પાંખડીઓ/સાગરની સારસી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← વ્રત વિહારીણી પાંખડીઓ
સાગરની સારસી
ન્હાનાલાલ કવિ
સર્વમેઘ યજ્ઞ →








૧૫ : સાગરની સારસી

⚜️ ⚜️ ⚜️















સાગરની તે સારસી હતી. સાગરનાં વન એનાં ઉડવાનાં વન હતાં, સાગરતીરની દીવાદાંડી એનો માળો હતાં.

આજ હિમના વાયુ વાતા હતા.

કુંજ જેવડું આજ આભ હતું. આભને નિરખી લઈ તે ઉતરી.

દીવાદાંડીને માળેથી એ ઉતરી ને બારણામાં ઉભી. હિમ પડ્યે પુષ્પપાંખડીઓ કરમાઇ જાય એવી એની મુખપાંખડીઓ કરમાયેલી હતી.

હિમના વાયુ વાત ને હિમાંશુને ઝંખવતા.

'બાપૂને તાવ છે. દીવો પ્રગટાવવા દીવાદાંડીએ ચ્‍હડ્યા ત્ય્હાં ટાઢ ચ્‍હડી. પાંદડા જેવું શરીર કંપે છે. મૂવો પવને બેએક દિવસથી હેમાળાનો વાય છે.'

જગતનો એ છેડો હતો. વાતાવરણમાં વિજનતા હતી. એ વિજનતાની સંગાથે જાણે વાતો કરતી તે યુવતિ દીવાદાંડીની બ્‍હારીમાં બહાર આવી.

બેએક દિવસથી હેમાળો વાતો હતો, ને સાગર ઉછળતો હતો. સાગરના ઉછળાટમાં ને આરે જગતનું જવાહીર કાંઇક શોધતો એ વિજનતામાં, નવા જ્હાજ જેવો નવજોબન, એક સંન્યાસી વિચરતો હતો. સમીપ ઝુંડની ઝાડી હતી. મંહી દહેરી હતી ને ઉપર ભગવો ધજાગરો ફરફરતો. સાગરને તીરેથી શોધીને સંઘરવા એ દહેરીમાંથી તે આવ્યો હતો.

ત્‍હેણે સારસીને જોઈ. એ યુવતિને તે નિત્ય જોતો, પણ આજ યુવતિને જોઈને તે ચમક્યો. એના સંન્યાસની સ્વસ્થતા જાણે ડોલી ગઈ. પાંખો જેવો એ સારસીનો પાલવડો ઉડતો, પણ મુખડે વિષાદછાયા ઢળેલી હતી. મુખની કરમાશમાં એણે મૃત્યુ વાંચ્યાં.

નિત્યનિત્યે સારસીને તે જોતો પણ બોલતો નહિ. આજ એના બોલ ઉછળી પડ્યા. ત્‍હેણે પૂછ્યુંઃ કંઈ એકલાં જ આજે?

એણે કહ્યુંઃ 'જગતમા એકલું કોણ છે? સંસારમાં એકલા સંન્યાસી યે નથી. હું એકલી નથી. હું ને મ્હારા બાપૂ અહીં રહીએ છીએ. બાપૂ ઉપર માંદા છે. મ્હારી રઢિયાળી સહિયરો યે છે.'

'તમારી રઢિયાળી સહિયરો? ને આ વગડામાં?'

'આ શિલા મ્હારી સહિયર છે; આ સાગરલહરી મ્હારી ગોઠણ છે.' - યુવતિના એ શબ્દો સાંભળી સંન્યાસીના યે સંન્યાસગર્વ ઉતરી ગયા.

'આ શિલા મ્હારી સહિયર છે. પેલી હોડી મ્હારી સખી છે. આઘે-પાસેની સાગરલહરીઓ મ્હારી સાહેલીઓ છે. મ્હારી સન્મુખ જળલહરીઓ નાચે છે એવી તો ભલભલી નાચનારીઓ યે નહિ નાચતી હોય. હું અહીં એકલી નથી. પૂજ્ય-વન્દનીય જેવા દીસો છો. બાપૂને તાવ છે, ઉપર દીવાદાંડીમાં છે. દીવાદાંડી ધ્રૂજે છે એવા એ ધ્રૂજે છે. બાપૂને ધ્રુજતા કદી દીઠા ન્હોતા.'

