ભટનું ભોપાળું/અંક ૨ જો/ પ્રવેશ ૪ થો
← અંક ૨: પ્રવેશ ૩ | ભટનું ભોપાળું અંક ૨: પ્રવેશ ૪ નવલરામ પંડ્યા |
અંક ૩: પ્રવેશ ૧ → |
પ્રવેશ ૪ થો
(સ્થળ : ઝૂમખાશાહનો ઉતારો.)
ભોળા૦- કેમછે ઠુમકાશાહ?
ઝુમ૦-મહારાજ, મ્હારૂં નામતો ઝુમખો છે.
ભોળા૦-ભુલ્યો માફ કરજો . કનકવાને ઠુમકા મારેછ કની, તે બોલ મ્હોડે રહી ગએલો તેથી એમ બોલાઈ ગયું. હવે નહિ ભુલું. વારૂં જુંમાખાં-
હજા૦-મહારાજ જુંમાખાં તો મુસલમાનનું નામ.
ભોળા૦-ભેંસમુંડા ! વચમાં મુંડી ઘાલવાનું તને કોણે કહ્યું? બચારા પરદેશીની મજાક કરેછ કે?
હજા૦- એનું નામ જુંમાખાં છે, કે મેં મજાક કરી એમ કહેવાય.
ભોળા૦-એણે પોતે મને કહ્યું તે કરતાં તું વધારે જાણે કે?
નથ્થુ૦- મહારાજ, એમનું નામ તો ઝુમખાંશાહ.
ભોળા૦-સેઠ, એ ઝાંજના જેવું ઝુમઝુમિયું નામ મને તો નહિ આવડે.
નથ્થુ૦-વારૂ મહારાજ, હવે એની નાડ જુઓ.
ભોળા૦-સેઠ, તમારે તમારી પોરીની ચંતા નહિ રાખવી. હજા૦-મહારાજ, એ સેઠની પોરી કહાં છે?
ભોળા૦- પોર્યાની પોરી હોસ્હે. પણે તે પોરીજ કહેવાય.
નથ્થુ૦-મહારાજ, એતો હું પનવાનોછ તે કણ્યા.
ભોળા૦-અરર ! મ્હેંતો મુરતમાંજ પંચમાસીનું છમાસી કીધું. પણ સેઠ, અજાણ્યો ને આંધળો બરાબર.
નથ્થુ૦-હોય,તમે સું જાનો?
ભોળા૦-આ બૈરી – અરે – નાની છોકરીના મ્હોં ઉપર રોગતો કોઈ જણાતો નથી. એને તો ગોકુળિયો રોગ થયો છે.
નથ્થુ૦-વૈદરાજ, એતો હસે છે.
ભોળા૦-એતો સારૂં માંદું માણસ હસે ત્યારે એમ જાણવું કે રોગા જવાનો.
વારૂ, (મનમાં) એને શું કહું ? બહેન કહેવી પડશે. હોય, બધા વૈદ કહેછ કની, કહી તેમાં કંઇ થઈ ગઈ? (મ્હોટેથી) વારૂ, બહેન, તને શું થયું છે? શો રોગ છે?
ચંદા૦- ઊંઊં! ઊંઊં! ઊંઊં!
ભોળા૦-શું કહેછ, બહેન?
ચંદા૦- ઊંઊં! ઊંઊં! ઊંઊં!
ભોળા૦-શું ? શું ? શું ?
ચંદા૦- ઊંઊં! ઊંઊં! ઊંઊં!
ભોળા૦- ઊંઊંઊંઊં! તે શું ? એમાં મને એક અક્ષર સમજણ પડતી નથી. આ તો સ્હસ્હરી જાતની બોલી?
ઝુમ૦-વૈદરાજ, એજ રોગછે તો. એ મુંગી થઈછે અને તેનું કારણ કંઈ માલમ પડતું નથી. અને એ રોગને લીધે તો એનાં લગન અટકી રહ્યાંછે.
ભોળા૦-હેં ! જીભ બંધ થઈ તેમાં શું બગડ્યું?
ઝુમ૦-શેઠ મુંગીને પરાણવાની ના કહેછ.
ભોળા૦-વા ! એવો તો મૂરખ કોણ, કે જેને મુંગી બૈરી નહિ ગમે? વારૂ. આ ઊંઊંઊં રોઅથી કંઈ દરદ થાય છે?
