લખાણ પર જાઓ

મંગળપ્રભાત/૬. અપરિગ્રહ

વિકિસ્રોતમાંથી
← ૫. અસ્તેય મંગળપ્રભાત
૬. અપરિગ્રહ
મોહનદાસ કરમચંદ ગાંધી
૭. અભય →



૬. અપરિગ્રહ

૨૬-૮-’૩૦, ય. મં
મંગળપ્રભાત
 

પરિગ્રહ અસ્તેયને લગતું ગણાય. જે મૂળમાં ચોરેલું નથી તે અનાવશ્યક એકઠું કરવાથી ચોરીના માલ જેવું થઈ જાય છે. પરિગ્રહ એટલે સંચય અથવા એકઠું કરવું. સત્યશોધક, અહિંસક પરિગ્રહ ન કરી શકે. પરમાત્મા પરિગ્રહ કરતો નથી. તેને 'જોઈતી' વસ્તુ તે રોજની રોજ પેદા કરે છે. એટલે જો આપણે તેની ઉપર વિશ્વાસ રાખીએ તો સમજીએ કે આપણને જોઈતી વસ્તુ તે રોજની રોજ આપે છે, આપશે. ઓલિયાઓનો, ભક્તોનો આ અનુભવ છે. રોજના પૂરતું જ રોજ પેદા કરવાના ઈશ્વરી નિયમને આપણે જાણતાં નથી, અથવા જાણવા છતાં પાળતાં નથી. તેથી જગતમાં વિષમતા ને તેથી થતાં દુઃખો અનુભવીએ છીએ. ધનાઢ્યને ત્યાં તેને ન જોઈતી વસ્તુઓ ભરી હોય છે, રખડી જાય છે, બગડી જાય છે; જ્યારે તેમને અભાવે કરોડો રવડે છે, ભૂખે મરે છે, ટાઢે ઠરે છે. સહુ પોતાને જોઈતો જ સંગ્રહ કરે તો કોઈને તંગી ન આવે ને સહુને સંતોષ રહે. આજ તો બન્ને તંગી અનુભવે છે. કરોડપતિ અબજપતિ થવા મથે છે, તોયે તેને સંતોષ નથી રહેતો. કંગાળ કરોડપતિ થવા ઈચ્છે છે; કંગાળને પેટપૂરતું જ મળવાથી સંતોષ પેદા થતો જોવામાં નથી આવતો પણ કંગાળને પેટપૂરતું મળવાનો અધિકાર છે, અને સમાજનો તેને તેટલું મેળવતો કરવાનો ધર્મ છે. તેથી તેના અને પોતાના સંતોષને ખાતર ધનાઢ્યે પહેલ કરવી ઘટે. તે પોતાનો અત્યંત પરિગ્રહ છોડે તો કંગાળને પોતા-પૂરતું સહેજે મળી રહે ને બન્ને પક્ષ સંતોષનો પાઠ શીખે. આદર્શ આત્યંતિક અપરિગ્રહ તો મનથી અને કર્મથી જે દિગંબર છે તેનો જ હોય. એટલે કે તે પક્ષીની જેમ ઘર વિનાનો, વસ્ત્રવિનાનો અને અન્ન વિનાનો વિચરશે. અન્ન તો તેને રોજ જોઈશે તે ભગવાન આપી રહેશે. આ અવધૂત સ્થિતિને તો કોઈક જ પહોંચી શકે. આપણે સામાન્ય કોટીના સત્યાગ્રહી, જીજ્ઞાસુ આદર્શને ધ્યાનમાં રાખીને જેમ બને તેમ નિત્ય આપણો પરિગ્રહ તપાસીએ ને ઓછો કરતા જઈએ. ખરા સુધારાનું, ખરી સભ્યતાનું લક્ષણ પરિગ્રહનો વધારો નથી, પણ તેનો વિચાર ને ઈચ્છાપૂર્વક ઘટાડો છે. જેમ જેમ પરિગ્રહ ઓછો કરીએ તેમ તેમ ખરું સુખ ને ખરો સંતોષ વધે છે, સેવાશક્તિ વધે છે. આમ વિચારતાં ને વર્તતાં આપણે જોઈશું કે આપણે આશ્રમમાં ઘણો સંગ્રહ એવો કરીએ છીએ કે જેની આવશ્યકતા સિદ્ધ કરી શકીએ; અને એવા અનાવશ્યક પરિગ્રહથી પડોશીને ચોરી કરવાની લાલચમાં ફસાવીએ છીએ. અભ્યાસથી મનુષ્ય પોતાની હાજતો ઘટાડી શકે છે; ને જેમ ઘટાડતો જાય છે તેમ તે સુખી, શાન્ત ને બધી રીતે આરોગ્યવાન થાય છે. કેવળ સત્યની, આત્માની દૃષ્ટિએ વિચારતાં શરીર પણ પરિગ્રહ છે. ભોગેચ્છાથી આપણને શરીરનું આવરણ ઊભું કર્યું છે ને તેને ટકાવી રાખીએ છીએ. ભોગેચ્છા અત્યંત ક્ષીણ થાય તો શરીરની હાજત મટે; એટલે મનુષ્યને નવું શરીર ધારણ કરવાપણું ન રહે. આત્મા સર્વવ્યાપક હોઈ શરીરરૂપી પાંજરામાં કેમ પુરાય; એ પાંજરાને ટકાવવા સારુ અનર્થો કેમ કરે? બીજાને કેમ હણે? આમ વિચાર કરતાં આપણે આત્યંતિક ત્યાગને પહોંચીએ છીએ, અને શરીર છે ત્યાં લગી તેનો ઉપયોગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ; તે એટલે લગી કે તેનો ખરો ખોરાક જ સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, સૂએ છે, બેસે છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અર્થે. આમાંથી ઉત્પન્ન થતું સુખ ખરું સુખ છે, ને આમ કરતો મનુષ્ય છેવટે સત્યની ઝાંખી કરશે. આ દૃષ્ટિએ આપણે સહુ આપણો પરિગ્રહ વિચારી લઈએ.

