બીરબલ અને બાદશાહ/નદી શા માટે રડે છે ?

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  દાન કરતી વખતે કોનો હાથ નીચે બીરબલ અને બાદશાહ
નદી શા માટે રડે છે ?
પી. પી. કુન્તનપુરી
સબસે બડા કોણ ? →


વારતા પાંસેઠમી.
-૦:૦-
નદી શા માટે રડે છે ?
-૦:૦-

રાજ હઠ, બાળ હઠ, યોગી હઠ, શડકણી નારી હઠપુરણ કરવી ન સહેલી.

ચોમાસામાં જમના નદીના કીનારા પર આવેલા રાજ મહેલમાં એક સમે અકબર શાહ સુતો હતો. તેવામાં એકાએક નદીમાં સપાટાબંધ પાણીનું પુર આવ્યું. તેનો ખળખળાટ સાંભળી શાહ વીચાર કરવા લાગ્યો કે હમણા અરધી રાતની વખતે આ નદી રડે છે તેનું શું કારણ હશે ? હજી સુધી મારા રાજમાં કોઇ પણ દુખી નથી છતાં શા દુખથી નદી આટલો બધો વીલાપ કરતી હશે ? એજ વીચારની લ્હેરમાં ચઢી જઇને ચોકીદારોને બોલાવીને પુછ્યું કે, આ સમે નદી શા માટે રૂદન કરી રહી છે ? આ પ્રમાણે શાહનું બોલવું સાંભળી ચોકીદારોએ તેનો જવાબ ન આપવાથી શાહે તરત કેટલાક દરબારીઓને તેજ વખતે બોલાવીને તેજ સવાલ તેઓને પુછવાથી, તેઓ તેનો જવાબ ન આપવાથી શાહે તરત બીરબલને બોલાવવા માટે સીપાઇને મોકલ્યો. અરધી રાતે સીપાઇને આવેલો જોઇ, બીરબલ મન સાથે કહેવા લાગ્યો કે, 'હમણાં શું કામ હશે ? શા માટે બોલાવ્યો હશે ? ગમે તેમ હો. પણ જવું તો જોઇએજ ?' આવો વીચાર કરી તરત બીરબલ સીપાઇ સાથે નીકળી શાહ હજુર આવી સલામ કરી શાહ આગળ આવી બેઠો. તે જોઈ શાહે તરત બીરબલને પુછ્યું કે, 'નદી શા માટે રડે છે ?' શાહનો આ સવાલ સાંભળી બીરબલે મનમાં વીચાર કીધો કે, વરસાદના જોરથી એકદમ નદીમાં પુર આવ્યું છે, તેના ખળભળાટથી શાહ ઝબકી ઉઠ્યો છે, તેની શંકાનું સમાધાન કરવું જોઇએ. આમ વીચારીને બીરબલે કહ્યું કે, 'હજુર ! નદી રૂવે છે કારણ એ છે કે, નદીનું માવીતર પર્વતમાં છે, અને સાસરૂં સમુદ્રમાં છે. માટે માવીતરથી નીકળી પોતાના પતિ રૂપ સમુદ્રને મળવા જાય છે. માટે સંસારના વ્યવહાર પ્રમાણે સાસરે જતા, થતાં માબાપના વીયોગને લીધે રૂવે છે. એ સાંભળી શાહ ઘણો ખુશી થયો, અને ખરા કારણનો ખુલાસો જાણવામાં આવવાથી બીરબલની બુદ્ધિ માટે ઘણીજ તારીફ કરવા લાગ્યો.

સાર - રાજા અને વિદ્વાનો ગમે તેવા બુદ્ધિવંત હોય પણ તેમના અંતરમાં જે શંકા ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન અનુભવી, વીદ્વાન અને જ્ઞાનીજ કરી શકે છે.


-૦-