મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ અગિયારમું
← પ્રકરણ દસમું | મૂરખરાજ અને તેના બે ભાઈઓ પ્રકરણ અગિયારમું મોહનદાસ કરમચંદ ગાંધી |
પ્રકરણ બારમું → |
આમ બે ભાઇને પાયમાલ કરી સેતાન મૂરખરાજની પૂંઠે પડ્યો. પોતે સેનાપતિ બન્યો. મૂરખરાજની પાસે આવી કહ્યું, "મહારાજ, આપની પાસે લશ્કર હોવું જોઇએ. આપ બાદશાહ ગણાઓ, અને લશ્કર ન હોય એ શોભીતી વાત નથી. આપ મને હુકમ કરો કે તુરત હું માણસો એકઠાં કરીને તેઓને શીખવી સિપાઇ બનાવીશ." મૂરખરાજે સાંભળ્યું, અને બોલ્યો : "ભલે, એક લશ્કર બનાવો; તેઓને ગાતાં શીખવવું, કારણ કે મને ગાવું પસંદ છે. "
સેતાન ગામમાં ફરી વળ્યો. બધાને સિપાઇગીરી લેવાનું સમજાવ્યું, અને લાલચો આપી. માણસો હસી પડ્યા, લાલચોની કંઇ અસર ન થઇ અને બધાએ ના પાડી.
સેતાન મૂર્ખા પાસે ગયો અને બોલ્યો : " આપની રૈયત પોતાની મેળે લશ્કરી કામ શીખે એવું લાગતું નથી. તેઓને તો ફરજ પાડવી પડશે. "
મૂર્ખો બોલ્યો : " ભલે એમ અજમાવી જો. "
એટલે સેતાને દાંડી પિટાવી કે જે કોઇ માણસ, વગર કારણે લશ્કરી ખાતામાં દાખલ નહીં થાય તેને ફાંસી દેવામાં આવશે.
લોકો આ સાંભળીને સેતાનની પાસે આવ્યા, અને બોલ્યા : "તમે એમ દાંડી પિટાવી છે કે, જો અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઇએ તો અમને ફાંસી મળશે. પણ અમે દાખલ થઇએ તો અમારે શું કરવું પડશે, અને અમારું શું થશે એ તો તમે જણાવ્યું નથી. કોઇ તો એમ કહે છે કે સિપાઇઓને વગર કામનું મરવું પણ પડે છે." સેતાને જવાબ દીધો : "એમ પણ કોઇ વેળા બને."
આવું સાંભળી લોકે હઠ પકડી અને લશ્કરમાં દાખલ થવાની ના પાડી. તેઓ બોલી ઉઠ્યા: "ગમે તે પ્રકારે અમારે મરવું તો છેવટ ત્યારે ભલે અમે ઘેર બેઠાં ફાંસીએ જ ચડીએ."
સેતાન ખિજાઇ બોલ્યો : "તમે બધા બેવકૂફ છો. લડાઇમાં તો મરીએ પણ ને મારીએ પણ. જો તમે દાખલ નહીં થાઓ તો તો તમારું મોત ખચીત જ છે."
આથી લોકો જરા મૂંઝાયા, અને મૂરખરાજની પાસે ગયા, અને કહેવા લાગ્યા : "આપનો સેનાપતિ કહે છે કે અમે લશ્કરી ખાતામાં દાખલ નહીં થઇએ તો આપ અમને બધાને ફાંસી દેશો. શું આ વાત ખરી છે!"
મૂર્ખો હસીને બોલ્યો : "હું એકલો તમને બધાને કઇ રીતે ફાંસીએ ચડાવું? હું તો મૂર્ખો કહેવાઉં. એટલે તમને આ બધું સમજાવી શકતો નથી. પણ સેનાપતિનું બોલવું હું પોતે નથી સમજતો."
બધા બોલી ઊઠ્યા: "ત્યારે અમે કદી દાખલ થઇશું નહીં."
