બીરબલ અને બાદશાહ/તેરી ચુપ ઓર મેરી બી ચુપ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઠગવા જતાં ઠગાણી બીરબલ અને બાદશાહ
તેરી ચુપ ઓર મેરી બી ચુપ
પી. પી. કુન્તનપુરી
કરણી તેવી ભરણી →


વારતા ૨ જી
-૦:૦-
તેરી ચુપ ઓર મેરી બી ચુપ.
-૦:૦-
ચોપાઈ.

ચાતુર ને ચતુરા પણ ચ્હાય, ભુપ ચતુરની ચહે ભેટ,
        મહીમાં મોહીની મંત્ર એનેટ

સુંદર તેહેવારોની મોજ લુટવા માટે ન્હાના મ્હોટાઓ અણમોલો શણગાર સજી પોતાની મનોહર રમાઓને રમણીક બનાવી મ્હોટા ઉત્સાહથી લીલી લીલોત્રીથી શોભા રહેલા મનહર ઉપવનમાં ઉતરી પડી ગાન તાન અને મૃદંગોના નાદથી આખા ઉપવનને ગજાવી મુક્યું હતું. આમ તરેહ તરેહજાતની રમત ગમ્મતમાં મનને રમાડતાં રમાડતાં દીવસને જતાં કેટલીવાર લાગે? રાત પડી જવાથી સર્વકો આનંદની લ્હેરોમાં ડોલતાં ડોલતાં નગરમાં દાખલ થવા લાગ્યા. આ સમયનો લાગ જોઇ અકબર વેષ બદલી નગર ચરચા જોવા માટે, અને પ્રજા સુખી કે દુખી છે, તેનો અભીપ્રાય જાણવાના હેતુથી મુખ્ય મ્હોલાઓમાં પ્રવેશ કરવાના નાકા રોકી જ્યાં ત્યાં થતી ચરચાઓ જોતો અને બોલતી વાતો સાંભળતો ઉભો. એટલામાં એક ગોરી છબીલી ચતુર છેલાને રતી રણમવા માટે શોધવા સારૂ આવતા જતાં પુરૂષોની તરફ એકી નજરથી જોઇ રહી હતી. જોતાં જોતાં તેણીની નજર રાજાની ઉપર પડતાને વારજ તે રમણીક રમાએ રાજાને કટાક્ષબાણ મારયું. આ મોહની મંત્રનો પ્રયોગ થતા જ ચતુર બાદશાહ ચેતી જઈ શું ચમત્કાર બને છે તેનો અનુભવ લેવા માટે તેણીની સાથે રાજા પણ ચાલ્યો. થોડે છેટે ગયા પછી તે નીચ નારીએ ખુલ્લી રીતે જણાવ્યું કે મારી શેઠાણીના શેઠ વીદેશ પધાર્યા છે તેથી તેણી કામાતુરી બની છે તે કામ શાંત કરવા માટે આપ પધારો ? એમ વાત કરતાં બંને જણ શેઠાણીના રંગમહેલમાં દાખલ થયા. આ જોઇ શેઠાણી તરત દોડી આવીને હસ્તે મુખડેથી બોલી કે, અહો કામદેવ ? રંગ વીલાસના ભોગી ? મારા મનના મનોરથને સફળ કરનાર ભોગી ભ્રમર અંદર પધારી આ સેજ પર વીરાજમાન થાઓ. એટલામાં હું અંદર જઇ હમણાં આવું છું. એટલું કહીને દાસીને સાથે લઇને દીવાનખાનામાં દાખલ થઇ દાસીને કહ્યું કે, આવનાર પુરૂષની ચાલાકી જોવા માટે આ ભરેલા દુધના કટોરાને લઇને તેના હાથમાં આપી કહેજે કે આ દુધ શાનું છે ? અરે એ દુધ તો ગાયનું કીંવા ભેંસનું છે એમ કહી રાજા તે દુધ પી ગયો. તે ખબર દાસીએ શેઠાણીને દીધાથી શેઠાણી મનમાં સમજી ગઇ કે એ બીલકુલ મુર્ખ છે. ફરી