આટલું યાદ રાખવાયોગ્ય છે કે જેમ વસ્તુનો તેમ વિચારનો પણ અપરિગ્રહ હોવો જોઈએ. જે મનુષ્ય પોતાના મગજમાં નિરર્થક જ્ઞાન ભરી મૂકે છે તે પરિગ્રહી છે. જે વિચાર આપણને ઈશ્વરથી વિમુખ રાખે અથવા ઈશ્વર પ્રતિ ન લઈ જતા હોય તે બધા પરિગ્રહમાં ખપે, અને તેથી ત્યાજ્ય છે. આવી વ્યાખ્યા ભગવાને તેરમા અધ્યાયમાં જ્ઞાનની આપી છે તે આ પ્રસંગે વિચારી જવી ઘટે છે. અમાનિત્વ ઈત્યાદિને ગણાવીને કહી દીધું કે તેની બહારનું જે બધું તે અજ્ઞાન છે, આ ખરું વચન હોય- અને ખરું છે જ તો આજે આપણે ઘણું જે જ્ઞાનને નામે સંઘરીએ છીએ તે અજ્ઞાન જ છે ને તેથી લાભને બદલે હાનિ થાય છે; મગજ ભમે છે, છેવટે ખાલી થાય છે; અસંતોષ ફેલાય છે અને અનર્થો વધે છે. આમાંથી કોઈ મંદતાને તો નહિ જ ઘટાવે. પ્રત્યેક ક્ષણ પ્રવૃત્તિમય હોવી જોઈએ. પણ તે પ્રવૃત્તિ સાત્ત્વિક હોય, સત્ય તરફ લઈ જનારી હોય. જેણે સેવાધર્મ સ્વીકાર્યો છે તે એક ક્ષણ પણ મંદ રહી શકે જ નહિ. અહિં તો સારાસારનો વિવેક શીખવાનો છે. સેવાપરાયણને એ વિવેક સહજ-પ્રાપ્ત છે.