'આજે તો ખડકે ડોલી જાય એવા વાયુ વાય છે. બાઈ! હમણાં જ વૈદક ભણવા માંડ્યું છે.' - એ શબ્દ સાંભળતાં યુવતિની ઉત્સુકતા વધી ને વદને આશાનાં ઝાંખાં કિરણો ઝબક્યાં. - 'હું વૈદાનો અભ્યાસી છું, ને સમુદ્રફીણ શોધવા સાગરકાંઠે આવ્યો છું. બાપૂ ઉપર છે? ચાલો.'

'બાપૂ ઉપર જ રહે છેઃ આજ બારબાર વર્ષથી. એક વેળા બાપૂ ગામમાં ગયા હતા ને અંહી વહાણ ભાંગ્યું. મા ઇંધણાં વીણતી'તી ને જોયું. જોયું ને ઝંપલાવ્યું. ને સાગરમાં ઝંપલાવ્યું તે પૃથ્વીએ પાછી આવી જ નહિ. ત્ય્હારથી બાપૂ ઉપર રહે છે. કહે છે કે મ્હારી ભૂલની એ સજા.- ઉપર આવશો? બાપૂને જોશો?'

દીવાદાંડીની બ્‍હારી ફરીથી ઉઘડી, ને સારસી ને સંન્યાસી ઉપર ગયા. આ વગડાવાસીઓના સંન્યાસ નિરખીને સંન્યાસીનો સંન્યાસમદ આજ નીતરી જતો હતો.

નિર્જનતા યે ક્ય્હારેક ઇશ્વર અજબ વસાવે છે.

પછી તો હેમાળો વકર્યો. હેમાળુ વા વીકરી તોફાનના ઝંઝાવાત થયા. જગતના ઝરૂખા ધ્રૂજવા લાગ્યા.

આભમાં આભલાં ઉછળતાં, મહાસાગરે મોજાંઓ ઉછળતાં. મહા મહિનાનું માવઠું ઉલટ્યું હતું.

દીવાદાંડીની છાયામાં ન્હાનકડી દીવાદાંડી સરિખડી એ ઉભી હતીઃ એકલી ને અટૂલી; જાણે સાગરતીરની કો દેવદ્‍હેરી.

'ત્ય્હારે અમે બે હતાં - હું ને બાપૂઃ એકલવાયી તો આજ છું. દુનિયા ત્ય્હારે ભરી ભરી ભાસતીઃ વગડો તો મ્હારે અત્ય્હારે થયો. સંન્યાસી એ કહ્યું ત્રિદોષ છે. બાપૂ બોલતા'તાઃ 'ઉગારો, ઉગારોઃ એ જ્હાજને ઉગારો.'ચ્‍હડ્યાં શીત બાપૂને ઉતર્યાં જ નહિ. એ કાળજ્વર હતો. એ ટાઢ જમની દૂતી હતી, ત્ય્હાંથી તેડવાને આવી'તી.'

હૈયે હાથ મૂકીને એક ઘૂંટડો એ ગળી ગઈ. પછી પાછી દુનિયાને જોઈ રહી.

'હજી તો વધશે તોફાનના વાયુ.'

સંસારનો ને સાગરનો પગથાર સૂની નજરે નિહાળતી ધરતીને છેડે એ ઉભી હતી. પુષ્કરાવર્તક મેઘ આજ આભમાં ઉભરાતા, તાંડવના મૃદંગ સમું અન્તરિક્ષ ઘોરમતું. દરિયા ઉપર જળનાં વન જામ્યાં હતાં. મહાવાયુમાં વનઝાડીઓ ઝોલાં ખાય એવાં જળઝાડીઓનાં ઝુંડ ઝોલાં ખાતાં.

'સંન્યાસી મહારાજે ભાખી'તી એ આજની વિજનતા સાચી. આજ હું એકલી છું. આ સહિયરો નથી નાચતી સાગર ઉપરઃ એ તો ખપ્પર ઉછાળતી ડાક્કણીઓ નાચે છે.'

દુનિયાને આરે એ ઉભી હેતી. જગતની ભમ્મર જેવી કાળી કાળમીટની ભેખડ નીચે પાંપણ જેવી વેરાયેલી ખડકાવલિ વિખરાતી પડી હતી. એ ભમ્મરમાં ને એ પાંપાણોમાં આજ કાળચક્ર ઘૂમતાં હતા, જગતડૂબવતા ઘોર વમળ ઘૂમડીઓ ખાતા હતા.

