લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/આ ચોર કે શાહુકાર !

વિકિસ્રોતમાંથી
←  ખરા અને ખોટા વચે કેટલો અંતર છે બીરબલ અને બાદશાહ
આ ચોર કે શાહુકાર !
પી. પી. કુન્તનપુરી
દાન કરતી વખતે કોનો હાથ નીચે →


વારતા ત્રેસઠમી.
-૦:૦-
આ ચોર કે શાહુકાર !
-૦:૦-

એક સમે શાહે દરબારીઓ સમક્ષ રાજનીતિ માટે પોતાના વીચારો દર્શાવી રહ્યો હતો. એટલામાં હમજાનખાન નામના પઠાણે આવીને નમ્રતાપૂર્વક કહ્યું કે, સરકાર ! આપના નગરમાં ઠઠામલ નામનો એક મુલતાની વેપારી રહે છે તે વેપારીને આ ચાલતા અસાડ સુદી પુનેમની રાત્રે મોતીના પચીસ દાણાનો એક હાર દસ હજાર રૂપીઆની કીંમત આંકીને આપ્યો છે. મારી પાસેથી હાર લેતી વખતે શાહુકારે કહ્યું હતું કે તમે આવતી કાલે સહવારના બાર વાગે આવજો. જો તમારો હાર મને પસંદ પડશે તો તેની કીંમતના દસ હજાર રુપીઆ આપીશ અને નહીં પસંદ પડે તો તમારો હાર તમને પાછો આપીશ. અમારી બંનેની વચે થયેલી સરત મુજબ હું આજ તે શાહુકાર પાસે ઉઘરાણી કરવા ગયો. મને ઉઘરાણી કરતો જાણી તે શાહુકારે એકદમ આંખ ચઢાવી મારા અંગ ઉપર ધસી આવી, ધમકાવીને કહ્યું કે, જા, જા, કોને ગળે પડે છે ? કેવો માલ ને કેવી વાત ? કોણ જાણે છે- આમ ધમકાવીને શાહુકારે મને આંગણેથી હાંકી કાઢ્યો.'

બીરબલે પઠાણની સઘળી હકીકત સાંભળી લેઇને, બીરબલે પઠાણને પુછ્યું કે, 'જે વખતે તમે તે શાહુકારને મોતીનો હાર દીધો તે વખતે તેના ઘરમાં બીજા કોણ કોણ હતા ? અને તે મોતીનો હાર લઇને શાહુકારે કઇ જગોએ મુક્યો હતો, તે તમે જાણો છો ?' બીરબલના જવાબમાં તે પઠાણે કહ્યું કે, 'અહો ન્યાયની ખુબી જાણનાર બીરબલ? મોતીનો હાર આપતી વખતે શેઠની શેઠાણી શીવાય બીજું કોઇજ નહોતું. શેઠે શેઠાણીના હાથમાં મોતીનો હાર એક સાચા મોતીની પેટીમાં મુકવાને આપ્યો, શેઠાણીએ શેઠની પાસેથી કુંચીઓનો ઝુડો લઇ, તે પેટી ઉઘાડી પેટીમાં મુક્યો અને મને બીજા દીવસના બાર વાગે બોલાવ્યો.' આ સાંભળી બીરબલે પઠાણને કહ્યું કે, 'જે પેટીમાં તમારો હાર મુક્યો છે, તેનાજ જેવી એક પેટી બજારમાંથી લાવી મને આપો. પઠાણ તરત બજારમાં ગયો, અને મહામુસીબતથી તેવા આકારવાળી પેટી શોધી કાઢીને બીરબલને લાવી આપી. બીરબલે તરત પેટી લઇને તે પઠાણને એક બાજુએ સંતાડી મુક્યો.

