લખાણ પર જાઓ

બીરબલ અને બાદશાહ/ઠગવા જતાં ઠગાણી

વિકિસ્રોતમાંથી
←  બીરબલ બીરબલ અને બાદશાહ
ઠગવા જતાં ઠગાણી
પી. પી. કુન્તનપુરી
તેરી ચુપ ઓર મેરી બી ચુપ →


પ્રીય વાંચક ! શહેનશાહ અને બીરબલ વચ્ચે અનેકવાર અનેક ચાનાક આપનારી અને શિક્ષણ આપનારી વારતાઓ થઇ છે તે વારતાઓનો એટલા બધો ભંડાર ભરપુર ભર્યો છે તે ઉલછતાં ખુટે એમ નથી. આ ભંડારમાંથી જે સાર ગ્રહણ કરવા લાયક વસ્તુઓ મળી આવી છે તે વાંચક તારી સન્મુખ રજુ કરૂં છું.

-૦:૦-
વારતા ૧ લી
-૦:૦-
ઠગવા જતા ઠગાણી.
મધર મકોર હરાય કાઠી, તાસં બુદ્ધી ત્રીયાકી માઠી.

અકબરનાં અમલમાં દહાડે દહાડે બીરબલનું માન વધતું ગયું. તેમજ રાજા પણ બીરબલના જ્ઞાન બળથી અંજાઈ જવાથી પોતાના સ્નેહીઓની માફક તેને સદા ચાહતો હતો. બીરબલ પ્રત્યે અકબરનો ઘોડો પ્રેમ જોઇ અદેખાઓના દુષ્ટ અંતકરણમાં આગ સળગી ઉઠી. આ આગ ઓળવવાને અદેખાઓએ કાંઇ કચાસ રાખી નહોતી. આવા દુરાચરણીઓની દુષ્ટ ચાલ જોઇને અકબરે તેઓને અનેકવાર તેમ નહીં કરવાને શખ્તની સખ્ત ચેતવ્ણી આપી ધુળ ભેગા કરી નાખ્યા હતાં. છતાં શેઠની શીખામણ ઝાંપા સુધી, કુતરાની પુંછડી ગમે તેટલીવાર જમીનમાં દાતો તોપણ વાંકી ને વાંકીજ, પડી ટેવી તેતો ટળે કેમ ટાળી. એ કહેતીને અનુસરીને તે અદેખાઓ પોતાની અદેખાઈની આનેશને ઓળવવા માટે વારંવાર હુરમ સાહેબના કાન ભંભેરતા કે, 'નામદાર ! જેમ એક જાદુગર પોતાની કળાથી જોનારના ચીતને ચોરી લે છે, તેમ આ બીરબલે પોતાની કળારૂપી જાદુના યોગે કરીને બાદશાહને આંજી નાખ્યો છે. બાદશાહ બીરબલ બીરબલ પોકારી રહ્યો છે, બીરબલ કહે તેજ ખરૂં. એમ આપના ભાઇને વજીરાત મળેલી જોઇ ઘણા ખુશી થયા હતા. પણ તે ખુશી ક્ષણવારમાં પાણીના પરપોટાની પેઠે નાશ પામી. આ જોઇ આખી સભા દુખમાં ડબાઇ ગઇ. એટલું જ નહીં પણ ભરસભાની અંદર આપના ભાઇને દીધેલો વજીરનો ઓછો છીનવી લઇ બીરબલને આપ્યો. એ થોડું અપમાન ! એ અપમાન અમને થયું નથી ! પણ આપના નામવરને થયું છે ? આનો વિચાર તમારે કરવાનોજ છે, આનો બદલો કેમ વાળવો તે તમારા હાથમાં છે. જ્યાં સુધી તમે બીરબલની સત્તા છીનવી લેશો નહીં ત્યાં સુધી તમારા ભાઇની ચઢતી કળાનો કદી ઉદય થનાર નથી ?' પોતાના ભાઇનું આવી રીતે અપમાન થયેલું સાંભળીને બહુ ખેદ પામી, વિચાર રૂપી સાગરમાં ડુબી ગઇ. પોતે હાથ પછાડીને કહ્યું કે, 'આજે ભાઇનું અપમાન તો કાલે મારૂં અપમાન કરાવશે તો પછી મારે શું કરવું ? માટે વેરનો બદલો લેવો જોઇએ.'

