લખાણ પર જાઓ

ભદ્રંભદ્ર/૭. જયયાત્રા

વિકિસ્રોતમાંથી
← ૬. માધવબાગમાં સભા ભદ્રંભદ્ર
૭. જયયાત્રા
રમણભાઈ મહિપતરામ નીલકંઠ
૮. હરજીવન અને શિવભક્ત →


૭ : જયયાત્રા ભિક્ષામાહાત્મ્ય - ગોરક્ષા

બે-ત્રણ દિવસ આરામ લઈ, અમે પાછા નીકળ્યા. માધવબાગના દારુણ યુદ્ધમાં શત્રુદલનો સંહાર કરી નાખ્યા પછી કેટલેક ઠેકાણે છૂટક છૂટક છાવણીઓ અર હલ્લો કરવાની જરૂર હતી. અતુલ પ્રરાક્રમ કરી મેળવેલા મહોટા જય પછી લડાઈ જારી રાખ્યાથી અરિબલનો સમૂળ નાશ થશે એવી ભદ્રંભદ્રને ખાતરી હતી. જ્યાં જોઈએ ત્યાં માધવબાગ સભાની કીર્તિ ગવાઈ રહી હતી. વર્તમાનપત્રોમાં સભાના અદ્ભુત વર્ણનો છપાયાં જતાં હતાં. દસ હજાર આદમી સભાના પ્રયોજનને ખાસ લક્ષમાં લઈ કેવાં કામકાજ મૂકી એકઠા થયા હતા, સમસ્ત શ્રોતાજનો કેવા એકાગ્ર ચિત્તે અને રસપૂર્વક ધ્યાન દઈ રહ્યા હતા; વિદ્વાન વક્તાઓ કેવા અજય્ય પ્રમાણથી અને સુશોભિત શબ્દોથી આર્યમત સિદ્ધ કરી રહ્યાં હતા, સઘળા ઠરાવો આખી સભામાં કેવા એકમતે, એકસંપે એકબુદ્ધિએ મંજૂર થયા જતા હતાં; સભામાં ગંભીરતા, શાંતિ, ઉત્સાહ અને આગ્રહ કેવા પ્રસરી રહ્યાં હતાં; તેનાં નવાં નવાં વર્ણન વર્તમાનપત્રોના રિપોર્ટરો તરફથી આવ્યાં જતાં હતાં. બધાના હેવાલમાં એક અનુપમ બુદ્ધિશક્તિ, અદ્ભુતપ્રભાવ, તેજસ્વી મૂર્તિવાળા નવા નીકળી આવેલા વક્તાની અત્યંત સ્તુતિ થતી હતી. તેમના ભાષણના શબ્દેશબ્દનાં બેહદ વખાણ થતાં હતાં, પણ તેમના નામઠામ વિશે કંઈ ખબર કોઈને પડતી નહોતી. સર્વ કોઈ પૂછતા હતા કે એ કોણ છે અને એમનું નામ શું? ભદ્રંભદ્રનું અલૌકિક નામ મુંબઈમાં કોઈએ સાંભળ્યું હોય તેમ જણાતું નહોતું. તેમના પરાક્રમથી જ સર્વ ચકિત થઈ ગયા હતા. ભાષણ કરતાં કરતાં સભામાંથી તે એકાએક અદ્રશ્ય કેમ થઈ ગયા, તે બધાને નવાઈ જેવું લાગતું હતું. તે વિશે હજાર તર્કવિતર્ક બંધાતા હતા. કોઈ વર્તમાનપત્રવાળા કહે કે એમને જરૂરનો તાર આવ્યો તેથી એકદમ ચાલ્યા ગયા. કોઈ કહે કે એકાએક પ્રકૃતિ બગડી આવી તેથી ઊઠી ગયા. કોઈ કહે કે અમારા રિપોર્ટરને ખાસ ખબર મળી છે કે, એ મહપુરુષ એવા નિરાભિમાની છે કે સભા વેરાયા પછી કોઈ એમને મળવા આવે નહિ માટે જાણી જોઈને વચમાંથી જતા રહ્યા. કોઈ તો કહે કે એમણે અનેક દેવતાઓનું આવાહન કર્યાથી સર્વ એમના આમંત્રણને માન આપી, નીચે ઊતરી આવતા હતા, તેમાં પ્રથમ અગ્નિદેવ હતો. તેને જોઈ સામા તેડવા ગયા તેથી અદૃશ્ય થઈ ગયા. આ બધા હેવાલ વાંચી ભદ્રંભદ્રે કહ્યું, 'જગતની માયા એવી છે કે જ્ઞાન-અજ્ઞાન તર્કના ખાડામાં સાથે લીન થઈ જાય છે. તર્ક કરવા એ જ ભૂલ છે. શાસ્ત્રથી જ સત્ય જણાય છે.'

ઘર બહાર નીકળી અમે થોડે ગયા, એટલે એક ગલીમાંથી કોઈ માણસને નીકળતો દીઠો. તેનો ચહેરો પૂરેપૂરો દેખાયો નહિ પણ તે હરજીવન હોય એમ લાગ્યું. તેની નજર અમારા તરફ પડી, પણ તેનું ધ્યાન હોય તેમ જણાયું નહિ; કેમ કે તે એકાએક આગાડી જઈ, બીજી ગલીમાં વળી ગયો. અમે તેને બૂમો પાડતા તેની પછવાડે દોડ્યા, એને કંઈ ઉતાવળનું કામ હશે, તેથી તે પણ દોડતો હતો. ગલીને બીજે છેડે નીકળી તે ક્યાં વળી ગયો તે અમારાથી દેખાયું નહિ, અમે બૂમો પાડતા દોડ્યા જતા હતા. એવામાં એક પોલીસના સિપાઈએ અમને અટકાવ્યા અને પૂછ્યું કે કોની પછવાડી આટલા બધા દોડો છો? અમે ખુલાસો કર્યાથી જવા દીધા અને કહ્યું કે ધાંધલ ના કરો. થોડે ગયા પછી એક ઓટલા પર એક આદમી બેઠો હતો, તેણે અમને હાથ કરી પાસે બોલાવ્યા અને પૂછ્યું, 'કોને ખોળો છો?'

