મેઘાણીની નવલિકાઓ ખંડ ૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
ઝવેરચંદ મેઘાણી
૧૯૪૨


મેઘાણીની નવલિકાઓ
ખંડ
2





ઝવેરચંદ મેઘાણી









ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

.





કિંમત : રૂ. 95
પુનર્મુદ્રણઃ ફેબ્રુઆરી 2008

આવૃત્તિઓ : પહેલી 1942, બીજી 1946

પુનર્મુદ્રણ 1954, 1960, 1980

'મેઘાણીની સમગ્ર નવલિકા' (ભાગ 2)માં પુનર્મુદ્રણ 1998
 





MEGHANINI NAVALIKAO (PART 2)
short stories
by Jhaverchand Meghani
Pubished by Gurjar Grantharatna Karyalaya.
Gandhi Road, Ahmedabad 380 001, (India)
Ed.2. 1946, reprinted 2007



સુશોભન-રેખાંકનો : વાસુદેવ સ્માર્ત
પાનાં : 12+244=256
 
નકલ : 1250
 

■ પ્રકાશક : અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380 001 : ફોન : 22144663 ■ ટાઇપસેટિંગ : શારદા મુદ્રણાલય 201, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ 380 006 : ફોન : 26564279 ■ મુદ્રક : ભગવતી ઓફસેટ 15/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004



.







અર્પણ

ભાઈ ઉમાશંકરને

નિવેદન


['ચિંતાના અંગારા', ખંડ 1]


ણા વખતથી 'સૌરાષ્ટ્ર'ના તંત્રીમંડળનો મનોરથ હતો કે મારે ટૂંકી કથાઓ લખવી. જેલમાં રહ્યે રહ્યે એ વિચારે મારા મન પર જોર કર્યું હતું. બહાર નીકળ્યા પછી એ મંથનનું આ રૂપે પરિણામ આવ્યું છે.

આ વાર્તાઓ લખાતી ગઇ તેમ તેમ 'સૌરાષ્ટ્ર' પત્રમાં પ્રગટ થતી રહી છે. અને એ-નો એ જ ક્રમ જાળવી રાખીને આમાં છપાઇ છે. ક્યાંક ક્યાંક રંગો ઘેરા કરવા સિવાય લખાણમાં કે વસ્તુમાં મોટો ફેરફાર કર્યો નથી. એના મૂળ ગુણદોષો સાથે જ એ બહાર પડે છે.

લેખકના નામના નિર્દેશ વિના જ એ છાપેલી. મારા તરફના પક્ષપાતથી રંગાયા વિનાનો મિત્રોનો અભિપ્રાય જાણવો હતો. એકંદર ઘણા ખરાનો સત્કાર મળ્યા પછી જ પ્રગટ નામે બહાર પાડે છે.

ખાસ કરીને ગ્રામ સેવામાં પડેલા યુવકબંધુઓને આ ચિત્રો આવશ્યક લાગ્યાં છે. ગામડિયા સમાજની નજીકમાં નજીક હોઇ તેઓને આ સાહિત્યની યથાર્થતા વિશેષ દેખાઇ છે. હું તો કલાની કે સાહિત્યની દ્રષ્ટિએ મારી આ વાર્તાઓના ગુણદોષ તપાસવા નથી બેઠો. આપ્તજનોના અભિપ્રાયને ભરોસે આ નાવ તરતું મૂકું છું.

ચિતા જલે છે. એક-બે નહિ, લાખો શબો સામટાં સળગે છે. શબોની નહિ, જીવતાં કલેવરોની એ અગ્નિ-શૈયા છે. વાચક ! ભાઇ અથવા બહેન ! અંગારા ઓલવાઇ ગયા છે એવો ભુલાવો ખાઇશ નહિ. તું જોઇ શકે નહિ માટે માની લઇશ મા, કે આ વાર્તાઓમાં રજૂ થયેલો જમાનો ગયો છે. ચિતા જલે છે; બુઝાવાની વેળા આઘી છે.

