મંગળપ્રભાત/૧૪. સ્વદેશીવ્રત

વિકિસ્રોતમાંથી
← ૧૩. સ્વદેશી મંગળપ્રભાત
૧૪. સ્વદેશીવ્રત
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૫. વ્રતની આવશ્યક્તા →



૧૪. સ્વદેશીવ્રત

સ્વદેશીવ્રત આ યુગનું મહાવત છે. જે વસ્તુ આત્માનો ધર્મ છે પણ અજ્ઞાનને કે બીજે કારણે આત્માને જેનું ભાન નથી રહ્યું તેના પાલનને સારુ વ્રત લેવાની જરૂર પડે છે. એ સ્વભાવે નિરામિષાહારી છે તેને આમિષાહાર ન કરવાનું વ્રત લેવાપણું ન હોય. આમિષ તેને સારુ પ્રલોભન નથી એટલું જ નહિ, પણ આમિષ જોતાં તેને ઓકારી આવશે.

સ્વદેશી આત્માનો ધર્મ છે પણ તે ભુલાઈ ગયો છે, તેથી તેને વિષે વ્રત લેવાની જરૂર રહે છે. આત્માને સારુ સ્વદેશીનો અંતિમ અર્થ સ્થૂળ સંબંધોમાત્રથી આત્યંતિક મુક્તિ છે. દેહ પણ તેને સારુ પરદેશી છે. કેમકે દેહ બીજા આત્માઓની સાથે ઐક્ય સાધતાં તેને રોકે છે, તેના માર્ગમાં વિઘ્નરૂપ છે. જીવમાત્રની સાથે ઐક્ય સાધતાં સ્વદેશી ધર્મને જાણનાર ને પાળનાર દેહનો પણ ત્યાગ કરે. આ અર્થ ખરો હોય તો આપણે સહેજે સમજી જઈએ કે આપણી પાસે રહેલાની સેવામાં ઓતપ્રોત થઈ રહેવું એ સ્વદેશી ધર્મ છે. એ સેવા કરતાં દૂરનાં રહી જાય છે અથવા તેને હાનિ થાય છે એવો આભાસ આવવાનો સંભવ છે. પણ તે આભાસમાત્ર હશે. સ્વદેશીની શુદ્ધ સેવા કરતાં પરદેશીની પણ શુદ્ધ સેવા થાય જ છે. જેવું પિંડે તેવું બ્રહ્માંડે.

એથી ઊલટું દૂરની સેવા કરવાનો મોહ રાખતાં તે થતી નથી ને પડોશીની સેવા રહી જાય છે. એમ બાવાનાં બેઉ બગડે છે. મારી ઉપર આધાર રાખનાર કુટુંબીજન અથવા ગ્રામવાસીને મેં મૂક્યાં એટલે મારી ઉપરનો તેમનો જે આધાર હોય તે ગયો. દૂરનાની સેવા કરવા જતાં તેની સેવા કરવાનો જેનો ધર્મ છે તે તેને ભૂલે છે. દૂરનાની આળપંપાળ તે કરતો હોય તેમ બને, એટલે ત્યાંનું વાતાવરણ તેણે બગાડ્યું ને પોતાનું ચૂંથીને તો તે ચાલ્યો જ હતો. આમ દરેક રીતે તેણે નુક્સાન જ કર્યું. આવા હિસાબો અસંખ્ય કલ્પી સ્વદેશી ધર્મ સિદ્ધ કરી શકાય. તેથી જ ‘સ્વધર્મે નિધન શ્રેયઃ પરધર્મો ભયાવહ’ વાક્ય નિકળ્યું છે. એનો અર્થ આમ જરૂર કરી શકાય. 'સ્વદેશી પાળતાં મૃત્યુ થાય તોયે સારું છે, પરદેશી તો ભયાનક જ છે.’ સ્વધર્મ એટલે સ્વદેશી.

સ્વદેશી ન સમજવાથી જ ગોટો વળે છે. કુટુંબની ઉપર મોહ રાખી હું તેને પંપાળું, તેને ખાતર ધન ચોરું, બીજાં કાવત્રાં રચું એ સ્વદેશી નથી. મારે તો તેના પ્રત્યેનો ધર્મ પાળવાનો રહ્યો છે. તે ધર્મ શોધતાં ને પાળતાં મને સર્વવ્યાપી ધર્મ મળી રહે. સ્વધર્મના પાલનથી પરધર્મીને કે પરધર્મને હાનિ પહોંચે જ નહિ, પહોંચવી જોઈએ નહિ. પહોંચે તો માનેલો ધર્મ સ્વધર્મ નથી પણ તે સ્વાભિમાન છે તેથી તે ત્યાજ્ય છે.

