ન્હાના ન્હાના રાસ/પાણીડાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દંશ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧
પાણીડાં
ન્હાનાલાલ કવિ
હૈયાનું હોડલું →


૪૬
પાણિડાં



ભર્યાં ભર્યાં સરોવર માંહ્ય રે
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં;
મહા વાયુ તોફાન કેરા વાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં:
મીઠાં વારિ સખિ! એટલાં ડ્‍હોળાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં.

ઘૂમે મહા જલ, તરંગ પ્રચંડ ડોલે,
ઘેરે રવે ગહન નીર અનેરૂં બોલે.

એક ચાંદરણું આભમાં લ્હેરાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં:
એક પોયણું ખીલે ખીલે બીડાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં:
એક દીવડો દીપે દીપે મીંચાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં.

પૂર્વે ઉગી પરમ ઉજ્જવલ ચન્દ્રલેખા,
ને ઉર્મિ ઉર્મિ પર રાસનું નૃત્ય માંડી
પાડી જલે અમૃતપાદની તેજરેખા.


આછી-આછેરી આભલાંની છાય રે
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં :
ઝીણી-ઝીણેરી ચન્દની સુહાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં:
એવાં વ્હાલાંનાં સ્વપ્ન આવે જાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં.

સન્ધ્યા સમે અવનીના પટ ફોડી ફોડી
જેવી ફૂટે તિમિરની વિભુ મોજમાલાઃ
ત્‍હેવા સરોવર તણા તટ તોડી તોડી
તોફાની મસ્ત જલના ઉછળે ઉછાળા.

મહા પૂર એ ન પાળમાં પૂરાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં:
ત્‍હો ય માઝા ન સાગરે મૂકાય રે,
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં:
મ્હારા હૈયાના સરોવર માંહ્ય રે
પાણિડાં હેલે ચ્‍હડ્યાં, હેલે ચ્‍હડ્યાં.