લખાણ પર જાઓ

ભટનું ભોપાળું/અંક ૩ જો/ પ્રવેશ ૧ લો

વિકિસ્રોતમાંથી
←  અંક ૨: પ્રવેશ ૪ ભટનું ભોપાળું
અંક ૩: પ્રવેશ ૧
નવલરામ પંડ્યા
અંક ૩: પ્રવેશ ૨ →


અંક ૩ જો

પ્રવેશ ૧ લો

(સ્થળ - ઉતારાનો ઓટલો)

હરિo - કેમ મહારાજ, એને સારૂં થસે કે?

ભોળાo - ભાઇ, રોગ તો મહા કપરો લાગ્યો છે, સેઠને મ્હોડે શું કહિયે, પણ હું તમને ચેતાવી જાઊંછુ. હું તો આગળથી જાણુછ કે એ રોગ સારો થવાનો નથી.

ટાકો ટીકો કર્યા કરશું, તો બીજો બગાડ નહિ થાય, પણ બોલતી તો જન્માંતરે પણ થવાની નથી. બીજા વૈદને બોલાવશે, તો તે પૈસા ખાઇ જશે; પણ પૃથ્વીની પીઠમાં એ રોગ કહાડે એવો તો કોઇ મળવાનો નથી.વારૂં, લાવ, તારી નાડ જોઊં.

હરિo - ના માહારાજ. તમ સરખાના પુનથી મ્હારા તો નખમાં પણ રોગ નથી.

ભોળાo - એ તો બહુ નઠારૂં, ભાઈ, બહુ નઠારૂં. નખમાં રોગ નહિ હોય તે સારૂં નહિ. જ્યારે શરીરમાં કોઇ રોગ હોતો નથી, ત્યારે લોહીનું જોર બહુ વધી ગયાથી મગજે ગરમી થઈ જાય છે.

नहीं रोगो नहीं अच्छा, चढे लोहिश्च मस्तके।

भवंती ते दिवानायां, अतिरुपे सिता हरि ।।

ભાઇ કહેવત છે, "અતિશયં સર્વ વર્જિતં." તેમ અતિશય કંઇ સારૂં નહિ. સીતામાં અતિશય રૂપ હતું તો રાવણ હરી ગયો. એમ શરીર અતિશ્ય સારૂં હોય તે કંઇ ઠીક નહિ. લેઃ આ ઓસડ.

હરિo – વા! વા! વૈદરાજ, આતો પીવાની બીડી છે. લાવો, હું એની તો ના નહિ કહું. એકની ગમે તો દશ આપોની.

ભોળાo - લોહીની ગરમીને એ તો બાળી નાંખે છે. એનો મહા ગુણ છે.

હરિo - એજ જાતે ગરમી તે ગરમીને શું બાળે? એ વાત તો વૈદરાજ મનાય એવી નથી.

ભોળાo - બચ્ચા, તું શું સમજે. ગરમી ગરમીને મારે.

કમાo - હકીમજી, તુમ તો બડા રમુજી આદમી હો. ઓ સાલાતો દેઢસેર ખાતા હૈં, ઈસકું દવા કૈસી?

ભોળાo - મિયાં, તુમબી કુચ ઓસડ લો તો બોત અચ્છા, તુમકું જુલાબ ચહિયે. મ્હેં દઊં તુમકું?

કમાo - તુમેરા જુલાબ તુમેરી પાસહી રખો. મ્હેંતો હકીમકુંબી જુલાબ દઊં ઐસા હું, તુમકું અબી રસ્તે મ્હેં દિયાથા સો ભુલ ગયે?

ભોળાo - એમજ? ચાલો, હવે હિયાં ઘરાક મળતાં નથી ત્યારે શું કરિયે? પરમેશ્વર અમ વૈદલોકની ફીકર તને છે, માટે કોઇને પણ માંદું પાડતો રહેજે, કે હમારી રોજી ચાલે!

-૦-