મેઘાણીની નવલિકાઓ ખંડ ૨/૯. કિશોરની વહુ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  ૮. કાનજી શેઠનું કાંધું મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
૯. કિશોરની વહુ
ઝવેરચંદ મેઘાણી
૧૦. અનંતની બહેન →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


.


કિશોરની વહુ


તે દિવસે લગભગ અરધું ગામ આભડવા નીકળ્યું હશે. મોતીશા શેઠના કિશોરની વહુને સવારે પાંચ વાગ્યે કાઢી ગયા ત્યારે શેરીએ શેરીએ સ્ત્રીઓ એકમોંએ વખાણ કરતી હતી કે "સસરો હોય તો મોતીશા શેઠ જેવો જ હોજો ! રોજ વીસ-વીસ રૂપિયાની તો દવાયું વાપરી છે. ઠેઠ મુંબઇથી મઢ્યમું તેડાવી ગોરો સર્જન રોજના પાંચસે રૂપિયે દોઢ દિ'ને બે રાત બેસી રહ્યો. ઠેઠ પાતાળેથી પણ જીવ પાછો વાળે તેવી ભારે ભારે દવાઓની પિચકારીઓ મુકાવી. ખરચ કર્યામાં સાસરે પાછું વાળી નથી જોયું. અને રાતે બે વાગ્યે જ્યારે ગોરો દાક્ટર ટોપી પછાડીને ઊભો થઇ ગયો, ત્યારે તો શેઠ કાંઇ રોયા છે ! કાંઇ રોયા છે ! આ મોમાં લીલું દાતણ છે ને ખોટું નહિ કે'વાય, ભગવાનઃ આવો સસરો તો જેણે પરભવ પૂરાં પૂજ્યાં હોય તેને જ મળે."

"અને, બાઇ, મડાને ચૂંદડી ઓઢાડવી'તીઃ ઘરમાંથી સાસુએ વહુના ટ્રંકમાંથી જૂનું ઘરચોળું કાઢી આપ્યું; પણ ડેલીએથી સસરે પાછું મોકલી કહેવરાવ્યું કે, 'કિનખાબની સાડી આપણે વિવા વખતે છાબમાં મૂકી હતી, તે લઇ આવો. અત્યારે વહુ જેવી વહુ ગઇ, અને આપણો જીવ એક ગાભામાં ગરી રહે છે ! જો'શે ત્યારે બીજું ક્યાં નથી લેવાતું ? પ્રભુનો પ્રતાપ છે.'

"બાળવામાં પણ અધમણ ચંદન, અને એક ડબો ઘી... આખે રસ્તે છેક સ્મશાન સુધી 'જે જે નંદા ! જે જે જીનંદા !' કરતા શેઠે પોતે મોઢા આગળ ચાલી ભંગિયાને ખોબેખોબે પાયલી બે-આનીઓ ઉડાડી. ગામને મસાણ-છાપરી નહોતી, તે દુઃખ ત્યાં બેઠાંબેઠાં જ ટાળ્યું. એમ ઘણો ધરમાદો કર્યોઃ મોતીશાએ વહુની પાછળ લખલૂટ વાપર્યું. બાઇ મૂઆ માણસના અવગુણ ન ગાઇએ... પણ વહુ તો હતી લખણની પૂરી, હો !"

મસાણેથી પાછા વળતાં પણ ગામની બજારને એક છેડેથી બીજા છેડા સુધી મોતીશા એવો તો ઠુઠવો મૂકીને, 'વહુ રે ! મારી વહુ ! મારા દીકરા રે ! મારા ઘરના દીવા રે !' એવા કરુણ બોલ બોલતા બોલતા રડતા હતા કે જેઓને ઘેર ત્રીજી વારની દીકરા-વહુઓ આવી હતી તેઓને પણ રોવાનું મન થતું હતું. ખીમચંદ ભરાડી (ગામમાં ખીમચંદ શેઠની અટક જ 'ભરાડી' પડી ગયેલ) વાત કરતો હતો કે, "આ સગે હાથે મેં ત્રણ દીકરા-વહુઓને દેન દીધાં છે, ને સગી આંખે મડદાં બળતાં જોયાં છે; પણ આજે મારીયે છાતી થર્ય નથી રહેતી." મોતીશા શેઠ સાંભળી શકે તેવી રીતે બોલાયાથી એમને વધુ રડવું આવેલું. અને ખીમચંદ ભરાડી એવા મોકાનું બોલેલો કે પાછળથી મોતીશાએ ખીમચંદનું બધું કરજ માફ કર્યું હતું.