આઘે ક્ષિતિજકાંઠે ઉંચી અંગુલિ જેવું કાંઇક એવે દેખાયું ને પછી વાળેલી મુઠ્ઠી દેખાઇ. પછી એ અંગુલિ બીડાઇ ગઇ ને મુઠ્ઠી યે અડધીક જાણે ઢોળાઇ ગઈ.

યુવતિએ અનુભવની આંખે ફરીથી જોયું તો આભને સાગર મળતો ત્ય્હાં એક ભાગેલી નૌકાની ઝાંખી થઇ.

મહાકાળ આજે ઘૂમતો હતો. જળમાં જગતમાં ને યુવતિના જીવનમાં, આયુષ્યયાત્રામાં કોક વેળા ગાજે છે એવું, તોફાન ગાજતું. દુનિયાનાં ઘોર દર્શન તે કરતી હતી.

કાળી ભેખડને કાંઠે કાળી શિલાઓની વચ્ચે કાળાં શોકવસ્ત્રો ઓઢેલી એ યુવતિ કાળની શિલા જેવી ભાસતી.

હાથેળીનું વાછટિયું કરીને એ નિરખતી હતી. નિરખતાં-નિરખતાં તે જાગી ગઇ, ને સફાળી ઉઠી.

'ભાગ્યું-જહાજ ભાગ્યું. ઝાડેથી પંખીઓ ઉડે એવી હોડીઓ વછૂટી. ને આ હોડલી! - ડૂબી હો! મોજાંઓની ભેખડે ને મોજાંઓની ખીણ ઉછળે છે એ.'

પંખિણી જેવી એ ઉડા. સરકતી છાયા સમી કેડીના માર્ગે એ ઉતરી. માર્ગશિલાઓને કૂદતી કૂદતી કૂદકો મારી નિજ હોડકામાં તે ઝીલાતી પડી. સારસીની પાંખો જેવજેવડા બે ન્હાનકડા શઢ એણે છોડી મૂક્યા.'

સાગરની સારસીએ તોફાનમાં ઝંપલાવ્યું.

ઝંઝાનીલ વાય ને વડલાની ડાળીઓ વીંઝાય એથી યે કારમાં મોજાં ઉછળતાં. પ્રકૃતિ મહાકાળીનું સ્વરૂપ ધારી નાચતી હતી.

વડલાની વિટપને છેડલે કો એકાકી કળીસંપુટ હિલોળા ખાય એવીએ હોડલી હિલોળા ખાતી. ક્ષણેક મોજાંની પાંખે ચ્‍હડી ઉડતીઃ જાણે એ ઉગરી ગઇ. ક્ષણેક બે મોજાંઓની જળભેખડો વચ્ચેની ખીણમાં ભૂશકો મારીને પડતી, જાણે ડૂબી ગઇ. જીવનમૃત્યુ વચ્ચે એ હોડી ઝોલાં ખાતી હતી.

'જહાજમાં એકલો એક કૂવાથંભ હોય એવો હોડકામા એક છે કોક.' શઢ ફરફરાવતી યુવતિ જતી હતી.

હોડીમાં એક જલજોધ હતો. દેખાતો ત્ય્હારે મહારથી સમી એની મુદ્રા ઝંખાતી. સહસ્ત્ર યોદ્ધાઓ વચ્ચે પાર્થ એકલો ઉછળે એવો એ મોજાંઓમાં ઉછળતો. એને મુખમંડળે ભય ન્હોતો, વિષાદે ન્હોતો; વિરત્વ હતું. હાથ પાય ને અંગમાંથી પ્રકૃતિને જીતવાનું યોધરાજનું જોમ ધોધ શું ધમધમતું.

ચગડોળના પારણાની પેઠે એ જલવીરની હોડલી ઉછળી, ને પછી અન્ધકારના ઢગલા જેવી શિલા ઉપર પછડાતી પડી. હોડલીના ચાર કટકા થઈ ચાર દિશાઓને વધાવી, ને શિલા ઝબકોળી ધસતા પાણીપૂરમાં યોધરાજ પડ્યો. સાગરની એક છોળે એને શિલાપાટે ફંગોળ્યો.

ઘોડેથી પડેલા વીર જેવો પડતાંજ એ ઉઠ્યો; ને જળઘટાની પાર જઈને દિશાઓ નિહાળતો ઉભોઃ જાણે ખડકમાથે દીવાદાંડીનું શિખર! એને વદને સ્મિત ફરકતું. કાળચક્રને યે જાણે તે હસતો હતો.