ઝુમ૦-ના, દરદ તો કંઈ નથી થતું.
ભોળા૦-એ નઠારૂં. રોગ માંહેનોમાંહે ઘુમરાયા કરેછ. વારૂ, ખાવાપર રૂચિ થાયછે?
ઝુમ૦-થાય છે તો ખરી.
ભોળા૦-સેઠ, મને એજ ડર હતો. આવા રોગમાં ખાધા પર રૂચિ થાય તે બહુ ખોટું. એતો પેટનો દાહ, સેઠ, પેટનો દાહ. (મનમાં) કોઈને ત્યાં ઓસડ કરવા જઈએ ત્યારે પહેલાં તો સારૂં હોય તોપણ બધુંનઠારું જ કહેવું, કે ઘરનાં ડરે, ને પછી સારૂં થાય તો આપણને જશ મળે, ને મરે તો કાસળ જાય.
નથ્થુ૦-વારૂ મહારાજ, હવે નાડ જુઓની.
ભોળા૦-જોઊંછું. શેઠ જોઊંછું, આવતાં વારને તરત નાડ જોવાની ધૂર્તશાસ્ત્રમાં ના કહી છે. હજા૦-હા રે મારે પણ કોઈક દહાડો વૈદને ત્હાં જવું પડેછે, ત્યારે કંઈ નહિ તોપણ ઘડી એક વાત કર્યા પછીજ નાડ હાથમાં પકડેછે.
ભોળા૦-(મનમાં) વાત કરાવે નહિ તો પછી રોગ જાણે કહાંથી? (મ્હોટેથી) તેનુંકારણ એમછે કે ચાલવાના શ્રમથી નાડમાં ફેર પડી જાય છે. ઘડીએક બેસે ત્યારે નાડ પાછી ઠેકાણે આવે.
નથ્થુ૦-પણ એને કહાં ચાલવું પડ્યુંછ?
ભોળા૦-(મનમાં) આતો શેઠે પકડ્યા હો. (મોટેથી) પણ હું ચાલીને આવ્યોછકની, સેઠ, જોનાર હું કે બીજો. સેઠ, નાડિજ્ઞાન બહુ દુર્લભ છે, સહેજ વાત નથી. એના ઊંડા ભેદ છે. કાંઈ વિદ્યા પણ જોઈએ, ને કાંઈ તરક પણ જોઈએ.
ઝુમ૦-સેઠ, શાસ્તરની વાતો આપણે શું સમજીએ?
ભોળા૦-વારૂ, બહેન, ત્હારો હાથ લાવતો (ચંદા હાથ આગળ કરે છે) ઓ હે!! આ નાડ ! મુંગી થાય તેમાં નવાઈ શી? નાડ જ મુંગી થઈ ગઈ છે તો, (મનમાં) હું નાડ ક્યાંછ તેજ નથી જાણતો એટલે મ્હારે મન તો મુંગીજ છે તો.
ઝુમ૦-પરીક્ષા તો બરાબર કીધી.
ભોળા૦-અરે સેઠ, નાડ તો મુડદાના જેવી મુંગી થઈ ગઈ છે. રોગ બહુ ફેલી ગયો છે. જો એક ઘડી મોડો મને બોલાવ્યો હોત, તો આ કામ હાથમાં રહેત નહિ. સેઠ રોગ બહુ કપરોછે, બહુ કપરો છે. પુછવાનીજ વાત જ નહિ.
નથ્થુ૦-વૈદરાજ , તમારી ખબડદારીની આગળ એ રોગના સા ભારછે? તમારાં પગલાં થયાં એટલે બધાં સારાં વાનાં થસે.
ભોળા૦-તે તો ખરૂં, સેઠ પણ અમે વૈદલોક કંઈ પરમેશ્વરના દીકરા નથી. અમારા લાખ્યા પહોંચે ત્યાં લગી તો અમે કરવામાં કંઈ કસર નહિ રાખિયે પણ એની નાડ તો જુવો, આવી નાડ તો મેં મારા જનમમાં કોઈની જોઈ નથી.
ઝુમ૦-વૈદરાજ, તમારે ખોળે માથું મુક્યું છે.
નથ્થુ૦-મહરાજ, તમારે સરણે આવ્યા છઈએ; મારો કે ઉગારો.