ડાઘુઓ થોડી વાર અનાજના ભાવ, અમેરિકાનાં રૂનાં બજાર, ગામનાં વસવાયાં લોકોની વધી પદેલી ફાટ્ય... વગેરે પરચૂરણ વિષય પર વાતો કરી શેઠનું મન વહુના શોકમાંથી બીજા વિચારે વાળી લઇને બપોરે બાર વાગે વિખરાયા. તે પછીના અરધા કલાકની અંદર આટકોટવાળા ફૂલા શેઠ, જેતપુર-હાઇસ્કૂલના હેડમાસ્તર મોરારજી ઠેબાણી એમ.એ. રાજકોટના સુધાકર બારિસ્ટરનું ખાસ આવેલું માણસ અને ખમીસાણા ગામડાનો પ્રેમજી વાણિયો એમ ચાર કે પાંચ જણ આવી ગયા. શેઠની ગાદીની નજીક જઇને ગરીબડે મોંએ કાનમાં કંઇક કહી પણ ગયા. એ વાતોમાંથી 'શ્રીફળ', 'છબી', 'ઉમ્મર', 'ગોરો વાન', 'નમણાઇ', 'ખાતરી કરો', 'બીજે થાય નહિ, હોં !', 'ગૂંજે ઘાલીએ' એવા શબ્દો ખાસ સંભળાઇ આવતા હતા. એ સહુને મોતીશાએ ટૂંકો જ જવાબ આપ્યો કે, "હું જોઇશ; તમને પૂછ્યા વિના નહિ કરું." સૌમાંથી ખમીસણાવાળા પ્રેમજી વાણિયાની સાથે મોતીશાએ વિશેષ ચોકસાઇથી વાતો કરી.

[2]

"લ્યો. વેવાણ ! હું ત્યારે રજા લઉં છું. બોલ્યુંચાલ્યું માફ કરજો !" મરેલી વહુનો બાપ, કે જે બાબરાની અંગ્રેજી શાળાનો 'આસિસ્ટંટ' માસ્તર હતો, તેણે તે જ દિવસે રાત્રે પુત્રીનાં સાસુની રજા માગીઃ હાથ જોડ્યા. મોતીશા શેઠે એક વિચિત્ર નિયમ રાખેલો કે, કન્યા હંમેશાં પોતાના બરોબરિયાની નહિ પણ ગરીબની જ લેવી.

"બસ, જાવ છો ? બે દિ' રોકાણા હોત તો દુઃખમાં ભાગ લેવાત..." ચંદનનાં સાસુએ વિવેક કરતાં માથા પરનો ઘૂમટો પેટ સુધી તાણી લીધો. આજે એમણે પણ વહુની નનામી પાછળ પાદર સુધી દોડી દોડી દસ પછાડીઓ ખાધી હતી; શરીરની ખેવના નહોતી કરી.

"મારે રજા પૂરી થઇ ગઇ છે, એટલે નહિ રોકાઇ શકું. વળી ઘેર ઊઠ્યું માણસ નથીઃ છોકરો મા વગરનો છેઃ પરવશ મૂકીને આવ્યો છું."

"ભલે ત્યારે." થોડી વારે સાસુએ આંખો લૂછી, નાકે આવેલ પાણીને છંટકોરી નાખી ઉદગાર કાઢ્યો કે,"અરેરે બાઇ ! ભર્યા ઘરમાંથી ગઇ. ભાગ્યમાં નહિ જ ત્યારે ને ! નીકર આ રૂપાળી ઘોડાગાડી, આ મોટર...ને હમણાં હમણાં તો રોજ સવાર-સાંજ ઘોડાગાડીમાં બેસાડીને ચંદનને ફેરવી આવતા. પણ આયખું નહિ ના. એતલે દરદ ઘેરી વળ્યું: કોઇ કારી જ ન ફાવી."