ભદ્રંભદ્રે હરજીવનનું નામ દીધું.

તે કહે, 'અહો! પેલો નૈયાયિક અને ગણેશભક્ત! તે તો સાંભળ્યામાં કંઈ વડોદરે ગયેલા છે. ત્યાં પૂજાનો બહુ મહોટો સમારંભ કરવાનો છે. હજી અહીં આવ્યા નહિ હોય. તમારે એવા મહોટા માણસ જોડે ક્યાંથી પ્રસંગ પડ્યો?'

ભદ્રંભદ્રે હકીકત કહી અને કહ્યું, રૂપિયા કેમ પાછા મોકલવા એ વિશે એ ગૂંચવણમાં પડ્યા હશે.'

પેલાએ પૂછ્યું, 'તમે પાછા ક્યારે જવાના છો?'

ભદ્રંભદ્ર કહે, 'માધવબાગમાં આર્યસેનાનો સંપૂર્ણ જય થયો છે. એક સભામાં આપણો આર્યધર્મ સિદ્ધ થયો છે. પણ હું ધારું છું કે આ નગરમાં હજી ધર્મભ્રષ્ટ લોકો છે. તેઓ આપણા શત્રુઓ છે. તેમને હરાવ્યા વિના હું પાછો જવાનો નથી. હારેલું સૈન્ય ક્યાં જઈને ભરાયું છે, તે શોધી કાઢવાની આવશ્યકતા છે. તેમને વિદિત ન થઈ જાય એમ અમે ભાળ કહાડીએ છીએ. એમની છાવણી ક્યાં છે તે તમે જાણો છો?'

તેણે ઉત્તર દીધો, ' તમારા પહેલા શત્રુઓ તો મુંબાઈના ભિખારીઓ છે. એ બિલકુલ ધર્મ પાળતા નથી અને ગમે તેનું ખાય છે. આ તરફ એક સદાવ્રત પાસે તેમનો મહોટો જથ્થો પડેલો છે. એ લોકો કોઈને ગાંઠતા નથી. તેમના પર હુમલો કરો. પણ જોજો, એ લોકો તમારી પાસે આવશે તો માગવાને બહાને, પણ તમને એવા પજવશે! બતાવશે કે અમે તમારાથી બીતા નથી. પ્રથમ એમનો જય કરો. માધવબાગ સભામાં પત્તો ન ખાધો તેથી એ લોકો બહુ ગુસ્સે થયેલા છે. માટે સંભાળજો. ઊંચે જુઓ. આઘે એમનો વાવટો જણાય છે.'

ભદ્રંભદ્ર કહે, 'પેલા છાપરા પર છે તે?'

'ના, તેની અગાડી ઝાડ પર છે તે. તે તરફ જાઓ.'

એ લોકોને વાગ્યુદ્ધમાં હરાવવાનો નિશ્ચય કરી ભદ્રંભદ્ર તે તરફ ચાલ્યા. અમારા મનસૂબાની પહેલેથી કઈંક ખબર પડી ગઈ હોય એમ જણાયુ. કેમ કે કેટલાક ભિખારી અમને રસ્તામાં મળ્યા. ભદ્રંભદ્રે કહ્યું,' ચાલો જોડે આવો. રસ્તામાં શું ઊભા છો? રણમાં ચાલો.' એમ કહી જે ભિખારી મળ્યા, તેમને હાથ વડે અગાડી બોલાવ્યા. તેમાંના કેટલાક થોડે લગી અમારી જોડે આવી ચાલ્યા ગયા. કેટલાક તો અમારી જોડે ને જોડે જ પછાડી બૂમો પાડતા આવ્યા. કેટલક પોતાના ઘવાયેલા હાથપગ બહુ આગ્રહથી દેખાડવા લાગ્યા. કેટલાકે તો શરીર પર બાંધેલા પાટા છોડવા માંડ્યા, તેથી વાગ્યુદ્ધના વ્રણને અને આ વ્રણને કાંઈ સંબંધ હોય અને આવા વ્રણથી અમે જરા પણ ગભરાતા નથી એમ બતાવવાનો તેમનો હેતુ હોય એમ લાગ્યું. તેમનાથી પહેલા પહોંચવા અમે ઉતાવળા ચાલવા લાગ્યા. અમે પાછા ફરીને તેમની તરફ જોઈએ તેમ તેઓ વધારે ઉશ્કેરાય. તેઓ અમારી પછવાડે દોડવા લાગ્યા. કેટલાક અગાડી આવી અમને આંતરવા લગ્યા. કોઈ કહે, 'એ જ ભિખારી છે, તે આપણને શું આપવાના હતા?'

ભદ્રંભદ્રે ઊભા રહી સર્વ તરફ જોઈ કહ્યું, 'દુષ્ટો! એમ ન સમજશો કે હું તમારાથી છેતરાઈશ. તમારી સર્વ છલમય યુક્તિઓ હું જાણું છું. પૈસા આપવા હોય તો મારી પાસે નથી એમ નથી. જુઓ આ!' એમ કહી ઓઢેલા ધોતિયાને છેડે બાંધેલા પૈસા કહાડવા ગયા તો ત્યાં કંઈ હતું જ નહિ. મારી તરફ જોઈ કહ્યું, 'ઘેરથી લેવા ભૂલી ગયા હઈશું.'

મેં કહ્યું, 'ના, આપણને રસ્તો બતાવ્યો તે આદમી મળ્યો તે પહેલાં મેં તમારા ધોતિયાને છેડે ગાંઠ જોઇ હતી. છેડો તો કપાઈ ગયેલો છે.'

