કલાપીનો કેકારવ/હવે આરામ આ આવ્યો!
Appearance
← પાણીનું પ્યાલું | કલાપીનો કેકારવ હવે આરામ આ આવ્યો! કલાપી |
જન્મદિવસ → |
હવે આરામ આ આવ્યો!
કહીં છે એ જિગર મ્હારૂં ? કહીં છે આંસુની ધારા ?
કહીં આનન્દ છે મ્હારો ? સહુ મિજમાન એ પ્યારાં !
સહુ મેમાન બે દીનાં ! હવે ઘર આખરે સૂનું !
ઉપાડું ભાર હું મ્હારો ! મદદ કોની કહીં માંગું ?
દયાના શબ્દનો કાને પડે ભણકાર ના કો દી !
સદાની પાયમાલીના ભર્યા ભણકાર છે આંહીં !
અહાહા ઇશ્ક ! તુંમાં - હા ! બહુ આનન્દ રેલ્યો'તો !
હતો હું ચાહતો ત્યારે ભરી દિલ ખૂબ મ્હાલ્યો'તો !
અરેરે ! ઇશ્ક ! તુંમાં - રે ! ભર્યાં પ્યાલાં ગમીના એ !
હવે તે જાતથી મ્હારી કરૂં સાબીત છું આજે !
મગર છાલાં પડેલું આ જિગર જ્યાં ખૂન ચાલે છે,
“હવે આરામ આ આવ્યો !” કહે ધબકારમાં આજે !
૧૦-૨-૯૭