લખાણ પર જાઓ

મૂરખરાજ અને તેના બે ભાઈઓ /પ્રકરણ દસમું

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ નવમું મૂરખરાજ અને તેના બે ભાઈઓ
પ્રકરણ દસમું
મોહનદાસ કરમચંદ ગાંધી
પ્રકરણ અગિયારમું →



પ્રકરણ દસમું

સેતાન તો તેના ગુલામોની રાહ જોઈ રહ્યો હતો કે, તેઓ મૂરખરાજ અને તેના ભાઈઓને પછાડવાના ખબર ક્યારે લાવે. પણ ખબર તો ન આવ્યા. તે પોતે તપાસ કરવા નીકળી પડ્યો. ખૂબ ઢૂંઢતાં ત્રણ ગુલામોને જોવાને બદલે તેણે તો ત્રણ પાતાળિયા ખાડા જોયા.

આથી તેણે વિચાર્યું કે, "એટલું તો ચોખ્ખું દેખાય છે કે, ગુલામો પોતાના પ્રયત્નમાં સફળ નથી થયા. હવે તો મારે જાતે ગયે છૂટકો છે." પછી તે પેલા ભાઈઓને શોધવા ગયો. તેણે જોયું કે તેઓ પોતાને અસલ ઠેકાણે ન હતા, અને ત્રણે જણ રાજ્ય કરતા હતા. એ તેને બહુ દુઃખરૂપ થઈ પડ્યું. પહેલો તે સમશેરને ત્યાં ગયો. સેતાને સેનાધિપતિનો વેશ લીધો હતો. સલામ કરીને સેતાન બોલ્યોઃ "મહારાજાધિરાજ, મેં સાંભળ્યું છે કે આપ બહાદુર લડવૈયા છો. આપની કૃપાથી લડાઈનું કામ હું બહુ સારું જાણું છું.અને બંદાને નોકરી આપશો તો મારી ફરજ બજાવીશ."

સમશેર ભોળવાયો, લલચાયો ને સેતાનને નોકર રાખ્યો.

નવા સેનાધિપતિએ નવા સુધારા ખૂબ દાખલ કર્યા. ઘણા માણશો જે તેના મનને વગર ધંધાવાળા લાગતા હતા, તેઓને સિપાઈગીરી કરવાની ફરજ પાડી. જુવાનિયામાત્રની પાસે સિપાઈગીરીની નોકરી લીધી. આમ એક તરફથી સિપાઈઓ વધ્યા, અને બીજી તરફથી દારૂગોળાનું ખર્ચ વધ્યું. નવી તોપો એવી બનાવી કે જેમાંથી પાંચસેં ગોળા એક્દમ છૂટે.

સમશેરને આ બધું ગમ્યું. હવે આટલા બધા સિપાઈને કંઈક ધંધો તો ચોક્કસ જોઈએ. તેથી તેણે પાસેના રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી રાજાની સામે લડાઈ શરૂ કરી. તેની નવી તોપોથી પાસેના રાજાનું અડધું લશ્કર માર્યું ગયું. તે બીધો, શરણે ગયો. પોતાનું રાજ્ય સમશેરને સોંપ્યું. સમશેર બહુ ખુશી થયો. તેનો લોભ વધ્યો, એટલે તેણે વળી બીજા રાજાની ઉપર ચડાઈ કરવાનો મનસૂબો કર્યો.

સમશેરના નવા દારૂગોળાની વાત બધે ફેલાઈ હતી. આ બીજા રાજાએ સમશેરની નકલ કરી. પોતાનાં લશ્કર, દારૂગોળો વગેરે વધાર્યાં. સમશેરના સુધારામાં વળી ઉમેરો પણ પણ કર્યો. તેણે જુવાન મરદોને લડવાની ફરજ પાડી એટલું જ નહીં પણ વગર પરણેલી ઓરતો પાસે પણ સિપાઈગીરું કરાવ્યું. તેણે વળી હવાઈ વહાણો બનાવી તેમાંથી શત્રુઓની ઉપર દારૂગોળો નાખવાની યુક્તિ શોધી કાઢી હતી.

સમશેર પોતાના મદમાં આવા રાજાની સામે લડવા ચાલ્યો. પણ તેનું લશ્કર સામેના લશ્કરને દારૂગોળો અસર કરે એટલે સુધી પહોંચ્યું તે પહેલાં તો શત્રુના લશ્કરની ઓરતો દારૂગોળાનો વરસાદ હવામાંથી વરસાવવા લાગી. સમશેર હાર્યો. જીવ લઈને નાઠો, ને પોતાનું રાજ્ય ખોયું.

