મારો જેલનો અનુભવ/અનુભવ ત્રીજો : પ્રિટોરિયામાં

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ ત્રીજો : જેલમાં કામ મારો જેલનો અનુભવ
અનુભવ ત્રીજો : પ્રિટોરિયામાં
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ ત્રીજો : પ્રિટોરિયાની જેલમાં →


પ્રિટોરિયામાં.

માર્ચની બીજી તારીખે ખબર મળ્યા કે મને પ્રિટોરિયા મોકલવાનો હુકમ છે. તેજ દહાડે મને તૈયાર કર્યો. વરસાદ પડતો હતો. રસ્તા ખરાબ હતા, આમાં મારી ગાંસડી ઉંચકીને મારે તથા મારા દરોગાને જવું પડ્યું. સાંજનીજ ટ્રેનમાં ત્રીજા વર્ગની ગાડીમાં મને લઈ ગયા.

કેટલાકના મનમાં આથી એમ થયું, કે વખતે સમાધાની થાય. કેટલાકે એમ વિચાર્યું કે મને બધા જેલીથી નોખો પાડી દુઃખ દેવાનો ઈરાદો હશે. કેટલાકને એમ લાગ્યું કે આમની સભામાં ચર્ચા ન થાય એવા હેતુથી પ્રિટોરિયા રાખીને મને વધારે છૂટો અને સગવડ આપવાનો હેતુ પણ હોય.

વોકસસ્ટે છોડવું મને ન ગમ્યું. જેમ દિવસે અમે સુખમાં રહેતા તેમ રાતના સારી વાર્તાઓ કરી આનંદ કરતા. મિ. હજૂરાસિંગ તથા મિ. જોશી એ બે જણા મુખ્યત્વે કરીને બહુ સવાલ જવાબ કરતા અને તે સવાલો કંઈ ફેંકી દેવા જેવા ન હતા. પણ જ્ઞાન-વાર્તાના હતા. જ્યાં આવી સ્થિતિ હતી, ને જ્યાં વધારેમાં વધારે હિન્દી કેદીની છાવણી હતી ત્યાંથી જવું ક્યા સત્યાગ્રહીને ગમે?

પણ માણસનું ઈચ્છયું થતું હોય તો તે આદમી ન કહેવાય. એટલે હું તો ચાલ્યો. રસ્તામાં મિ. કાજીની સલામ થઈ, એક ડબ્બામાં દરોગો તથા હું પૂરાયા. ટાઢ પડતી હતી, વરસાદ આખી રાત વરસ્યો. મારો ઝાઝ મારી સાથે હતો તે પહેરવાની મને પરવાનગી મળી. તેથી કંઈક ઠીક થયું. મને ખાવાની સારૂ રોટી તથા ચીઝ બંધાવ્યા હતાં. હું તો ખાઈને નીકળ્યો હતો એટલે તેને ન અડક્યો. તેનો ઉપયોગ દરોગાએ કર્યો.