જયા-જયન્ત /અંક પહેલો/ પ્રવેશ પહેલો
← પાત્ર પરિચય | જયા-જયન્ત અંક પહેલો/ પ્રવેશ પહેલો ન્હાનાલાલ કવિ |
અંક પહેલો - પ્રવેશ બીજો → |
ꕥ
દેવર્ષિ: પરમ પ્રેમ પરબ્રહ્મ.
- માત પ્રેમ, તાત પ્રેમ, પુત્ર પ્રેમ, પુત્રી પ્રેમ,
- દમ્પતીના દેવ પ્રેમ, પ્રેમ છે સંસારસાર;
- પરમ પ્રેમ પરબ્રહ્મ.
- દયા પ્રેમ, દાન પ્રેમ, ભક્તિ પ્રેમ, જ્ઞાન પ્રેમ,
- યોગ પ્રેમ, મોક્ષ પ્રેમ, પ્રેમ છે સંન્યસ્તાધાર;
- પરમ પ્રેમ પરબ્રહ્મ.
- સ્થૂલ પ્રેમ, સૂક્ષ્મ પ્રેમ, વિશ્વ કેરો મન્ત્ર પ્રેમ,
- સૃષ્ટિનો સુવાસ પ્રેમ, પ્રેમ તેજ કેરો પાર
- આત્મનો વિકાસ પ્રેમ, જીવનપ્રકાશ પ્રેમ,
- પ્રેમ-પ્રેમ, સર્વ પ્રેમ:, પ્રેમનો આ પારાવાર;
- પરમ પ્રેમ પરબ્રહ્મ.
- અમારે યોગીઓને જોવાનું છે એક જ,
- જગત ઉંચું ચ્હડે છે કે નીચું ?
- હિમાદ્રિનો એક ચ્હડાવ ચ્હડે છે
- દૈત્યોને જીતીને આવતો કુમાર;
- દેવગિરિનો બીજો ચ્હડાવ ચ્હડે છે
- કુમારને વધાવવા આવતી રાજકુમારી;
- નર ને નાર-જગત ઉંચે ચ્હડે છે.
- 'દેવોનાં ધામ એ, વિભુના વિશ્રામ એ.'
દેવર્ષિ : उर्ध्व गच्छन्ति सत्त्वस्था, मध्ये तिष्टन्ति राजसा :
- जघन्यगुणवृत्तिस्या अधो गच्छन्ति तामसा :
- ચ્હડો ઉન્નત ને ઉન્નત, દેવસન્તાનો !
- બ્રહ્મસિંહાસનના પાયા સૂધી.
- સંચરો, એ જ છે દેવયાન માર્ગ,
- મહર્ષિઓનો પુણ્યપુરાણ પન્થ.
- -પધારી જગતની આ મહાસંન્યાસિની,
- નરલોકની નૈષ્ઠિક બ્રહ્મચારિણી.
- ઉડતા ઉડતા દેવર્ષિ અદૃશ્ય થાય છે. ઉત્સવ કાજે સજ્જ થયેલ જયા કુમારી જયમાળ લઇને સાહેલીઓ સાથે આવે છે. કોઈ સખી ડાક, કોઈ ડમરૂ, કોઈ શીંગીનાદ વાતી હોય છે.
જયા અને સાહેલીઓ : ધીમે ધીમે ધીમે, સાહેલિ!
- ચાલો ચ્હડીયે ગિરિઓ ગરવા;
- દેવોનાં ધામ એ, વિભુનાં વિશ્રામ એ.
- આત્માનાં પૂર પૂરથી ભરવા;
- ધીમે ધીમે ધીમે, સાહેલી!
- દૈત્યો વિદારનાર, દેવો ઉગારનાર,
- જગવી જયનો ટંકાર આવે છે એ કુમાર,
- ગિરિગિરિમાં જય ઉચ્ચરવા;
- બાણે છે શેષ નાગ, ચાપે છે વીજળી,
- એવા જયકેતુધારી અભિનન્દવા;
- ધીમે ધીમે ધીમે, સાહેલિ !
એક સાહેલી : સુરેન્દ્રે ન્હોતર્યા હતા કુમારને,
- આવે છે તે જીતીને દાનવનાં જૂથ.
- વધાવજો એમને, કુમારી ! જીવનનાં ધનથી.
જયા : સારો મુજ દેશ વધાવશે
- ગુણવન્તાના ગુણોને, દેવોના એ દેવત્વને.
- આનન્દના અમૃતફૂવારા
- ફૂટે છે નયન-નયનમાંથી,
- ને અભિષેકશે અમરોના અતિથિને.
બીજી સાહેલી : મૂવા દૈત્યો તે કેમ જીત્યા જાય ?