કથાઓમાં અમુક સાચી ઘટનાઓનું માત્ર બીજારોપણ થયું છે, તે

પછી એનાં ડાંખળાંપાંખડાં તો એકંદર જીવનના નિરીક્ષણમાંથી ફૂટેલાં છે. કોઇ એક જ ઘટનાને સાંગોપાંગ નથી ઉઠાવી.

બાકી રહેલી તેમ જ નવી લખાયે જતી વાર્તાઓનો બીજો ખંડ થશે.


રાણપુરઃ 28-9-’31
ઝવેરચંદ મેઘાણી
 


['ચિંતાના અંગારા', ખંડ - ૨]


આમાંની પહેલી ચાર વાર્તાઓ મારી સ્વતંત્ર છે. છેલ્લી 'પરિત્યાગ'ની કથા તો શ્રી રવિન્દ્રનાથ ઠાકુરની છે. એનો અનુવાદ મેં 'ગુજરાત'માં પ્રગટ કરાવેલો. એ મહાન કલાકારની કૃતિ આંહીં મૂકવામાં મારી વાર્તાઓને હું કદાચ જોખમમાં ઉતારતો હોઇશ. પરંતુ જેના અનુવાદમાં મારા અંતઃકરણે મૌલિક સર્જનનું મમત્વ અનુભવેલ છે, તેના સુખભોગમાં વાચકોને મારા બનાવવાનો મોહ મારાથી છોડી શકાયો નથી.

મારી આ શિખાઉ વાર્તાઓ છે. સહુ સ્નેહીઓ અને શુભચિંતકોનું નિઃસંકોચ નિવેદન હું નોતરું છું. તેઓને ખાત્રી આપું છું કે તેઓની ખંડનાત્મક તેમ જ મંડનાત્મક બન્ને પ્રકારની ટીકાઓનો આ કૃતિઓનાં ઘડતરમાં હિસ્સો છે.

બોટાદઃ 24 માર્ચ 1932
લેખક
 


['આપણા ઉંબરમાં']

જાતમહેનત કરનારાં ઉદ્યમી જનોની એક આખી દુનિયા આપણા ઉંબરમાં જ - આપણી પડખો પડખ જ - જીવે છે. જીવનસંગ્રામ કરે છે, ને મરે છે પણ આપણા ઉંબરમાં, છતાં આપણે અને એ પરસ્પર પરદેશી જેવાં બન્યાં છીએ. એમની સમસ્યાઓ આપણાથી સમજાતી નથી. કાં તો આપણે એની ઘૃણા કરીએ છીએ, ને કાં દયા ખાઇએ છીએ. દયા ખાવી એ પણ તિરસ્કારનું જ એક સ્વરૂપ છે.

આંહીં રજૂ થતાં ચિત્રોમાં કોઇ શ્રમજીવી-મૂડીદાર વચ્ચેના વિગ્રહની ફિલસૂફી નથી વણાઇ. એ પ્રશ્ન તો લેખકને માટે ગહન છે, ને ખાસ અભ્યાસ

માગી લે છે.

'ફક્કડ વાર્તા' અમેરિકાના 'નૅશન' પત્રના 'નાઇસ સ્ટોરી' નામના શબ્દચિત્ર પરથી ઉતારેલ છે. બાકીનાં ચિત્રો સ્વતંત્ર છે. 'ગંગા, તને શું થાય છે ?'નું સ્ફુરણ વિલાયતના કોઇ એક ન્યાયમૂર્તિએ, બનતાં સુધી તો જસ્ટીસ મેકકાર્ડીએ, એક કુમારિકાએ કરેલા ગર્ભપાતના ગુના પર આપેલ ફેંસલામાંથી નીપજેલું છે.

ટૂંકી વાર્તાની કલાને ધોરણે કસતાં આ વિચારી વાર્તાઓને 'વાર્તા' નામ નહિ આપો તો પણ ચાલશે. આ તો ચિત્રો છે. અનર્થ નીપજાવ્યા વિના રેલગાડીનાં મુસાફરોની વાટ ખુટાડવામાં ખપ લાગે તો બસ છે.


