ન્હાના ન્હાના રાસ/ધર્મરાયના પાર્ષદને વિદાય

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← જગતના ભાસ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
ધર્મરાયના પાર્ષદને વિદાય
ન્હાનાલાલ કવિ
હરિનાં દર્શન →


૭૨
ધર્મરાયના પાર્ષદને વિદાય



આવજો, ધર્મપુરીના પાટવી રે !
આવજો, બ્રહ્મલોકના મહેમાન જો !
આવજો, પાવન કરજો આંગણું રે,
આવજો લઈ પ્રભુજીનાં નિશાન જો !
આવજો, ને રોપજો ધ્વજ અમ આંગણે રે.

નથી કાંઇ પૂછ્યું, નથી કાંઈ પૂછવું રે,
નથી કાંઈ પારખવા પયગામ જો !
કાગળિયા લાવ્યા મહારાજના રે,
લખિયા મહીં બ્રહ્માક્ષર 'રામ' જો :
પ્રભુજીએ સંભાર્યો અમ સ્નેહીને રે.

જગત ઉતારી લઇ દીધ દેવને રે,
સાચવજો એ પ્રાણવિરામ જો !
ભીંજે દાનસમય અમ આંખડી રે.
નથી અપશુકન, ઘડી અભિરામ જો !
લ્યો, ને કરજો જતન અધિકડું રે.

કાળા ઘૂમશે ઘન અન્ધારના રે,
વીજના અગ્નિ કરે ચમકાર જો !

ગિરિવર શા જોગી પણ ડોલી જશે રે,
ઉઘડશે પાતાળનું દ્વાર જો !
એવી પાપની પળથી ઉગારજો રે.

એક પાંખે લખ્યાં ઉંચાં ઉડવાં રે,
એક પાંખે લીધ ધર્મનો હાર જો !
એક કરમાં ધર્યો અમૃતદીવડો રે,
તમ મુદ્રા મંહી જગઉદ્ધાર જો !
અદ્‌ભુત દર્શનથી હરી આંખડી રે.

એક મીટમાં પૃથ્વીનું વિરામવું રે,
એક મીટમાં ઉઘડવાં સ્વર્ગ જો !
તમ વદને ગેબી એક હાસવું રે,
મૂર્તિમાં ધર્મરાયનાં ભર્ગ જો !
મંગલ દર્શનથી મનડું ઠર્યું રે.

નથી સત્કાર્યો, નથી સેવા કરી રે,
આપ્યું એક નમન પદ માંહિ જો !
ક્‌હેજો નમન વળી મહારાજને રે,
દેજો દેવકુલોને સાંઇ જો !
વીનવજો વગડે નવ વીસરે રે.

બાંધી બાંધી દિશાઓ સરી જતી રે,
પન્થ અજવાળે શશિયર ભાણ જો !
ઢોળે તેજની અંજલિઓ તારલા રે,
ત્ય્હાં થઇ કરજો મધુર પ્રયાણ જો !
મીઠડા પન્થ પ્રભુ દરબારના રે.


એક દિન પ્રભુજી આણાં વાળશે રે,
છાશે અમ પર પુણ્યની છાંય જો !
વીર હો ! ત્ય્હારે નિહાળવા આવશું રે,
પ્રેમળ દેવોમાં પ્રભુરાય જો !
સંચરશું ત્ય્હારે સંગાથમાં રે.

આવજો, મ્હોટા ઘરના મ્હોડવી રે !
આવજો અમુલખ જોઇ સંજોગ જો !
આવજો, આદર છે અમ આંગણે રે,
આવજો, મનભર કરશું યોગ જો !
રાજકાગળ લઇ અવધે આવજો રે.