નવ આલંબ ગ્રહવો;
કહેતાં આ બોલો મુજ જિગર લાચાર દુખિયું,
છતાં હું તો એવી મૃદુ કળી સ્વીકારી નહીં શકું.'

બારોટ આ વાત સહુ સુણે ને
નીચે ઢળ્યાં છે નયનો વિચારે;
ઘડીક એ યોધમુખે ફરે ને
નેત્રો ફરી ભૂમિ પર ઢળે છે.

એ ભીલના નાયકની કુમારી
હમીરજીથી પતિ અન્ય સારો
ક્યાં વિશ્વની ઉપર પામવાની ?
બારોટજીને દૃઢ એ થયું છે.

ચંદા ભણી એ નયનો ફરે ને
એ મ્હોં તણા ભાવ નિહાળી ર્‌હે છે;
જાણે કંઈ આમ પુકારી ઊઠે -
'બાપુ ! રુચે તે સુખથી કરી લે !'

બાલાઉરે છે ધડકી ઉઠ્યું કૈં,
પ્રીતિ વધારે ધડકી હશે ક્યાં ?
સંકોચ, લજ્જા, દુનિયા, વિચારો
તોડી દઈ પ્રેમ કુદી ઉઠે છે.

જે માલા ગઢવીકરે લટકતી તાજાં ફુલોની હતી -
જે એ યોધઉરે જ ભોજન પછી પ્હેરાવવાની હતી -
તે માલા કરમાં લઈ કુંવરીએ અર્પી દીધી યોધને,
ના - હા કૈં કરવા તણો સમય ના બાકી રહ્યો છે હવે.

સરતટ પરે ગૂંથાયાં તે તરો ઉદધિ મહીં,
અનુકૂલ વહો વાયુલ્હેરી સદૈવ શઢો ભરી,
અમર રસ કો - તેનાં લ્હાણાં ભવોભવ પામજો,
તન હૃદયનાં ઊંચા સ્વર્ગે સદા નયનો હજો.

હર્ષાશ્રુ એ ગઢવીનાં નયને વહે છે,
સંસારકાર્ય સહુ પૂર્ણ થયાં દીસે છે;
એ યુગ્મનાં ફરીફરી દુખણાં લીએ છે,[૯]
આશીષ હર્ષલહરી ઉભરાઈ વ્હે છે:

'સુખડાં લાખ હો તાજાં ! નીલો બાગ સદા હજો !
'ચાંદલો ચૂડલો ત્હારો બાપુ ! બહેન ! અખંડ હો !'

  • * *

રજની આ વહતી મૃદુતા ધરી,
પતિ કને નવલા લલના જતી;
વદન એ પિયુના ઉરમાં સરે,
જ્યમ શશી નભમાં ઉપરે તરે.

