બીરબલ અને બાદશાહ/દુરીજનની દુષ્ટતા
← લાડ અને કપુર | બીરબલ અને બાદશાહ દુરીજનની દુષ્ટતા પી. પી. કુન્તનપુરી |
રંડીયોકા યાર સદા ખુવાર → |
દુરીજનની દ્રુષ્ટતા ઉપર વાત નીકળતાં ગંગ કવિએ કહ્યું કે, ગરીબ પરવર ! જરા સાંભળો.
અકારણ ક્લેશ કરે ઇષારમેં અંગ જલે,
રંગ દેખી રીઝે નહીં દ્રષ્ટિ દોષ ખડે
આપકો ન કરે કાજ પરકો કરે અકાજ,
લોગનકી છાંડી લાજ અસુયામેં અડ્યો હે;
મન બાની ક્યા ક્રુર ઓરકું બતાવે શુર,
કામ ક્રોધ હો હજુર બીધીને ક્યું ઘડ્યો હે;
કહત હે કવી ગંગ શાહનકે શાહ શુરા,
દુનીયામેં દુઃખ એક દુરીજનકો બડો હે.
'દુરીજન માણસ પોતાની દ્રુષ્ટતાનો કદી પણ ત્યાગ કરતો નથી.'
શાહે આ કવીત સાંભળી બીરબલને કહ્યું કે, 'બીરબલ ! ગંગ જેવા કવી રત્નો વીનાની દરબાર કદી પણ શોભતી નથી ?'
બીરબલ - ખાવીંદ ! ગંગ જેવા બારોટોની સહાયતાથી જ કેટલીક વેળા તો યુદ્ધમાં ફત્તેહ મળે છે. લશ્કર થાકી ગયું હોય તે વખતે આવા કવી રત્નોજ પોતાની કવીતા કહી સંભળાવી તેમની થાક ઉતરાવી નાખે છે એટલું જ નહીં પણ નામરદને પણ મરદ બનાવે છે.
શાહે બીરબલને ધીમેથી કહ્યું કે, 'ગંગ સાથે વધારે વીનોદ થાય એવું કરો.'
બીરબલ--'સરકાર ! આપના હુકમનીજ ખોટી છે.'
શાહ--મને એક ચરણ યાદ આવ્યું છે તેની પાદપુર્તી કરવી છે. તે ચરણ.
આ ખાનગી દરબારમાંથી કોઈ કરી આપો જોઇએ? ગંગ--હજુર ! એ પાદપુર્તી થઈ તો ચુકી છે. સાંભળો.
સવૈયો
તારાકી જોતમેં ચંદ્ર છુપે નહીં,
સુર છુપે નહીં બાદર છાયો;
રન ચઢ્યો રજપુત છુપે નહીં,
દાતા છુપે નહીં ઘર મંગન આયો.
ચંચલ નારકો નેન છુપે નહીં,
પ્રીત છુપે નહીં પુઠ દીખાયો;
કવી ગંગ કહે સુન શાહ અકબર,
કર્મ છુપે નહીં ભભુત લગાયો.
જેમ તારાના તેજથી ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડતો નથી, વાદળથી કાંઈ સુરજ છુપાઈ જતો નથી, ખરો શુરવીર રજપુત છુપાઇ રહેતો નથી, દાતાર પુરુષ દાન દેતી વખતે છાનો રહી શકતો નથી, ચંચલ સ્ત્રીની નેણો પણ સંતાઈ શકતી નથી, પીઠ બતાવેથી સ્નેહ છુપાવી શકાતો નથી, કવી ગંગ કહે છે કે, હે અકબર શાહ. સાંભળો કે, તેમજ ભભુત લગાડવાથી કર્મ છુપાઇ શકતું નથી.
આ સાંભળી શાહે ગંગને કહ્યું કે, હે ગંગ ! કર્મ વગરનું બીજું બધુંએ છુપાવવું હોય તો છુપાવી શકાય કે નહીં ?
ગંગે કહ્યું કે, 'નામવર ! એવો પણ વખત હોય છે કે, એક કર્મ વગર બંધુએ સંતાડી શકાય છે તે માટે જરા સાંભળો.
સવૈયા
દીન છુપે તથવાર ઘટે,
ઓર સુર છુપત હે ગ્રેનકો છાયો;
ગજરાજ છુપત હે સીંહકો દેખત,
ચંદ્ર છુપત અમવાસ આયો;
પાપ છુપે હરી નામકો જાપત,
કુળ છુપે હે કપુત કો જાયો,
કવી ગંગ કહે સુન શાહ અકબર,
કર્મ ન છુપેગો છુપો છુપાયો.
અર્થ--તીથી ઘટવાથી એક દહાડો ઘટી જાય છે તે છુપાયા સમાન છે, ગ્રહણના યોગથી સુરજ પણ છુપાઇ જાય છે, સીંહને જોતાંજ હાથી છુપાઈ જાય છે, અમાસને દહાડે ચંદ્ર પણ છુપાઇ જાય છે, અને ખાનદાની કુળમાં કોઈ કપુત ઉત્પન્ન થાય તો તેનું ખાનદાની નામ બદનામીમાં છુપાઈ જાય છે. કવી ગંગ કહે છે કે, હે શાહ ! આટલા બધા છુપાઈ શકાય છે, પણ કર્મને છુપાવી શકાતું નથી.
શાહ અને ત્યાં હાજર રહેલા બધા દરબારીઓ ગંગની આવી અદભુત કવિતા સાંભળી આનંદ પામ્યા, અકબરે તેને તેના લાયક સરપાવ દીધો.