બાદ ઠઠામલને બોલાવ્યો. અને તે ખરીદ કરેલી પેટી પોતાના ટેબલપર મુકી બીરબલે કચેરીમા પટાવાળાને કહ્યું કે, 'જે વખતે ઠઠામલ શેઠ કચેરીમાં આવે તે વખતે હું તને કહીશ કે આ પેટીની ચાવી મારી કનેથી ખોવાઇ ગઇ છે. અને તેમાં આ શાહુકારના અગત્યના પત્રો છે, તે તેમને દેવાના છે.માટે લુહારને બોલાવી લાવ, ત્યારે તું કહેજે કે એમ કરવાથી તો ઉલટી પેટી બગડી જશે, માટે આવતી કાલે હું આવી પેટી જેની પાસે હશે તેની પાસેથી ચાવી લઇ આવીશ એમ તું કહેજે.' એટલામાં ઠઠામલ શેઠ દરબારમાં દાખલ થયો. બીરબલે તેને માન આપી પોતાની પાસે બેસાડી પા એક કલાક સુધી આડી અવળી વાતો કરી શેઠને ભારમાં નાખ્યા. બાદ બીરબલે નોકરને કહ્યું કે, 'આ પેટીની ચાવી મારી પાસેથી ગુમાઇ ગઇ છે, તેમાં શેઠના ખાનગી કાગળો છે, તે તેમને આપવાના છે, માટે લુહારને તેડી લાવ.' પટાવાળાએ કહ્યું કે, 'એમ કરવાથી તો નાજુક પેટી બગડી જશે. માટે આવતી કાલે હું તપાસ કરીશ. અને એના જેવી પેટી જેની પાસે હશે, તેની પસેથી ચાવી લઇ આવીશ.' બીરબલે પટાવાળાને કહ્યું કે, 'આજનો દીવસ ઢીલમાં નાખવાથી શેઠને પાંચ હજાર રૂપીઆનું નુકશાન થાય એમ છે.' બીરબલના આ શબ્દો સાંભળતાંજ શેઠે વીચાર કરીને કહ્યું કે, 'મને નુકસાન થાય એમ કરસો નહીં એના જેવીજ મારી પાસે પણ એક પેટી છે, તેની ચાવી આ પેટીને લાગુ થશે.' શેઠની આ વાત સાંભળી બીરબલે શેઠને કહ્યું કે, 'ઘણીજ સારી વાત થઈ, ચાવી આપો તો પેટી ઉઘાડી નાખીએ. શેઠે કહ્યું કે, 'ચાવીનો લુમખો ઘેર રહી ગયો છે તે હમણાં જઇને લઇ આવું.' બીરબલે કહ્યું કે, 'નાજી, તમને મહેનતમાં નખાય ? નોકરને નીશાની આપો, તો તે તરત લઇ આવશે.' શેઠે પટાવાળાને કહ્યું કે. 'મારે ઘેર જઇ શેઠાણીને કહેજે કે મારા કબાટના ખાનામાં ચાવીઓનો ઝુડો છે તે આપો.' એટલે પટાવાળો લેવા ચાલ્યો. તરત બીરબલ બહાર આવી પટાવાળાને કહ્યું કે, 'શેઠાણીને જઇને કહેજે કે, 'જે પેટીમાં તમે પચીસ મોતીનો હાર મુક્યો છે, તે ઘરાકને દેખાડવા માટે શેઠે મંગાવીઓ છે માટે આપો, તે આપે તે તું લઇ ગુપચુપ મને આપજે.' બીરબલની વાત ધ્યાનમાં રાખી પટાવાળો દોડતો શેઠાણી પાસે જઇને ચાવીના લુમખાની નીશાની આપી મોતીનો હાર માગીઓ. શેઠાણીએ તરત કાઢી દીધો તે લઇને પટાવાળાએ ગુપચુપ આવીને બીરબલને દીધો. બીરબલે તરત એક ઝવેરીને બોલાવીને તેની પાસે તે મોતી જેવડાં બીજા સો મોતી મંગાવીઆ, ઝવેરી મોતી લાવીઓ તે ભેગા ૨૫ મોતીના દાણા એક હારમાં પાંચ પાંચ મોતીને આંતરે એક એક મોતીનો દાણો પરોવીને, પઠાણને બોલાવી કહ્યું કે, 'આ હારમાં તમારા મોતી હોય તો ઓળખી કાઢો ? પઠાણે તે હાર પોતાના હાથમાં લઇને બહુ બારીકીથી તપાસીને પોતાના જે પચીસ દાણા હતા, તે દેખાડીને કહ્યું કે, 'આ દાણા મારા છે.' તે સાંભળી બીરબલે જાણ્યું કે દાણા તો પઠાણના ખરા. પણ હવે શાહુકાર શું કહે છે તેજ જોવાનું છે. બાદ બીરબલે મોતીના પચીશ દાણા લઇને પોતાની પાસે રાખીને પઠાણને કહ્યું કે, 'જે શાહુકાર કચેરીમાં બેઠા છે, તેની પાસે હું જાઊં છું ત્યાં આવી તમારે ફરીઆદ કરવી.' એમ કહી બીરબલ કચેરીમાં ગયો. આ બનાવ સંબંધી ઠઠામલ શેઠતો અણવાકેફ હતો. તેતો એમજ સમજતો હતો કે, પટાવાળો હજી ચાવી લઇને આવ્યો નથી. એટલામાં પઠાણે આવી ફરીઆદ કરી. તે સાંભળી બીરબલે પઠાણના મોતી માટે ઠઠામલ શેઠને પુછ્યું, પણ તે કબુલ ન કરવાથી બીરબલે શેઠને બહુ સમજાવ્યા, પણ શેઠ તો એક ટળીને બે થાય નહીં. તેથી બીરબલે બંનેની જુબાની લીધી, પણ આ બેમાંથી સાચો કોણ તે ન્યાયી અદાલતમાં બતાવી આપવાને શેઠની શેઠાણીને અદાલતમાં બોલાવી. તેની સાક્ષી લેતાં બીરબલે શેઠાણીને પૂછ્યું કે ગઈ કાલે શેઠે તમને મોતીના ત્રીસ દાણા આપ્યા હતા, અને આજે મંગાવ્યા તો પચીશ કેમ મોકલ્યા ?' તેના જવાબમાં શેઠાણીએ કહ્યું કે, 'સાહેબ, શેઠ આપની પાસે મોજુદ છે, તેમ પઠાણ પણ હાજર છે, તેને પુછો કે, મને પચીશ કે ત્રીસ આપ્યા હતા.' એટલામાં શેઠ બોલવા જતા હતા. પણ તરત બીરબલે શેઠને વચમાં બોલતા અટકાવીને શેઠાણીને પુછ્યું કે, શેઠે ગઇ કાલે મોતીના દાણા પચીશ તમને આપેલા તે આજ કે બીજાં. શેઠાણીએ કહ્યું કે, હાજી તેજ આ છે, બીજા નથી.' આ સાંભળી બીરબલે તરત શેઠાણીને રજા આપી. પછી શેઠની ઉપર પારકો માલ હજમ કરી જવાનું તોહમત રાખી શીક્ષા કરી અને પઠાણને મોતીના દાણા આપી રજા દીધી.બીરબલનો આ અદ્દ્ત ઇન્સાફ જોઇ શાહ અને દરબારીઓ છક થઇ ગયા.


-૦-