"વેવાણ !" ચંદનના બાપે બીતાં બીતાં કહ્યું:" મને વેળાસર એક ચિઠ્ઠીચપતરી બીડી હોત ને... ! હું તો ધારતો હતો કે, ચંદન સાજીસારી છે. મારે ઘેરે તો કોઇ દિ' નખમાંય કોઇ રોગ નહોતો. આંહીં એકાએક -"

"ના,ભા !" સાસુએ સહેજ કચવાટ બતાવીને કહ્યું: "આંહી એને નથી અમે દળણાંપાણી કરાવ્યાં, કે નથી વૈતરું કરાવ્યું. રોગ તો મૂળ તમારા ઘરનો છેઃ પછી તે ચાય તમારો હો, ચાય તો એની માનો હોય. ત્યારથી થોડી ઘગશ ને ઉધરસનું ઠૂસકું તો રે'તાં.."

મહેમાન ઉંબર ઉપર જ સજ્જડ થઇ ગયો. નાક છીંકવાને બહાને પીઠ ફેરવીને એણે આંખોનાં ઝળઝળિયાં લૂછ્યાં. વેવાણે વાત આગળ ચલાવીઃ

'બાકી તો, એને કંઇ કહ્યું થાતું ? 'તમે આણામાં પૂરાં લૂગડાં ન લાવ્યાં: તમારા બાપે જાનની પૂરી સંભાળ નો'તી લીધીઃ તમારી આંખે ઝાંખ છે. એનો તો અમને સગપણ વખતે કોઇએ ફોડ જ ન પાડ્યો.' આવું કંઇક હસવામાંય કહેવાઇ જાય, તો પણ દડ દડ દડ આંસુડાં પાડે, ને આંખ્યું ઘોલર મરચાં જેવી થઇ જાય. બોલે તો નહિ, પણ મનમાં બળીબળીને ભસમ !"

મહેમાન ત્યાંથી નાસવા માગતો હતો; પણ એના પગને જાણે કોઇ શબ ઝાલી રાખતું હતું, ને કહેતું હતું કે, 'મારી પૂરેપૂરી કથા સાંભળતા જાઓ.'

કિશોરની બાએ ફરીવાર વાર્તાનો તાર સાંધ્યોઃ "અને પાછી ઘરમાં થયેલી અક્ષરેઅક્ષર વાતની ફરિયાદ રોજ રાતે મેડીએ જઇને કિશોરને કહેવા બેસે. કિશોર બચાડો દુકાનેથી થાક્યોપાક્યો આવ્યો હોય, એનેય જંપ નહિ. મારો કિશોર તો માવતરની ને કુળની મોટાઇની પાકી અદબ રાખનારો, અસ્ત્રી-ચળિતર સમજનારો, ડાહ્યો- એટલે આવી બાઇડીશાઈ વાતુંને કાન દિયે જ નહિ. પછી તો ધુશકે-ધ્રુશકે રોવાનું હાલે, ઇસ્ટોલિયા ઊપડે; ઘર આખાને ઝંપવા ન દિયે. એક વાર તો તમારા વેવાઇ પંડ્યે ઊઠીને રાતે બાર બજે બહાર આવ્યા; ત્રાડ નાખી કે, 'વહુને ન પોસાય તો કાલ સવારે કઢાવી દ્યો ખિજડિયા જંક્શનનની ટિકિટ: જાય બાબરે. આંહીં તે શું કોળી-વાઘરીનું ઘર છે ! જરા ખોરડું તો ઓળખો !"

"અરર ! એટલે સુધી મારી દીકરી -" માસ્તરના મોંમાંથી ઉદગાર સરી પડ્યો.

"દીકરીની તો શી વાત ! સસરો સાંભળે એમ ચીસું નાખે કે, 'એ.. મને કૂવામાં ભંડારો ! એ... મને અફીણ આપો ! મારે ક્યાંય નથી જાવું. મને બાપ ઊભી નહિ રાખે !' એમાંથી તાવ ચડ્યો, ઠસકું વધ્યું. દવા તો કરાય તેટલી કરી, પણ આવરદા નૈ ને !"

