રચનાત્મક કાર્યક્રમ/આદિવાસીઓ
← મજૂરો | રચનાત્મક કાર્યક્રમ આદિવાસીઓ મોહનદાસ કરમચંદ ગાંધી |
રક્તપિત્તના રોગીઓ → |
૧૬. આદિવાસીઓ
રાનીપરજ શબ્દની માફક આ આદિવાસી શબ્દ નવો બનાવેલો છે. રાનીપરજને ઠેકાણે પહેલાં કાળીપરજ (એટલે કે કાળી પ્રજા, પણ તેમની ચામડી બીજા કોઈ લોકોની ચામડીથી વધારે કાળી નથી) શબ્દ વપરાતો હતો. એ શબ્દ લાગે છે શ્રી જુગતરામે બનાવેલો. ભીલ, ગોંડ, અને એવા જ બીજા જેમને પહાડી અથવા જંગલી જાતિઓ જેવાં અનેક ભાતભાતનાં નામોથી ઓળખવામાં આવે છે તેમને માટે યોજાયેલા આ નવા શબ્દનો અક્ષરશઃ અર્થ દેશના અસલ વતનીઓ થાય છે ને તે હું માનું છું ઠક્કરબાપાએ બનાવેલો છે.
આદિવાસીઓની સેવા પણ રચનાત્મક કાર્યક્રમનું એક અંગ છે. આ કાર્યક્રમનાં જુદાં જુદાં અંગો ગણાવતાં ગણાવતાં તેમનો વારો છેક સોળમો આવ્યો પણ તેમનું મહત્ત્વ ઓછું સમજવાનું નથી. આપણો મુલક એટલો વિશાળ છે અને તેમાં વસતી જાતિઓ એટલી બધી ભાતભાતની છે કે આપણાં દેશનાં સર્વ વતનીઓને તેમનીએ દશા વિશે આપણામાંના સારામાં સારા લોકો પણ જેટલું જાણી લેવાની જરૂર છે તે બધું જાણવા ન પામે. આપણી પ્રજામાં સમાતા એકેએક ઘટકને બાકીના બીજા બધાં ઘટકોનાં સુખદુઃખ તે મારાં સુખદુઃખ છે એમ લાગે ને અપણે સૌ એક છીએ એ વાતનું જાગ્રત ભાન થાય તે સિવાય આપણા મુલકની વિશાળતા ને વિવિધતાની આ વાત સમજાતી જાય છે તેમ તેમ આપણે સૌ એક રાષ્ટ્ર છીએ એવો દાવો સાબિત કરવાનું કામ કેટલું અઘરું છે તેનું આપણને ભાન થાય છે.
આખા હિંદુસ્તાનમાં આ આદિવાસીઓની વસતી બે કરોડની છે. ઠક્કરબાપાએ ગુજરાતના ભીલોની સેવાનું કાર્ય વરસો પહેલાં શરૂ કરેલું . ૧૯૪૦ની સાલના અરસામાં થાણા જિલ્લામાં શ્રી બાળાસાહેબ ખેરે પોતાના સ્વાભાવિક ધગશથી આ અત્યંત જરૂરી એવા સેવાના કાર્યમાં ઝંપલાવ્યું. અત્યારે તેઓ આદિવાસી સેવા મંડળ ના પ્રમુખ છે.
હિંદના બીજા ભાગોમાં આવા બીજા ઘણાં સેવકો કાર્ય કરે છે તે છતાં તેમની સંખ્યા હજી પૂરતી નથી. સાચે જ 'સેવાની ખેતીનો ફાલ બહોળો છે પણ તેના લણનારા થોડા છે'. અને એ વાતનો તો કોણ ઇનકાર કરશે કે આ જાતની બધી સેવા કેવળ માનવદયા પ્રેરિત સેવા નથી પણ સંગીન રાષ્ટ્રસેવા છે અને આપણને પૂર્ણ સ્વરાજ્યના ધ્યેયની વધારે નજદીક લઈ જાય છે?