ભદ્રંભદ્ર કહે, 'વખતે માર્ગમાં કોઈ ઠેકાણે ધોતિયું ભરાઈને પૈસા બાંધેલો છેડો કપાઈ ગયો હશે.'

ભિખારીઓ કહે, 'ત્યારે અમને બોલાવો છો શું કામ?'

ભદ્રંભદ્ર કહે, 'દુષ્ટો! હું તમને સારી રીતે ઓળખું છું. તમે તમારી સેનાના ગુપ્ત સંદેશકો છો, અમારી વાત જાણવા છાનામાના આવ્યા છો. પણ હું છેતરાવાનો નથી, શૌર્ય હોય તો સ્પષ્ટ રીતે યુદ્ધ કરવા બહાર પડો. તમારું મથક છે ત્યાં ચાલો. પહેલો હું આરંભ કરીશ. તમે આર્યધર્મ, આર્યનીતિ, પુરાતન આચારવિચાર, એ સર્વથી વિમુખ કેમ થયા છો? તમારાં પ્રમાણ હોય તે લાવો. હું સર્વનું ખંડન કરી નાખવા સમર્થ છું.'

શત્રુની છાવણી પાસે આવતી ગઈ તેમ તેમનો જમાવ વધતો ગયો. તેઓ યુદ્ધ માટે સજ્જ થતા હતા એમ લાગતું હતું. કેટલાક આંધળા થઈ ચાલવાનો પ્રયોગ કરી જોતા હતા. કેટલાક વાગે નહિ તેમ જમીન પર માથું પટકતા હતા. કેટલાક આખાં લૂગડાં કમ્મરે બાંધી ફાટેલાં પહેરી લેતા હતા. કેટલાક શરીરના સાજા ભાગ પર પાટા વીંટાળતા હતા. કેટલાક પૈસા આપી, બીજા ભિખારી પાસેથી બરફી ને ભજિયાં વેચાતાં લેતા હતા. કેટલાક માગી એકઠાં કરેલાં લૂગડાં વેચતા હતા. કેટલાક અમુક અમુક મહોલ્લામાંની કમાણી વિષે ચર્ચા કરતા હતા. તેમની આ વિવિધ યુક્તિઓ જોઈ, ભદ્રંભદ્રને શક ગયો કે એ લોકો પોતાની ખરી યોજનાઓ છુપાવવા આ પ્રયોગ કરે છે. હાંલ્લામાં દાળ અને લૂગડામાં વિવિધ વાનીઓ લઈ એક ભિખારીકુટુંબ ખાવા બેઠું હતું. તેનો વડીલ, છોકરાને કહેતો હતો કે 'નવ વાગે ને રોજ પેલી પારસી શેઠાણીના ઘર આગળ જવું. એકાદ જણ લંગડો થઈ ચાલજો અને આપે તે થોડું ઝટપટ ખાઈ જજો એટલે બીજું બહુ આપશે. ગાડી આવતી-જતી ન હોય તો ભૂખે પડી જજો. બબરચી પણ બહુ સારો છે!'

ભદ્રંભદ્રે એકાએક બોલી ઊઠ્યા. 'પાપી લોકો! તમે યવનોનું અન્ન પ્રાશન કરો છો. ધર્મભ્રષ્ટ થાઓ છો. આર્ય રૂઢિઓનું ઉલ્લંઘન કરો છો. ભ્રષ્ટાચારમાં મગ્ન રહો છો. નાતજાતના પૂછ્યા વિના ભિક્ષા સ્વીકારો છો. પરનાતિયો સાથે વ્યવહાર કરો છો. વર્ણાશ્રમનો ધર્મ પાળતા નથી, તમારી પાસે કંઈ શાસ્ત્રાધાર છે? વેદવાક્ય બતાવી શકો છો? સ્મૃતિપુરાણમાંથી દૃષ્ટાંત આપી શકો છો? અને સ્મૃતિનો આધાર હોય તો કઈ સ્મૃતિ છે. તે પ્રથમ કહો. વેદ વિરુદ્ધ અર્થ કરશો ત્યાં હું આધુનિક કોશના અર્થ સ્વીકારવાનો નથી, શબ્દ પ્રમાણથી ઈતર પ્રમાણ હોય તો તે લાવતાં વિચાર કરજો. તર્કને મહત્ત્વ આપશો તો મૂઢ ગણાશો. તમારે કયો વાદ ઈષ્ટ છે, વિવર્ત, પરિણામ કે પ્રધાન તે વિદિત કરવો એ તમારું કર્તવ્ય છે. વિવાદ કરવો એ કંઈ સહજ નથી. મેં વાગ્યુદ્ધમાં દિગ્વિજય મેળવ્યો છે. ઇષ્ટ મત સર્વત્ર સિદ્ધ કર્યાનો સંતોષ અનુભવું છું. કહી દો, દુષ્ટો! તમારે વિગ્રહ કરવો છે કે શરણે આવવું છે?'