મરેલી પૂત્રી પર 'કોરોનર' અને 'જ્યુરી' બેઉની મળીને સરજેલી એક માનવ-શક્તિ વિગતવાર ફેંસલો આપતી હતી; અને એ સાંભળીને બાબરા ગામની 'એંગ્લો-વર્નાક્યૂલર' શાળાના આસિસ્ટંટ માસ્તર ઘડી લજ્જા, ઘડી ગુસ્સો ને ઘડી પાછો વાત્સલ્યનો કોમળ આંચકો અનુભવી રહ્યા હતા. વળી પાછો એની નજર સામે મરેલી, મા-વિહોણી, તાવલેલી દીકરીનો દેહ તરવરતો હોય તેમ એણે કહ્યું:

"વેવાણ ! મને વેળાસર ખબર આપ્યા હોત તો હું એને પંચગની લઇ જાત. તમારે પ્રતાપે મેંય મારા ટૂંકા પગારમાંથી પૂણી-પૂણી બચાવીને બસો રૂપિયાની મૂડી કરી છે; એટલે હું ચંદનને પંચગની -"

'અરે, તમે શું લઇ જાતા'તા ! મેં ને તમારા વેવાઇએ કેટલું કેટલું કહ્યું કે, 'હાલો પંચગની... હાલો ધરમપુરના સેનિટોલમમાં... કોઇ વાતે હાલો... હું હારે આવું'. પણ માડી રે ! એની તો એક જ હઠ - કે કિશોર એકલો જ સાથે આવે, અમે કોઇ નૈ ! અમે તો એને કડવાં ઝેર ! ત્યારે કિશોર તે જીન-પ્રેસનું કામ સંભાળે, કે રૂ-કપાસની ખરી મોસમ ટાણે બાયડી સાટુ ઠેઠ પંચગની સુધી હડિયું કાઢે ! પણ વહુને તો બચારીને મરવું સરજ્યું'તું ખરૂં ને, એટલે સાચી વાત સૂઝી નહિ. એની તો એક જ હઠ કે 'પંચગની નૈ, ધરમપુર નૈ, ક્યાંય નૈ; જીનને જ બંગલે મને એકલીને કિશોર ભેળા રે'વા દ્યો ! તમે કોઇ નૈ !' અરે, એનો હાકમ જેવો સસરોય એને કડવા ઝેર થઇ પડ્યા !"

દીકરી શું આટલી બધી નાદાન થઇ હશે ? પુત્રીનો પિતા ગામડિયાં છોકરાં ભણાવતો ભણાવતો કોઇકોઇ વાર નાની ચંદનને બોટાદકરની 'રાસતરંગિણી' વાંચી સંભળાવતો, અને કોઇ કોઇ વાર રાતે પરીક્ષા-પત્રો તપાસતો-તપાસતો તેર વર્ષની ચંદનને અંદરના ઓરડામાં બાપની પથારી પાથરતી 'રસની એ રેલ, સખિ, સાંભરે રૂપાળી રાત'-વાળી પંક્તિ કોમળ કંઠે ગાતી સાંભળતો - તે બધું અત્યારે વીસરી ગયો. છેવટે વેવાણના આ એકાદ કલાકના ઉદગારોમાંથી બે-ચાર વસ્તુઓ પકડીને બાબરે ચાલ્યો ગયોઃ એક તો, ચંદન હઠીલી; બીજું, એનું આયખું નહિ; ત્રીજું, કિશોરને એણે સંતાપ્યો, મોતીશાની મર્યાદા ન પાળી, સાસુની શિખામણો ન લીધી; ને ચોથું, મોતીશા શેઠે ચંદનનું મોત સુધાર્યું. આ બધી અસરથી એને પ્યારી પુત્રીના અવસાનનો શોક ઓછો થયો. ઘડીભર એમ પણ થયું કે, મોટા ઘર સાથેનો મારો સંબંધ વધુ બગાડવા એ ન જીવી તે પણ સવળું જ થયું.

[3]

એક જરૂરી બિના કહેવી રહી ગઇ છેઃ આભડીને આવ્યા પછી પહેલી જ વિધિ કિશોરને માથે લાલ પાધડી બંધાવવાની, કપાળે ચાંદલો કરવાની અને જરીક ગોળ ચખાડવાની હતી. જમાડવી જોઇએ તો લાપસી; પરંતુ કિશોરનાં બા અને બાપા, બંને જણાં, 'વહાલી વહુની ચિતા હજુ સળગી રહી છે ત્યાં કંસારનું આંધણ ન મુકાય' એવું વિચારીને ગોળથી જ અટક્યાં હતાં.

