બીરબલ અને બાદશાહ/અકબરનો પ્રપંચ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  સબસે બડા કોણ ? બીરબલ અને બાદશાહ
અકબરનો પ્રપંચ
પી. પી. કુન્તનપુરી
મનની મહોટાઈ →


વારતા ૬૭ મી.
-૦:૦-
અકબરનો પ્રપંચ
-૦:૦-

એક સમયે શાહે બીરબલ પ્રત્યે કહ્યું કે "મારા શાહજાદાને વજીર પુત્રની સાથે સ્નેહ જોડ્યો છે અને પલવાર તે બન્ને અલગ પડવા પામતા નથી, પરંતુ મને એ ફીકર વધારે થાય છે કે વજીર પુત્રનાં લક્ષણો સારાં નથી માટે તેના સહવાસમાં શાહજાદો વિશેષ રહેતો સોબતની અસર લાગ્યા વિના રહેજ નહીં અને તે નઠારી અસરથી છેવટ પ્રજાને પીડાકારક નીવડે માટે શાહજાદાને ખોટું ન લાગે તેમ વજીર પુત્રને પણ ઓછું ન લાગે તેવી કોઇ યુક્તિવડે એ બન્નેના મન જુદા પડી જાય તો વધારે સારૂં, નહીં તો પાછળથી પસ્તાવાનો પાર રહેશે નહીં !' આ પ્રમાણે શાહનાં દીર્ઘદ્રષ્ટિ યોજક અને પ્રજાહિત ચિંતક વાક્યો સાંભળી બીરબલે કહ્યું કે, 'ગરીબ પરવર આપ જરા પણ ચીંતા કરશો નહીં. હું માત્ર આજ સંધ્યા પડ્યા પહેલાંજ એ બન્નેનાં મન વિખુટાં પાડી દેઈશ અને શાહજાદાના મનમાં મારી યુક્તિથી માઠું પણ લાગશે નહીં.' આ પ્રમાણે બીરબલનું વાક્ય સાંભળી શાહને આશ્ચર્ય ઉત્પન્ન થયું અને બીરબલ પ્રત્યે જણાવ્યું કે, 'મારા સાચા સ્નેહી ! ઘણા દીવસનો લાગેલો સ્નેહ કીંચીત વારમાં શી રીતે તોડી શકીશ ? પ્રેમગ્રંથી અતી તીવડ હોય છે ? કારણ કે "જશો બંધન પ્રેમકો, તૈસો બંધન ઔર, કાઠસી બેદે કામળી છેદન નીકરે ભોંર' તેમજ 'દેહકું છેહ દએ ઇતનેપર નેહકું છેહ પ્રબીન ન દેહૈ.' માટે શું એ અમુલ વાક્યોને અસત્ય પાડવાં ધારે છે ? તે સાંભળી બીરબલે પ્રત્યુતરમાં જણાવ્યું કે "નામદાર આપનુ કહેવું સત્ય છે અને પ્રેમ એ અલૌકીક ચીજ છે; કેમકે 'ધન દે કે જીય રખીએ, જીય દે રખીએ લાજ ધન દે જીય દે લાજ હે, એક પ્રીતકે કાજ ! તો પણ કહ્યું છે કે "જલ પય સારવ બિકાય, દેખે હું, પ્રીતકી રીત ભલી, વીલગ હોઇ રસ જાય કપટ ખટાઇ પરત હી. માટે એક એકના મનમાં જુદાઇ લાવવા યત્ન આદરવો જોઇએ, ખુદાવિંદ "ભલી કરત લાગે વિલંબ, વિલંબ બુરે બિચાર, ભુવન ચનાવત દીન લગે પણ ઢાહ ન લગૈ બતાર'. ખોટું કરવું એતો ઘણુંજ સ્‍હેલ છે માત્ર કોકનું સારૂં કરવું અતિ મુસ્કેલ છે." એમ કહી બીરબલ શાહની આજ્ઞા લેઇ જ્યાં શાહજાદો અને વજીરજાદો પ્રેમમુર્તી બની બેઠા હતા ત્યાં ગયો અને વજીરજાદાને બોલાવી કાનમાં છાની વાત કહેતો હોય તેવો ભાવ બનાવ્યો અર્થાત કશું ન બોલતાં કાન સરખું મોઢું લગાડી થોડીવાર પછી ઉતાવળેથી બોલ્યો કે મેં જે વાર્તા કહી તે કોઈને પણ કહેશો નહીં !' એટલું જ બોલી બિરબલ ત્યાંથી રસ્તો પામ્યો, તદંતર શાહજાદો વજીરજાદા પ્રત્યે પુછવા લાગ્યો કે "પ્રીયમીત્ર ! બીરબલ શું ગુપ્ત વાર્તા કર્ણપુટમાં જણાવી ગયો ? આ પ્રમાણે શાહજાદે પુછ્યું. બીચારો વજીરજાદો જો બીરબલ કશીપણ વાત કાનમાં કહી ગયો હોય તો કહેને ? તેથી તેણે શાહજાદા પ્રત્યે જણાવ્યું કે "મીત્રવર ! બીરબલજી ખાલી પોતાનું મોઢું મારા કાન પાસે રાખી ગુપ્ત વાત કહેવા સરખો ભાવ બતાવી ગયા છે. પણ કશી વારતા કહી ગયા નથી એટલે આપને શું કહું ?

