પ્રેમરસ પાને
પ્રેમરસ પાને નરસિંહ મહેતા |
પદ 3૮ રાગ એજ.
પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર ! તત્ત્વનું તું પણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું, કુશકે મન ચળે, ચતુરધા મુક્તિ તો એ ન માગે. —
પ્રેમ. ૧
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ, શુકજીએ સમજીને રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કહી, ગ્રંથ પૂરો કર્યો; મુક્તિનો મારગ સીધો દેખાડ્યો. —
પ્રેમ. ૨.
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો, વ્રજતણી ગોપિકા, અવર વિરલા કોઈ ભક્ત ભોગી. —
પ્રેમ. ૩.
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા, હેતુના જીવતો હેતુ ત્રુઠે;
જન્મોજનમ લીલારસ ગાવતાં, લાભનાં વહાણ જેમ દ્વાર છૂટે. —
પ્રેમ. ૪.
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવાતણો, અવર બીજું કોઇયે ન ભાવે;
નરસૈંયો મ્હામતિ ગાય છે ગુણ કથી, જતિ સતિને તો સપપ્ને ન આવે. —
પ્રેમ. ૫.
અન્ય સંસ્કરણ
[ફેરફાર કરો]પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !
તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;
દૂબળા ઢોરનું કુશકે મન ચળે,
ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ0
પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્યો નહિ,
શુકજીએ સમજી રસ સંતાડ્યો;
જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;
મુક્તિનો માર્ગ સૂધો દેખાડ્યો. પ્રેમ0
મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,
જ્ઞાની, વિજ્ઞાની, બહુ મુનિ રે જોગી;
પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,
અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ0
પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,
હેતુના જીવ તે હેતુ તૂઠે;
જનમોજનમ લીલારસ ગાવતાં,
લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ0
મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,
વાત બીજી નવ લાગે મીઠી;
નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,
જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ0