લખાણ પર જાઓ

ભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૧ લો

વિકિસ્રોતમાંથી
←  અંક ૧: પ્રવેશ ૩ ભટનું ભોપાળું
અંક ૨: પ્રવેશ ૧
નવલરામ પંડ્યા
અંક ૨: પ્રવેશ ૨ →


અંક ૨ જો.
પ્રવેશ ૧ લો
(સ્થળ - ભોળાભટનું આંગણું.)

શિવ૦-(વાંસાપર સોળ પડ્યાછે તે વાંકી વળીને જોતાં જોતાં તથા હાથ પંપાળતાં પંપાળતાં) મુઓ એ ધણી ને બળ્યું એ સંસારમાં રહેવું ! (દાંત પીસીને) મને એવું થાય છે કે એ પીટ્યાનીજ કાંઈ વેતરણ કરૂં ?

(હરિયો અને કમાલખાં આવે છે.)

હરિ૦-અલ્યા કમાલ, હવે શું કરિયે ? વૈદનું નામજ આપણે ભૂલી ગયા ને.

કમા૦-સેઠ બોત કફા હોયગા, અપની નોકરી જાનેકા બખત આયા હૈં. તુંબી કેસા બેવકૂફ કે નામહી ભૂલ ગયા.

હરિ૦-ત્યારે તું કેમ ભૂલી ગયો ? યાદ રાખિયેની.

કમા૦-બંમનકા બડા અટપટા નામ અમકું ક્યા યાદ રહેવે ?

હરિ૦-હવે કરવું સું ? કમાલ૦-અબી પીછા સુરતકા રસ્તા પકડના.

હરિ૦-પેલી બૈરીને તદબીર પૂછી લેની.

કમા૦-(શિવકોર તરફ ઘાંટો પાડી) એય ! તુમકું માલુમહૈં બૈદ ઉસકા નામ ક્યા તો -ઓ -ઓ બૈદ કિદર રહેતા હૈ ?

શિવ૦-(મનમાં) એની કાંઈ વિતરણ તો કરવી ખરી.

હરિ૦-મુંગાને બોલતાં કરે એવો અહાં કોઈ વૈદ રહેતો નથી ? બૈરી, ઓ બૈરી.

શિવ૦-લંબજીભા, તને તો એવા વૈદનો ખપ પડે એવું મને લાગતું નથી.

હરિ૦-બાઈ, તું જાણેછે કે અમે મજાક કરિયેછ, પણ એમ નથી, અમારી સેઠાણી મૂંગી થઈ ગઈછે તેથી સેઠે અમને વૈદ તેડવા મોકલ્યા છે, પણ તેનું ભોગજોગે અમે નામ ભૂલી ગયા, અને હવે જો અમે તેને તેડ્યા વગર પાછા જઈયેછ, તો અમને પાણિચું મળે એવું છે.

શિવ૦-હાં, એક એવો વૈદ રહે છે પણ તે તારી સો સેઠાણી મરતી હોય પણ આવે એવો નથી.

હરિ૦-એજ, એનું ઘર બતાવોની. તેડી જવો તો અમારા હાથમાંછે. નહિ આવે તો ટીંગાટોળી કરીને લઈ જઈશું.

શિવ૦-(મનમાં) મારા હૈયાના હારની ખબર લેવડાવાની મ્હાદેવે મને ઠીક બુદ્ધિ સુઝાડી. (ચાકરોને) જો તમે એને તેડી જાઓ, તો એ તમારી સ્હેઠાણીનો રોગ તો બોલતાં બોલતાં કહાડી નાંખે. વૈદકના કામમાં તો એની જોડી નથી, અને તેમાં મુંગાને બોલતાં કરવાની માત્રા તો એના બાપની જ.

કમા૦-મહેરબાની કર કર ઈસકા મકાન બતાઓ.