મૂર્ખો બોલ્યો : "એ બહુ ઠીક વાત છે. ન થજો." એટલે લોકોએ સેનાપતિને ચોખ્ખી ના પાડી. સેતાને જોયું કે તેના દાવમાં તે ન ફાવ્યો. તેથી તે મૂરખરાજને છોડી પાસેના રાજા આગળ ગયો અને નીચે પ્રમાણે બોલ્યો : "મહારાજાધિરાજ! મૂરખરાજનો દેશ મેં જોયો છે. તેના માણસો નમાલા છે. તેમની પાસે પૈસો નથી, પણ દાણા, ઢોર વગેરે ખૂબ છે. આપ જો લડાઇ કરો તો એ બધું લૂંટી લેવાય."
રાજા ફુલાયો અને લલચાયો. તેણે લડાઇની તૈયારી કરી દારૂગોળો એકઠો કર્યો. અને મૂરખરાજની સરહદ ઉપર પડાવ નાખ્યો.
લોકોને ખબર પડતાં તેઓ મૂર્ખા પાસે આવ્યા અને બોલ્યા : "કોઇ રાજા આપણી ઉપર ચડાઇ કરવા આવે છે."
મૂર્ખો બોલ્યો : "ભલે આવે. તેને આવવા દો."
રાજાએ સરહદ ઓળંગી ને મૂરખરાજનું લશ્કર તપાસવા પાગિયા મોકલ્યા. લશ્કર તો ન મળે એટલે પાગિયા શું શોધે? રાજાએ પોતાનું લશ્કર લૂંટ કરવા મોકલ્યું. મરદો અને ઓરતો તાજુબી પામી સિપાઇઓને જોવા લાગ્યાં. સિપાઇઓએ અનાજ અને ઢોર ઉપર હાથ નાખ્યો. લોકો સામે ન થયા. સિપાઇઓ જ્યાં જાય ત્યાં આમ જ બન્યું. લોકો સિપાઇઓને કહેવા લાગ્યા, તમારે અમારા દાણા અને ઢોરનો ખપ હોય તો ભલે લઇ જાઓ. પણ તમારા ગામમાં તેની તંગી હોય તો અમે અમારા ગામમાં આવીને વસો. એમ કરશો તો તમને દાણો સારી જવાની અને ઢોર હાંકી જવાની તકલીફ ઓછી થશે.
આવાં વચન સાંભળી પ્રથમ તો સિપાઇઓ હસ્યો, પછી વિચારમાં પડ્યા. કોઇ સામે ન થાય એટલે લૂંટમાં તો સ્વાદ રહ્યો નહીં.
તેઓ થાક્યા. રાજાની પાસે નિરાશ થઇ પાછા ગયા ને બોલ્યા, "આપે અમને લડવા મોકલ્યા પણ અમે કોની સાથે લડીએ? અહીં તો અમારા તલવાર હવામાં ઉગામવા જેવું છે. કોઇ અમારી સામે જ થતું નથી. ઊલટા તેઓ પોતાની પાસે હોય તે અમને સોંપી દે છે. અહીં અમે શું કરીએ?"
રાજા ગુસ્સે થયો. સિપાઇઓને દાણા, ઘર વગેરે બાળી નાખવાનો અને ઢોરને કાપી નાખવાનો હુકમ કર્યો અને બોલ્યો : "જો મારા હુકમ પ્રમાણે નહીં ચાલો તો હું તમને બધાને કતલ કરીશ."
આ સાંભળી સિપાઇઓ બીધા; અને હુકમ પ્રમાણે કરવા ચાલ્યા. તેઓ ઘરબાર બાળવા લાગ્યા છતાં તેઓ સામે ન થતાં નાનામોટા બધા રોવા લાગ્યા અને બોલ્યા : "તમે આમ શુ કામ કરો છો? અમારો માલ તમને જોઇએ તો લઇ જાઓ પણ નકામું નુકસાન ન કરો તો તમારો પાડ."
સિપાઇઓ પીગળી ગયા. તેઓએ લૂંટફાટ કરવાની ચોખ્ખી ના પાડી. અને રાજાને છોડી ચાલતા થયા.