તેની પરીક્ષા કરવા માટે એક ગુલાબના ફુલની છાબ ભરી દાસી સાથે મોકલી, રાજા એ તે છાબ લઈ પલંગ ઉપર ઉંધા વાળી દાસીને પાછી આપી. દાસીની આવી હકીકત સાંભળી શેઠાણીએ પોતાનું કપાળ કુટીને બોલી કે શું આ નરપશુ મારી સોબત કરવા લાયક છે ? દાસી ? લે આ અતલસના તાકાની ઘડી ઉઘાડીનાખી ખુબ જોશથી ચોળી નાખીને તે આવનાર અણઘડ પુરૂષના હાથમાં આપી કહેજે કે અસલની પેઠે આ અતલસના તાકાની ઘડી કરી આપો. દાસીના હાથમાંથી રાજાએ તે અતલસ લઇ તેની અસલની પેઠે ઘડી કરવાની ઘણી માથાકુટ કીધી પણ તે ફોક થવાથી કંટાળી જઇ તે અતલસના તાકાને જમીન પર ફેંકી દીધો. દાસીએ તરત સમયસુચકતા વાપરી તરત નીચે નમી જમીનપર પડેલા તાકાને ઉંચકી લઇ મો કરમાયા સરખું કરી શેઠાણીના અંગ ઉપર ફેંકીને બોલી કે, શેઠાણી સીદને માથાકુટ કરો છો ? મનને ગમતો હોય તો આલીંગન આપી મોજ માણી લો, અને તેની સાથે સુરંગ લુટવો ન હોય તો તેને રૂખસદ આપી દો ? બીજાની ક્યાં ખોટ પડી છે? માર ધકો અને કાઢ બહાર; શેઠાણીએ કહ્યું કે, 'એ ઉપાય ઠીક છે જા ત્યારે, એને પાછો વળાવી નગરના ચોકમાં જા, અને એક ચાલાક ચતુર નરને શોધી લાવ.' શેઠાણીનો હુકમ થતાંજ દાસીએ રાજાને ઘરના દાદરે નીચે ઉતારી મુકી બીજાની શોધ કરવા ચાલી,આ જોઇ રાજાએ વીચારયું કે, આવી રીતે મને તરછોડી કાઢી મુક્યો એનું કારણ શું હશે? આમાં કંઇક ભેદ હોવો જોઇએ ? આ ભેદ જાણવા માટે ધીરજનું કામ છે, અને તેમ ન કરતાં જો દબાણ ચલાવવા જઇશ તો આનું પરીણામ માઠું આવશે. આટો ખાવો અને ભસવું એ કેમ બને ? માટે હવે બીજો કોણ આવે છે ? તે શું કરે છે? તે કામ કાઢી જાય છે કે ખાસડા ખાઇને જાય છે ? માટે તે જોવાની જરૂર છે. આવો વીચાર કરી રાજા પાછો ઉપર જઇને દીવાનખાનાની અંદર સંતાઇ પેઠો. આ વારતાનો નાયક બીરબલ પણ પોતાના સ્નેહીઓની સાથે ફરતો ફરતો અને વીનોદી વારતાઓના રંગમાં સરવેને તરબોલ કરતો કરતો મોડી રાતે નગરમાં દાખલ થયો. જેમ જેમ પોતાના મકાનો આવતા ગયા તેમ તેમ તેઓ છુટા પડતા ગયા. છેવટે પોતે એકલો એકલો ડોલતો ડોલતો ચાલતો હતો એટલામાં પહેલી દાશી તરત તેની પાસે આવી કહ્યું કે, 'આપ જરા મારા સાથે આવી મારી શેઠાણીની વીરહપીડા મટાડશો ?' રસીક તો રસ લુટવાનો સદા ભુખ્યો જ હોય છે ? તો પછી બીરબલ જેવો વીહારી શા માટે ના પાડે ? હસ્તે ચેરે બીરબલે તે દાસીને કહ્યું કે, ચાલ તારી છણકાની શેઠાણી ક્યાં રહે છે તે બતાવ.' દાસીએ તરત આંખ મારી