એકલો, અટૂલો, જળનાં વન નિહાળતો, જલજોધ શો એ ઉભો હતો.

ક્ષણેકમાં કાંઠાની હોડલી ઉડતી આવી. યુવતિએ શણદોર નાંખ્યો. શણદોરનો છેડલો ઝાલી યોધરાજે જળમાં ઝંપલાવ્યું. દોરનો બીજો છેડો યુવતિને હાથ હતો. ધીરે ધીરે યુવતિએ દોર ખેંચ્યો. પૂરનું વ્હેણ ઉછળ્યે યુવતિ દોર ઢીલો મૂકતી; ઉતરતો ઓસાર વહ્યે જોરથી ખેંચતી. એક ઓસારનાં ભાગ્યાં પાણીમાં ઢસડાઇ જળજોધ હોડીની નાસિકાને જઈ અથડાયો. નાકવેસર સમો હોડીનો મુખદોર ઝાલીને તે હોડીમાં ચ્‍હડ્યો.

પ્રકૃતિનેતા એ યોધરાજ હોડીમાં જઇને મૂર્છામાં પડ્યો. પણ યુવતિએ એને ઓળખ્યો.

એ તો સાગરઝુંડનો સંન્યાસી હતો.

તે સન્ધ્યા હતી. મનના મનોરથો જેવાં સોનેરી આભલાં આભમાં રમતાં. એમની છાંયડીઓ પૃથ્વી ઉપર ફૂદડી ફરતી.

વસન્તની તે સન્ધ્યા હતી.

એનો એજ ખડક હતો. એની એ જ દીવાદાંડી જગત્‌આરે ઉભી હતી. દીવાદાંડીની છાયામાં, બે છાંયડીઓનો એક છાયાસ્થંભ રચતાં, એ બે જગત્આરે ઉભાં હતાં.

'જહાજ ભાગ્યું ને મ્હેં ઝંપલાવ્યું. જાણ્યું લાવ, કોઇને ય જઇને ઉગારૂં. ત્ય્હાં તો મ્હારે ઉગરવા વારો આવ્યો! પણ સારસી! ત્‍હેં ઉગાર્યો હો! સ્ત્રી પુરૂષની તારણહાર છે.'

'હા; સારસીએ સારસને ઉગાર્યો. પાણીમાં ખડકછાટો છંકાયેલી હતી, ને ત્ય્હાં હોડકાનાં અંગ ભાગ્યાં મ્હેં યે જહાજ ન્હોતું જોયું. વાદળાનાં કિલ્લા સમી ઝાંખી ઝંખાતી'તી.'

'ઉગારવા જતાં હું ડુબતો હતો. જગતમા એવું યે બહુ જોયું.'

'જગત એટલે અદ્‍ભુતોનો અખાડો. જગતમાં શું નથી બનતું? જોયું ને ઝંપલાવ્યું તો જીત્યા.'

'હા, તોફાનને જીત્યો ને ત્‍હને યે જીત્યો; ને સંસારે સંન્યાસને જીત્યો.'

'એથી યે મ્હોટું તો ત્‍હમે સંન્યાસની કામનાને જીત્યા.'

'આ ત્‍હારો યે સંન્યાસ જ છે ને! પહેલે દિવસે ત્‍હને જોઈ ત્ય્હારે મ્હને થયું કે આ તો જગતની સંન્યાસિણી! જગતને છેડે વગડામાં વસે છે; જળની ખીણોમાંથી ડૂબતાંને તારે છે. ત્‍હારા સંન્યાસે તો મ્હારા સંન્યાસને જીત્યો.'

'પણ હું તો સંસારિયણ સંન્યાસિણી. બે પાંખે ઉડું છું. પિતા ગયા ને પતિ મળ્યા. ઘડી યે અનાથ નથી રહી. સંસારિયણ સંન્યાસિણી સદાની યે સનાથ છે.'

'પૃથ્વી જેવી: પૃથ્વી સદાયની સનાથ છે.'

બે દીવાના એક પ્રકાશ સમાં દુનિયાને છેડે વિજનતાની વાડીઓમાં એ બેઠાં હતાં. દીવાદાંડીનાં એ રખેવાળ હતાં. બન્નેનું જીવનવ્રત એક હતું: દુનિયાની દીવાદાંડી.

વિરલાં હોય છે ભવસાગરનાં એવા તારા અને તારનારાં.