શિવ૦-તમારો પિતંદર આવે તો સ્હુ થિયું ? એ ઘરમાંથી બારણે નિકળે એવો નથી, પણ તમે જો ઘડી એક હાં ફર્યા કરશો તો તમને મળશે, કેમકે કોઈ કોઈ વખત એ ઘાસના ભારા લેવા ખેતરે જાય છે.

હરિ૦-વૈદ તે ઘાસના ભારા લાવે !

કમા૦-ઓ તો જડીબુટી હોયગી.

શિવ૦-ના, ના, એ તો કંઈ નવી તરેહનું મનખ રે ભાઈ.

કમા૦-ઈલમી કે સીર કુચબી એબતો હોવે.

શિવ૦-અરે ! એતો એવો છે, કે તમે તેને મારશો ત્યાં લગી, એમ નહિ કહે કે હું વૈદછું; અને વળી હું અગાઉથી કહુંછું કે દશવીશ, ઝપાટા ચ્હોડી કહાડશો ત્યાં લગી, એ નાની નાજ કહ્યા કરવાનો. એનો ખપ પડે છે ત્યારે અમારે સઘળાને એમ કરવું પડે છે.

હરિ૦-એ ઘણી હસવા જેવી વાત છે.

શિ૦-એ ઘણી હસવા જેવી-અને આવા મ્હોટા મનખને વળી એવી ગાંડાઈ શી.?

કમા૦-હકીમકા કામ બરાબર આતાહૈ ? શિવ૦-આતાહૈ ! એની જોડી તો લાવો. છ મહિના ઉપર એક બૈરીની સઘળા વૈદોએ આશા છોડીતી, અને ખરેખર એને બોલાવ્યો ત્યારે તો તે ચોકે મુએલીજ પડી હતી. પણ એણે જતાં વારનેજ, કંઈ પાતરાં જોડે લાવ્યો હતો તેને વાટીને પાંચદશ ટીપાં તેના મ્હોમાં મૂક્યા, અને તે ટીંપા તેના ગળામાં ઉતર્યા નહિ, એટલામાં તો તે બૈરી ચોકેથી ઉઠીને ફરવા લાગી.

કમા૦-અજબ !

શિવ૦-અરે ! પંદર દહાડાપર એક પોર્યો માળાપરથી પડી ગયો તો તેના હાથપગ, ને માથું, એ સઘળું ભાગી ને લોહીલોહાણ થઈ ગયુંતું પણ આપણા વૈદની જરા પૂજા કરીને ત્યાં તેડી ગયા એણે કંઈ એવું તેલ તેને શરીરે ચોળાવ્યું, કે દેખદેખતાં તે છોકરો ઉઠીને રમવા દોડી ગયો.

હરિ૦-ઓ ! નવાઈ ! નવાઈ !

કમા૦-શોભાન અલ્લા ! બડા અજબ ઈલમી !

હરિ૦-પણ મુંગાંને સારા કરેછે ?

શિવ૦-મુંગાના સ્હા ભારછે ? અમારા ગામના જોશ્હીની વહુ જન્મની મુંગી હતી, તેની જીભ ઉપર એણે કંઈ એવો લેપ ચોપડાવ્યો, કે જોસ્હી બાર રાસી ગણે તો બાવી ગણે એવી થઈ છે.

હરિ૦-એજ વૈદને તેડવા મોકલ્યા હસે.

શિવ૦-હું કહુંછું તે વૈદ તો ઓ પેલો આવે.

કમા૦-કહા ? ઓ !

શિવ૦-એજ, એ આપણને જોઈને ભરાઈ જાય છે.

કમા૦-ચલબે, હરિયા, ઝપટશે, અબી બાત કરનેકા બખત નહિ હૈ. બાઈ, તુમને બોત મ્હેરબાની કીઈ.

શિવ૦-જાઓ. પણ જોજો હો ! મારતાં આલસ નહિ કરતા. મ્હાદેવ કરશે તો તમારું કામ પાડ પડશે (મનમાં) મારુંતો પાર પડશેજ.

હરિ૦-અમે એ વાતમાં કસર કરીએ એવા નથી તો.

-૦-