ભોળા૦-સેઠ, હું કઈ મારૂં ચાલશે ત્યાં લગી આળસ કરવાનોછ? કંકુનો ચંલ્લો સૌને વહાલો છે. પણ શાસ્ત્રમાં કહ્યું છે :-
मुंगीश्च नाडे सकळं रोगाणी, आशा न तस्यं नच नारि सत्यं.
એટલે "ગદ્ધા ચલંતી પિત્તરોગ જાણ્યું" કહેતાં ગદ્ધા ચલતી એટલે ગધેડાની પેઠે ચાલે છે એવી જે નાડ તે ઉપરથી પિત એવો જે રોગ તે જાણવો. (એ પ્રમાણે શ્લોક દરેક વાર ઉથલાવી ઉથલાવીને) કુતરાને પેથે ચાલે તે વાયુ, અને ગરમી ક્યારે જાણવી કે બિલાડાની પઠે ચાલતી હોય ત્યારે; પણ मुंगीश्चनाडे એટલે જો મુંગી નાડ હોય તો સો રોગ વ્યાપી રહ્યા છે એમ જાણવું. आशा न तस्यं કહેતાં તેની આશા ન રાખવી, જેમકે એટલેनच नारि सत्यं એટલે નારિ કહેતાં સ્ત્રી તેનામાં સત્ય કહેતાં સાચું બોલવાની જ્ઞાની પુરુષો આશા રાખતા નથી.
ઝુમ૦-અરર! મહારાજ એમશું બોલોછો? મ્હારે તો ઓંધળાની ઓંખ્યછે.(આંખમં આંસુ ભરાઈ આવે છે.)
ભોળા૦-આપણા હિંદુ લોકો રડવામાંજ તૈયાર. અંગ્રેજ લોકો હઈયાના કેવા કઠણ હોય છે.
નથ્થુ૦-અરે !અરે !શીજી મહારાજ, ઘડપનમાં કેમ કેમ કરતાં આ રતણ મને મળતું તું તે હાથમાંથી જતું રહેવાનું કે?
ઝુમ૦-અરે ભગવાન ! આ શોડીને પરન્યા પછી આ રોગ લાગ્યો હોત તો આટલું નહિ લાગત.
ભોળા૦-જાઓ, જાઓ, સેઠ એમ શું બોલો છો? તમે પૈસાના સગા દેખાઓ છો, માણસ નથી.
ઝુમ૦-મહારાજ, મ્હોડેજ કહેવાયછ. શોડી પરણાવતા જેને ખરચ લાગેછે, તે પરણ્યા પહેલા કે પરણ્યા પછી મૂઈ વાંછેછ?
નથ્થુ૦-વૈદરાજ, તમે જો એને સારૂં કરો તો સો રૂપીઆની મ્હારે તમને કંઠી પહેરાવવી.
ભોળા૦-(મનમાં) આટલા ડરાવ્યા તો સો રૂપિયા આપવા તૈયાર થાયછ. હવે જરા હિંમત આપીએ. (મોટેથી) રૂપિયાનું તો કાંઈ નહિ. હું તો જશનો ભુખ્યોછું. જગતમાં કહેવત છે કે ઉંઉંનું ઓશડ નહિ, પણ મહાદેવજી કરે તો હું એને બોલતી કરૂં ત્યારેજ મ્હારૂં નામ ખરૂં.
ઝુમ૦- વૈદરાજ, હું પણ તમારો ગણ વેસરવાનો નથી, ફુલ નહિ તો ફુલની પાંખડી, પણ હું તમારી શેવા કર્યો.
નથ્થુ૦-વારૂ વૈદરાજ, એ રોગનું નામ શું?
ભોળા૦-એના શાસ્ત્રમાં, સેઠ ઘનાં પ્રકાર લખ્યા છે. એકનું નામ ક્ષુદ્રઘંટિકા, બીજાનું નામ અશ્વસ્થામા, ત્રીજાનું નામ ત્રિપુટસુંદરી, ચોથાનું નામ અનુષ્ટુપછંદ, પાંચમાંનું નામ યજુર્વેદ અને છઠ્ઠાનું નામ જામદગ્નિ.
ઝુમ૦-ઓહો ! કેવાં કેવાં નામ એમને આવડેછ.