આ ક્રોધાયુક્ત વચનોથી ભિખારીઓમાં ઝાઝો ક્ષોભ થયો હોય એમ લાગ્યું નહિ. મુંબઈના બીજા શ્રોતાજનોની પેઠે તેમનું ટોળું ભરાયું નહિ. રસ્તે જતાં-અવતાં પાઈ પૈસા ફેંકનારા લોકોની તરફ એમનો વધારે સમૂહ આકર્ષાતો હતો. ભદ્રંભદ્રના ભાષણથી તેઓ બહુ ચકિત થયા હોય એમ જણાયું નહિ. જેને ભદ્રંભદ્રે સખત ઠપકો આપ્યો, તે કંઈ કહેવા જતો હતો, પણ પાસે બેઠેલા ભિખારીએ તેને કહ્યું, 'એ તો સદાવ્રતનો નવો ભૈયો છે.' તેથી કંઈ બોલ્યા વિના તે અમારી તરફ પીઠ કરીને બેઠો. આ બેદરકારીથી ભદ્રંભદ્રનો ક્રોધ બમણો વધ્યો. એમણે તો ધાર્યું હતું કે આ ઉપાલમ્ભથી તે એકદમ વાગ્યુદ્ધમાં ઊતરી પડશે અને પ્રથમ વ્યાકરણના પ્રશ્ન પૂછી એકદમ એને માત કરી દઈશ. નિરાશાથી ખિન્ન ન થતાં અમે શત્રુદળમાં અગાડી વધ્યા. કેટલાકનું ધ્યાન ખેંચાયું. તેમણે. 'શેઠ, શેઠ,' કહી હાથ ધર્યા. કેટલાકે તો સૂતાંસૂતાં જ પૈસો નાખવા પાથરેલું લૂગડું બતાવ્યું. તેમની આ મન્દતા અમને ઠગવાનો ઢોંગ હતો એમ માલમ પડ્યું. સદાવ્રતના બારણાં જેવા ઊઘડ્યાં કે સર્વ ભિખારીઓ તે તરફ એકદમ ધસ્યા. કેટલાક ગુંસાઈ તો પહેલેથી બારણા આગળ ઊભેલા હતા. પછાડીથી ધસતા ભિખારીઓની ભીડમાં ભદ્રંભદ્ર અને હું પણ તે તરફ ઘસડાયા. ચારે તરફથી ઘેરી લઈ છળથી આ મુજબ ઘસારો કરવાની શત્રુઓની યુક્તિ જોઈ ભદ્રંભદ્રે બૂમ પાડી કહ્યું, 'દુષ્ટો! છળથી મને ઘેરી લેશો, પણ વાગ્યુદ્ધમાં કેમ જય પામશો? મારી બુદ્ધિ કશાથી ડગે એમ નથી.' કોઈ સાંભળવા થોભે એમ નહોતું. સદાવ્રતના બારણાં આગળ બહુ પડાપડી થઈ. અમને અગાડી ધકેલાતા અટકાવવા સારુ કેટલાક અમારાં લૂગડાં ખેંચવા લાગ્યા. કેટલાક અમારા ખભા પરથી હાથ લાંબા કરવા લાગ્યા, કેટલાક દાણા લઈ પાછા વળતાં અમને હડસેલવા લાગ્યા. પ્રમાણની નિર્બળતાને લીધે આમ શત્રુઓએ કરેલી શારીરિક પીડથી ભદ્રંભદ્ર અકળાયા નહિ, પણ અથડાતા-કૂટાતા બારણા આગળ આવી પહોંચ્યા કે તરત ઉપર ચઢી ગયા. સદાવ્રતના મુખ્ય નોકરને ઘેર મોકલાતી સીધા-સામાનનએએ થાળી ખેંચવા કોઈ ધસ્યું છે, એમ જાણી બારણા ઉપર ઊભેલા આદમીએ ભદ્રંભદ્રને ધક્કો લગાવી નીચે પાડ્યા. પણ નીચે ઊભેલા ટોળાના સબળ આગ્રહથી ભદ્રંભદ્ર પાછા ઉપર આવ્યા. આ હઠ વધારે પહોંચત પણ મેં બૂમ પાડી કહ્યું ' આ સત્પુરુષ તો ગૃહસ્થ છે, ભિખારી નથી.' તેથી ભદ્રંભદ્રને બારણાં પર ટાકવા દીધા.

હાંફતા, કંઈક નરમ પડી લોભરહિત ચેષ્ટા કરી ભદ્રંભદ્રે પોતાની નિસ્પૃહા સિદ્ધ કરી અન્નાદિ વહેંચનારને સંશયમુક્ત કર્યો. મહોટા ટોળાને બોધ કરવાનો આ બહુ સારો લાગ છે, એમ જાણી ભદ્રંભદ્રે ભાષણ કરવા માંડ્યું. મારા વચનથી ભીડમાં હડસેલાતા બચ્યા હતા. તે મહાપુરુષની માફક લોભરહિત સ્મરણ કરી મારા પર સહેજ અપ્રસન્ન દૃષ્ટિ કરી બોલ્યા:

'અંબારામ! તેં મને સત્પુરુષ જણાવી ભિખારીથી જુદો પાડી ગૃહસ્થ કહ્યો તે યથાયોગ્ય નથી કર્યું. ગૃહસ્થ પેઠે ભિખારીઓ પણ શ્રેષ્ઠ વર્ણના હોય તો સત્પુરુષ હોઈ શકે છે. બ્રાહ્મણને તો ભિખારી હોવું એમાં કૈ શોભા છે. ભીખ માગવી એ જ બ્રાહ્મણનો ધર્મ છે. એ લક્ષણથી આ કલિયુગમાં બ્રાહ્મણ ઓળખાય છે. તે જ માટે આ સર્વ મંડળને મારે ચેતવણી આપવાની છે કે ભીખ માગવી એ તો માત્ર બ્રાહ્મણનો જ અધિકાર છે બીજા વર્ણના માણસો ભીખ માગી બ્રાહ્મણ થવા પ્રયત્ન કરી જન્મથી આવેલો શાસ્ત્રોક્ત જાતિભેદ ઉલ્લંધી પાપમાં પડે છે. હે દુષ્ટો! તમને કોણે ભીખ માગવાની રજા આપી? વર્ણાશ્રમના ધર્મનો અતિક્રમ તમને કોણે શીખવ્યો? તમે શું એમ સમજો છો કે ભીખ માગવી, એ બહુ હલકું કામ છે, માટે આપણને કોઈ પૂછશે નહિ? પાશ્ચાત્યવિદ્યામાં જડવાદીઓના મોહમય અર્થશાસ્ત્રમાં કદી એવી ભ્રમિત કલ્પના હશે કે ભીખ માગવી એ હલકું કામ છે. પણ આપણાં આર્યશાસ્ત્રોની વ્યવસ્થા જુદા જ દૃષ્ટિબિંદુ પર છે. આપણાં શાસ્ત્રોએ તો ભિખારીઓને જ ઉત્તમ કહ્યા છે. ભિખારીઓને જ ભુદેવ કર્યા છે. સકળ મનુષ્યજાતિમાં શ્રેષ્ઠ વર્ણને ભીખ માગવાનું સોંપ્યું છે. એ જ સિદ્ધ કરે છે કે આપણાં શાસ્ત્રો અનુપમ છે. તો મૂર્ખો! પાશ્ચાત્ય કેળવણીના મોહથી લોભાઈ તમે ભ્રમિત માર્ગે કેમ ચઢ્યાં અને ઉત્તમ વર્ણનો ધર્મ કેમ શાસ્ત્રાજ્ઞાવિરુદ્ધ લઈ બેઠા? ભીખ માગવાથી આલસ્ય વધે છે, બુદ્ધિમાનની વૃત્તિ ઉદ્યમ કરવામાં શિથિલ થાય છે, ઉદ્યમીના શ્રમનું ફળ નિરુદ્યમી ખાઈ જાય છે, વિદ્યાભ્યાસની ઇચ્છા ઓછી થાય છે, આવા આવા દુષ્ટ પાશ્ચાત્ય વિચારો શું તમે સત્ય માની બેઠા છો? શું હાલ ચાલે છે તે બધું બરાબર નથી કે બ્રાહ્મણોની હાલની વૃત્તિ શાસ્ત્ર-વિરુદ્ધ હોઈ શકે કે અયોગ્ય હોઈ શકે? પાશ્ચાત્ય લેખકોમાં પણ જેમને સત્યનું કંઈક જ્ઞાન આર્યદેશથી મળ્યું છે તેઓ તો ભિખારીના ધંધાથી ઉત્તમતા જડશાસ્ત્રનાં પ્રમાણોથી સિદ્ધ કરે છે. જુઓ જગતપ્રસિદ્ધ પંડિતશિરોમણિ ફેડ્રીજેકીડર - જે નામ અબાલવૃદ્ધ મનુષ્યમાત્રને જાણીતું છતાં અજ્ઞાન સુધારાવાળાઓને આશ્ચર્યથી ચકિત કરે છે કે, તે લખે છે કે, "મનુષ્ય દેહમાંથી ઝરતો પ્રાણવાયુ સવેગ થઈ વાતાવરણને ઉષ્ણ કરી દે છે માટે ભિખારી દીન સ્વરથી તે વેગ મંદ પડતા કંઈક શીતતા થાય છે, નહિ તો પૃથ્વીમાં રહેવાય પણ નહિ. વળી બ્રાહ્મણથી ઈતર જાતિઓના દીનસ્વરની ગતિ વક્ર થાય છે, તેથી ભૂમધ્યરેખા સાથે કાટખૂણો થતો નથી અને તેથી પ્રાણવાયુનો વેગ મંદ પડતાં સમૂળગો અટકી જાય, તેથી હિંદુ શાસ્ત્રકારોએ બ્રાહ્મણને જ માગવાનો અધિકાર આપ્યો છે." આ સિદ્ધ કરે છે કે આપણા શાસ્ત્રકારોએ એમના સમયમાં ન જણાયેલા ગતિના નિયમો લક્ષમાં લઈ આજ્ઞાઓ કરી છે, માટે તેઓ ત્રિકાળજ્ઞાની હતા એમાં કંઈ શક રહેતો નથી. અજ્ઞાન સુધારવાળાઓ જ આ શાસ્ત્રાજ્ઞાને વહેમ કહે છે અને વહેમ હોય તોપણ ભીખ માગવાથી લાભ થતો હોય તો તે શા કામ માટે મૂકી દેવું? તો શું પતિતજનો, તમે સુધારાના મોહમાં પડ્યા છો કે ભીખ માગવા માંડી છે? બ્રાહ્મણોને અપાતી ભીખમાંથી ઓછું કરો છો, એ પાપની તમને વિસ્મૃતિ થાય? ભીખ માગી જગતનું વાતાવરણ બગાડી નાખો છો તે તમને છતી આંખે સૂઝતું નથી? તમારે હાથે એ કામ કેવું હલકું થઈ ગયું છે, તેનું એક દ્રષ્ટાંત મેં હમણાં જ જોયું. તમારામાંનો એક ભિખારી-શાસ્ત્રાનુસાર ભિખારી નહિ પણ ભિખારીના વેષધારી યવનનું અન્ન ગ્રહણ કરે છે. જ્યાં લગી ભીખ માગવાનો ધંધો એકલા બ્રાહ્મણને હાથ હતો, ત્યાં લગી કદી આવી ભ્રષ્ટતા જોવામાં આવતી નહોતી. ભિખારીના ગુણકર્મમાં જાતિ પ્રમાણે ભેદ પડે એ આશ્ચર્યકારક લાગશે, પણ એમાં જ આર્યવ્યવસ્થાનું ડહાપણ છે. આર્યસંસ્કારમાં ઊછરેલો બ્રાહ્મણ માંસ-મદિરાના સ્વીકાર માટે પાશ્ચાત્ય રૂઢિનું નહિ પણ આર્યદેશમાં ઉત્પન્ન થયેલા શક્તિમાર્ગનું પ્રમાણ બતાવશે, હાલ શું નઠારું કહેવાય છે તેની અવગણના કરશે અને અસલી રૂઢિ પ્રમાણે ન્યાયાસને બેસી દ્રવ્યદાનના અસ્વીકાર વડે લોકોને ખોટું નહિ લગાડે; મૂઢ દ્વૈતવાદીના નીતિ-અનીતિના મિથ્યા ભેદમાં શ્રીકૃષ્ણથી ડાહ્યા થવાની ધૃષ્ટતા નહિ કરે; ખૂન કરનાર પર લોકોનો દ્વેષ, અમર આત્મા મરતો નથી એ બ્રહ્મજ્ઞાન વડે ભ્રમિત જાણી વ્યવહારદ્રષ્ટિએ ખૂની કહેવાતાનો નાતમાં અને પંક્તિમાં સ્વીકાર કરશે. પણ પરનાતિનું અને યવનનું અન્ન તો કદી પ્રાશન નહિ કરે અને પ્રાશન કરનારનો સંસર્ગ પણ નહિ કરે. આર્યસંસારનું એ મહત્ત્વ છે. તર્કગામી પાશ્ચાત્ય બુદ્ધિથી તેનું રહસ્ય સમજાય તેમ નથી. પણ હે ભ્રષ્ટજનો! તમે એ આર્યસંસ્કારરહિત હોવાથી તે અનુસાર ઉત્પન્ન થયેલી રૂઢિનું હાર્દ સમજતા નથી. ભોજનવ્યવહારમાં શાસ્ત્રનું પ્રમાણ માગવું એ જ અનાર્યત્વ છે. આડંબરમિશ્ર નામે એક આર્ય કહે છે કે જેમ લાંચ લેવી એવું શાસ્ત્રમાં પ્રમાણ નથી તેમ પરનાતિનું અન્ન ન ખાવું એવું શાસ્ત્રમાં પ્રમાણ નથી તે છતાં તે ખાવાનો અધિકાર નથી. આવાં શાસ્ત્રરહસ્ય તમે શૂદ્રો સમજી શકો નહિ. કર્તવ્ય-અકર્તવ્યનો ભેદ કરી શકો નહિ, પરમાર્થ દ્રષ્ટિએ કર્ત્વય-અકર્તવ્યનો અભેદ જાણી શકો નહિ, માટે શાસ્ત્રોએ ભીખ માગવાનું કામ તીક્ષ્ણ બુદ્ધિના બ્રાહ્મણોને સોંપ્યું છે. કેટલાક અર્ધદગ્ધ સુધારાવાળા કહે છે કે, "બીજાં કામ છોડી જ્ઞાન સંપ્રાપ્ત કરનાર અને લોકોને બોધ દેનાર વર્ગને આજીવિકાનાં સાધન બીજા વ્યવહારી જનો પૂરાં પાડે એ તો ઠીક છે. પણ હાલના કાળમાં બ્રાહ્મણો મૂર્ખ અનક્ષર છે તેમનું શા માટે બીજા લોકો પોષણ કરે?" આર્યવ્યવસ્થાનું રહસ્ય ન સમજવાથી આવી દુષ્ટ શંકાઓ થાય છે. બ્રાહ્મણોના ભીખ માગવાથી થતો એક લાભ તો ઉપર જડશસ્ત્રબુદ્ધિને આધારે બતાવ્યો છે. આધ્યાત્મશાસ્ત્રાદિએ લાભ એ છે કે લોકો પોતાનું દ્રવ્ય બ્રાહ્મણોને આપતાં શીખે, એ અભ્યાસ તે 'આ મારું અને આ પોતાનું' એ માયાના નાશનું પહેલું પગથિયું છે. આ રીતે બ્રાહ્મણો લોકોને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવવા ભીખનો ધંધો કરે છે એટલે શાસ્ત્રનો ઉદ્દેશ સચવાય છે. સક્ષરતા - અનક્ષરત્વ એ સર્વ અપ્રસ્તુત પ્રલાપ છે. વળી સુધારાવાળાઓ કહે છે કે ભિખારી બ્રાહ્મણો તો પ્રેતાન્ન જમી પિશાચ સમ થાય છે. હવે આ સુધારાવાળા જાણતા નથી કે આ શાસ્ત્રવચનનો અર્થ એવો છે કે બ્રાહ્મણો એટલા માટે હાથે કરી પિશાચ થાય છે કે પિશાચવર્ગમાં બીજા બધા પોતાનું કામ છોડી દે એટલે પછી જેમ વિલાયતમાં ભંગિયા પણ સાહેબલોક તેમ પિશાચ પણ બ્રાહ્મણ હોવાથી એ વર્ગમાં પણ ભક્ષ્યાભક્ષ્યનો ભેદ સચવાય માટે આવા સર્વકાર્યકુશળ ભિખારીઓને આર્યસંસારમાં શ્રેષ્ઠ ગણ્યા છે કે તેમના રાજ્યથી પ્રજામાં ઉદારતા, વિદ્વતા, ઉદ્યોગ, શૌર્ય આદિ મહાગુણો પ્રસરતા. નેશનલ કૉંગ્રેસ, બ્રાહમણ વિના બીજા કોઈને ભીખ માગવા ન દે એ સાધવાનું માથે લે તો બધા અનર્થ અટકે અને શાસ્ત્રાનુસાર ભિખારીઓ સર્વોપરી થાય તો પાર્લમેન્ટની પણ જરૂર ન પડે. માટે દુષ્ટો, શાસ્ત્રાજ્ઞા પાળો, વર્ણાશ્રમનો અતિક્રમ બંધ કરો, દેશનું હિત સમજો અને બ્રાહ્મણોના ભીખ માગવાના કામમાં વચ્ચે ન આવો.'