એક દહાડો રાજા હુરમના મહેલમાં ગયો અને હુરમના કોમળ કંઠમાં હાથ નાંખી વીનોદની વાતો કરતો કરતો રતી રંગ રણ ભુવનમાં દાખલ થઇ આનંદની મોજ લુંટવા લાગ્યો. આ લીલાની તાનમાં તલ્લીન બનેલા રાજાનું મન હરી લઇને બીરબલને પાણીચું આપવાની યુક્તી રચીને તે બોલી કે, 'આપ આવી રીતે મને ચાહો છો અને પ્રીતીના પ્રવાહમાં ખેંચવા માટે મારી મનકામના પુરણ કરો છો, છતાં તેવા ઘાઢા પ્રેમના પ્રમાણમાં મારા મનને રમાડવામાં બહુજ ભેદ રાખોછો. આ શું ખોટું છે ? શું તમે સ્વાર્થ જેટલી સગાઈ રાખતા નથી ? આને સાચો પ્રેમ કોણ કહેશે ? એ શુદ્ધ પ્રેમની ખુબીનો પ્રકાશ ક્યાં છે? તમે ગમે તેમ મલકાંઓ પણ તમારા રદય મંદીરમાં વાસ કરી રહેલા શુદ્ધ પ્રેમનો પ્યાલો પીવાને હજુ હું નશીબવંત બની નથી. તો પછી આજ વૈભવને શું કરવાનો છે ? આ અમોલીક અલંકારો શું કરવાના છે ? એનો પ્રપંચી પ્રેમને આભારી છે. આવા પ્રપંચી પ્રેમનું સેવન કરવા કરતાં આ પ્રાણને પરલોક પાઠવી દેવો એ વધારે સારૂં છે.' આ પ્રમાણે હુરમે અનેક તરેહનાં ચરીત્રો કરી બતાવી રડવા લાગી. આ તરેહનો દેખાવ જોઇ રાજા અકળાઇ જઇ હુરમના મનને જીતી લેવા માટે અનેક યુક્તી રચીને કહ્યું કે, 'અહો દીલબર ? જરા આમ જો, મનની ઉદાસીને ઉરાડી નાખ ? આમ શા માટે અકળાય છે ? આ પ્રાણ તારા છે તારા પ્રાણ મારા છે, હું તને ચાહું છું અવરને ચાહતો નથી, છતાં કટુ વચનો કહી મારી છાતી શા માટે ભેદી નાંખે છે ? અટક હોય તો કાઢી નાંખ, અટકમાં, હું તારા દુખી દીલનું ઓશડ કરવા તત્પર છું, તો પછી શા માટે મનનું દુખમાં મનમાં સમાવે છે.' રાજાનાં આવાં વચનો સાંભળતાંજ રાણી તરત બોલી ઉઠી કે, હવે બસ કરો, બહુ થયું, આમ મીઠું મીઠું બોલી મને શું સમજાવો છો ? હું તો કેદીની સમજી ચુકી છું કે તમારી આગળ કશુંએ ચાલનાર નથી. જો તમે મારા માન મર્તબાની કદર બુજી હોત તો શું મારા ભાઇને આપેલો