ભોળા૦-સેઠ, એવા છ પ્રકારનો એ રોગ થાય છે. એ અક્કેક પ્રકારના પાછા વીસવીસ પ્રકારછે. પણ તમને સમજણ નહિ પડે તેથી કહેતો નથી. ભેંસની આગળ ભાગવત! તમારા આગળ ખરૂંને ખોટું બધું સરખું!
નથ્થુ૦-પણ મહારાજ, કંઈ વિદ્યા ઢાંકી રહેછે? તમારી બોલવાની છટા ઉપરથી જ જણાય છે.
ભોળા૦-અમે અમારાં વૈદ લોકની સભા મળી હોય, ત્યારે મને બોલતો સાંભળો, તો તમે તો દીંગજ થઈ જાઓ. ઝુમ૦-વારૂ, મહારાજ, આ રોગ શાથી થયો હશે?
ભોળા૦-એમાં શું પુછોછો? એ મુંગી થઈ છે તેનું કારણ એ કે એની જીભ બંધાઈ ગઈછ.
નથ્થુ૦-પણ મહારાજ, જીભ સાથી બંધાઈ ગઈ હસે?
ભોળા૦-સર્વત્ર વૈદકશાસ્ત્રમાં એમ કહેલુંછ કે જીવ્હાની ચલન શક્તિમાં વિધ્ન આવ્યાથી જીભ બંધાઈ જાય છે.
ઝુમ૦-પણ તે વિધન સાથી આવતું હશે?
ભોળા૦-એ વિષે ધનવંત્રી વૈદ કેવું સરસ લખી ગયાછ જો-અરે ! શું મઝેનું લખ્યુંજ જો!
નથ્થુ૦-હોશે, વૈદરાજ.
ભોળા૦-વા! ધનવંત્રી વૈદ કેવા સમર્થ પુરુષ હતા! શું વિદ્યા ને શું ડહાપણ જો તેમનું ! અંશીજન,સેઠ, અંશીજન, હાલના વૈદો સાળા સેખી કરેછ પણ તેમને શું આવડેછ? આ રોગ વિશે ધન્વંત્રી વૈદે એવું લખ્યું જ કે જાણે-જાણે-પણ આ તો આડી વાત ચાલી. આ વિદ્નનું કારણ એ છે, કે જઠરાગ્નિમાંથી ગળે આવીને ધુમાડો અટકી રહ્યોછ. એ ધુમાડાનું નામ શાસ્ત્રમાં ધુમાડો-ધુમાડોજ છે. એ ઉપર એક શ્લોક સાંભળો.
रमि श्चैवौरेवौ रणिकरणि कैवो रद रद ।
लता लस्त्यं कस्त्यं प्रणिक धनशामो अभिमनौ,
भलंभल्लां भल्लं रमल मल मल्लं वलवलीं । ।
કમા૦-ભિસ્મલ્લા ! ક્યા કાબેલ અદમી હૈ !
નથ્થુ૦-ઓહો ! કેવો અઘરો અશ્લોક છે. બોલતાં જીભના કકડે કકડા થઈ જાય પણ એ તો પાણીના રેલાની કાણી બોલ્યા જાયછ.
ઝુમ૦-શેઠ, તમારા શુરત તરફના વૈદ તો વૈદજ. દેખુ.
ભોળા૦-આ અશ્વનિ કુમાર વૈદનો જાતનો કરેલો શ્લોક છે, તેમાં એમ કહ્યું , કે પેટમાં દોઢ આંગળ ઊંચો સાડાચાર આંગળ લાંબો અને પોણા ત્રણ આંગળ પહોળો ચુલો છે. તેમાં સુક્ષ્મ રૂપે અગ્નિ પુરણ પુરૂષોત્તમ ભગવાને જાતે પ્રગટાવી મુક્યો છે. એ અગ્નિ નિરંતર બળ્યા કરે છે. એમાં જે લાકડાં હોય છે તેને ફારસીમાં હેમકે હજૂર કહે છે. એ લાકડામાંથી ધુમાડો નિકળે છે. તે બહુજ વ્યથા ઉપજાવનારો છે. એ ધુમાડો પેટ સફ આવે ત્યાં લગી તે દ્વારે નિકળી જાય છે, અને તેથી સુખાકારી શરીરમાં રહે છે.
નથ્થુ૦-ખરું કહોછ, વૈદરાજ. એક દહાડો જો મને વા સરતો નથી તો મારો જીવ ગભરાઈ જાય છે.