બોટાદઃ 23-5-’32
ઝવેરચંદ મેઘાણી
 


['આપણા ઉંબરમાં', આ. ૩]


1932માં આ વાર્તાઓની પહેલી આવૃત્તિનું દર્શન કર્યા પછી છેક આજે એનાં પ્રૂફ વાંચતાં વાંચતાં પુનર્દર્શન પમાયું. વચલી આવૃતિ મારી ગેરહાજરીમાં થઇ ગઇ હતી.

પ્રૂફો વાંચતો હતો ત્યારે એવી લાગણી થતી હતી કે જાણે કોઇ નવરુધિરવંતાં સાત બાળકોનો ફરીવાર આણધાર્યો ભેટો થયો છે.

એ સાત બહેનો સાથેના મેળાપમાંથી મોટામાં મોટો આનંદ તો આ મળ્યોઃ કે સાતેય જણીઓ એમને મેં પહેલીવાર દુનિયામાં રમવા મોકલી તે દિવસના જેટલી ને જેટલી જ સ્ફૂર્તિભરી આજે પણ લાગી.

આ સાત બહેનોના જ એક વિખુટા પડી ગયેલા ભાંડરુ સમી આઠમી 'કાનજી શેઠનું કાંધું' મારી ભૂલથી 'ચિંતાના અંગારા'(ભાગ 1)માં ચડી ગઇ હતી. એને મેં એના ભાંડુ-સાથમાં લાવી મૂકેલ છે.

શરૂમાં થોડાંક ઢોરનો ધણી ગોવાળ થોડાં વર્ષે જ્યારે બહોળી પશુ સંખ્યાનો સ્વામી બને ત્યારે એ કાંઇ એકેય પશુની વ્યક્તિત્વને વીસરી જઇ ભુલાવામાં પડી જતો નથી. હું પણ આજે લાંબી અને ટૂંકી બેઉ પ્રકારની કથાઓની ઠીક ઠીક સંખ્યાનો સર્જક બન્યો હોવા છતાં મારા નવલિકા

-સર્જનની પ્રારંભ વેળાની આ 'બકરીઓ'ને, પ્રત્યેકને, વ્યક્તિવાર પિછાની શકું છું. એવી ઓળખાણને શક્ય બનાવવા પૂરતું તાજાપણું તેમનામાં જ હોવું જોઇએ ને! એકલી એ ગોવાળની ઓળખ-શક્તિ શા કામની?

ઓચિંતાનો આ કુટુંબ-મેળાપ કરાવનાર પ્રસંગ તો એ બન્યો કે છેક મધ્યપ્રાંત અને વરાડમાં હાઇસ્કૂલ બોર્ડની સરકારી મીજી તરપથી થોડા દિવસ પર એક કાગળ મળ્યો લખ્યું હતું કે 'આપણા ઉંબરમાં' નામની તમારી ચોપડી આંહીં અમારે ત્યાં હાઇસ્કૂલોની પરીક્ષામાં પાઠ્યપુસ્તક તરીકે મૂકેલ છે. પણ એ કોઇ ઠેકાણે મળતી કેમ નથી?

ગુજરાતની બહાર છેક મધ્યપ્રાંત વરાડમાં મારી નાનકડી પુસ્તિકાને પાઠ્યપુસ્તકનું સ્થાન! આશ્ચર્ય થયું. છેક એટલે દૂર કોણે આ વાર્તાઓને વિદ્યાર્થીયોગ્ય તરીકે ઓળખી અને ઓળખાવી હશે? કોનો આભાર માનું? હજુય ખબર નથી.