જયા : ત્હારા અન્ધારદેશમાં અઘરૂં હશે;
- અમ તેજવાસીઓને વિકટ નથી
- દૈત્યોનં દળને જીતવાં.
- એક ડાળીએ જેટલાં પાંદડાં પ્રગટે,
- પ્રગટે છે એટલાં લક્ષ્યવેધી બાણ
- અમારા એક અસ્ત્રમાંથી.
નૃત્યદાસી : એક આંખડલીમાંથી જેટલાં કિરણ ભભૂકે,
- ભભૂકે છે એટલાં શર
- યમદંડ સમા એક ધનુષ્યમાંથી.
પહેલી સાહેલી : જયાબા ! સહુ જીતાય,
- પણ મન જીતાતું હશે ?
જયા: વાયુ બાંધવો ને મન જીતવું સરખાં;
- પણ યોગીજનોને ઉભય સુલભ.
- જૂવો પેલી, યજ્ઞના કુંડ સમોવડી,
- હિમાદ્રિના શિખરશિખરમાંની યોગગુફાઓ.
- धर्मस्य सत्वं निहितं गुहायाम्
- ત્ય્હાં લખેલા છે એના જયમન્ત્ર.
- જાવ, શોધો ત્યંહીં,
- ને પામો સિદ્ધોનો સદ્બોધ.
- જૂવો સાહેલીઓ ! જૂવો,
- જગતનો જેતા આ મહાજોગી.
- જાણે ઉગે છે આભને આરે
- ભાસ્કરની પ્રભામૂર્તિ.
- વિખરાયેલી ઉડે છે કંઠ ફરતી
- કિરણાવલિ સરિખડી કેશાવલિ.
- ઝળકે છે બ્રહ્મકુમાર સમો ગિરિકુમાર.
- ચાલો, વધાવિયે, સખિઓ !
- ગિરિદેશના યશનો એ જયધ્વજ.
- શિખરશિખરમાંથી જયધ્વનિ જાગે છે. હાથમાં દેવધ્વજ અને બાણકમાન લઈને શંખનાદ ગજાવતો કુમાર આવે છે. જયા કુમારી ત્હેને જયમાળે વધાવે છે.
જયા અને સાહેલીઓ : જય ! જય ! કુમાર ! આવો,
- સાહેલી સહુ ! વધાવો.
- આનન્દ આનન્દ આજે, વિજયવાજે
- દિશદિશ ગાજે:
- યશકુમાર ! આવો,
- સાહેલી સહુ ! વધાવો.
- જય ! જય ! કુમાર આવો.
- જગત જૂવે છે વાટડી હો ! આવો;
- અમૃત આણ્યાં તે લોકને ધરાવો;
- સુરના સન્દેશ પૃથ્વીને સુણાવો;
- દેવનાં દુંદુભી વાગે, બ્રહ્માંડ જાગે,
- જય પરાગે
- યશકુમાર ! આવો,
- સાહેલી સહુ વધાવો
- જય ! જય ! કુમાર ! આવો.
- દેવનાં દુંદુભી વાગે, બ્રહ્માંડ જાગે,
- આજ આનન્દનો સૂરજ ઉગ્યો.
- ગિરિલોકે ઉત્સવ આદર્યો છે;
- ને શિખરેશિખરે રોપ્યા છે જયધ્વજ
- ઉત્સવના અનિલમાં ફરકતા.
- દેવોનો શો છે આદેશ ?
જયન્ત: જયા ! એ ત્હારી પ્રેરણાનો પરિપાક.
- ત્હેં ઉગાડ્યો એ આનન્દનો ભાસ્કર.
- દેવોએ કહાવ્યું છે, જયા ! કે
- 'જેમણે અમરોને જન્મ દીધા
- તે જગતની માતાઓને ધન્ય છે.'
જયા:પુણ્યવન્તી જાહ્નવી વહે છે,
- ને દૂધવન્તી ધેનુ દૂઝે છે,
- ત્ય્હાં સૂધી જગતની માતાઓને
- અમરો સાંપડશે અવનીમાં યે.
- જય તો વશ જ હતો ને
- ત્હારા વિશ્વજેતા ધનુષ્યને ?
જયન્ત: જયા ! ત્હારી શુભાશિષો
- સદા સફળ જ ઉતરે છે.
- સ્વર્ગે સંચરતાં સુરગંગાને તીર
- વિષ્ણુ દેવનાં દર્શન થયાં વાટમાં.
- પ્રસન્ન્ન થયા, પુત્રને શિષ્ય કીધો;
- ને વરદાન દીધું ભગવાને કે
- 'ધાર્યા પાડીશ તું નીશાન.'
- પછી મ્હારા ચાપનો ટંકાર,
- ને દેવાધિદેવનાં કલ્યાણવચન;
- એ બે પાંખે જય ઉડતો આવ્યો.