ઓદ્ધો પાછો છીનવી લેત ? જો મારા મનને રાજી રાખવું હોત, અને મને ખરા અંતઃકરણની લાગણીથી ચહાતા હો તો એકદમ બીરબલને આપેલો ઓદ્ધો છીનવી લઇ મારા ભાઇને આપો ? જો આમ નહીં કરો તો હું તરત ફાની દુનિયાનો ત્યાગ કરી દઇશ !' રાણીના આવા કઠોર શબ્દો સાંભળતાંજ રાજા દીગમુંઢ થઇ ગયો, અહા ! સ્ત્રીઓ કેવી અવર ચંડીલીઓ હોય છે ? કેવળ પોતાનો સ્વાર્થ સાધવા સારૂં સારા નરસાનો જરા પણ વીચાર ન કરતાં સર્વનું અકલ્યાણ કરવા યત્ન આદરે છે ? ધીકાર છે સ્ત્રી હઠને ? ભલે તેની હઠ પાર પમાડે તેની તલભાર પરવા નથી ? એક જશે તો એકવીશ આવશે, પણ તેની હલકી હઠને આધીન થઇ બીરબલ જેવા રત્નોનો તીરસ્કાર તો હરગીશ કરનાર નથી ? ક્યાં હાથી ને ક્યાં ઘોડો ? ક્યાં ગુણી ને ક્યાં અવગુણી ? રાંડોથી રાજ રહી શકે એમ નથી ? રાંડોથી ગયેલી આબરૂ પાછી મેળવી શકાતી નથી ? તો પછી શા માટે રાણીને વશ થઇ બીરબલ જેવા વીરભદ્રનું અપમાન કરૂં ? એક રાણીના હઠને માટે આપેલા વચનને ફોક કરૂં ? વચન પાળે તે રાય ? બાકીનાનેતો બાયલાજ સમજવા ?' આવી રીતે મનને દ્રઢ કરીને અકબરે હુરમને ધમકાવીને કહ્યું કે , 'અરે હઠીલી તારી અકલ કેમ ગુમ થઇ ગઇ છે ? બુદ્ધીશાળી બીરબલ જેવા રાજસ્થંભને તોડી નાખવા કેમ તત્પર થઇ છે ? આવું ઉદ્ધત પગલું ભરવાથી કોને હાની થશે ? તેને માટે તેં કંઇ વીચાર કીધો છે? આંખ ઉધાડી ઉંડાણમાં ઉતરી તપાસી જોયું છે ? બીરબલ જેટલી બુદ્ધિ તારા ભાઇમાં છે ? બીરબલ જેટલી શક્તી તારો ભાઇ ધરાવે છે ? હું કહુંછું કે બીરબલ જેટલી તારા ભાઈમાં નથી અને તું પણ સમજે છે તો પછી મારી આજ્ઞાનો અનાદર કરાવવા કેમ ઉન્મત બની છે ? આટલું કહેતાં પણ તું નહીં સમજીશ એમાં તારીજ ખુવારી છે. તારા હઠને ખાતર હું મારી અદ્દલ રાજનીતી, ટેક અને નેકને એબ લગાડવા વીવેકી બીરબલનું અપમાન કરીશ નહીં.' રંગ છે અટંકી ગુણગ્રાહી નીતીવાન રાજાને !

