જયા-જયન્ત /પ્રસ્તાવના

વિકિસ્રોતમાંથી
← આમુખ કાવ્ય જયા-જયન્ત
પ્રસ્તાવના
ન્હાનાલાલ કવિ
પાત્ર પરિચય →



પ્રસ્તાવના

ઈ. સ. ૧૯૧૨ ના મે માસમાં પ્રો. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરને ત્ય્હાં સુરતમાં હું હતો. તે સમયે ગજ્જર સાહેબના બંગલામાંના વાતાવરણમાં નાટકનો ધ્વનિપ્રતિધ્વનિ ગાજી રહ્યો હતો. સરસ્વતીચન્દ્રના નાટક સંબંધી પડેલી તકરારના પ્રો. ગજ્જર પંચ હતા. પણ રસાયનશાસ્ત્રને તો જેમ પ્રત્યેક પ્રયોગ કોઇક નિયમનું મૂર્ત સ્વરૂપ છે તેમ, તે કલ્પનાપ્રધાન રસાયનશાસ્ત્રી સન્મુખે તો એ તકરારના પરમાણુઓમાં આધુનિક નાટકની સુધારણાનો મહાપ્રશ્ન ખડો થયો હતો. મ્હને પણ એક દૃશ્ય નાટક લખવાની સૂચના થઇ. મ્હારી ભત્રીજી ચિ. કુમારી યશલક્ષ્મી મ્હારી સાથે હતી. નૈષ્ઠિક બ્રહ્મચર્યની ત્‍હેની પ્રતિજ્ઞાએ જોઇતા વસ્તુનું સૂચન દીધું. એ ઉભયનું પરિણામ-યથાશક્તિમતિ-આ જયા અને જયન્ત.

એ ખરૂં છે કે નૈષ્ઠિક બ્રહ્મચર્યનાં લીધેલાં વ્રત ઘણાંનાં અખંડ રહ્યાં નથી, અને તે નૌકારૂઢ વિએઅલા જ ભવસાગર વણબૂડ્યા તરી ઉતરે છે. આપણા તેમ જ યૂરોપના ઇતિહાસમાંની સાધુસાધ્વીઓના મઠોની કથા એકરંગી માત્ર ઉજ્જવળી જ છે નહિ. છતાં રામાયણમાંથી શ્રી હનુમાનજીના વજ્રકછોટાનો અને મહાભારતમાંથી ભીષ્મ પિતામહની ભીષ્મ પ્રતિજ્ઞાનો મહામન્ત્ર મનુષ્યજાતિએ વિસારી મૂકવા જેવો યે નથી. વધતા જતા વિલાસના આ યુગમાં વિલાસની વૈરાગ્યની વાર્તાનાં મહિમાગીત કેટલાક યુગવાસીઓને કદાચ કર્કશ પણ લાગશે. નૈષ્ઠિક બ્રહ્મચર્યનો માર્ગ વિકટ છે, પ્રલોભનો નિરવિધિ છે. ડગલે ડગલે ભય છે; પણ એ ભય વચ્ચેની નિર્ભયતામાં જ પરમ ઇન્દ્રિયનિગ્રહી કો વીર જનનું વીરત્વ છે. એટલું તો સ્પષ્ટ જ છે કે એ માર્ગ સર્વ માટે નથી; સંયમી માટે છે, યતાત્મન માટે છે.

ઉપરાન્ત એક બીજી ઝીણી વાતના પણ આ નાટકમાં અંકુર છે. સ્નેહ એટલે દેહવાસના નહીં, પણ ત્‍હેનાથી પર કોઈક નિર્મળી આત્મભાવના. સ્નેહયોગ દેહભોગમાં જ પરિણમવો જ જોઈએ એવી કાંઈ કુદરતી આવશ્યકતા નથી.

જ્ય્હાં જ્ય્હાં આત્મા, ત્ય્હાં ત્ય્હાં શરીર,
નથી એવું કાંઈ બ્રહ્માંડમીમાંસાનું ન્યાયસૂત્ર.

દેહી કહેવાતા આત્મતત્વનાં દેહ વિના યે અસ્તિત્વ હોય છે. એ સ્નેહ એકતરફી ન હોય, ને પરસ્પરના હોય તો તે ચૈતન્યવર્ણી સ્નેહસ્થિતિમાં

द्वा सुपर्णा सयुजा सखाया
समानं वृक्षं परिपस्वजाते

એ ઉપનિષત્‌મન્ત્રાનુસાર બે સુપંખાળા આત્મસખાઓનાં સખ્ય ને સંલગ્નતા છે; અને તેથી તે સાયુજ્યને આત્મલગ્ન કહીએ તો અયોગ્ય નથી. માનસ શાસ્ત્રની એ ઝીણવટ આ નાટકના બીજમાં જોતાં જણાશે.

દૃશ્ય નાટકને અનુકૂળ ભાષાનું પોત આ નાટકમાં બનતું પાતળું રાખ્યું છે. તેમ કરવા જતાં કુમાશ જરજરી થઇ ન હોય, કે વણાટ ઢીલો પડ્યો નહોય, તો સારૂં. ગીતોના ઢાળ પણ કેટલેક અંશે રગભૂમિની શૈલીના છે; છતાં કવિઓના કે સંગીતશાસ્ત્રીઓના અપરાધ અક્ષમ્ય થયા ન હોય તો સુભાગ્ય. દૃશ્ય તરીકે આ નાટકની યોગ્યયોગ્યતા તો નટવર્ગે અને પ્રેક્ષકવર્ગે પારખવાની છે. મ્હને લાગે છે કે તે ઘણી નથી.

વિ. સં. ૧૯૭૦
ન્હાનાલાલ દલપતરામ કવિ