બીરબલને પોતાની સાથે લઇ ગઇ અને શાહની પેઠે બેસવા જણાવ્યું. ચાલાક બીરબલે ચોતરફ નજર ફેરવાને તે પલંગ પર ન બેસતાં તેની આગળ ઉભો રહ્યો, કારણ કે શાહ જે પલંગપર આવી બેઠો હતો તે દાસીનો હતો તેથી તે પલંગપર બેસવું અયોગ્ય ગણી બેઠો નહીં. આ સમાચાર શેઠાણીને થતાંજ આનંદ પામી. રંગમાં આવી મન સાથે બોલી કે, 'આ ગુણીયેલ નર હોય એમ જણાય છે. જરૂર એ મારા મનની વેદના મટાડશે. હવે નીરાશ થવું નહીં પડે. હવે રંગ જામશે ખરો. એટલું કહી તે શેઠાણીએ દુધનો કટોરો ભરી દાસીને આપી કહ્યું કે, 'જા, તે ચતુર નરને આપ.' વારૂ બાઇ ! એટલું કહી તરત દાસીએ દુધનો પ્યાલો લઇ બીરબલને આપ્યો. તે લઇને બીરબલે કહ્યું કે, 'અહો દાસી તારી રમણીક રમાને કહેજે કે મારૂં દુધ બ્રાહ્મણનું છે.' આ સંદેહ ટાળતાં જ તે છબીલી ઘણી જ ખુશી થઇ અને લ્હેરે ચઢી ફુલની છાબ ભરી મોકલાવી. તે છાબ લઇ તેમાંથી બે સુંદર ગુલાબનાં ફુલ ઉંચકી લઇને બીરબલે કહ્યું કે તારી ગુણીયલ ગોરીને વીદીત કરજે કે તારા ને મારા સિવાય આ છાની વાત બીજો કોઇ પણ જાણી શકનાર નથી ! બીરબલે આટલી ખાત્રી આપવા છતાં તેણીને પુરતો સંતોષ ન મળવાથી ફરીને ચોળી નાંખેલા અતલશના તાકાને ઘડીબંધ બનાવવાને મોકલ્યો. ત્યારે તે ચોળી નાખેલા તાકાને લઇ બીરબલે બરાબર ઘડ બેસાડી કહ્યું કે, 'જા, તારી ચતુર શેઠાણીને કહે કે, નિર્ભયી તારી મનકામના પુર્ણ કરવાને તત્પર થા. શીદને અકળાય છે. ઉન્મદ બની મર્યાદા લોપવા જતાં ડર રાખવાથી કદી પણ કાર્ય સિધ્ધ થતું નથી. ન કરે નારાયણને વાતને વા લઇ જશે તો પછી તે વાતને ઢાંકી દેવામાં મારામાં શક્તિ છે. માટે જરા પણ ચિંતા રાખીશ નહીં.' દાસીના મુખેથી સર્વ હકીકત સુણતાંજ તે રમણીક સુંદરી રતી રણ રમવાને અલંકારી આભુષણો સજી ઝાંઝરોનો રણકારો બોલાવતી બીરબલના કોમળ કંઠમાં કમર સરખા પોતાના નાજુક કરને નાંખી હસ્તે મુખડે ભેટીને ચુંબનો આપી લઇ મદનભુવનમાં લઇ જઇ વિરહ અગ્નિને શાંત કરી આનંદ પામી. આખી રાત કામશાસ્ત્રનો લહાવો લઇ બંને જણ આનંદ પામ્યાં. સહવાર પડી, નીરૂપાયે બીરબલને ત્યાંથી જવાની રજા થઇ, રંગ મહેલની બહાર આવી અપરાધ થયો હોય તેની ક્ષમા માગી મસ્તક નમાવી કોમળ સ્વરે કહ્યું કે,'અહે મદન મુરતી ! તમારા ચરણકમળની અભીલાષીણીને ફરીને પધારી ક્યારે દર્શન દેશો ? જો જો ભુલી જશો નહીં ? આ તન મન ધન આજથી તમને અરપી ચુકી છું. માટે જુદાઇ રાખશો નહીં. ઇચ્છા હોય તે બે ધડક હુકમ ફરમાવશો. જરા પણ મનમાં શંકા રાખોતો આપને મારા સમ છે.' આવી રીતે બંને પ્રેમની વારતા કરી આંખોનાં અણીયારાં નચાવતાં નચાવતાં છુટાં પડ્યાં. રંગ રસમાં તરબોલ થઇ પાછા ફરેલા બીરબલની જે જે બીના બની હતી તે તે સઘળી છુપી રીતે અકબરે જોઇ હતી.