લખાણ પર જાઓ


પાયાની કેળવણી/૪. નકામો ડર

વિકિસ્રોતમાંથી
← ૩. ત્યારે કરીશું શું પાયાની કેળવણી
૪. નકામો ડર
મોહનદાસ કરમચંદ ગાંધી
૫. સ્વાવલંબી કેળવણી →



નકામો ડર

એક લિબરલ મિત્ર ત્રણ વરસમાં દારૂબંધી કરવાના મહાસભાના કાર્યક્રમની બહુ સ્તૂતિ કર્યા પછી કેળવણી વિષે એમના મનમાં રહેલો ડર આ પ્રમાણે પ્રગટ કરે છેઃ

"મહાસભાના કેળવણી વિષેના કાર્યક્રમથી લોકોમાં કંઈક બેચેની ફેલાતી દેખાય છે. એક ડર એવો છે કે, આ નીતિને લીધે ઊંચી કેળવણીની પ્રગતિના કામમાં અંતરાય આવશે. હું આશા રાખું છું કે, જ્યાં લગી સારી રીતે વિચારપૂર્વક ઘડેલી યોજના નક્કી ન થાય ત્યાં લગી અને જે ફેરફારો સૂચવવાના હોય તેની પૂરતી ખબર અગાઉથી આપ્યા વિના ઉતાવળે કંઈ પણ પગલું ભરવામાં નહીં આવે." આવો ડર રાખવાની બિલકુલ જરૂર નથી. કાર્યવાહક સમિતિએ કંઈ પણ વ્યાપક નીતિ ઘડી કાઢેલી નથી. મહાસભાએ કાશી વિદ્યાપીઠ, જામિયા માલિયા, તિલક વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ અને એવી અનેક રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થાઓ સ્થાપવા ઉપરાંત કેળવણીના આખા ક્ષેત્રને લાગુ પડે એવી કોઈ પણ જાતની જાહેરાત કરી નથી. મેં જે લખ્યું તે આ વિષયની મારી ચર્ચામાં મારા પોતાના ફાળા તરીકે લખ્યું છે. કેળવણીની અત્યારની પધ્ધતિએ યુવકવર્ગને અને હિંદુસ્તાનની ભાષાઓને તેમ જ સર્વમાન્ય સંસ્કૃતિને જે પારાવાર નુકસાન પહોંચાડ્યું છે, તેની સામે મારા મનમાં ઘણી તીવ્ર લાગણી છે. મારા વિચારો બહુ મકકમ છે. પણ સામાન્યપણે મહાસભાવાદીઓની પાસે હું મારા વિચારનો સ્વીકાર કરાવી શક્યો છું એવો મારો દાવો નથી. જે કેળવણીકારો મહાસભાના વાતાવરણથી અળગા છે ને જેમનો હિંદુસ્ત્નાનની યુનિવર્સિટીઓ પર પ્રભાવ છે, તેમના વિષે તો કહી જ શું શકાય? એમના વિચારો બદલવા એ સહેલું કામ નથી. આ કાગળ લખનાર મિત્ર અને એમના જેવો ડર રાખનારાઓ એટલી ખાતરી રાખે કે, શ્રી શ્રીનિવાસ શાસ્ત્રીએ જે સલાહ આપી છે તે આ વિષય સાથે સંબંધ ધરાવનારાઓ હૈયામાં ઉતારશે, અને પૂરા વિચાર વગર અને કેળવ્ણીમાં જેમની સલાહ કીમતી ગણાય એવા માણસોની સાથે સલાહ મસલત કર્યા વગર કંઈ પણ ગંભીર પગલાં ભરવામાં નહીં આવે. હું એટલું ઉમેરું કે, મેં ઘણા કેળવણીકારો સાથે પત્રવહેવાર ક્યારનો શરૂ કરી દીધેલો છે, અને મારી પાસે જે કીમતી અભિપ્રાયો આવવા લાગ્યા છે તે સામાન્યપણે મારી યોજનાની સાથે સંમ્તિ સૂચવે છે, એ કહેતાં મને આનંદ થાય છે.

ह.बं. , ૨૯-૮-'૩૭

['અક્ષરજ્ઞાનનું શું?' એ લેખ]

આ પત્રમાં મેં કેળવણી વિષે જે વિચારો પ્રગટ કર્યા છે, તેના પર ઘણા અભિપ્રાયો મારી પાસે આવ્યા છે. એમાં જે સૌથી અગત્યના છે તે હું આ પત્રમાં કદાચ આપી શકીશ. અત્યારે તો એક વિદ્વાન પત્રલેખકે એક ફરિયાદ કરી છે તેનો જવાબ દેવા ઈચ્છું છું. એમની કલ્પના પ્રમાણે મેં અક્ષરજ્ઞાનની ઉપેક્ષા કરવાનો અપરાધ કર્યો છે. મેં જે લખ્યું છે તેમાં આ માન્યતાને કારણ મળે એવું કશું જ નથી, કેમ કે મેં એમ નથી કહ્યું કે, મારી કલ્પના પ્રમાણેની નિશાળમાં બાળકોને જે હાથઉદ્યોગ શીખવવામાં આવે છે તેની મારફતે તેમને દરેક પ્રકારનું શિક્ષણ મળશે! એમાં અક્ષરજ્ઞાનનો સમાવેશ થઇ જાય છે. મારી યોજના અનુસાર હાથ ચિત્ર પાડે કે અક્ષર લખે તે પહેલાં તે ઓજાર વાપરવા લાગશે. આંખ જેમ બીજી વસ્તુઓને જુએ છે, તેમ અક્ષરો અને શબ્દોનાં ચિત્રો વાંચશે. કાન ચીજો અને વાક્યોનાં નામ અને અર્થો ઝીલી લેશે. આ આખી શિક્ષણપ્રગતિ સ્વાભાવિક હશે, બાળકને રસ પમાડે એવી હશે, અને તેથી દેશમાં ચાલતી બધી પધ્ધતિઓ કરતાં એ વધારે વેગવાળી ને સસ્તી હશે. એટલે મારી નિશા ળનાં બાળકો જેટલી ઝડપથી લખશે એના કરતાં ઘણી વધારે ઝડપથી વાંચશે. અને તેઓ લખશે ત્યારે હું પણ (મારા શિક્ષકોને પ્રતાપે) બિલાડાં ચીતરું છું તેમ તેઓ નહીં ચીતરે, પણ તેઓ જેમ પોતે જોયેલી ચીજોનાં યથાર્થ ચિત્રો દોરશે તેમ શુધ્ધ ને સુરેખ અક્ષરો પણ ચીતરશે. મારી કલ્પના પ્રમાણેની નિશાળો કદી પણ અસ્તિત્વમાં આવે તો હું કહેવાની હામ કરું છું કે, તેઓ વાચનની બાબતમાં સૌથી આગળ વધેલી નિશાળો સાથે હરીફાઈ કરી શકશેઃ અને જો લેખન આજે ઘણી ખરી જગાએ થાય છે તેમ અશુધ્ધ નહીં પણ શુધ્ધ હોવું જોઈએ એમ સૌ સ્વીકારે, તો મારી નિશાળ લેખનની બાબતમાં સુધ્ધાં કોઈ પણ નિશાળની બરોબરી કરી શકશે. સેગાંવની નિશાળનાં બાળકો જૂની રીત પ્રમાણે લખે છે એમ કહી શકાય. મારા ધોરણ પ્રમાણે તો તેઓ પાટી ને કાગળ બંને બગાડે છે.

ह.बं. , ૨૯-૮'૩૭