આ સાંભળી શાહજાદે જણાવ્યું કે 'વ્હાલા દોસ્ત તેમણે (બીરબલે) ગુપ્ત વારતા કોઇને ન કહેવાની ભલામણ કરી છે તેથી તું વાતનેજ ગલત કરી નાંખે છે, પરંતુ હું કાંઇ કોઇ નથી, કિંતુ એક આત્મરૂપ છું માટે કહેવામાં કશી અડચણ નથી !' આવાં વાક્યો સાંભળતાં વજીરજાદો અતી ખેદવંત બની બોલ્યો કે "શું ત્યારે હું આપને ખોટાં બાનાં બતાવી વાતને છુપાવું છું ? કોઇ દીવસ નહીં અને આજ શું મારા મનમાં આપ માટે જુદાઇ ભાસી હશે ? છટ અત્યારનું બોલવું બીલકુલ આપનું ગેરવ્યાજબી છે." આવા વજર સરખા કઠોર વચનો સાંભળી શાહજાદે જણાવ્યું કે "તું ગમે તેવી યુક્તિ પ્રયુક્તિથી સમજાવ, પણ હુ તે તારી વાત કબુલ કરનાર નથી, કેમકે મેં નજરથી જોયેલ છતાં તું ઉલટો ચોર કોટવાલને દંડે તેવો પ્રકાર કરે તે શી રીતે માનું ? અજીજ બીરાદર ? તારી આ વખતની વર્તણુંક પ્રીતીને ખાસ લાંછન આપવા સરખી છે, કેમકે 'પ્રીત તહાં પડદો નહિ, પડદો તહાં ન પ્રીત, પ્રીત તહાં પડદો રહ્યો (તો) સોહી પ્રીત વિપરીત.' ભલે હવે તારા આટલા વર્ષની પ્રીત ઉપર પાણી ફેરવવું હોય તો કંઇ હું કહી શકતો નથી ! જો સેલડીના સાંઠામાં પણ જ્યાં ગાંઠો હોય છે ત્યાં મીષ્ટ રસ હોતો નથી, પણ ગાંઠા વગરની જગ્યાએ રસ હોય છે માટે જરા વિચારી જો ! કેમકે 'જે મતી પીછે ઉપજે, સો મતિ પહેલી હોય, કાજ ન વિણસે આપણો, દુર્જ્જન હશે ન કોય." આવાં આવેશયુક્ત શાહજાદાનાં વચનો સાંભળી વજીર જાદે અરજ કરી કે "અરે ! મારા દિલજાન દોસ્ત નાહક આવાં કઠોર વાક્ય બાણોવડે મારૂં કોમળ-પ્રેમી કાળજું શા માટે ચીરો છો ? અને દુરજનો તો આપણા વચ્ચે નિકટનો સંબંધ થયો જોઈ ગમે તે ખટપટ લગાવી વિખુટા પાડવા ઉદ્યમ ચલાવશે પણ આપ એવી નજીવી શંકાને મહા બળવાન ગણી સાચી માનો તો પછી મારો ઉપાય નથી બાકી હું સાચે સાચું કહું છું કે, મને બીરબલજી કશી પણ ગુપ્ત વારતા કરી ગયા નથીજ !' આ પ્રમાણે વજીર જાદે જણાવ્યું ત્યારે શાહજાદે કહ્યું કે, શું બીરબલજી જેવા અક્કલ બહાદુર અને ચતુર શિરોમણી નરો પણ દુર્જ્જનની પંક્તિમાં છે ? અને એમને આપણી સાથે શું વૈર હતું ? કે આવી દુષ્ટ હીલચાલ ચલાવે ? હશે એ હવે તને પુછવા માંગતો નથી આખરે તેં તારી વર્તણૂંક અમલમાં આણી' હાથે કરીને પોતાના પગ ઉપર કુહાડો માર્યો' ખેર ! તારા ભવિષ્યમાં પ્રીતિ રૂપી અમૃતનો સ્વાદ લેવો લખ્યો નહિ હોય ? એટલે હું શું કરૂં ? બસ ! હવેથી તું મારી પાસે મિત્રભાવ સમજી આવતો નહી ! જેમ સહુને બોલાવું છું તેમ તને પણ બોલાવીશ. જો કે તારા બુરામાં હું એક શબ્દ પણ બોલનાર નથી પણ હવે શાહજાદા મારા મીત્ર છે એમ કોઇ વખતે તું સમજતો નહિ. બસ આજથી છેલ્લી સલામ છે.


-૦-