આ વિધિઓમાંથી નિવૃત થઇ કિશોર રોજનાં કામકાજ પર ચડી ગયો હતો. દરેક માણસ સારા અથવા માઠા- ચાહે તેવા આખરી પરિણામને માટે જ ઉત્સુક હોય છે. કિશોરના મન પરથી પણ ચંદનની માંદગીની લટકતી પથારી ખસી ગઇ હતી. છેલ્લા આઠ-દસ દિવસથી તો વહુનાં ક્ષયનાં જંતુઓ રખેને દિકરાને ચોટે એ બીકે કિશોરની બાએ એને ચંદનની પથારી પાસે પણ આવવા નહોતો દીધો; એટલે કિશોરને ખાસ વિયોગ-દુઃખ જન્મે તેવું રહ્યું નહોતું. મેડી ઉપર વારે-વારે સહુને ચડઊતર કરવી ન પડે તે માટે ચંદનની પથારી તો છેલ્લા એક મહિનાથી કિશોર-ચંદનના શયનખંડમાંથી ખસેડીને ભોંયતળિયે જ લાવવામાં આવી હતી. એમ કરવાનાં બીજાં પણ કેટલાંક કારણો હતાં: મોતીશા અને શેઠાણીને કાને એક ચોંકાવનારી વાત તો એ આવી હતી કે છેલ્લા ચાર મહિનાથી રાતમાં ચંદનનાં ઝાડો-પેશાબનાં 'પૉટ' કિશોર પોતે જ ઉપાડીને છાનોમાનો, કોઇને સંચળ ન સાંભળે તે રીતે લપાઇને, સંડાસમાં નાખી આવતો. એનું ખરું કારણ એ હતું કે ચંદન હવે સંડાસ સુધી જઇ શકતી ન હતી. માબાપને તો એમ જ લાગેલું કે વહુ, એ રીતે, દીકરા ઉપર અમલ ચલાવવામાં હદ વટાવી ગયાં હતાં. વસ્તુતઃ તો ચંદન ચાર વિસામા ખાઇને પણ સંડાસમાં જ પહોંચતી, અને કિશોરે આ ભંગી-કામ કરવાની જિદ્દ કરી ત્યારથી ચંદનને ઝાડો-પેશાબ દબાવી રાખવાની ટેવ પડેલી.

આજે પેલો ગોળ ખાધાને ચોથો દિવસ છે. કિશોરનું મન મોકળું થયું છે. ચંદનનું રોગી જીવન સાંભરે છે; પણ તેથી એને વ્યથા નથી - રાહતની લાગણી છે. 'બિચારી રિબાતી હતી તે છૂટી' એવો અનુકંપાનો ભાવ પણ ઊઠે છે. વળી પોતાને એકલાપણું લાગશે, વિરહ સાંભરશે તે પહેલાં તો નવા લગ્નની દુનિયાનો કાંઠો શરૂ થઇ જશે એમ પણ એણે માનેલું. પણ હકીકત એથી ઊલટી બની. મોતીશા શેઠ જો ડાહ્યા હોત તો એણે કિશોરને બહારગામ હિસાબકિતાબમાં ને ઉઘરાણીમાં મોકલી દેવો જોઇતો હતો; અથવા, કંઇ નહિ તો, એને અમદાવાદની પેઢી પર જ મોકલવો હતો. ત્યાંનો મુનિમ વ્યવહાર-કુશળ હતો; કિશોરને નાટક-સિનેમામાં લઇ જાત. પણ ભૂલ એ થઇ કે કિશોરને જીન-પ્રેસના કારખાના પર જ રાખ્યો. કારખાનું ગમે તેમ તોયે જીવતાં જીવોનું જગત છે. ત્યાં બેસનાર માલિક અને ધન-પ્રાપ્તિની વચ્ચે સેંકડો હૈયાંના ઘબકારા સંચાઓના થડકાર જેટલા જ જોરદાર ચાલી રહ્યા હોય છે.

કારખાનાંના સંચા ચલાવનરાં મજૂરોમાં સ્ત્રીઓ મોટી સંખ્યામાં હતી; કેમ કે એને ઓછી રોજી આપવા છતાં કામ દોઢું ઊતરતું. બહાર ઝાડની ડાળે બાળકોનાં ખોયાં લટકાવીને માતાઓ સંચા ચલાવતી; બચ્ચાં રુવે ત્યારે ઢીબરડીને પછી ધાવણ પાતી. સાસુ-વહુઓ ઊઘાડેછોગ લડી-બોલીને પાછી કંઇ ન બન્યું હોય તેવી રીતે કામે લાગતી. સંચો ચલાવતાં બાયડીની આંગળી વઢાય તો દોડીને એનો ધણી સો મજૂરોની વચ્ચે પણ એને ઘાસલેટમાં બોળેલ પાટો બાંધી દેતો, ને પગે ઘવાયેલી સ્ત્રીને નાના બાળકની માફક કેડ્યે બેસારીને ઘેર લઇ જતો.