  1. રિવાજને અનુસરી ગઢવી મળતી વખતે હમીરજીની નહિ, પણ તેના વડીલોની કીર્તિ નીચે પ્રમાણે ગાય છે.
  2. એવી કથા છે કે દેપાળદે ગોહેલ એક દિવસ પોતાના દેશમાં ફરતાં કોઈ ચારણને એક જ બળદથી વાવણી કરતો જુએ છે. પ્રશ્ન થાય છે. -'એક જ બળદ પર આટલો ઝુલ્મ શા માટે ?' કડક ઉત્તર મળે છે -'બહુ દયાળુ તું હોય તો બીજો બળદ તું જ થઈ જા.' કાંઈ પણ બોલ્યા વિના દેપાળદે પોતાને ખભે ધૂંસરી મૂકે છે અને બળદ સાથે કામ કરવા લાગે છે, બીજો બળદ મગાવી લે છે, તે આવી પહોંચતાં ચારણને આપી ગોહેલ પોતાના નગરમાં જાય છે. કાપણીનો સમય આવે છે ત્યારે જેટલા ચાસ દેપાળદે‌એ વવરાવ્યા હતા તેમાં અનાજ પાકવાને બદલે સાચાં મોતી નીકળી આવે છે. એવું આશ્ચર્ય બનતાં ઉપલા સોરઠાની મતલબનું ચારણ પોતાના રાજા પાસે જઈને કહે છે.
  3. નિર્જન વનમાં કેટલાક દિવસ કોઈ ચારણ સાથે ગાળવાનું બનતાં ગેમલજી ગોહિલે પોતાની આંગળી ધવરાવી ચારણનું પોષણ કર્યું હતું.
  4. જેની યાચના થાય તે આપી દેવાની ટેકવાળા સાંગાજીએ એક દિવસ સ્નાન કરતાં બધાં વસ્ત્ર કોઈને આપી દીધાં. નદીમાં નગ્ન બેસી રહેવું પડ્યું. તેટલામાં કોઈ મહેમાનો આવે છે અને હાથ ઝાલીને બહાર તાણી લે છે. બિલોરી વસ્ત્ર શરીર પર વીંટાયું દિસે છે. બીજું વસ્ત્ર પ્હેરે છે એટલે પેલું જલાંબર જળ થઈ જઈ જળમાં ભળી જાય છે.
  5. દુકાળમાં એક દિવસ ઘરમાં કાંઈ જ ખાવાનું ન હતું ત્યારે સાજીને ત્યાં કેટલાક ચારણો મહેમાન થાય છે. આપઘાત કરવાનો મનમાં સોલો ઊઠે છે. એટલામાં એક સરપ બાજરીની કોઠીમાં જતો દેખાય છે. સાજી તેમાં હાથ નાખે છે તો એક સોનાનો હાર હાથમાં આવે છે.
  6. સોનકજી ગોહેલ મહાન ભક્ત હતો. એક દિવસ ઘ‌ઉંનું ગાડું ભરી ખેતર વાવવા જતો હતો. મારગમાં સાધુની એક મંડળી મળે છે તેને ઘ‌ઉં બધાં આપી દે છે. રેતીથી ગાડું ભરી લે છે અને રેતી વાવે છે. તેમાંથી તુંબડીના વેલા ઊગે છે. તુંબડા પાકતાં તેને ખરામાં એકઠા કરે છે અને તુંબડાં ફોડતાં પુષ્કળ ઘ‌ઉં નીકળી પડે છે.
  7. ભીલગૃહની આવી રચના ન જ હોય, પણ ગઢવીને લીધે એ "અમીર ગૃહશું" હતું.
  8. ગઢવી સૌથી પ્રથમ કસુંબો મીઠો કરે છે - પીએ છે - અને તે વખત ધરાએલી અંજળીમાંથી અક્કેક ટીપું ઉપાડી શિરે અથવા પોતાના હાથની કળા પર ધરી દરેક ટીપે દાતાર, શૂરા અને સૌથી પ્રથમ પોતાને બંધાણ કરાવનારને - ગુરુને - રંગ - સાબાશી આપે છે. હમીરને પણ રંગ આપે છે તેનું કારણ તે ત્યાં હાજર છે એ નથી; કેમકે એમ રંગ અપાતા નથી, રિવાજ પણ નથી, - પરંતુ તેની મારવાડની કારકિર્દીએ એવા રંગ માટે તેને યોગ્ય બનાવ્યો હતો તેથી જ અહીં જેમ તેની ગેરહાજરીમાં તેમ જ હાજરીમાં રંગ અપાય છે.

    મ્હારી કથાને તેના મારવાડના વાસ સાથે સંબંધ ન હોતાં તે વાત મૂકી દેવી પડે છે, તેને માટે મ્હને દિલગીરી થાય છે; કેમકે તે પણ કોઈ કાવ્યને - વીરકાવ્યને - શોભાવે તેવી છે. અને એ લખાય ત્યારે જ હમીરજીના ચરિત્રને ન્યાય મળ્યો કહી શકાય.
  9. દુખણાં સ્ત્રીઓ જ લે છે. પણ બહુ આનન્દમાં આવી જઈ આશિષ દેતાં, દેવી પુત્રો - ચારણો પણ માતાની પેઠે જ પોતાના અન્નદાતાનાં દુખણાં લે છે.