ભોળા૦-એ ધુમાડો જો ઉપર ચડે તો ગળાં આગળ એક સ્નાયુ (જેને આરબીમાં અબ્લે અબ્લા કરીને કહે છે) તેમાં ભરાય. હવે પ્રાણત્માને સ્નાયું કહેતાં ભુંગલીને નીચલે છેડે હોય છે. તેની ઉપર જ્યારે ધુમાડો ચઢી જાય, ત્યારે જીવ્હા અને પ્રાણાત્મા વચનો સંબંધ તુટી જાય છે, અને તે કારણને લીધે બોલવામાં વિધ્ન આવીને પડે છે. કેમ શેઠ સમજ્યા?
નથ્થુ૦-વા ! વા! વૈદરાજ, તમે તો છેક એકડે એકથીજ વાત કહી સંભળાવી, ને પછી સમજ્યામાં શું પુછોછો?
ઝુમ૦-તમે કહ્યું તે બરાબર છે, પણ મને એક જરા શક એ છે, કે આટલા દહાડા હું તો એમ જાણતો હતો, કે પ્રાણાત્મા તો રૂદયમા છે; અને તમે તો ગળા આગળ કહોછ.
ભોળા૦-એમ ઘણા હજામ વૈદો કહેછ, પણ જે પ્રાચીન વૈદકશાસ્ત્રનાં પુસ્તક ભણ્યાં છે, તે સમજેછ કે એ વાત જુઠી છે. એનું તમને એક પ્રમાણ આપું. તમારી છાતીમાં અથવા પેટમાં મુક્કો મારૂં, તો તમને ઘણું દરદ નહિ થાય; પણ ગળા ઉપર જો તાકીને જોરથી લગાવું કની, તો તમારો પ્રાણ ટપ નિકળી જાય. હવે બોલો, પ્રાણાત્મા ખરો કહાં જણાવો? કહો તો, તેમ કરી બતાવું.
ઝુમ૦-વૈદરાજ, અપરાધ ખમા કરો.
ભોળા૦-હોય, કંઈ ફિકર નહિ. વૈદકશાસ્ત્રમાં તમે શું સમજો ? તમે કાંઈ શિખ્યા છો? કે તમારે કંઈ ધંધો છે? હવે સેઠ સાંભળજો. આ ધુમાડાથી પ્રથમ તો જીભ બંધ થઈ જાય છે, અને ઘણી મુદ્દત સુધી જો એ ધુમાડો એ ભુંગળીમાં પ્રવેશ કર્યા કરે તો પ્રાણાત્મા ગુંગળાઈ જાય, અને તેથી માણસ મૃત્યુ પામે.
નથ્થુ૦-એ ધુમાડો એના શરીરમાંથી નિકળી જાય એવો કંઈ ઉપાય કરવો જોઈએ, મહારાજ.
ભોળા૦-એનો ધુમાડો હું કહાડું ત્યારેજ ખરો.
। । पर्वाळाचि भस्मेभ्यां । । मुगो रोगश्चमुच्येते । ।
એટલે सुवर्ण કહેતાં સોનું તથા હીરા, તથા મોતી તથા माणेक्यं કહેતા માણેક. એ ચાર વસ્તુની ભસ્મ તથા પર્વાળાની ભસ્મ. એની એક ગોળી એક આપી હોય તો રોગ જતો રહે.
નથ્થુ૦-વૈદરાજ, ગમે તેમ કરીને સારૂં કરો.
ભોળા૦-સેઠ, સોનાં રૂપાં કંઈ અમારા ઘરમાં પાકતાં નથી. તમે સો રૂપિયા કહ્યાછ તે ગમે તો આપજો નિકર નહિ, પણ એ ગોળી તો અકેકી પાંચ પાંચ રૂપિયે પડેછે તેથી તેનો ખરચ તો અગાડીથી આપવો પડશે.
નથ્થુ૦-પાંચ પાંચ રૂપિયા તે કંઈ અપાય, મહારાજ?
ભોળા૦-ત્યારે તમારી મરજી. અમારી પાસે કંઈ ભાવ કરવાની વાત નથી. આપણા લોકોથી પૈસા ખરચાય નહિ ને પછી વૈદનો વાંક કહાડે. જેવા બે પૈસા, તેવાં ઓસડ! બાકી જો કોઈ પૈસા ખરચનાર હોય, તો આપણાં શાસ્ત્ર તો એવાં છે કે બે ઘડી મુએલાને બોલાવિયે, સેઠ, મુએલાંને બોલાવિયે. (જવા તૈયાર થાય છે.)