તેથી તે દીલગીરના દરિયામાં ડુબી જઇ ખેદ પામી મન સાથે કહેવા લાગ્યો કે, 'રંગ છે બીરબલ રંગ છે તારી બુદ્ધિને ? તારા જેવી બુદ્ધિ જો મારામા હત તો હું શું મુરખ બનત ? મોંમાં નાખેલો કોળીઓ પાછો કાઢવો પડત ? આ પણ કુદરતની ખુબી છે ! જેના નસીબનું હોય તેજ ભોગવે. મેં તો પ્રથમ કોળીએ માખી જેવું કરયું, હશે બન્યું તે ખરૂં. પણ એ ખરો અકલબાજ બ્રાહ્મણ છે ? તેને પુછતા તે ખરી વાત કરશે કે નહીં ? તે મરતાં પણ છાની વાત કહે તેવો નથી ? તેની સાથે કાંઇ ઓરજ ખુબી લડાવી કળા શીખી લઇ તેના જેવો પ્રવીણસાગર બનું !' આવો વીચાર કરતો કરતો બાદશાહ બીરબલની પુંઠે જઇ તેના ઘરની બધી નીશાની યાદ રાખી પોતાના મહેલમાં આવ્યો. પણ મન સ્થિર થયું નહીં. તેથી પોતાના ચટકેલા ચિત્તને શાંત કરવા માટે ત્વરાથી એકાંત મહેલમાં બેઠક કરી પોતાના ખાસ નોકરોને તે બીરબલના ઘરની ચોક્કસ નીશાનીઓ આપી કહ્યું કે, 'એ નીશાની વાળા ઘરમાં પ્રવીણ બીરબલ રહે છે તેને તરત માન સહીત અહીં બોલાવી લાવો, હાકેમનો હુકમ થતાંજ હજુરીઆઓ વીજળીના વેગ સમાન દોડી જઇ નીસાનીઓ વાળા ઘરમાં દાખલ થઇ બીરબલને કહ્યું કે, 'ખુદાવીંદ તમકું બાદશાહ અબીકા અબી બુલવાતે હૈ.' બીરબલે આ એકાએક બાદશાહનું તેડું આવેલું જોઇ મનમાં વીચારયું કે, 'મારૂં શું કામ હશે ? શું પાપનો ઘડો ફુટી ગયો ? પ્રથમ આવનાર પુરૂષ શાહ પોતે તો નહીં હોય ? ગમે તેમ હોય ? પણ ગયા વગર તો છુટકો થનાર નથી, હરી ઈચ્છા બળવાન છે. જો દિવસ પાધરો હશે તો પડશે પાશા પોબાર ? હાર ખાવાની કશી પણ જરૂર નથી. બીરબલ તરફથી તરત ઉત્તર ન મળવાથી બાદશાહના અનુચરનો મીજાજ પવનની પેઠે અધર ઉડવા લાગો. અને આગના ભડકાની પેઠે ભડકી ઉઠી બોલ્યો કે, ક્યુંજી કુછ ધ્યાનમે આતા હય યા નહીં? દેર કરને કા એ બખ્ત નહીં ? ફિર હમારે કુછ કહેના પડે વો અચ્છા નહી હૈ ? અછી હૈ તરહસે ચલોગે તો ઠીક હૈ, નહીં તો બેઈજ્જતસે લે જાનેકુ પડેગા ! બીરબલે ધીરજથી કહ્યું કે, ખાંસાહેબ ? ચાલો હું તમારી સાથે આવું છું. પછી કંઈ છે. એટલું કહી બીરબલ પોષાક સજી ઇષ્ટદેવનું સ્મરણ કરી તે અનુચરોની સાથે લઈ અકબરના