જયા : અમરાપુરી ઉગારી,
- એમ ઉગારજે સહુને ય તે.
- બીજા શા આશીર્વાદ આણ્યા છે ?
જયન્ત :સુરેન્દ્રે પટ્ટાભિષેક કર્યો, ને કીધું,
- 'મ્હારા યુવરાજ જેટલો પ્રિય છે
- ગિરિકુમાર ! તું મ્હને;
- તહારૂં યે નામ જયન્ત હો !
- જા, જીતીશ જે લક્ષીશ તે.'
- દેવાંગનાઓએ પારિજાતે વધાવ્યો,
- સુરરાણીએ મુગટ અર્પ્યો
- અખંડ સૌભાગ્યનો, ને ભાખ્યું,
- 'મોકલીશ અપ્સરાઓને
- મંગલ ગાવા ત્હારા લગ્નમાં.'
- દેવોએ અભિષેક કીધો અમૃતનો,
- અસ્ત્રશસ્ત્ર દીધાં બ્રહ્મલોકનાં,
- ને ભણ્યા, 'જા, જીતજે જગતને.'
જયા : તો રોપ ત્હારો જયધ્વજ
- જગતના મહાચોકની મધ્યે.
જયા : એકલે હાથે ? નહીં જ, જયા !
- કો જીત્યું નથી, કો જીતશે નહીં.
- પુરુષ ને પ્રકૃતિની બેલડી જ
- નવબ્રહ્માંડ સરજે છે.
- પ્રગટાવ, ઓ ગિરિકુમારિકા !
- એ પરમ ચેતનાની ચિનગારી.
- ત્હેં ગૂંથી છે પણછ આ ધનુષ્યની,
- ત્હારાં જ બાંધેલાં છે
- આ બાણનાં પીચ્છ:
- તુજ પુણ્યચરણે છે
- દાનવજેતા એ ધનુષ્યબાણ.
- જયા ! ગૂંથીશું એવાં જીવન ?
- તું મ્હારૂં ધનુષ્ય,
- ને હું ત્હારું બાણ.
એક સહેલી : (બીજીને)
- અમરાવતીનો ઉગારનાર,
- દૈત્યોનો વિજેતા, વિષ્ણુનો વ્હાલો,
- લગ્ન યાચે છે કુમાર
- ચરણે મૂકી જયધનુષ્ય પોતાનું.
- કુમારી સ્વીકારશે કે નહીં ?
જયા :(વિચારમૂર્છામાંથી જાગીને)
- જયન્ત ! વિલાસને હજી વાર છે;
- આજ નથી પાકી એની અવધ.
જયન્ત :'વાર' ને 'અવધ' એટલે, જયા !
- આવેલાં અજવાળાંને પાછાં વાળવાં.
જયા :બ્રહ્મઅજવાળાં તો અખંડ છે,
- ને આથમતાં નથી કલ્પાન્તે યે.
- જયન્ત ! ધારણ કર ત્હારૂં ધનુષ્ય:
- બહુ જીતવાનું છે હજી બાકી.
- જો ! જગત મ્હોટું છે,
- જગતના દુશ્મનો યે મ્હોટા છે.
- દિલમાંના દૈત્યોને જીત,
- દેવોને વસાવ દુનિયામાં,
- ને બનાવ અવનીની અમરાપુરી.
- આશા ને કાળ અનન્ત છે.
- કાલગંગાને કોઈ કાંઠડે
- કોઈક ઋતુમાં સ્વીકારીશ, કુમાર !
- સોંપે છે એ સઘળું ય તે.
- હજી આઘે છે એ પ્રભાત.
- જયન્ત ! ઓ દૈત્યોના જેતા જયન્ત !
- લે, ધારણ કર, ને જીત.
- જીતીને આવજે એ,
- આપીશ તું ઈચ્છે છે તે.
- નથી આજે એ અમૃતનો અવસર.
જયન્ત :જયા ! જો, હિમાદ્રિ પડે છે.
જયા :શેષ ડોલ્યો, જયન્ત !
- ત્હારા જયસ્પર્શથી.
સાહેલીઓ:હિમગંગા ! ઓ હિમગંગા ઉતરે !
- આમ, જયાબા ! આમ;
- રાજમહેલના રાજમાર્ગે.
જયન્ત:આમ, જયા ! આમ;
- યોગીજનોનાં યોગશૃંગે.
- ચાપમાં જયા કુમારીને ભરાવી, ઉપાડી, એક કૂદકે યોગશૃંગે જઈ ઉભે છે. 'ધો ધો' કરતી હિમગંગા આભમાંથી આવી ખીણોમાં ઉતરે છે.