કોઠી ધુવે કાદવ નીકલે ? બહુ તાણવા જતાં તુટી જશે એવો સમય જોઇને રાણીએ વીચારયું કે, 'આ તલમાં તેલ નથી. શહેનશાહની શુદ્ધ પ્રીતી બીરબલ ઉપર છે. તે મારી ખોટી ખડખડથી તુટવાની નથી તો પછી આડો રસ્તો લેવામાં શું લાભ છે ? એના કરતાં તો શાહને વશ કરી ઉપાય યોજીશ તોજ પાર પાડશે.' મન સાથે આવો ઠરાવ કરી હસ્તા મુખડે શાહને કહ્યું કે, 'તમારા અદલ ન્યાયની મને ખાત્રી થવાથી હું આપના અવીચલ પ્રેમને ધન્યવાદ આપું છું.'

અકબરે કહ્યું કે, 'જો આ તારા શબ્દો કપટ રહીત હશે તો તેથી હું ઘણો જ સંતોષ પામ્યો છું. હું તને શુચવું છું કે જો બીરબલનું બુદ્ધીબળ કોઇ પણ યુક્તીથી માત કરી શકો તેવો ઇલાજ શોધી કહાડો ? તો તમારા ભાઇને થયેલા અપમાનનો બદલો વળી શકે.' રાણીએ કહ્યું કે, 'જો આપનો વીચાર છે તો પછી મારી ક્યાં ના છે. લ્યો તારે ભલે થઇ જાય. જોઇએ કેવી ગમ્મત પડે છે ? આમ મારી ઉપર ગુસ્સો બતાવી કોપ ભુવનમાં નીવાસ કરો અને બીરબલને બોલાવીને કહો કે, આજે રાણી પોતાની મેળેજ આવી મને મનાવી જાય. જો આ યુક્તીમાં નહીં ફાવશો તો તમને આપવામાં આવેલો ઓદ્ધો પાછો છીનવી લેવામાં આવશે. આમ થશે તોજ મારી ટેક રહેશે. લાખ જતાં પણ શાખ રહેવી જોઇએ. માત્ર નોકનાજ નાણા છે, માટે જેમ બને તેમ જલદી કરો. જો બીરબલ મને સમજાવવા આવશે તોપણ હું સમજીશ નહીં, એઠલે પોતાની મેળેજ નીરાશ થઇ લજીત બની ચાલ્યો જશે. જો જો આપ આ ભેદ બીરબલને કહેશો નહીં.' રાણીની આવી પ્રપંચ રચના જાણી શાહે વીચાર્યું કે, 'બીરબલ હરેક રીતે રાણીને સમજાવી મારી પાસે મોકલ્યા વીના રહેનાર જ નથી એવી મને પુરી ખાત્રી છે.' રાણીની આ કપટી ગોઠવણ અમલમાં મુકવા સારૂ દરબારી લોકો જાણે તેમ રાણીની સાથે તકરાર ઉઠાવી એકમેકથી છુટા પડ્યા. પછી અકબરે રાણીને સમજાવી લાવવા કહ્યું. આ આજ્ઞા થતાં જ બીરબલે વીચાર્યું કે એમાં શી મોટી વાત છે. ધણીધણીઆણીની તકરાર વધુ વખત નીભવાનીજ નથી. પરંતુ એની મેળેજ રાણી સાહેબ શાહને મનાવા જાય તેવી યુક્તી રચું તોજ મારૂં નામ બીરબલ ખરૂં ? એટલું કહી બીરબલ રાણીની સામે જઇ સલામ કરી ઉભો રહ્યો. બીરબલને આવેલો જોઇએ રાણી મન સાથે બડબડી કે, ;અરે ! મારા ભાઇનું માન ભંગ કરનાર આવી ચડ્યો છે, ખરેખર આજ એનો ઘાટ ઘડી નાખું? ઘણા દીવસથી માતેલા સાંઢની પેઠે જ્યાં ત્યાં માથું મારી સહુ કોઇને સેહમાં દબાવતો હતો. પરંતુ ઘણું કરે તે થોડાને માટે ?' આવા આવા તર્ક વિતર્ક કરી મનમાં ફુલાતી હતી તેટલામાં બીરબલે કરી આપેલ સંકેત પ્રમાણે એક પટાવળો આવી કહેવા લાગ્યો કે, 'શાહે હુકમ ફરમાવ્યો છે કે થયેલી વાત મુજબ ફલાણો હેતુ જલદી પાર પાડવા ઠીક સંબંધ ધરાવે છે. માટે એ વિષે બીલકુલ બીજા યત્ન આદરશો નહીં, પણ આપણું ચીંતવેલું કામ જેમ જલદીથી સીદ્ધ થાય તેમ તે માટે ઝટપટ ધ્યાન આપવું, નહીં તો વચમાં કાંઇ રાજ ખટપટમાં વીઘન આવી પડશે.' એટલું કહી પટાવાળો ત્યાંથી ચાલી ગયો. પટાવાળાના