આ લાંબુ ભાષણ સર્વ શ્રોતાજનો સાંભળી રહ્યા. સ્વસ્થ રહી સાંભળવામાં મજા છે એમ જાણી કેટલાક તો આઘા જઈ પોતાની જગામાં પડ્યા. કેટલાકને તો એટલો રસ પડ્યો કે આસપાસ ભ્રમતા પોતાના બંધુઓને સાંભળવા બોલાવવા નીકળી પડ્યા અને કેટલાક એક જણ હાથમાં ભદ્રંભદ્રના માથા પર પછાડીથી મુઠ્ઠીમાં ચોખા ધરી રહ્યો હતો તેની લાલચ ભૂલી જઈ તેની સામું જોતા સ્તબ્ધ થઈ ઊભા. સદાવ્રતના માણસો પર ભાષણની અસર વધારે થઈ હોય તેમ જણાયું; કેમ કે તેમણે ભદ્રંભદ્રને બહુ આગ્રહ કરી સીધું આપ્યું. 'સુધારાવાળાની પેઠે કહેવું કંઈ અને કરવું કંઈ એ મારો માર્ગ નથી. મારા ભાષણને અનુસરી બ્રાહ્મણ છું માટે મારે ભિક્ષા લેવી જોઈએ.' એમ કહી ભદ્રંભદ્રે મને સીધું બાંધી લેવા કહ્યું. આ યુદ્ધનો જય તત્કાળ પ્રસિદ્ધ થયો. અમે સદાવ્રત છોડી અગાડી ચાલ્યા પણ કોઈ ભિખારી અમારી પછાડી ન આવ્યો. 'શેઠ, શેઠ' કહી પજવવાનું સર્વ કોઈએ મૂકી દીધું. ભીખ માગવાનો આપણો અધિકાર નથી એ વાત સર્વએ સ્વીકારેલી જણાઈ.