મહેલમાં દાખલ થઇ રાજ રીતી પ્રમાણે આશીરવાદ આપી બેઠો. બાદશાહે આનંદી ચેરેથી પુછ્યું કે, તુમારા હૈ. અચ્છા બીરબલ ? કલકી રાત કીધર ઔર ક્યસી ગુજારી ? ડરના નહીં. ખુશ હોકે સચ્ચા કહેના. યે ઇનસાફી અમકા જમા હૈ. બીરબલ મનમાં સમજી ગયો કે બાદશાહે બધી વાત જાણી છે અને પ્રથમ આવનાર પુરૂષ પણ પોતેજ હોય એમ અનુમાન કરી શકાય છે માટે હાથી આગળ પુળો પડ્યો છે તોપણ થયું શું? જેને રામ રાખે તેને કોણ ચાખે ? માથે આવી પડ્યા પછી પાની ભરવી એતો કાયરનું કામ છે ? યુક્તી લડાવ્યા વગર છુટકો નથી. આવો વીચાર કરી બીરબલે ચાલાકીથી ઉતર આપ્યો કે, નામવર આપકા નોકરને કલકી રાત બીછાનેમેં ગુજારી. ઔર મેં કુછભી જાનતા નહીં હું. બીરબલનો આવો ઉડામણો જબાબ સાંભળી લઇ આંખના ભમરો ચડાવી શાહે સીપાઇને હુકમ કીધો કે, યે બીરબલકું મહેલકી પીછલી બારીસે ઉંધે શીર લટકા દો. જબ કુછ મેરેકુ બાત કહેનેકુ ચાહે તબ ઉસકુ ઉપર ખીંચ લે કે મેરી પાસ લે આના. આવો હુકમ થતાંજ યમરાજ રૂપી સીપાઇઓએ બીરબલને ઘડામાં દોરી નાંખી કુવામાં ઉતારે તેવી દશા કરી. આ ત્રાસદાયક બનાવ પહેલી રસીક રંભાએ પોતાના મહેલના ઝરૂખામાં બેઠે બેઠે જોયો અને બારીએ ઉંધે મસ્તકે લટકી રહેલા કમભાગ્ય નરને તરત ઓળખી કાઢી મનમાં બોલી કે, હા એજ મારા મનની મુરાદ બર લાવનાર હૈયાનો હાર બીરબલ જ છે અને તેની આવી અપદશા કરનાર પણ પ્રથમ આવી માનભંગ થઇ પાછો જનાર તે નામદારજ હોવો જોઇએ ? હશે હવે તેને આવી દુખદ દશામાંથી કોઇ પણ પ્રકારે ઉગારવો. એવો વીચાર કરી પોતાની દાસીને કહ્યું કે, એક રૂપીઓનો ટોપલો ભર પહેલો પુરૂષ સામે લટકેલો છે તેની નજદીક જઈ ટોપલો ઠલવી પાછો ભરી તરત ચાલી આવજે. તરત દાસી ગઈ અને સુચવ્યા મુજબ કરી પાછી ઘેર આવી. રૂપીઆનો ટોપલો ઠલવી પાછો ભરી ચાલી ગયેલી દાસીને જોઇ બીરબલ સમજી ગયો કે આટલા રૂપીઆ ખરચતાં છુટકો થતો હોય તો યત્ન આદરો એમ પ્રેમાળ પ્રીયાએ સુચવ્યું છે. બીરબલે સીપાઇઓને કહ્યું કે, મને ઉપર લો, બાદશાહને મારી પાસે બોલાવો. મારે તેમને કંઇ કહેવાનું છે. બીરબલની આ વાત સાંભળી સીપાઈઓએ બીરબલને ઉપર ખેંચી લીધો. અને રાજાને વાકેફ કીધો. તેથી બાદશાહ તરત તેની પાસે આવી પૂછ્યું કે ક્યા કહેના મંગતા હય ? બીરબલે કહ્યું કે, હજુર ? યેહી કહેતા હું કે કુછ નજરાણા લેકે ગરીબ બમનકું છોડ દેના ચાહીયે ઇસમેં ખુદા રાજી હય. બીરબલનું આવું સાંભળી બાદશાહ ચીરડાઈ જઈ બોલ્યો