આવું પડદા વગરનું મજૂર-જીવન જોયું એ કિશોરને માટે વાઘના બચ્ચાએ લોહીનું ટીપું ચાખ્યા જેવું બન્યું. એનામાં મૂળથી જ મોતીશાના મજબૂત સંસ્કારો ઊઘડ્યા નહોતા. વયમાં એ જૂવાન હતો. કોઇ કોઇ વાર મનને નબળું બનાવી મૂકનાર દંપતિ-સાહિત્યની વાર્તાઓ વાંચવાની તક પણ એને મળી જતી. તેમાં સ્ત્રી ગુજરી ગઇ, ને આંહીં આ મજૂરોને દુઃખમાં ખદબદતાં છતાં કુળ-પ્રતિષ્ઠા જવાના ભય વિના મોકળામણમાં જીવતાં દીઠાં.

જૂની સ્મૃતિ જાગવામાં કોણ જાણે કુદરતના કયા નિયમો કામ કરતા હશે, તે તો અમે જાણતા નથી; પણ વિચિત્ર તો બહુ જ લાગે છે કે એક જૂવાન મજૂરણ ગેલતી ખેલતી સાંજે કિશોરની મોટર કનેથી પસાર થઇ. અને એ સાંજના ભળભાંખરામાં કિશોરે એના મોં પર દૈવ જાણે શીયે પરિચિત રેખા જોઇ લીધી. દૂરદૂરથી હવામાં ગળાતું એ ટીખળી મજૂરણનું ગીત કાને પડ્યું:

બાળી ઝાળીને જીવડો ઘેરે આવ્યો રે લોલ;
હવે માડી, મંદિરિયે મોકળાણ જોઃ
ભવનો ઓશિયાળો હવે હું રિયો રે લોલ.

કિશોર ઘેર ગયો. દીવો બળતો હતો, તે બુઝાવી નાખ્યો.ઓરડાની એક ખીંટી પર ચંદનની ઘણા વખત પહેલાંની ઊતરી ગયેલી સાડીમાંથી ફાડેલો જોડા લૂછવાનો એક કટકો પવનમાં ઝૂલતો હતો, તે અમસ્થો અમસ્થો પણ આજે એને ચંદનનાં છેદાયેલાં અંગ જેવો લાગ્યો. તેથી જ બીને બત્તી બૂઝાવી હશે કે કેમ, તે તો એ જાણે; પણ પછી એ બારીમાં મોં રાખીને બેસી રહ્યો. માંદગીની પથારી પહેલાંનો કાળ અંતરની આંખો સામે ઊઘડવો શરૂ થયોઃ કોઇક જાણે એને એક ઝાંખો દીવો લઇને જીવન-ગુફામાં ઊંડે ઊંડે ઊંડે દોરી જતું હતું. ગુફાના તળિયામાંથી કોઇનું ડૂસકાંભર્યું વચન સંભળાતું હતું કે, 'ત્યારે તમે મને શા માટે પરણ્યા ! શા માટે પરણ્યા !'

પ્રત્યેક દિવસે, એક પછી એક રાતે, પ્રત્યેક રાતને કયે કલાકે શું શું બન્યું તે બધું જ મશાલને અજવાળે ભોંયરામાં દેખાય તેવું બિહામણું દેખાયું. એક વાર તો એને પરસેવો વળી ગયો. એણે જોયું કે... ચંદન હિસ્ટીરિયામાં પડી છેઃ સામે ઊભી ઉભી મા કહી રહી છે કે, 'અરધોઅરધ ઢોંગ, બાપ !' ને પોતે એક ટાંચણી લઇને ચંદનના પગનાં તળિયે ઘોંચી એ હિસ્ટીરિયાનું સાચઝૂઠ પારખી રહ્યો છે...