જયપ્રવૃત્તિ ચાલુ રાખવા અમે બીજું શત્રુદળ ખોળવા નીકળ્યા. થોડે ગયા એટલે એક મારવાડીને પોતાની દુકાન આગળથી એક ગાયને હાંકી કહાડતો જોયો. આ પાપાચાર જોઈ ભદ્રંભદ્રને બહુ ક્રોધ ચડ્યો. મારવાડી તરફ તે જોરથી ધસ્યો અને દુકાને બીજા મારવાડીને બેઠેલા ન દીઠા હોત તો તે વખતે તેના પર પ્રહાર કરત; તોપણ હિંમત ન ખોતા ભદ્રંભદ્રે ક્રોધથી પૂછ્યું:

'પાપી ! પૂજનીય ગોમાતાને વ્યથા કરવા તું કેમ તત્પર થયો છે? પવિત્ર ગોનું રક્ષણ કરવાને બદલે તું તેને બાધા કયા શાસ્ત્રાધારે કરે છે? શા પ્રમાણબળે તું તેની અવમાનના કરે છે?'

મારવાડે પૂરેપૂરું સમજ્યો નહિ, પણ ગાયનું નામ સાંભળી અને તે તરફ ભદ્રંભદ્રની દૃષ્ટિ જોઈ બોલ્યો, 'ઝા, ઝા, દુકાનમાંથી સણા ખાઈ જાયસે ને સોકરાને સીંગડું મારેસે તેને હાંકે તે થારા સું લીયો?'

ભદ્રંભદ્રે ઉત્તર દીધો, 'દુષ્ટ, આપણા એવાં સદ્ભાગ્ય ક્યાંથી કે વણબોલાવ્યે આવીને ગાય આપણું ધાન્ય ખાય અને આપણી પુણ્ય ઈચ્છા થતાં પહેલાં જ આપણને શીર્ષથી સ્પર્શ કરી જાય? તું શું આર્ય નથી કે ગાયમાતાની શાસ્ત્રોક્ત પવિત્રતા તને કહી બતાવવી પડે? તને વિદિત નથી કે ગાયની હિંસા કરનાર ને મનુષ્યહિંસા કરનાર થી ભારે દંડ કરવો એવો આર્યોનો મત છે? શું તારા દુષ્ટ કર્ણ પર આ વાત આવી નથી કે ગાયોને પીડા થતી જોતાં છતાં ટકી રહેલી આ અધમ કાયા ગાયના મલ જેટલી પણ ગણનાને પાત્ર નથી. તેથી ગાયનું શીંગડું વાગ્યે મૃત્યુ પામવું એ પુરુષાર્થ કાશીમાંય પ્રાપ્ત નથી થતો? શું તને એટલું પણ ભાન નથી કે ગાયો તારી દુકાનેથી ધાન્યાદિ ખાઈ પુષ્ટ થશે તો ભરતખંડની સમૃદ્ધિ અમર્યાદ વધી જશે? એક ગાયના દૂધથી એક દિવસમાં બે મનુષ્યનું પેટ ભરાય તેથી એક વર્ષમાં ૭૩૦ આદમીનું પોષણ થાય એ હિસાબે આખી ૪૦ કરોડ માણસની વસ્તીનું ભરણપોષણ ચાર કે પાંચ લાખ ગાયોથી થઈ શકે. આટલી ગાયોનું રક્ષણ થાય તો માણસોને બીજા કશાની જરૂર ન પડે; કેમ કે સહુ પેટ માટે મહેનત કરે છે. ખેતીની જરૂરત ન રહે; ખેતરો, જંગલો સર્વ ભૂમિ ઘર બાંધવામાં કામ લાગે. વરસાદની તાણથી કદી દુકાળ ન પડે. દેશનું બધું દ્રવ્ય બ્રહ્મભોજન, વ્યાપારાદિ અનેક સુમાર્ગે વાપરી શકાય. સરકારને પણ એથી બહુ લાભ છે; કેમકે લોકો સરકારને જોઈને તેટલા કર આપી શકે. માટે પાર્લમેન્ટ અને નેશનલ કૉંગ્રેસની વાતો મૂકી દઈ ગોરક્ષામાં સર્વ હિત સમાયેલું છે તે સમજવું જોઈએ. કોઈ કહેશે કે અમે તો ભેંસનું દૂધ ખાઈ પુષ્ટિ પામીએ છીએ પણ આ વાત અનુભવથી વિરુદ્ધ છે; કેમકે ઘોડાઓ ગાયનું દૂધ પી ઘણા જાડા થાય છે એમ જોવામાં આવ્યું છે.'