બોલવા તરફ ખાસ રાણીએ ધ્યાન રાખ્યું હતું તેથી તે સમાચાર સાંભળી મનમાં વીચારવા લાગી કે,'એવી તે વાત શું હશે ? ગમે તેમ હોય પણ છુપા ભેદથી ભરેલી વાત છે ? ઓ બીરબલ ! ઓ બીરબલ ! આ શું કહી ગયો તે તો મને જરા સમજાવ? આમાં મને કંઇ ખબર પડતી નથી. બીરબલે ધીમેથી કહ્યું કે, 'અહો શાહજાદી ! શાહનો એવો હુકમ છે કે આ ભેદ ભરેલ વાતનો ભરમ બે દહાડા સુધી કોઇપણ માણસને જાણવા દેવો નહીં. તેથી તે ભેદનો ભરમ આપની આગળ ખુલો કરી દેવાને લાચાર છું. ધીરજ રાખો, શા માટે અકળાઓ છો ? વાજતે ગાજતે માંડવેજ આવશે ? જુઓ કુદરતનો ચમત્કાર કેવો છે ? એક ક્ષણમાં તમારા ચહેરામાં કેટલો બધો ફેરફાર થયેલો જોવામાં આવે છે ? આ જોઇ મારી અજાયબીનો પાર રહ્યો નથી ? શું કરૂં, સત્તા આગળ શાણપત ચાલતી નથી. કામના દબાણને લીધે આપની આગળ વધુ વખત રોકાઇ શકતો નથી.' એટલું કહી બીરબલ ચાલી નીકળ્યો. બીરબલને ગયેલો જોઇ રાણીએ ઊંડો નીશાશો નાખી બોલી કે, 'હાય ? આતો ધર્મ ધાડ નડી? તસુ વેતરવા જતાં ગજ વેતરાઇ ગયું ? ઠગવા જતાં હું ઠગાઇ? શાહે ઠીક શાણશામાં સપડાવી પોતાનું કામ કાઢી લેવાનું આ ચોકઠું ગોઠવ્યું છે. મને ફસાવી શું બીજી રાણી પરણશે ? અને તે પરણવા માટે આટલી બધી ખટપટ ઉઠાવી છે ? રંગ છે રાજા તારા પ્રંપચી પ્રેમને ! બીરબલને કાઢતાં હુંજ નીકળી જઇશ. માટે મારૂં ડહાપણ આ વખતે કંઇ કામમાં આવે એમ નથી તો પછી શા માટે ખાવીંદની હજુરમાં જવું નહીં ? નહીં જઇશ તો બધી બાજી બગડી જશે અને પસ્તાવાનો પાર નહીં રહે.' આમ બોલી રાણી તરત કોપભુવનમાં બેઠેલા રાજા આગળ જઇ બે હાથ જોડી બોલી કે, 'અહો પ્રાણનાથ ! મારા ભાઇને માટે લીધેલ હઠ માટેની બનેલી કસુરની ક્ષમા કરો.' રાજાએ રાણીની આવી બનેલી સ્થીતી જોઇ મનમાં બીરબલની બુદ્ધિને શાબાશી આપી બોલ્યો કે, 'ઓ હઠીલી રાણી તારી ચતીરાઇ ક્યાં ગુમ થઇ ગઈ ? કાં તું ઠગાણી કે બીરબલ ? આ તારી રચેલી યુક્તીમાં તું ફસી કે બીરબલ ફસ્યો ? જોયો બીરબલની બુદ્ધિનો ખેલ ? હવે તુંજ વીચાર કરકે વજીરનો હોદ્દો ભોગવવા લાયક કોણ છે ? તારો ભાઇ કે બીરબલ ? જોજે ફરીને મારા કામની આડે આવતી નહીં.' રાજાના શબ્દો સાંભળતાં જ રાણી શરમાઇ ગઈ. અને શાહે બીરબલની યુક્તીનાં વખાણ કરી તેના માનમાં વધારો કીધો.

સાર - સ્ત્રીઓ પોતાના અક્કલ્હીન ભાઇ સારૂ પતી સાથે કેવું તોફાન મચાવે છે ? પરપુરૂષોને જડમુલથી ઉખેડી નાખવા સ્ત્રીઓ કેટલી બધી હદની બહાર જઇ કેવી રીતે ખટપટ ચલાવે છે ? માટે પારકી બુદ્ધિએ ચાલનારી બની સદગુણી પુરૂષોને માન આપી પોતાનાં કરી લેવા.

પ્રીય વાંચક ! પહેલી વાત તે ધ્યાનથી વાંચી હશે ? જેમ રાણીએ બીરબલને ઠગવા માટે જે પ્રપંચ રચ્યો હતો તેમાંથી બીરબલ કેવી ચાલાકીથી છટકી જઇ રાણીને પાણીથી પાતળી ભનાવી દીધી. તેમ તું જો આ જગતના કાલા માથાના માનવીઓની સાથે કામ પાડતા શીખશતો તું કદી પણ ઠગવાનો નથી, ચાલ હવે નીચેની વાત વાંચ.

-૦-