કે, ક્યું બદમાસી નહીં છોડતા ? બસ તેરેતો વોહી હાલ મુનાસબ હય. લેકર જાઓ ઉસકો, ફીર લટકા દો. રાજાનો હુકમ થતાંજ કઠોર અંતકરણવાળા સીપાઇઓએ તરત બીરબલને આંચકો મારી ઉભો કરી પાછો ઉંધે મસ્તકે લટકાવી દીધો. આ જોઇ તે મનોરમા બહુ ખેદ પામી અને ઉંડો નીશાશો મુકી મનમાં બોલી કે 'મારી આબરૂ ઢાંકવા માટે આ વીરરત્ન કેટલી બધી વેદના સહન કરે છે, ધન્ય છે એની જનેતાની કુખને ? ઓ વ્હાલા તારું દુખ મારાથી જોયું જવાતું નથી. લાચાર છું, તું જરાપણ ડરીશ નહીં આ પ્રાણ તારા માટે નીરમાણ થયેલા છે. મારાથી બનશે તેટલી મદદ કરી કાળના મુખમાંથી છોડાવીશ.'આમ લવારો લવતી લવતી પાછી ઘરમાં ગઇ અને હીરા માણેક જેવા અમુલ્ય રત્નોના ટોપલા ભરી દાસીને મોકલી પણ તેથી બાદશાહ મોહ ન પામતાં પોતાના વચનને પાળવા માટે દ્રઢ રહેલો જોઇ તે કામીનીએ આબરૂની દરકાર ન રાખતાં તે સુંદરીએ તરત દહીંની દોણી ભરી દાસીને આપી કહ્યું કે, 'જા, ઝટ જા, અને તે જોઇ શકે તેમ તેની આગળ ઉંધી વાળી ચાલી આવ.' દાસી તરત ગઈ અને બીરબલ જોય તેમ દહીંની દોણી ઊંધી વાળી ચાલી ગઈ. આ છેવટની સમશ્યા થતાં જ બીરબલ મન સાથે વીચાર કરી કહ્યું કે, રમાએ અંધારી રાતની અંધારી વાતને અજવાળામાં લાવવાની રજા આપી ચુકી છે તો પછી આ દુખ શા માટે સહન કરવું જોઇએ? આટલું બોલી બાદશાહને અરજ કરવા સીપાઇને જણાવ્યું. સીપાઇએ તરત બીરબલને ઉપર ખેંચી લઇ રાજા સન્મુખ ઉભા કીધા. રાજાને જોઇ બીરબલ ફીકા ચહેરે બોલ્યો કે, સિરતાજ? કલ મેં રાતકી વખ્ત ઇશ શહેરમેં ગમ્મત દેખનેકે લીયે નીકલા થા. ઉસ વખ્ત એક ઓરતને મુજે ઇસારા કીયા,મેં ઉસકે પીછે ચલા. ઉસને કહા કે મેરી શેઠાનીકા ખસમ ઘર નહીં હે, ઓર વો ખાવીંદકે શીવાય બડી બેજાર થઈ રહી હે. ઊસ લીયે આપ ચલીયે ઓર વસ્લકી મજાહ ચખીયે ? મેં તો ઉસકી સાથ ગયા. મહેલમેં દાખીલ હુવા, બતી જલ રહીથી, એક પલંગ બીછાયા હુવા થા, વ્હાં જાકે મેતો બેઠ ગયા, પીછે ઉસકી શેઠાનીને એક દુધકા કટોરા ભર કર મેરે આગળ ભેજા, ઓર લાંડી બોલી કે દુધ કીસકા હે, મેંને જુવાબ દીયા કે ભેંસ કે ગાઈકા હોગા એસા કહેકર દુધ પી ગયા, ફીર ફુલોંસે ભરી એક છાબ મેરા તરફ ભેજી, મેં તો વો ફુલોકા બીછાના બના કર સો ગયા, બાદ એક અતલસકા કપડા મસલકે ભેજા ઓર કહા કે ઇસકું અચ્છી તરાહશે જમા કે દો. મેને બ્‍હોત મહેનત કી લેકીન ઉસકી ગઠી ન જમનેસે ચીડાકે ફેંક દીયા. યહે સબ હકીકકત સેઠાની સુનકર બડી ખફા