બીજો ચિંતાભર્યો વિચાર તૂર્ત હાજર થયો, કે ભાઇ, પાઠ્યપુસ્તક થનારું ચોપડું જો એને ફરજિયાત ભણતર લેખે ભણનાર વિદ્યાર્થીઓને કંટાળો આપનાર બન્યું ને, તો તેઓ તારી સાત પેઢીને મનમાં મનમાં શાપ આપશે ! ને તારા વાર્તાલેખક તરીકેના નામ પર જ ચોકડી મૂકશે. ઉપરાંત તેમાંનો એકાદ મોટપણે જો વિવેચક બન્યો, તો તો તારા સાહિત્યનાં ભીંગડાં જ ઉખેડી નાખશે. પાઠ્યપુસ્તકોમાં તારાં પુસ્તકનું મુકાવું, એટલે ૯૯ ટકા તો વિદ્યાર્થીઓનાં કટક સાથેનું ગુપ્ત વૈર બંધાવું એમ જ સમજી લેવું, બચ્ચા લેખક !

પણ પાઠ્યપુસ્તકમાં પ્રવેશ કરવાની દુષ્ટબુધ્ધિ કેટલી જોરાવર હોય છે ! મરાઠી મધ્યપ્રાંતના સો-બસો ગુજરાતી છોકરાઓમાં મશહૂર બનવાની તાલાવેલીએ મારે માટે "ભાઇસાહેબ, પાઠ્યપુસ્તકના શાપમાંથી મને બચાવો !" એટલું લખી મોકલવાની હિંમત ન રહેવા દીધી. મેં તો ઉલટું એ તાબડતોબ છપાવી બહાર પાડી દીધી છે.

આ ચોપડી મૂળ તો ચાર આનાની, પણ એમાં એક વાર્તા વધારી, અને કાગળો સારા વાપર્યા એટલે છ આના મૂકવા પડેલ છે. આભાર માનજો મારો કે રૂ. એકની કિંમત ફટકારી દઇને વિદ્યાર્થીઓ પાસેથી થોડું રળી

લેવાની લાલચ મેં રોકી લીધી. ઉપરાંત, મૂળ વિચાર 'ચિંતાના અંગારા'ના બે ભાગને તથા આ ચોપડીને ભેગાં કરી અઢીસો-ત્રણસો પાનાંનું પુસ્તક કરવાનો છે, છતાં આની થોડીક જૂદી પ્રતો, વિદ્યાર્થીઓ માટે કઢાવી લીધી તે પણ પૈસા રળવાની દ્રષ્ટિએ મેં ખોટું કર્યું એનો હવે મને પસ્તાવો થાય છે.

આવી વાતો ચોડેધાડે કહી દેવી એ દુનિયાદારીમાં એક મોટી બેવકૂફી છે એવો વિચાર પણ છેલ્લે છેલ્લે આવે છે. ને બેવકૂફીના કળશરૂપે એ છેલ્લા વિચારને પણ આંહીં ટાંકું છું, કે જેથી કદાચ કોઇક બીજા લઘુવાર્તાકારને આ પરથી એકાદ નવલિકાનો વિષય મળી રહે. ને ખરે જ શું પાઠ્યપુસ્તકમાંથી કમાણી કરવાની કરામતો એકાદ લઘુવાર્તાનો વિષય નથી ?


રાણપુરઃ 20-11-’38
ઝવેરચંદ મેઘાણી
 


['મેઘાણીની નવલિકાઓ', ખંડ 2]

ઇતિહાસ -દ્રષ્ટિએ આ બીજો ખંડ પહેલો ગણાય. મારું સ્વતંત્ર વાર્તા-લેખન ૧૯૩૧માં, આ ખંડની વાર્તા 'કિશોરની વહુ'થી, આરંભાયું. તે વખતનાં સાપ્તાહિક 'સૌરાષ્ટ્ર'માં બબે હપ્તે આમાંની કેટલીક કથાઓ પ્રકટ થએલી, અને કેટલીએક બીજી ૧૯૩૨-૩૩માં, 'ફૂલછાબ' નાનકડા સાહિત્યપ્રધાન સામયિકરૂપે નીકળતું તેમાં,અને તે પછી 'ચિતાના અંગારા' (2 ખંડ) અને 'આપણા ઉંબરમાં' નામના લઘુસંગ્રહોમાં બહાર પડેલી.એ બધાં લિકપ્રિય નીવડેલાં.