'ઓય !" કહી કિશોર ચમકી ગયો. તે વખતે અંધારે અગાસી પર એના બાપ આવીને ઊભા હતા.

"અંધારું કેમ છે, કિશોર ?" કહી મોતીશાએ નોકરને બોલાવી દીવો પ્રગટાવ્યો. પછી વાત છેડીઃ "હવે આપણે જલદી નક્કી કરવું પડશે."

"શાનું ?" એટલું પૂછવાની પણ કિશોરમાં શક્તિ નહોતી. મોતીશાને પણ પ્રશ્નો સાંભળવાની ટેવ નહોતી. એમણે સ્પષ્ટ કર્યું: "આપણા ઘરના મોભા મુજબ વહુના બારમા પહેલાં જ બોલ બોલાઇ જવા જોઇએ. એક દિવસ પણ મોડું થશે તો લોકોને વહેમ પડશે કે તારામાં કંઇ કહેવાપણું હશે; ને પછી સહુનાં મન સંકડાશે. મોડુંમોડું પણ આપણે કરશું તો ખરાં જઃ આભ ધરતીનાં કડાં એક કરીને પણ કરશું. પણ અત્યારે થાય તે સવા લાખનું લેખાય."

કિશોર નિરુત્તર રહ્યો. બાપે ચલાવ્યું:

"ચાર દિવસમાં પચીસ ઠેકાણાંના તાર-ટપાલ છે. એમાં આટકોટવાળા ફૂલા શેઠ તો વહુને ક્ષય છે એવું સાંભળ્યું ત્યારથી આપણી વાટ જોઇને બેઠા છે. પણ મને સામો પૈસાદાર સગો પોસાય નહિ.. મોરારજી માસ્તરની દીકરી સહેજ ભીને વાને છે એટલે એ તો હીરના ચીરમાં પાણકોરાના થીગડાં જેવું થશે.. સુધાકર બારિસ્ટરે આપણા રાજના દીવાન સાહેબ મારફત મારું ગળું ઝાલ્યું છે. પણ અએણે કન્યાને વધુ પડતી કેળવણી આપી છેઃ આપણને પોસાયું - ન પોસાયું.. તો પછી સામો બારિસ્ટર ઠીક નહિ. વળી કન્યા વીસ વરસની થઇ છે. એ કંઇક કહેવાપણું હોયા વિના તો ન જ બને ના ! બધી દ્રષ્ટિએ ખમીસણાવાળો પ્રેઅમજી શેઠ કંઇક ઠીક લાગે છે. એ આપણી શેહમાં દબાતો રહેશે. ને આપણે ઘેર કન્યા આવ્યા પછી સંગીત,અંગ્રેજી વગેરે તારે જે શીખવવું હોય તે શીખવી શકાશે. બે માસ્તરો રાખશું."

"બાપુ !" કિશોરના હોઠના ટેભા તૂટતા હોય એવો અવાજ થયોઃ "મારે જૂદા થવું છેઃ જલદી મજિયારો વહેંચી આપો."

"શું.. ?! માંકડને મોઢું આવ્યું કે ?" મોતીશા શેઠે આજ જીવનભરમાં પહેલી જ વાર દીકરાની જીભ ઊપડતી દીઠી."માથું ભમી ગયું છે કે ? મારાં બોંતેર કુળ બોળવા બેઠો કે શું ?"

"એક અઠવાડિયામાં મજિયારો વહેંચી આપો - નહિ તો હું કોર્ટે ચડીશ." એટલું કહીને કિશોર ત્વરાથી નીચે ઊતરી ગામ બહાર ચાલ્યો. નદીની ભેખડ પર બેસીને, ત્યાં એટલો બધો પવન ફૂંકાતો હતો છતાં કિશોરને એટલો ઓછો પડ્યો હોય તેમ, એ પોતાના પહેરણની ચાળ વડે છાતી પર પવન ખાવા લાગ્યો.

જીવતી હતી ત્યારે બંધ કરેલા ઓરડામાં પણ જેને બા-બાપા સાંભળી જાય એ બીકે ગળું ખોલીને બોલાવી નહોતી, તેને આજ કાળ-સિંધુને સામે કાંઠે સંભળાય એટલી તીણી ચીસ પાડીને કિશોર પુકારી ઊઠ્યો કે "ચંદન ! ઓ ચંદન ! મેં તારું ખૂન કર્યું છે."