છટાદાર ભાષણ સાંભળવાના લોભે માણસોનો કંઈક જમાવ થવા લાગ્યો અને સર્વની વૃત્તિ સ્વસ્થ જોઈ ભદ્રંભદ્ર વધારે ઉશ્કેરાતા ગયા. દુકાન આગળ ટોળું મળવાથી ઘરાક ચાલ્યા જશે એમ જાણી ભેગા થનાર લોકોને મારવાડી ગાળો દેતો હતો. ભદ્રંભદ્ર અને મારવાડી બંને સાથે બૂમો પાડી બોલતા હતા તેથી શાસ્ત્રીઓની સભામાં એક બાજુએ વાદવિવાદ મચી રહ્યો એમ લાગતું હતું. ગાય તો ભદ્રંભદ્રનું ભાષણ થતાં ચાલી ગઈ હતી. પ્રત્યક્ષ દર્શનથી દયા ઉપજાવી ભાષણની અસર સબળ કરવા ભદ્રંભદ્રે રસ્તે જતા એક ખટારાવાળાને ઊભો રાખ્યો અને તેના બળદ તરફ આંગળી કરી મારવાડીને કહ્યું:

'નરાધમ, પ્રમાણબળને અભાવે તું વિહ્વલ થયેલો છે, પણ હજી તારામાં દયાભાવ ઉત્પન્ન થતો નથી, માટે પવિત્ર ગોમાતાના આ ચિરંજીવી પવિત્ર પુત્ર બલિવર્દનું તારે સાંત્વન કરવું યોગ્ય છે. દિલીપે કામધેનુનો શાપ ઉતારવા તેની પુત્રીની આરાધના કરી હતી તેમ તારે પણ તારા વડે અપમાનિત ગોમાતાનો કોપ શમાવવા આ ચિરંજીવ ગોપુત્રની સેવા કરવી જોઈએ. તું એમ ન સમજીશ કે આ બળદ ભારવહનનું કામ કરે છે, માટે તેની ગણના હલકી છે. આ ગાડામાં માટી ભરેલી છે. તે કોઈ ઠેકાણે પાથરવામાં આવશે. તેથી તે સ્થળે ચાલનારા મનુષ્યોના પગને ભૂમિ પોચી લાગતાં તેઓ પ્રસન્ન થઈ વિચારમાં મગ્ન થશે. એમ વિચાર કરવાના પ્રસંગથી અનેક વાર વિચાર કરવાનો તેમને અભ્યાસ પડશે. તેમને વિચાર કરતા દેખી તેમની આસપાસના મનુષ્યોને વિચાર કરવાનું મન થશે અને એમ થોડાં સમયમાં આખા ભરતખંડની પ્રજાની વિચારશક્તિ વધી જશે. વળી આ ગાડામાંની માટી પથરાઈ હશે ત્યાં તે પરથી જનારા ઘોડા, બળદ આદિ પશુઓને પગે કાંકરા ન ખૂંચતા ઘા ઓછા પડશે. તેથી પશુઓના ધણીઓને તે પશુઓના સંબંધમાં ઓછા પૈસા વાપરવા પડશે, તેથી દેશમાં પશુઓ પાળનારની સંખ્યા વધશે અને ગાડી-ગાડાં વધારે વપરાશે. એથી લાકડાંની ખપત વધારે થશે અને વધારે ઝાડ ઉગાડવામાં આવશે. વધારે ઝાડ ઊગ્યાથી આખા દેશની હવા સુધરશે, આવા આવા અનેક લાભ આ બળદના આજના પરિશ્રમથી ફલિત થશે અને સર્વ માટે આ બળદની જનની ગોમાતાનો ભારત ભૂમિ ઉપર ઉપકાર થશે, આ પ્રમાણોથી સિદ્ધ થાય છે. અરે, જ્ઞાનીઓની દૃષ્ટિમાં તો અનાદિ-કાળથી સિદ્ધ થઈ ચૂક્યું છે - કે આ બળદ પૂજ્ય છે, સેવ્ય છે, ઉપાસ્ય છે. માટે, ચાલ, સત્વર પૂજાનો આરંભ કર.'

ક્રોધ અને આશ્ચર્યથી વ્યાકુળ થયેલા મારવાડીને ભદ્રંભદ્ર બળદ તરફ ખેંચવા જતા હતા. પણ અસ્પૃશ્ય રહેવાનો મારવાડીનો વિશેષ આગ્રહ હતો અને એ દુરાગ્રહના મોહે તે બળ વાપરવાને પણ તૈયાર હતો. તેથી વાગ્બાણથી વિશેષ જોર અજમાવવાનું ભદ્રંભદ્રને દુરસ્ત લાગ્યું નહિ. ગાડાવાળો વધારે થોભવાને રાજી નહોતો અને મારવાડી પોલીસને બોલાવવાની બીક બતાવતો હતો. તેથી અમે પણ વધારે રોકાવાને રાજી નહોતા. લોકો ભાષણ સાંભળવાને રાજી હતા. તેથી ગાડામાં ઊભા રહી ગાડું ચાલતું જાય તેમ પાછળ આવતા લોકોના સમૂહને ભાષણ આપ્યા જવું એમ ભદ્રંભદ્રની ઈચ્છા હતી અને તે માટે ગાડાવાળાને પૈસા આપવા માંડ્યા પણ ના કહી તે ચાલતો થયો.

મારવાડી જરા પણ ઉત્તર આપી શક્યો નહિ અને ગાયને પ્રહાર કરતો હતો તેને બદલે હવે બળદ તરફ ખેંચાઈને પણ તેને સ્પર્શ કરવા ચાહતો નહોતો તેથી અહીં પણ જય થયો માની લઈ, અમે કંઈક આરામ લેવા ઘર તરફ પાછા ફર્યા.