'દરિયાપરી'ની છેલ્લી મૂકેલી લાંબી નવલિકા સ્વતંત્ર નથી, પણ ઇબ્સનકૃત નાટક 'લેડી ફ્રૉમ ધ સી' પરથી આલેખાઇ છે. 'ઘૂઘા ગોર' અને 'ગરાસ માટે’ત્રણેક વર્ષ પૂર્વે લખીને વર્તમાન 'ફૂલછાબ' સાપ્તાહિકમાં આપી હતી. 'ગરાસ માટે' એ સાચી ઘટના છે.

નવલિકા-લેખનના પ્રદેશમાં મારું ભણતર કેવા ક્રમે થયું તેનો ટૂંકો ઇતિહાસ અસ્થાને નહિ ગણાય.1922માં 'સૌરાષ્ટ્ર' સાપ્તાહિક સાથે મુખ્યત્વે તો સાહિત્ય-પ્રકાશનો કરવા માટે મારું જોડાણ થયું. તે વખતે હું 'ડોશીમાની વાતો'ની હસ્તપ્રત સાથે લઇને જ ગયેલો.

તે પૂર્વે 'બાલમિત્ર' નામના બાળકોના માસિકમાં અંગ્રેજી બે પુસ્તકો 'સ્ટોરીઝ ફ્રૉમ પ્લાન્ટ લાઇફ' અને 'સ્ટોરીઝ ફ્રૉમ ઍનિમલ લાઇફ'માંના સીધા કથેલા વિષયો પરથી વાર્તાઓરૂપે મેં ભમરી, ઇયેળ, ગોકળગાય, પતંગિયું, વરસાદનાં ટીપાં વ. આલેખેલાં.

એટલે કક્કા ઘૂંટ્યા આ પ્રાણીશાસ્ત્ર-વનસ્પતિશાસ્ત્રને લગતી વાર્તાઓ દ્વારા, બારાખડી શીખ્યો બાળકોની વાર્તાઓ દ્વારા, અને કંઇક આગળ ચાલ્યો કવિવર ટાગોરની 'કથા ઓ કાહિની' નામની પદબંધી કથાઓ પરથી 'કુરબાનીની કથાઓ'નું આલેખન કરતો કરતો.

બીજો તબક્કોઃ તે પછી તુરતમાં જ, એટલે કે 1922-23માં, સૌરાષ્ટ્રી મધ્યયુગના પ્રેમશૌર્યના કિસ્સાઓ વાર્તાકારોને કંઠેથી સાંભળી સાંભળીને 'સૌરાષ્ટ્રની રસધાર' માંહેની કથાઓ આલેખવા બેઠો. આ પાંચેય ભાગની સો જેટલી કથાઓની માંડણી સાંભળેલ કિસ્સાઓ પર થઇ છે, પણ વાર્તાશિલ્પ મોટે ભાગે મારું છે.

તે પછી 'સોરઠી બહારવટિયા'ના ત્રણ ખંડોમાં પણ પ્રાપ્ત કિસ્સાઓની રજૂઆતમાં વાર્તા-રંગો પૂરવાનો અને સંકલન આણવાનો મહાવરો પડતો ગયો. 'કંકાવટી'ની વ્રતકથાઓએ પણ લોકવાણીનાં વાર્તાબળો શીખવામાં સહાય કરી.

રૂપેરી પરદા પર જે ચિત્રપટો જોયાં તેને વાર્તારૂપે ઉતારીને આ કલામાં વધુ રસ લેવાના 'પ્રતિમાઓ' અને 'પલકારા' નામના બે સંગ્રહો દ્વારા કર્યા. આ વાર્તાઓ વિદેશની હતી; પુરાંત, તેની રૂપેરી પરદા પરની રજૂઆત ગ્રંથસ્થ વાર્તાથી અનોખા પ્રકારની, અનેરા કલાવિધાનોથી ઓપતી હતી. તેનું શબ્દલેખન તદ્દન જૂદી કલાને માગી લેતું હતું.