ઝુમ૦-જાઓ, મહારાજ, ઓસડના ઝંઈ મારે આપવા. ગોળિયો કહાડો. ભોળા૦-તમે તો વેશ કરોછો. મારી પાસે ગોળીજ નથી તો આપું ક્યાંથી ? સેઠ બેસો. હું તો જાઉંછું (જવા માંડે છે.)
નથ્થુ૦-(ભોળાભટનો હાથ પકડી બેસાડે છે.) બેસો, બેસો, વૈદરાજ, ગોળી કહાડો.
ભોળા૦-(કોથળી છોડીને) આ ત્રણ ગોળી એકવાર ખવડાવવાની. હું આવું એટલીવારમાં કલાક કલાકને આંતરે ત્રણવાર ત્રણ ત્રણ ગોળી ખવડાવવી - એટલે તમારે ત્રણત્રી નવ ગોળી જોઈશું, પણ એકી ગોળી આપવાની શાસ્ત્રમાં ના કહીછ, માટે દશ આપું છું. (મનમાં) પચાશનો મેળ કરૂની. (મોટેથી) દશના પચાશ રૂપિયા લાવો. એટલી ગોળી ખાધા પછી જો એ બોલે નહિ, તો મને કહેજો. એન કંઈ થાય તો, સેઠ, મ્હારે એની જગોપર સુવું. એ ગોળી વાઘનું બચ્ચું છે ! જ્યાં મુકિયે ત્યાંથી પાર કરીને આવે. સાલુંસોનું રૂપું પડ્યું તે તેઓ ગુણ ભજવ્યા વગર કેમ રહે?
ઝુમ૦-શેઠ, હમણાં તમે રૂપૈયાં આલો પછી હું આલ્યો.
નથ્થુ૦-લો મહારાજ. અમે તમારે ભરોસે છઈએ હો.
ભોળા૦-(રૂપિયા તંબાકુની કોથળીમાં ભરતાં ભરતાં) સેઠ, તમારે લેશમાત્ર ચિંતા રાખવી નહિ. 'અશ્વનિકુમાર ત્હારું ઓસડ' એમ કહીને ગોળી ખવડાવોની પછી જુઓ શું બનેછ.
ઝુમ૦-વૈદરાજ, ગોળી પોંણી સાથે ખવડાવવી?
ભોળા૦-ના, ના. સો પાન મંગાવજો. કેવા પાન જો, કેવડા જેવા પાકાં.
નથ્થુ૦-પાન તો અમે સુરતથી અમે લગન સારૂં પાંચ હજાર લાવ્યા છઈએ.
ભોળા૦-ઠીક છે, બાકી અહિંયા પણ મ્હારું નામ દો, તો નઠારો માલ કોઈ આપે નહી- જાણે કે એના ઓસડમાં નઠારૂં નહિ નીભે. એ પાનના રસમાં ગોળી ખવડાવવી.
નથ્થુ૦-કંઈ ખાધા પીધાનું.
ભોળા૦-લુખી બાજરીની ખાખરી, ને મેથીની ભાજી. જો કરીમાં કસર રાખી, તો બધા પૈસા છુટી પડશે, અને એ બાઈ ઝાંહે જશે - ઝાંહે જશે! હું આગળથી કહું છું અમારી માત્રા કંઈ બીજાના જેવી નહિ, એતો વાઘનાં બચ્ચાં ! ધાર્યું કામ ટપ કરે, પન જો વીફરે તો જીવ લીધા વગર પણ રહે નહિ. (મનમાં) નાઠાબારી હમેશાં રાખવી જો. (મોટેથી) હું શું કહું છું તે યાદ રાખજો હો.(જાય છે.)
નથ્થુ૦-એ વૈડની હોંશિયારીને વિડ્યામા તો કંઈ કસર નથી, પણ લગાર જાતે સ્હાડાતન ડેખું.
ભોળા૦-(જતો જતો સાંભળીને મનમાં) સ્હાડાત્રણ થઈને કામ કહાડી લેવું એજ ખેલ છે તો.