હો ગઇ, ઓર કહેને લગી કે એસે હેવાન ગધેકું કહાંસે ઉઠા લાઇ ? માર ધકા ઓર નીકાલ દે બહાર. એસા કહેકે લોંડીને મુજે આકે ઉઠા કર બુરે હાલશે દાદરસે નીચે ગીરા દીયા. ઉસ્સે મેરા તો હડી નરમ હો ગઇ, ખુનભી નીકલા મગર કરના ક્યા? ઇશક બાજી હે બુત પરસ્તે હર દ્રશુ રાકાર નેસ્ત, ધોલ છકડ લાત મુકી આબરૂ દરકાર નેસ્ત ઓર લેને ગઇ પુત ઓર ખો આઇ ખસમ વઇસા મેરે પર હાલ ગુજરા. ક્યા કહુ નામદાર સારી રાત મુસીબતમેં નીકાલી ઓર ફજરસે ઉંધે સીરસે લટકબ હું ? સુના હોગા કે રંડીયોકે યાર સદા ખ્વાર, કાટોંકા બીછાના ઓર જુતીઓકાં માર,' બીરબલની આવી મુખવાણી સાંભળતાંજ બાદશાહ ખડ ખડ હસી પડી બોલ્યો કે, 'વાહ બીરબલ વાહ ! તુને અચ્છી બાત બનાઇ ? તેરા તો નહીં મગર મેરી તો એસી બે આબરૂ હુઇથી ? ખુદા જાને કેસી ચાલાક ઓરત ? એસી ઓરત મેને અબતક દેખી નહીં હે ? તુને તો ખુબ એસ આરામ લુટ લીઆ ઓર મેને તો માર ખાયા, નીંદ ગુમાય, મુરખ બનકર મકાન પે આયા?' બીરબલે ગંભીરતાથી કહ્યું કે 'જહાંપના ? જુ કીશ લીએ કહેતે હો કે આપપે એસી ગુજરી ? તોબાહ ! તોબાહ. બાદશાહે કહ્યું કે, 'બીરબલ, અબ સતાના છોડ દે, બોત હુઇ, કુછ કહેનેકી બાત નહીં ? અબ ખુદાકે વાસ્તે જી જલાના નહીં. અબતો તેરીબી ચુપ ઓર મેરીબી ચુપ. બોત બાત ફેલાનેસે ઇજતપે ધબ્બા પડેગા. લેકીન તેરી બાહોંસી દેખ કે મેં બહોત ફીદા હુઆ હું, ઓર ચહાતા હું કે અબ મેરી ચસ્મોકે આગુસે કભીતું દુર મત રહેના, જો ચહીએ સો, લે જા. ઓર હમેશ મેરા રાજકારોભારમેં કાબીલ હોકર મોજ ઉડા. આજસે મેં તેરેકુ કોલ દેકર કસમ ખાકર કહેતા હું કે તેરેસે કોઇ તરેહકી જુદાઇ નહીં રખુંગા ઓર અજીજ દોસ્તકી મુવાફીક નીભાઉગા'. બીરબલે પોતાના નસીબનો ઉદય થયેલો જોઈ બાદશાહને હાથ જોડી નમ્રવાણીથી બોલ્યો કે, 'જેસા આપકા હુકમ, મેંતો આપકા તાબેદાર હું. જો કુછ ફરમાવોગે વોહ ફરમાન બજાનેકે લીયે બંદાભી શીર જુકાકે હાજર હે.' અરસ પરસ સ્નેહની નીકટ ગાંઠ બંધાઇ. ત્યાર બાદ સર્વ વાતે બીરબલ સમૃદ્ધિવાન બની બાદશાહના દરબારમાં સર્વથી માનીતો અને બુદ્ધિશાળી ગણાવા લાગ્યો. સાર - સમજાય એવો છે એટલે વધારે લખવાની કશી જરૂર નથી પણ એટલું તો કહ્યા વગર ચાલતું નથી કે બુદ્ધિશાળી પુરૂષ ને સૌ કોઈ ચાહે છે. અને બુદ્ધિબળે કરીને એક ગરીબ માણસ પણ ઉંચા પદને પામી મોટું માન મેળવે છે. માટે આ જગતમાં જેમાં બુદ્ધિ અને ચતુરાઇ છે તેજ અમુલ્ય વસ્તુ છે.

-૦-