સ્વદેશીનું પાલન કરતાં કુટુંબનો ભોગ પણ આપવો પડે. પણ તેવું કરવું પડે તો તેમાંયે કુટુંબની સેવા હોવી જોઈએ. જેમ પોતાને જતા કરીને પોતાને રક્ષી શકીએ છીએ તેમ કુટુંબને જતું કરી કુટુંબને રક્ષતા હોઈએ એમ બને. મારા ગામમાં મરકી થઈ છે. એ રોગની વ્યાધિમાં સપડાયેલાની સેવામાં હું મને, પત્નીને, પુત્રોને, પુત્રીઓને રોકું ને બધાં એ વ્યાધિમાં સપડાઈ મોતને શરણ થાય તો મેં કુટુંબોનો સંહાર નથી કર્યો, મેં તેની સેવા કરી છે. સ્વદેશીમાં સ્વાર્થ નથી અથવા છે તો તે શુદ્ધ સ્વાર્થ છે. શુદ્ધ સ્વાર્થ એટલે પરમાર્થ ; શુદ્ધ સ્વદેશી એટલે પરમાર્થની પરાકાષ્ઠા.

આ વિચારશ્રેણીનો આશ્રય લેતાં મેં ખાદીમાં સામાજિક શુદ્ધ સ્વદેશી ધર્મ જોયો. બધા સમજી શકે એવો, બધાને જે પાળવાની આ યુગમાં, આ દેશમાં બહુ આવશ્યકતા છે એવો કયો સ્વદેશી ધર્મ હોઈ શકે ? જેના સહજ પાલનથી પણ હિંદુસ્તાનના કરોડોની રક્ષા થઈ શકે એવો કયો સ્વદેશી ધર્મ હોય ? જવાબમાં રેંટિયો અથવા ખાદી મળ્યાં.

આ ધર્મના પાલનથી પરદેશી મિલવાળાઓને નુક્સાન થાય છે એમ કોઈ ન માને. ચોરને ચોરેલી મિલકત પાછી આપવી પડે અથવા ચોરી કરતાં અટકાવાય તો તેમાં તેને નુક્સાન નથી, લાભ છે. પડોશી શરાબ પીતાં કે અફીણ ખાતાં બંધ થાય તેથી કલાલને કે અફીણના દુકાનદારને નુક્સાન નથી, લાભ છે. અયોગ્ય રીતે જેઓ અર્થ સાધતા હોય તેમના એ અનર્થનો નાશ થાય તેમાં તેમને અને જગતને લાભ જ છે.

પણ જેઓ રેંટિયા વડે જેમતેમ સૂતર કાંતી, ખાદી પહેરીપહેરાવી સ્વદેશી ધર્મનું પૂર્ણ પાલન થયું માની બેસે છે તેઓ મહામોહમાં ડૂબેલા છે. ખાદી એ સામાજિક સ્વદેશીનું પ્રથમ પગથિયું છે, એ સ્વદેશી ધર્મની પરિસીમા નથી. એવા ખાદીધારી જોયા છે જેઓ બીજું બધું પરદેશી વસાવી રહ્યા છે. તેઓ સ્વદેશીનું પાલન નથી કરતા. તેઓ તો ચાલતા પ્રવાહમાં તણાઈ રહ્યા છે. સ્વદેશીવ્રતનું પાલન કરનાર નિત્ય પોતાની આસપાસ નિરીક્ષણ કરશે ને જ્યાંજ્યાં પડોશીની સેવા કરી શકાય એટલે જ્યાંજ્યાં તેમને હાથે તૈયાર થયેલો આવશ્યક માલ હશે ત્યાંત્યાં બીજો તજીને તે લેશે. પછી ભલે સ્વદેશી વસ્તુ પ્રથમ મોંઘી ને ઊતરતી હોય. તેને સુધારવા કે સુધરાવવાનો પ્રયત્ન વ્રતધારી કરશે. કાયર થઈને સ્વદેશી ખરાબ છે તેથી પરદેશી વાપરવા નહિ મંડી જાય.

પણ સ્વદેશી ધર્મ જાણનાર પોતાના કૂવામાં ડૂબી નહિ જાય. જે વસ્તુ સ્વદેશમાં ન બને અથવા મહાકષ્ટથી જ બની શકે તે પરદેશના દ્વેષને લીધે પોતાના દેશમાં બનાવવા બેસી જાય તેમાં સ્વદેશી ધર્મ નથી. સ્વદેશી ધર્મ પાળનાર પરદેશીનો કદી દ્વેષ કરશે જ નહિ. એટલે પૂર્ણ સ્વદેશીમાં કોઈનો દ્વેષ નથી. એ સાંકડો ધર્મ નથી. એ પ્રેમમાંથી, અહિંસામાંથી ઉત્પન્ન થયેલો સુંદર ધર્મ છે.