'વેરાનમાં' નામના મારા 1933માં પ્રસિધ્ધ થયેલાં પુસ્તકમાં જેને આપણે નાની લઘુ કથાઓ કે ટુચકા કહી શકીએ તેવા નજરે નિહાળેલા કેટલાક પ્રસંગો આલેખ્યા છે.

મુંબઇ યુનિવર્સિટીના ઉપલા વર્ગોના ગુજરાતી અભ્યાસક્રમમાં લઘુકથાઓનું સ્વરૂપ શીખવા માટે મારી નવલિકાઓની જે ભલામણ થઇ છે, તેને લક્ષમાં રાખીને જ આટલો ઇતિહાસ આપેલ છે. બાકીના વાચક

-સમૂહને સારુ એ બિનજરૂરી ગણાય.

'ચિંતાના અંગારા' (2 ખંડ) તેમ જ 'આપણા ઉંબરમાં' એ ત્રણેય નાનકડા સંગ્રહોને આ પુસ્તકમાં અને 'ધૂપછાયા'ને પહેલા ખંડમાં શામિલ કરી દઇને મેં મારી ઘણીખરી નવલિકાઓને, આમ, ખીલે બાંધી છે. બાકીની જે બહાર વેરણછેરણ છે તેમાં જો, અને જ્યારે, નવી નવલિકાઓ લખીને ઉમેરવાનો સમો આવશે, ત્યારે, એ 'મેઘાણીની નવલોકાઓ'ના ખંડ ત્રીજા તરીકે અપાશે.


રાણપુરઃ 9-8-’42
ઝવેરચંદ મેઘાણી
 

[આવૃતિ 2]


આ લઘુકથાઓને એના જોગું સ્થાન મળ્યું તે માટે વાચક-સમૂહનો ઋણી છું.

ટૂંકી વાર્તાના આલેખનનનો ઘણા સમયથી અટકી પડેલો પ્રવાહ 'ઊર્મિ'ના સંપાદક મારા સ્નેહી શ્રી ઇશ્વરલાલના ઉત્સાહ તેમ જ પ્રોત્સાહનના પરિણામે ફરી 'ઊર્મિ' માસિકમાં વહેતો થયો, અને એ વહેણને ભાઇ ઇશ્વરલાલ 'પ્રજાબંધુ' સાપ્તાહિક તરફ વાળી ગયા. પરિણામે નવો લઘુ-કથા સમૂહ, 'વિલોપન' નામથી, 'પ્રજાબંધુ'ની 1946ની વર્ષભેટ તરીકે, ગ્રંથસ્થ બન્યો છે.

'નવલિકા'ઓનો ખંડ ત્રીજો આપવાની ‘42ની સાલની ઉપરલખી ઉમેદ એ રીતે, 'વિલોપન' દ્વારા બર આવે છે.

આસ્તિકોને મન જે ઇશ્વર-કૃપા છે, પ્રારબ્ધવાદીઓ જેને પરમ ભાગ્ય કહી પિછાને છે, અને પુરુષાર્થવાદીઓ જેનો નિજસિદ્ધિ લેખે ગર્વ કરે છે, તે વસ્તુતઃ તો શું હશે ? કોણ જાણે. જનમ્યા-જીવ્યાની થોડીઘણી સાર્થકતા એ જ જીવનનું શેષ છે, અને એ મારી યોગ્યતા મુજબ મને લાધ્યું છે તેમ સમજું છું. શક્તિના કરતાં ઊચેરું નિશાન કદી તાક્યું નથી તેને માટે તો આટલું જ ગનીમત ગણાય.


અમદાવાદઃ 1946
ઝવેરચંદ મેઘાણી