રઢીયાળી રાત/નો દીઠી

વિકિસ્રોતમાંથી
(નો દીઠી થી અહીં વાળેલું)
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રઢીયાળી રાત
નો દીઠી
પી. પી. કુન્તનપુરી



નો દીઠી

(બાર વરસે રજપૂત ઘેર આવે છે. મેડીમાં ઝોકાર દીવો બળે છે. પણ પાતળી પરમાર ક્યાં ? પોતાની પત્ની ક્યાં ? માતાએ બહુ બહુ બહાનાં બતાવ્યાં. રજપૂત ઠેર ઠેર શોધી વળ્યો. આખરે ભેદ પ્રગટ થયો. હત્યારી માએ જ એને તાજેતરમાં મારી નાખેલી. સ્ત્રીનો બચકો વીંખ્યો. પોતાની ગેરહાજરીમાં સ્ત્રીએ કદીયે નહોતાં પહેર્યા તે કોરાં વસ્ત્રાભૂષણ જોઇને સ્વામી છાતીફાટ રડ્યો.)

માડી ! બાર બાર વરસે આવિયો,
માડી ! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા !
મો’લુંમાં દીવો શગ બળે રે.

દીકરા ! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર !
પાણી ભરીને હમણાં આવશે રે.

માડી ! કૂવા ને વાવ્યું જોઇ વળ્યો રે,
માડી ! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા !

  • મો’લુંમાં દીવો શગ બળે રે.


દીકરા ! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર !
દળણાં દળીને હમણાં આવશે રે.

માડી ! ઘંટિયું ને રથડા જોઇ વળ્યો રે,
માડી ! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા !
મો’લુંમાં દીવો શગ બળે રે.

દીકરા ! હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર !
ધાન ખાંડીને હમણાં આવશે રે.

[૧]

માડી ! ખારણિયા ખારણિયા જોઇ વળ્યો રે.
માડી ! નો દીઠી પાતળી પરમાર્ય રે. જાડેજી મા !
મો’લુંમાં સીવો શગ બળે રે.

દીકરા !હેઠો બેસીને હથિયાર છોડ્ય રે, કલૈયા કુંવર !
ધોણ્યું ધોઇને હમણાં આવશે રે.

માડી ! નદિયું ને નેરાં જોઇ વળ્યો રે,
માડી ! નો દીઠી પાતળી પરમાર્ય રે, જાડેજી મા !
મો’લુંમાં દીવો શગ બળે રે.

એના બચકામાં કોરી બાંધણી રે,
એની બાંધણી દેખીને બાવો થાઉં રે, ગોઝારણ મા !
મો’લુંમાં આંબો મોરિયો રે.

એના બચકામાં કોરી ટીલડી રે,
એની ટીલડી દેખીને તરસૂળ તાણું રે, ગોઝારણ મા !
મો’લુંમાં આંબો મોરિયો રે.

  1. *"નેવે તે નવરંગ ચુંદડી રે" એમ પણ બોલાય છે. વહુને મારી નાખીને એની લોહીવાળી ચુંદડી ધોઈ સાસુએ એનાં નેવાં પર તાજી સૂકવેલી.