સેતાન ફુલાયો. હવે ધન્વંતરિ પાસે પહોંચ્યો. અહીં વેપારીને વેશે આવ્યો.

ધન્વંતરિના રાજ્ય માં પોતે પેઢી ખોલી. લોકોને વધારે દામ આપી તેઓનો માલ ખરીદી લેવા લાગ્યો. સેતાનને ત્યાં વેચનારાઓની ભીડ બેહદ થવા લાગી. લોકો ઝપટાભેર કરો ભરવા લાગ્યા. ધન્વંતરિ ખુશ થયો ને વિચાર્યું: "મારા રાજ્યમાં નવો વેપારી ભલે આવ્યો. હવે મને વધારે પૈસા મળશે ને હું વધારે સુખ માણીશ."

આમ વિચારી ધન્વંતરિએ સુધારા આદર્યા. નવો મહેલ ચણવાનું શરૂ કર્યું. લોકોને તેણે પથરા ને લાકડા આણવાનો હુકમ કર્યો. મજૂરો બોલાવ્યા. દહાડિયું સરસ આપવાનું જાહેર કર્યું. અને પોતાના મનમાં ધારી લીધું કે લોકો હોંશે હોંશે કામ કરવા આવશે. આમાં તે ખોટો હતો એમ તેને તરત માલૂમ પડ્યું બધું લાકડું, બધા પથ્થર અને મજૂરો પેલા સેતાન વેપારીને ત્યાં પહોંચ્યાં હતાં. ધન્વંતરિએ સેતાન કરતાં વધારે પૈસા આપવાનાં કહેણ મોકલ્યાં.એટલે સેતાન તેની ઉપર પણ ચડ્યો. ધન્વંતરિ પાસે પુષ્કળ પૈસો હતો. સેતાનની પાસે તેથી વધારે હતો. એટલે સેતાન ધન્વંતરિ કરતાં વધતો જ ગયો. રાજાનો મહેલ મહેલને ઠેકાણે રહ્યો. ધન્વંતરિએ બગીચો બનાવવાની શરૂઆત કરી પણ મજૂરો તો સેતાનને ત્યાં તળાવ ખોદતા હતા. જે કંઈ વસ્તુ જોઈએ તે બધીનો જમાવ સેતાનને ત્યાં થયેલો માલૂમ પડ્યો.

ધન્વંતરિ વિચારમાં પડ્યો. કામદારો બધા સેતાનને ત્યાં જાય અને ધન્વંતરિને માગ્યા કર મળે. આથી તેની પાસે પૈસો એટલો થયો કે તેને ક્યાં સાચવવો એ વિચારવાની વાત થઇ પડી. જીવવું પણ ભારે થઇ પડ્યું. ધાતુ સિવાય દરેક વસ્તુની તાણ પડવા લાગી. રસોઈયા, ગાડીવાળા વગેરે પેલા વેપારીને ત્યાં જવા લાગ્યા. બજારમાંથી ખાવાનું પણ ન મળે. બધું વેપારીએ ખરીદી લીધું.

ધન્વંતરિ ખિજાયો. વેપારીને દેશપાર કર્યો. એટલે તેણે ધન્વંતરિણી સરહદની બહાર છાવણી નાખી. તેથી સ્થિતિ આગળના જેવી જ રહી. ધન્વંતરિની પાસે જવાને બદલે લોકો તો સેતાનના પૈસાથી અંજઈને તેની પાસે જ જતા હતા.

રાજાનું શરીર દુર્બળ થતું ગયુ, ખાવાના સાંસા પડ્યા, તે ગભરાયો. તેવામાં ખસિયાણો પડેલો સમશેર આવી પહોંચ્યોને બોલ્યો, "ભાઈ, તું મને મદદ કર. મારું તો બધું હું હારી છૂટ્યો છું. અને જીવ લઈને નાઠો છું."

ધન્વંતરિ પોતે દુઃખ દરિયામાં ડૂબેલો! એ શુંમદદ કરે? "મને તો ખાવાના યે સાંસા છે. બે દિવસનો ભૂખ્યો છું. મારા પૈસા ગળે પથરા જેવા થઈ પડ્યા છે. માગ્યાં મૂલ દેતાં પણ કોઈ મારું કામ કરવા આવતું નથી. તું તારું દુઃખ રડીશ કે હું મારું તારી પાસે રડું?" એમ બોલી ઊંડો નિસાસો નાખી ધન્વંતરી મૂંગો રહ્યો.